Saturday, July 04, 2020

દક્ષિણેશ્વરની મુલાકાત

કલકત્તાની એ મારી પહેલી જ મુસાફરી હતી. બપોરે ત્રણેક વાગ્યે કલકત્તા આવ્યું. સ્ટેશન પરથી દક્ષિણેશ્વર જવાની માહિતી મેળવી. આખરે એક બસમાં બેઠો. બસ ઉપડ્યે બે-ચાર મિનીટ થઇ ને કંડકટર આવ્યો. કહે, આ બસમાં તમે બેઠા છો તે બરાબર નથી. દક્ષિણેશ્વર જવા બીજી બસમાં બેસવું જોઇએ. આગળ બસ ઉભી રહી ત્યાં ઉતરીને થોડી વારે હું બીજી બસમાં બેઠો. એમાં પણ એવું જ બન્યું, ને તે બસમાંથી પણ મારે ઉતરી જવું પડ્યું. એવી રીતે મારો એક કલાક જતો રહ્યો. આખરે મેં ઘોડાગાડી કરવાનો વિચાર કર્યો.

ગાડીવાળો મુસલમાન હતો પણ ધર્મમાં તેને ભારે રસ હતો. તેણે ખાતરી આપી કે દક્ષિણેશ્વરમાં કાલી માતાનું મંદિર છે ત્યાં હું તમને જરૂર પહોંચાડી દઇશ, મેં તે જોયું છે.

કલકત્તાના મોટા મોટા માર્ગો પરથી ગાડી પસાર થઇ. આખરે એક મંદિર પાસે આવીને ઉભી રહી. લગભગ બે કલાક લાગ્યા. સાંજ પડી ગઇ. મને થયું કે હવે મંદિરમાં જઇ, દર્શન કરીને ફકત આરામ જ કરવાનો રહેશે. પણ ત્યાં તો એક નવો જ કોયડો ઊભો થયો. તપાસ કરતાં ખબર પડી કે આ મંદિર દક્ષિણેશ્વરનું મંદિર નહિ પણ કલકત્તાનું સુપ્રસિદ્ધ કાલી મંદિર છે ! હવે શું થાય ? મને ગાડીવાળાની ભૂલ પ્રત્યે આશ્ચર્ય થયું. સમય ને પૈસા બેય નકામા ગયાં. ગાડીવાળાને કહ્યું, હવે શું થાય ? ગાડી હવે દક્ષિણેશ્વર લઇ લો. પણ ગાડીવાળાની બધી જ પોપટિયા ધર્મવિદ્યા દૂર થઇ. પોતે જ કરેલી આટલી મોટી ભૂલને સુધારવાને બદલે તે બોલી ઉઠ્યો, 'હવે તો બહુ મોડું થયું છે. મને અહીં સુધીના પૈસા ચુકવી દો, મારાથી હવે બીજે ક્યાંય જઇ શકાય તેમ નથી.'

જક્કી માણસની સાથે ઝઘડો કરવો તેમાં કૈં બુદ્ધિમાની નથી. ગાડીવાળાને મેં પૈસા ચુકવી દીધા ને ભગવાનને પ્રાર્થના કરતો હું આગળ ચાલ્યો. મને એક વાતનું આશ્ચર્ય થયું કે કલકત્તા જેવા શહેરમાં મેં જેમને પણ પુછ્યું તે દક્ષિણેશ્વર વિશે સાચેસાચી માહિતી ના આપી શક્યા ! જ્યાં રામકૃષ્ણદેવે લીલા કરી ને જેના દર્શન માટે આજે ભારત અને ભારતની બહારથી હજારો માણસો આવે છે તે સ્થળ માટે ખુદ કલકત્તામાં જ રાતદિન રહેનારા એવા માણસો છે જે અજ્ઞાન ધરાવે છે, એ હકિકત કેટલી બધી ચિત્રવિચિત્ર કે કરુણ લાગે છે ?

પણ હવે દક્ષિણેશ્વર પહોંચવું કેવી રીતે ? રાત તો પાસે ને પાસે આવતી જાય છે. મને ખૂબ જ ચિંતા થઇ. જે રામકૃષ્ણદેવ હિમાલયથી અહીં લઇ આવ્યા તેમણે આ શું કરવા માંડ્યું છે ?

પણ પ્રભુની પ્રત્યેક પ્રવૃતિ પાછળ કૈં ને કૈં રહસ્ય હોય જ છે. એ સિદ્ધાંતને માણસ સમજી જાય ને સાચા દિલથી જીવનમાં ઉતારે તો તે હરેક વખતે સ્વસ્થતા જાળવી શકે છે. વિચાર કરતાં કરતાં હું ધોરી માર્ગ પર ઉભો'તો ત્યાં જ એક માણસ આવ્યો. મને કહે, ક્યાં જવું છે ? મેં કહ્યું, દક્ષિણેશ્વર. ભગવાન રામકૃષ્ણ પરમહંસદેવનું સ્થાન છે ત્યાં. કહે, ચાલો. મારી સાથે જ બસમાં ચાલો. મારે પણ એ બાજુ જ જવું છે.

વિના પૂછ્યે જે માણસે આટલી બધી લાગણી બતાવી તેને માટે માન ઉત્પન્ન થાય એ સ્વાભાવિક જ છે. ને લાગણી પણ એવે વખતે બતાવી જ્યારે તેની જરૂર હતી. વિના વિલંબે એક બસ મળી, ને થોડી વારમાં દક્ષિણેશ્વર આવ્યું. માર્ગમાં એક બીજી બસમાં મને બેસાડીને પેલો માણસ ચાલ્યો ગયો હતો.

બસ ઠેઠ દક્ષિણેશ્વર જ ઉભી રહેતી હતી. પણ તે બાજુ ક્યાંય મંદિર તો દેખાયું નહિ. તપાસ કરતાં જણાયું કે મંદિર થોડે જ દૂર છે. સદભાગ્યે ત્યાં ત્રણચાર માણસો આવ્યા. મારા વેશ પરથી એમણે મને મહાત્મા માન્યો, ને મારી પાસેના સામાન પરથી હું ખૂબ જ દૂરથી આવું છું એવું અનુમાન કર્યું. મને કહે, તમે બહુ દૂરથી આવતા લાગો છો ? મેં કહ્યું, હું હિમાલયથી આવું છું.

હિમાલયનું નામ સાંભળીને એમને આશ્ચર્ય અને આનંદ બંને થયાં. મને તે ઠેઠ દક્ષિણેશ્વર મૂકી ગયા. મંદિર બંધ હતું. બધે ખૂબ જ શાંતિ હતી. અંધારી રાત બધે ફેલાઇ ગઇ હતી. પાસે જ ગંગાજી સંપૂર્ણ શાંતિથી વહી રહ્યાં હતાં. રામકૃષ્ણદેવનો ખંડ હજી ખુલ્લો હતો. તેનું દર્શન સૌથી પ્રથમ થયું, સાથે આવનાર ભાઇ કહે, આ મંદિરમાં રાતે કોઇને રહેવા દેતા નથી. પણ અત્યારે અંધારું થયું છે એટલે કોઇ તમને કૈં નહિ કહે. એમ કહીને તે ચાલ્યા ગયા.

મેં ગંગાકિનારે જઇને આચમન કર્યું ને પછી થોડીવાર આંટા મારી હું એક મકાનની ઓસરીમાં સુઇ ગયો. જો વહેલા આવવાનું થયું હોત તો અહીં રહેવાની રજા માંગવી પડત. એટલે પ્રભુએ મને મોડા લાવવામાં સારું જ કર્યું છે એમ લાગ્યા વિના રહ્યું નહિ. પ્રભુ જે કરે છે તે સારું જ કરે છે. તેમાં કાંઇ ને કાંઇ રહસ્ય હોય છે.

સવારે ઉઠીને ગંગાજીમાં સ્નાનાદિ કરીને નિવૃત્ત થયો. ધ્યાનાદિ કરીને મંદિર જોવા નીકળી પડ્યો. રાતના અંધકારમાં જે સ્થળ જોયું હતું તેનાથી અત્યારે સ્થળ જૂદું જ જણાયું. રાત ને દિવસને પોતપોતાનું અલગ સૌંદર્ય ને પોતાની અનેરી ખૂબી હોય છે. એ વાત સૂર્ય ને ચંદ્ર પરથી સારી રીતે સમજી શકાય છે. પણ બેમાંથી એકેના ઉપર માણસને કદી અણગમો થયો હોય એવું જાણ્યું નથી, જો કે બંને સૃષ્ટિની શરૂઆતથી જ તપે છે.

દક્ષિણેશ્વરનું મંદિર ઘણું જ વિશાળ હતું. જો કે દક્ષિણ ભારતના મંદિરોની ભવ્યતા તેમજ જૈન મંદિરોનું શિલ્પ તેમાં નથી, પરંતુ આધ્યાત્મિક પરમાણુઓ જીવંત બનીને ત્યાં ફરતાં હોય એમ લાગ્યા વિના રહેતું નથી. મંદિરની મહત્તા મારે મન તેના શિલ્પ કે સ્થાપત્ય અથવા તેની ભવ્યતામાં નહિ પરંતુ તેની સજીવતામાં ને તેમાં રહેલી ચિરંતન શાંતિમાં છે. માણસના હૃદયને જેનું વાતાવરણ એક યા બીજી રીતે સ્પર્શી જાય અને અસર કરે તે મંદિર ગમે તેવું સાધારણ હોય છતાં મહાન છે. આ મંદિરમાં થોડાં જ વરસો પહેલાં જે મહાન વિભૂતિએ નિવાસ કરીને પોતાના પ્રભુમય જીવનથી આધ્યાત્મિક પિપાસુઓને આકર્ષ્યા હતા તે મહાવિભૂતિનો પ્રભાવ હજી પણ કાયમ છે. તેના ઈશ્વરી ઉપદેશ, તેની સાધનાની શાંતિ ને ગંભીરતા જાણે કે આ સ્થળમાં મળી ગયા છે અને આજે પણ સાધક કે જિજ્ઞાસુના હૃદય સાથે વાતો કરે છે. તેમાં પ્રવેશ કર્યો ત્યારે મારું દિલ અવર્ણનીય લાગણીથી હાલી ઉઠ્યું, નાચી રહ્યું, ને મેં મનોમન એ ભારત ને વિશ્વના મહાપુરુષને નમસ્કાર કર્યા. જેના નામથી આજે ભાગ્યે જ કોઇ અજાણ હશે ... ભગવાન શ્રી રામકૃષ્ણ પરમહંસ ! જેમના પટ્ટશિષ્ય વિવેકાનંદે પાછળથી ભારત તેમજ ભારતની બહારના દેશોમાં પોતાના ગુરુનો ને ભારતીય ધર્મ ને તત્વજ્ઞાનનો મહિમા ગાજતો કરેલો. જેમનું જીવનચરિત્ર ચૌદ વરસની નાની વયે વાંચીને મારા દિલમાં ઇશ્વરી ભાવો જાગૃત થયેલા ને ઇશ્વરને 'મા મા' પોકારીને સાક્ષાત્ કરવાના મેં પ્રયાસો કરેલા, તે મહાપુરુષની લીલાભૂમિમાં પ્રવેશવું એ મારે માટે મુક્તિના દ્વારમાં પ્રવેશવા બરાબર હતું. મારા સર્વે અંગોપાંગો આનંદથી આપ્લાવિત બન્યા.

 

 

Today's Quote

From the solemn gloom of the temple, children run out to sit in the dust, God watches them play and forgets the priest.
- Rabindranath Tagore

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok