Saturday, July 04, 2020

કાળી આકૃતિનો અનુભવ

દક્ષિણેશ્વર એટલે રામકૃષ્ણ પરમહંસે જ્યાં સાધના કરી, જીવનનો અધિકાંશ સમય ગાળ્યો, ને જ્યાંથી જ્ઞાન તથા ભગવદભક્તિના પુનિત પરહિતકારક પ્રવાહને વહેવડાવ્યો, તે ચિરસ્મરણીય સુંદર સ્થાન. રામકૃષ્ણ પરમહંસદેવ પ્રત્યે મને પહેલેથી જ પ્રેમ હતો. મારા પૂર્વજન્મના જ્ઞાનાનુભવ પછી એ પ્રેમ પ્રબળ બનેલો. એ મહાપુરુષના નામથી ભાગ્યે જ કોઇ અનભિજ્ઞ હશે. ભારતમાં અને ભારતની બહાર પણ એમનો યશ પહોંચી ગયો છે. એ પ્રાતઃસ્મરણીય પરમ પ્રતાપી મહાપુરુષે જ્યાં તપશ્ચર્યા અને જીવનલીલા કરી, અસંખ્ય શકવર્તી સિદ્ધિઓ મેળવી, તે પુણ્યસ્થળને પેખવાની મારી ઇચ્છા હતી. મને જે મહાન ને સમર્થ સત્પુરુષના સુરદુર્લભ સમાગમની અભિલાષા હતી તેવા સત્પુરુષ રામકૃષ્ણદેવ વિના બીજા કયા હોઇ શકે ? હું એમને ઉપાસ્ય ને પૂજ્ય માનતો અને આજે પણ માનું છું.

તે તો મહાપુરુષ છે, ઇશ્વરરૂપ છે. શરીરને છોડવા છતાં પ્રેમી શ્રદ્ધાભક્તિસંપન્ન શરણાગત ભક્તને માટે આજે પણ પ્રકટી શકે છે, તેમને સહાયતા કરીને શાંતિ આપે છે. મારા અંતરમાં અવતારી પુરુષોને માટે તેવો વિશ્વાસ છે. કેમ કે તે કાલાતીત ને બંધનરહિત છે. એ વિશ્વાસ આજ સુધીના અનુભવો પર આધારિત છે. એવા આત્મવિશ્વાસથી પ્રેરાઇને રામકૃષ્ણદેવ જેવા મહાપુરુષ મારી સમક્ષ પ્રકટ થાય ને મને સહાયતા કરે તેને માટે મેં પ્રયત્નો કર્યા. તે દરમ્યાન ધ્યાનાવસ્થામાં આજ્ઞા મળી કે 'દક્ષિણેશ્વર જવાની ઇચ્છા હોય તો જાવ. ત્યાં બધી જ વ્યવસ્થા કરી રાખી છે.' એ આજ્ઞાથી મને આનંદ થયો.

નવરાત્રિના દિવસો તદ્દન નજીક હતા. શ્રાદ્ધ પક્ષની શરૂઆત થઇ ચુકેલી. એક દિવસ મેં પ્રસ્થાન માટે મુકરર કર્યો. તે દિવસે રાતે બે વાગ્યા બાદ અનેક પ્રકારના વિચાર આવવા માંડ્યા. દક્ષિણેશ્વરમાં કેવું હશે ? ત્યાં રહેવાનું ગમશે ? દક્ષિણેશ્વરમાં હિમાલય જેવો આનંદ આવશે ? વળી અંતર કહેતું હતું કે ઇશ્વરની આજ્ઞા થઇ છે, ને તે જ પ્રભુ લઇ જાય છે, તો ત્યાં આનંદ જ રહેશે. રામકૃષ્ણ પરમહંસના સ્થાન વિશે કહેવાનું જ શું હોય ? તે તો એક તીર્થસ્થાન છે. ત્યાં તે ફરતા, સાધના કરતા, જિજ્ઞાસુઓ સાથે વાર્તાલાપ કરતા. તે સ્થળ તો દેવોને પણ દુર્લભ. એ સ્થળમાં જરૂર જરૂર ગમશે ને લાભ થશે.

એ પ્રમાણે વિચાર ચાલતા. નીચેની ઓરડીમાં (એ વખતે આશ્રમ નીચેની એક જ ઓરડીનો બનેલો હતો) તખ્ત પર બેઠો હતો. ઓરડીમાં ને ઓરડીની બહાર બધે જ અંધારુ હતું. મારી પાસેની બારી બંધ હતી. બારણું પણ અંદરથી સાંકળ મારીને બંધ કરેલું. ડાબા હાથ તરફની એક બારી ઉધાડી હતી. તેમાંથી પવન આવતો ને ખૂબ જ બારીકાઇથી જોતાં આકાશના તારા દેખાતા.

અચાનક મારી નજર ત્યાં બારી પાસે પડી, ને મને એકાએક આશ્ચર્ય થયું. એક કાળા રંગની માનવ-આકૃતિ ઓરડાની અંદર બરાબર બારી પાસે જ ઉભી રહેલી. આ આકૃતિ ક્યાંથી આવી અને કોણ હશે ? બારણાં બંધ છે છતાં ક્યાંથી આવી ? મને વિસ્મય ને આનંદ બંને થયાં. બીક લાગવાનું કોઇ કારણ ન હતું. કેમ કે એવા ચિત્રવિચિત્ર અનેક પ્રકારના અનુભવો આજ લગી મને અનેક થયેલા. જો કે મેં તેમાંના કેટલાક વર્ણવ્યા છે, પરંતુ તે પ્રમાણમાં થોડા છે. બધા જ અનુભવોને કહેવાની મારી ઇચ્છા નથી ને જરૂરેય નથી. જે અનુભવો કહું છું તે એટલા માટે કે માણસને આ માર્ગમાં થતા વિવિધ કલ્પનાતીત અનુભવોનો ખ્યાલ આવી શકે ને તે સત્ય છે તેની મારા તરફથી સૌને ખાત્રી થઇ શકે.

પણ મારા વિસ્મય કે આનંદની લેશ પણ પરવા કર્યા વિના, તે આકૃતિ મારી તરફ આગળ વધી. તેનું શરીર કાજળ જેવું કાળું હતું. તેણે બે હાથ લંબાવીને મને બાથમાં લીધો ને કહ્યું, 'તમે અહીં બહુ રહ્યા, હવે આજે જવાના છો, ખરું ? પાછા ક્યારે આવશો ? જલદી જલદી આવતા રહેજો. તમને અહીં ગમ્યું તો ખરું ને ? તમારા વિના મને ગમશે નહિ.'

હું તો સાંભળી જ રહ્યો. શબ્દો ખૂબ જ સ્પષ્ટ અને સુમધુર હતા. એમના શ્રવણથી અપૂર્વ શાંતિ મળતી. પણ તેના મુખમાંથી વધારે શબ્દો નીકળ્યા નહિ. આટલું બોલીને તેણે મને બાથમાંથી છોડી દીધો ને લગભગ બે મિનીટ બાદ તે નાની સરખી ઓરડીમાંથી અદૃશ્ય થઇ ગઇ !

મને થયું કે એક સમીપના સ્વજનની જેમ બોલનારી આ વ્યક્તિ કોણ હશે ? શું તે કોઇ સિદ્ધપુરુષ હશે ? કે રામકૃષ્ણદેવ પોતે હશે ? કોઇ તીર્થદેવતા કે ઇશ્વર હશે ? મારે માટે એ પ્રશ્ન કોયડો જ રહ્યો ને મેં તેને ઉકેલવાનો ઝાઝો પ્રયાસે ના કર્યો. કેમ કે ગોળ કઈ જાતનો છે, ને ક્યાંનો તેમજ શા ભાવનો છે, તે જાણીને મારે શું કામ છે ? મારે તો તેનો સ્વાદ માણીને આનંદ કે તૃપ્તિ જ મેળવવી છે. તે મહાન આત્મા ગમે તે હોય, પરંતુ તેની કૃપા મારા પર થઇ છે, ને તેના લાગણીભર્યા મીઠા વચનોને મેં સાંભળ્યા છે એટલું જ મારે માટે તો પર્યાપ્ત છે. વધારે ઊંડાણમાં ઉતરીને મારે શું કરવું છે ? આજે હું કહી શકું છું કે તે કાળી આકૃતિમાં આવીને 'મા' જગદંબાએ જ મારા પર પ્રેમ વરસાવ્યો હતો. તેને યાદ કરી ઉલ્લાસ અનુભવું છું. પણ ....'મા'નું એ પ્રેમબંધન હંમેશા રહે, 'મા'ના એવા પ્રેમાર્દ્ર શબ્દો નિત્યનિરંતર સાંભળવા મળે ત્યારે જ જીવન સફળ બને, 'મા'નું મધુભર્યું, રૂપરૂપના અંબાર જેવું મુખ ને રૂપ દિનરાત આંખ જોયા જ કરે, એ જ જીવનનું પરમ ને છેવટનું સાફલ્ય હોઇ શકે. માણસે આવા ઉલ્લાસપ્રેરક અનુભવોથી અટકી જવાનું નથી પરંતુ લગનીપૂર્વક, 'મા'નું હંમેશનું સાનિધ્ય મેળવવા, પ્રભુનો સદાયનો સહવાસ પામવા, તત્પર થવાનું અને ખંતથી આગળ વધવાનું છે.

ગંગાજીનો ગંભીર ને મોટો અવાજ દૂરથી સંભળાતો હતો. આશ્રમની પાસેની શાંતા નદી પણ વરસાદને લીધે ભરપૂર થઇ ગઇ હતી. તે પણ હિમાલયના પ્રાચીન અને અર્વાચીન ઋષિવરોના જયગાન ગાતી વહેતી હતી. અંદર ને બહાર હજી અંધારું જ હતું. ત્યાં તો અચાનક મારી નજર ઓરડાની અંદર તાકા પર પડી. અંધારામાં ત્યાં દીવો બળતો દીઠો. પાસે જ તેના પ્રકાશમાં રમણ મહર્ષિની મૂર્તિ સ્મીત કરી રહેલી. મહર્ષિને મેં જોયા હતા એટલે તેમને હું સ્પષ્ટ ઓળખી શક્યો. બે-ચાર મિનીટ એવી રીતે મને દર્શનાનંદ આપીને તે પણ દીપક સાથે અદૃશ્ય થઇ ગયા ને બધે જ અંધકાર છવાઇ રહ્યો.

મહર્ષિ જેવા સિદ્ધ મહાપુરુષો પોતાની ઇચ્છા પ્રમાણે ગમે ત્યાં, ગમે ત્યારે, ને ગમે તેની પાસે જઇ શકે છે. આજે આવા મહાપુરુષો ઘણાં છે. યોગ્ય આધ્યાત્મિક પ્રવાસી પાસે તે પ્રકટ થાય છે ને તેમને મદદ કરે છે. તેમને દેશકાળના બંધન નથી હોતાં. તે સર્વસમર્થ હોય છે. પણ માનવ સંસારની વાસના પાછળ એટલો પાગલ છે, બુદ્ધિનો એટલો દાસ છે, કે તે ઉપર જ ઉઠી શકતો નથી. પરિણામે જીવનના મહામોંઘા અનુભવો તેને નથી થઇ શકતા. જે મરજીવાની પેઠે સંસારની બાહ્ય આસક્તિ ને મમતા મૂકી દે છે ને તેના સ્વામી પરમાત્માને પામવા કમર કસી સાચે માર્ગે આગળ વધે છે તે અનેક અનુભવો મેળવે છે અને એક ધન્ય દિવસે પરમાત્માનું દર્શન કરીને પરમાત્મામય બની જાય છે. એવા મરજીવિયા મહાપુરુષો કરોડોમાં કોઇક જ નીકળે છે.

ધીરે ધીરે પ્રકાશ થયો. સ્નાનાદિથી પરવારીને મેં શાંતાશ્રમને પ્રણામ કર્યા. તેની પવિત્ર રજને શિર પર ચઢાવીને મોટરમાં બેસવા પ્રસ્થાન કર્યું. તે જ દિવસે મેં દેવપ્રયાગ છોડ્યું. તે દિવસ તારીખ ૩૦ સપ્ટેમ્બર ૧૯૪૫ ને સોમવારનો હતો.

 

 

Today's Quote

You can get everything you want if you help enough others get what they want.
- Zig Ziglar

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok