Saturday, July 04, 2020

વાંદરાનો વિચિત્ર અનુભવ

 શાંતાશ્રમના નિવાસ દરમ્યાન જેમ વિચારોમાં સમૂળી ક્રાંતિ થઇ તેમ કેટલાક અવનવા અનુભવો પણ મળ્યા. એવા અનેકવિધ અનુભવો અગાઉ પણ થઇ ચુકેલા હોવાથી અનુભવોની એ વાત મારે માટે તદ્દન નવી ન હતી. તો પણ એ અનુભવોથી એક પ્રકારનો અનોખો અવર્ણનીય આનંદ થયો. સાચી રીતે વિકાસ કરતા સાધકને એક અથવા બીજી જાતના અનુભવો થયા કરે છે. પ્રખર સાધનાત્મક પરિશ્રમ કરનારો સાધક સિદ્ધ ને દિવ્ય પુરુષોના દર્શન, ધ્યાનના અલૌકિક અનુભવો અને ઇશ્વરની અનુભૂતિની આકાંક્ષા રાખે છે. એની પૂર્તિ થતાં તેને ઉત્સાહ સાંપડે છે, અને એ વધારે દૃઢતાપૂર્વક ઉમંગથી સાધના કરવા માંડે છે. ઇશ્વરની કૃપાથી મને કિશોરાવસ્થાથી જ એવા અલૌકિક અનુભવો થતા રહેતા. એથી મારા આત્મવિશ્વાસની અભિવૃદ્ધિ થતી. જેમને મોટી ઉંમરે કે લાંબે ગાળે આધ્યાત્મિક અનુભૂતિઓ થતી હોય છે તે પણ પોતાને તેટલા સમય પૂરતા કૃતાર્થ માને છે. એ અનુભૂતિઓની અસર એવી અનોખી હોય છે.

ઇશ્વરની અનુકંપાનો અનુભવ કરાવતા કેટલાક પ્રસંગો પણ બનતા હોય છે. એક દિવસ સાંજે આશ્રમના આંબાવાડિયામાં વાંદરાનું ટોળુ આવ્યું. આંબાના ઝાડ પર ચઢીને વાંદરા નાચવા, કૂદવા ને કેરીઓને ખાવા લાગ્યા. બીજે દિવસે સવારે કુટિરની થોડેક દૂરથી ભયંકર દુર્ગંધ આવવા માંડી. ત્યાં જઇને જોયું તો એક વાંદરુ મરી ગયેલું. એને કેવી રીતે હઠાવવું તે ના સમજાયું. આશ્રમમાં સાત આઠ દિવસે ભાગ્યે જ કોઇ પ્રવેશ કરતું. સંતમહાત્માની પાસે ચલમ હોય તો ભક્તો તેનો લાભ લેવા જતા, પરંતુ તે સિવાયના સત્પુરુષોનો સમાગમ ભાગ્યે જ કરતા.

એ દુર્ગંધ સ્વાસ્થ્યને માટે હાનિકારક હતી. એમાંથી મુક્તિ મેળવવાનો બીજો કોઇ ઉપાય ના દેખાયો ત્યારે પણ મેં પ્રાર્થનાનો આધાર લીધો. મારા આશ્ચર્ય અને આનંદ વચ્ચે બીજે દિવસે એ દુર્ગંધ બંધ થઇ ગઇ. વાંદરાના સ્થાન પર જઇને જોયું તો વાંદરાનું કોઇ ચિન્હ પણ ના દેખાયું. એ વિજન વનમાં, તપોવનમાં, કોણ આવ્યું અને એને કોણ લઇ ગયું ? મને એ અદભૂત ઘટના પાછળ ઇશ્વરની અચિંત્ય અઘટિત - ઘટનાપટીયસી શક્તિનો હાથ લાગ્યો. પ્રાર્થનાનું બળ ખૂબ જ મોટું છે. એના દ્વારા માનવના મોટાં કામો થયા છે ને પરમાત્માને પણ પ્રકટવું પડ્યું છે. મારામાં એ બળનો અભાવ હતો તો પણ, મારી અરજને લક્ષમાં લઇને ઇશ્વરે એ અદભૂત પ્રસંગની યોજના કરી. ઇશ્વરની અહેતુકી અલૌકિકી કૃપાથી શું નથી થતું ? જે મૂકને વાચા આપી શકે ને પંગુને પર્વતને પાર કરવાનું પરિબળ આપી શકે, તે શું ના કરી શકે ? એક દુર્ગંધીયુક્ત વાંદરાને અદૃશ્ય કરવાનું તેને માટે અશક્ય છે ?

પરંતુ પરમાત્માની એ અનુગ્રહશક્તિને માનવ ભાગ્યે જ જાણે છે. માટે તો તે દુઃખથી ડરે છે, નિષ્ફળતાથી નાસીપાસ થાય છે, ચિંતાથી ચલાયમાન બને છે. પરમાત્માની અનુગ્રહશક્તિમાં માનવને વિશ્વાસ હોત તો સાનુકૂળ અથવા પ્રતિકૂળ સઘળા પ્રસંગોમાં તે પરમાત્માનું શરણ લેત, સ્મરણ કરત, આરાધન આદરત ને પરમાત્માને પામીને જીવનની અલ્પતા, પરવશતા, પામરતામાંથી મુક્તિ મેળવત. અમૃતપથનો પુણ્યપ્રવાસી બનીને મુક્ત, પૂર્ણ, કૃતકૃત્ય બનત અને જીવનને જ્યોતિર્મય કરત.

 

 

Today's Quote

We are not human beings on a spiritual journey, We are spiritual beings on a human journey.
- Stephen Covey

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok