Saturday, July 04, 2020

પુલિનબાબુનો મેળાપ

 મંદિરના ચોકમાં થઇને હું મંદિરમાં આવ્યો. રામકૃષ્ણદેવે જેની આજીવન ઉપાસના કરી હતી ને જે દેવને રાતદિવસ સાક્ષાત્ કર્યા હતા તે કાલીમાતા સામે ઉભા રહીને મેં હાથ જોડ્યા. મારા નેત્રો પ્રેમાશ્રુથી છલકી ઉઠ્યાં. મા ! કેમ અચલ છે ? તમારું દર્શન કરવા હું આટલે દૂરથી - છેક હિમાલયથી અહીં આવ્યો છું અને તમે આમ મૂક કેમ છો ? હાલો, વાત કરો, પ્રેમ કરો ને મને સત્કારો ! તમે તો 'મા' છો. બાળકના અપરાધને ભૂલી જઇને તેને પ્રેમ કરવો એ 'મા'નો ધર્મ છે. તમે મને પ્રેમ કરો, મારી સામે પ્રકટ થાવ. નહિ, આ સ્થળમાં તો જરૂર પ્રકટ થવું જ પડશે. આ તો તમારું જ સ્થળ છે.

'મા'ની સ્તુતિ કરીને હું મંદિરના ટ્રસ્ટીઓને મળ્યો. ટ્રસ્ટીઓએ વધારે સાંભળ્યા વિના સાફ સંભળાવી દીધું કે મંદિરમાં રહેવાની મનાઇ છે. મેં કહ્યું, તે બરાબર; પરંતુ કોઇની યોગ્યતાને જોઇને તમે રજા આપી શકો છો, કેમ કે મંદિરના સર્વેસર્વા અત્યારે તમે જ છો.

પણ ટ્રસ્ટીઓમાં ભલમનસાઇ કે શિસ્તનો અભાવ દેખાયો. આટલા મોટા ને લોકોપકારી મંદિરની આજે આવી દશા જોઇને મારું દિલ દુખાયું. વધારે વિનવણી કરવી ઠીક ના માનીને હું આગળ વધ્યો. જે રામકૃષ્ણદેવ દેવપ્રયાગથી આજ્ઞા કરીને અહીં લાવ્યા છે તે શું બધી વ્યવસ્થા નહિ કરે ? જરૂર કરશે. નહિ તો તે અહીં લાવે જ નહિ. એવા વિચારનો આધાર લઇને મેં સમાધાન કર્યું.

આગળ ચાલતા રામકૃષ્ણદેવના ખંડમાં આવ્યો. આ ખંડમાં રામકૃષ્ણદેવ નિવાસ કરતા. તે એવો ને એવો જ સાચવી રાખ્યો છે. તેમનો પલંગ, પાણીનું માટલું, વાસણ, સઘળું સુરક્ષિત છે. તેમને બદલે દિવાલ પર તેમના બે ફોટા છે. એક શારદામાતાનો ફોટો છે. આ ખંડમાં પ્રવેશતાં જ દેવને પ્રણામ કર્યા. કેટલો શાંતિમય ખંડ ! રામકૃષ્ણદેવ જીવતા હશે ત્યારે આ ખંડ અને આ સ્થળ કેવું સુંદર હશે ! મધુર વાર્તાલાપ, ભક્ત ને જ્ઞાનીના ટોળાં, આ સ્થળને અલૌકિક શોભા આપી રહ્યાં હશે. આજે તો એ બધી શોભાના સાક્ષી આ ખંડ અને ચિરકાલથી વહેતી પતિતપાવની પુણ્યસલિલા ગંગા - બે જ રહ્યા છે. તેને પણ વાચા નથી. નહિ તો ભૂતકાળના કેટકેટલા સંભારણા એમના શ્રીમુખથી સાંભળવા મળત !

એવા એવા ભાવો સાથે જાણે મારા જ ઘરમાં ફરી રહ્યો હોઉં તેમ આનંદથી હું ખંડમાં ફરી રહ્યો. ત્યાં તો એક ભાઇ આવ્યા. તેમની સાથે ભીનાં વસ્ત્ર હતાં એટલે તે ગંગાસ્નાન કરીને દર્શને આવ્યા હશે એમ લાગતું હતું. મને તેમણે નમસ્કાર કર્યા. મારી આંખમાં પ્રેમાશ્રુ જોઇને કદાચ એમને આકર્ષણ થયું હશે.

એ ભાઇનું નામ પુલિનબાબુ. તે બાજુમાં જ આવેલા દક્ષિણેશ્વર ગામમાં રહેતા હતા. તેમના પિતાજીના વખતમાં રામકૃષ્ણદેવ કોઇ કોઇ વાર તેમને ત્યાં પધારતા, તે રોજ સવારસાંજ આ મંદિરમાં પોતાની સ્ત્રી સાથે દર્શને આવતા, રામકૃષ્ણદેવને જ ઇષ્ટ માનતા, અને એમના પર અનન્ય શ્રદ્ધાભક્તિ રાખતા. છેલ્લાં દસેક વરસથી તે કંઇ ધંધો કે નોકરી કરતા નહિ. રામકૃષ્ણદેવનું સ્મરણ જ કરતા. એ સ્મરણથી એમનામાં અપૂર્વ આત્મબળનો આવિર્ભાવ થયેલો. તેમના પત્ની પણ ભક્ત હતા. એક જ પ્રકૃતિના પરસ્પર સહાયક થનારાં એવાં દંપતી દુનિયામાં બહુ થોડાં હશે અને એ પણ એવી ગરીબ જેવી દશામાં.

મારો પરિચય સાંભળીને પુલિનબાબુ પ્રસન્ન થયા. કહ્યું, તમે ચિંતા ના કરશો. ટ્રસ્ટીઓની રજા લેવાની જરૂર નથી. મારા એક મિત્ર છે. તે ખૂબ જ શ્રીમંત છતાં રામકૃષ્ણદેવના અનન્ય ભક્ત છે. તે પ્રતિદિન દર્શન માટે આવે છે. તે તમને અહીં રહેવાની વ્યવસ્થા કરી દેશે. મેં કહ્યું, મારે જમવાની વ્યવસ્થા નથી જોઇતી. ફકત રહેવાનું જ જોઇએ છે. જમવાનું તો પ્રભુ આપી રહેશે.

એટલામાં તો તેમના મિત્ર - નેપાલબાબુ આવી પહોંચ્યા. તેમણે મંદિરના પૂજારી અને દરવાનને સુચના આપીને મારા રહેવાની વ્યવસ્થા કરી દીધી. પ્રભુની કૃપા. એમ બીજે દિવસે સવારે મારી રહેવાની ચોક્કસ વ્યવસ્થા થઇ ગઇ.

રામકૃષ્ણદેવના ખંડની બહાર બેસીને હું ભજન લખવા માંડ્યો. રામકૃષ્ણદેવ પર ને કાલી 'મા' પર ભજન લખીને તે હું પાસે બેઠેલા પુલિનબાબુ અને તેમના પત્નીને વચ્ચે વચ્ચે સમજાવતો. અંગ્રેજીમાં જ સમજાવવું પડતું. કેમ કે તે હિન્દી ના જાણે અને મને બંગાળી ના આવડે. ભજન લખતાં મારી આંખમાંથી અશ્રુપ્રવાહ વહ્યા કરતો. કેટલીકવાર તો પ્રેમનું સખત રડવું આવતું. રડવું એટલા જોરથી આવતું કે મંદિરના પૂજારીઓ એકઠા થઇને વિસ્મય પામતા. પણ મારા ભાવ એટલા વેગવાન હતા ને રામકૃષ્ણદેવના સ્થાનમાં આવીને તે ખૂબ જ તીવ્ર બની ગયેલા. પૂજારી સાંજસવાર પગે લાગીને કહેતા કે તમારા દર્શનથી પણ અમે પાવન થયા છીએ. ઇશ્વરને માટેનો આટલો પોકાર અને આવો પ્રેમ અમે હજી જોયો નથી. તે મને રામકૃષ્ણદેવનો ભોગ આપતા. સાંજે હું તે જ ખાઇને ચલાવી લેતો. સવારે પુલિનબાબુ જમવા માટે પોતાને ત્યાં લઇ જતા.

પુલિનબાબુના ઘરમાં હું જમવા માટે ગયો ને બેઠો કે તરત જ પુલિનબાબુ બોલી ઉઠ્યા, 'પિતાજીના વખતમાં રામકૃષ્ણદેવ અહીં આવતા ત્યારે બરાબર એ જ જગ્યાએ બેસતાં ને દેવની કેટલીય વાતો કહેતા.' તેમનો પરમહંસદેવ પ્રત્યેનો પ્રેમ અપાર હતો. પરમહંસદેવની પૂજાસેવા માટે ઘરમાં તેમણે અલગ ઓરડો રાખેલો. રાતે તેમાં બેસીને પતિપત્ની બંને પ્રેમથી ધ્યાન-જપ અને પૂજા કરતાં ! ધન્ય એ ગૃહસ્થાશ્રમ ! આવા દંપતિના મહેમાન બનવાથી મને અનિર્વચનીય અસાધારણ આનંદ થયો. સાંજે મંદિરમાં પાછા આવીને રામકૃષ્ણદેવના ઓરડા પાસે બેઠો. એ ખંડની પાસે બેસતાં જ મારું હૈયું હાથમાં નહોતું રહેતું. મને જોરથી રડવું આવતું અને થતું કે હે પ્રભુ, હે દેવ ! મારો પોકાર સાંભળીને પ્રકટ થાવ, મારા પર કૃપા કરીને મને શાંતિ આપો ને પૂર્ણ બનાવો ! તમારા સ્થાનમાં તો તમારે પ્રકટવું જ પડશે !

દેવે પોતાને હાથે જે પંચવટી બનાવી છે ત્યાં આવેલા નાનાસરખા મકાનને ઓટલે હું રાત ગાળતો. ત્યાં જઇને રાતે બેઠો. મારો સુવાનો નિયમ અતિશય અલ્પ હતો, વધારે ભાગે હું રાત્રિ દરમ્યાન બેસીને, ફરીને ને જપધ્યાન કરીને જ બધી રાત પસાર કરતો. પંચવટીના પવિત્ર સુંદર સ્થળમાં રામકૃષ્ણદેવે પોતાને હાથે વૃંદાવનની ધૂળને વેરેલી. ત્યાં રહીને તેમણે મધરાતે ધ્યાનાદિ સાધના કરેલી. એ સ્થળમાં બેસીને સાધના કરવાનો આનંદ કેવો અલૌકિક અને અનેરો હોય ? રાતની સંપૂર્ણ નિરવ શાંતિમાં હિમાલય, રામકૃષ્ણદેવ અને મારી જીવનસાધના વિશે વિચારો કરતો હું દક્ષિણેશ્વરના દિવ્ય સ્થળની અસીમ શાંતિને અનુભવવા માંડ્યો.

 

 

Today's Quote

Be not afraid of growing slowly, be afraid only of standing still.
- Chinese Proverb

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok