Saturday, July 04, 2020

દક્ષિણેશ્વરના અનુભવો

 દક્ષિણેશ્વરમાં પ્રવેશ્યા પછી સાધનાને માટેનો મારો તલસાટ ખૂબ ખૂબ વધી ગયો. નવરાત્રિના દિવસો હતા. 'મા'ની કૃપા એ દિવ્ય દિવસોમાં સહેલાઇથી થઇ શકે. જે પ્રકારની સાધના હું કરવા માંગતો હતો તે માટે રામકૃષ્ણદેવ કે 'મા'ની કૃપાની આવશ્યકતા હતી. પણ 'મા'નું આકર્ષણ તે દિવસોમાં ગાઢ ન હતું. રામકૃષ્ણદેવને જ પ્રકટરૂપે જોવાની મારી ઇચ્છા હતી, અને તે પણ એટલા માટે કે તે મારા પર કૃપા કરીને મને નવેસરથી દિક્ષા આપે. જે દીક્ષા મળતા વિવેકાનંદને તરત જ સમાધિ થઇ ગઇ તેવી દીક્ષાની મને ઇચ્છા હતી. તેવી દીક્ષાથી સમાધિ સહજ થઇ જાય ને પૂર્ણતામાં વિલંબ ના લાગે એવી મારી વિચારધારા હતી.

આજે એ વસ્તુનો વિચાર કરું છું ત્યારે મને તે વિચારમાં રહેલી કચાશ જણાઇ આવે છે. રામકૃષ્ણદેવ જેવા મહાપુરુષ - મારે માટે ઇશ્વર - પ્રકટ થાય પછી તેમની પાસે દીક્ષા જેવી નાની વસ્તુ માગવાની હોય ? તે તો માણસને પોતાની કૃપાથી તરત જ પૂર્ણ કરી શકે, સાધનાની સિદ્ધિ આપે, ને કોઇયે ઇચ્છા પૂરી કરી શકે. 'મા'ના સંબંધમાં પણ તેવું જ છે. પણ મારી વિચારધારા તે વખતે એટલી કક્ષાએ પહોંચી ન હતી અથવા હું એટલો જ વિચાર કરી શક્યો હોઇશ તે માટે, પણ ગમે તે કારણે એ વિચારદશાને લીધે મને તે વખતે દક્ષિણેશ્વર યાત્રાનો પૂરો લાભ મળી શક્યો નહિ. નહિ તો ઇ. સ. ૧૯૪૫નું જ વર્ષ મારે માટે પૂર્ણતા - જેવી પૂર્ણતા હું માગતો હતો તે - પ્રદાન કરનારું વર્ષ થઇ જાત. પણ ઇશ્વરના બધા કામો યોગ્ય સમયે જ થાય છે ને ?

બીજે દિવસે સવારે મેં વિચાર કર્યો કે કાં તો રામકૃષ્ણદેવ અથવા 'મા' મને દર્શન દે તે પછી જ હું અન્નજળ ગ્રહણ કરીશ. એ વિચાર કાંઇ જક્કીપણું કે હઠનો ન હતો પણ હૃદયમાં જે પ્રેમ ને તલસાટ હતો તેની પરાકાષ્ઠારૂપે આવતા ભોગનો હતો. એવો વિચાર કરીને હું રામકૃષ્ણદેવના ઓરડાની બહાર બેઠો ને ભજન લખવા માંડ્યો. થોડીવારે પુલિનબાબુ ને તેમના ધર્મપત્ની પણ આવ્યા. મેં તેમને જણાવ્યું કે આજે જમવાનો વિચાર નથી. જમવું હશે ત્યારે કહીશ.

ભજન ગાતાં મારી આંખ છલકાઇ જતી હતી. પેલા બંને ભક્તાત્મા મારી સામે બેઠાં બેઠાં ભજન સાંભળતાં હતાં. ભજન પ્રેમ અને વિરહનું હતું. ભજન પૂરું લખીને મેં સામું જોયું તો પુલિનબાબુના પત્નીની પાસે જ એક બીજી બેન બેઠેલી. કુમારી હતી. એની ઉંમર વીસ વરસ જેટલી હશે. શરીર ખૂબ જ ગોરું અને સુંદર હતું. મુખાકૃતિ ખૂબ જ લાવણ્યમયી. તેણે સફેદ વસ્ત્ર પહેર્યું હતું. વાળ છુટ્ટાં તથા ભીના હતા, તેથી તાજું જ સ્નાન કરીને આવી છે એમ લાગતું. તે ક્યારે ને કઇ બાજુથી આવીને મારી સામે બેઠી તે મારા લક્ષમાં ના રહ્યું. દેવના ને કાલીમાના દર્શન કરવા ઘણાં સ્ત્રીપુરુષો આવે છે. તેમાંનું કોઇ હશે એમ મેં માની લીધું. ને હું પુલિનબાબુને મારુ ભજન સંભળાવવા માંડ્યો. 'હું દૂરથી તમારા દર્શન માટે આવ્યો છું. હે મા ! હે દેવ ! તમે હજી કેમ મારી પાસે આવતા નથી ?' મારા આશ્ચર્ય વચ્ચે મેં જોયું કે પેલી બેનની આંખોમાંથી આંસુની ધારા વહેવા માંડી. જો કે પુલિનબાબુ ને તેમના પત્નીની આંખ પણ ભીની હતી, પરંતુ આ નવી આવેલી બેન તો રડ્યે જ જતી, એની આંખ ઉજ્જવલ, સુંદર ને કરુણાથી ભરેલી હતી. તે મારી તરફ એકીટશે તાકી રહેલી.

શું આ પ્રભુને માટે કોણ વધારે રડે છે તેની હરિફાઇ છે ? એક, બે, ત્રણ - એમ ભજન પર ભજન મેં સંભળાવ્યા ને છેવટે ઉઠવાનો વિચાર કર્યો, કેમ કે પંચવટી પાસે જઇને દિવસભર ભજન ને પ્રાર્થના કરવાનો મારો વિચાર હતો.

પુલિનબાબુ પણ ઘેર જવા વિદાય થયા. હું પંચવટી પાસે ગયો. ત્યાંની ઓરડીના ઓટલા પર બેઠો. સામે રામકૃષ્ણદેવનો ફોટો મૂક્યો. ને શાંતિથી પ્રાર્થના તથા જપ કરવા માંડ્યો. આશરે દસેક વાગ્યાનો સમય હશે.

ત્યાં તો પેલી પ્રેમની મૂર્તિ જેવી બેન ફરી આવતી દેખાઇ. આ વખતે પણ મેં એને બહુ દુરથી આવતી જોઇ નહિ. પરંતુ છેક પાસે આવી ત્યારે મારી નજર તેના પર પડી. આ વખતે તેના હાથમાં એક નાની ડોલ હતી. વાળ છુટ્ટાં જ હતા. તેની અદભૂત સુંદરતામાં ઇશ્વરીય અંશને અવલોકીને મેં તેને મનોમન નમસ્કાર કર્યા. એ ટેવ મારી લાંબા વખતથી રહી છે. તેથી મને ખૂબ ખૂબ ફાયદો થયો છે. માણસ જ્યારે હાડમાંસ પર મઢેલા ચામડાંને જુએ છે, ત્યારે તેમાં લોભાય છે, લપટાય છે, ને તેના સ્વાદ માટે લાલાયિત થાય છે. એ બધુ ભયંકર અજ્ઞાન છે. એ અજ્ઞાનમાંથી મુક્ત થવું હોય તો માણસે શરીરની કેવળ ચામડીને જોવાને બદલે શરીરમાં રહેલો અને એમાંથી આરપાર નીકળતો ઇશ્વરી પ્રકાશ જોતાં શીખવું જોઇએ. ને તે પ્રકાશને પવિત્ર ને પૂજ્યભાવે નમવું જોઇએ. સૃષ્ટિમાં જ્યાં જ્યાં સુંદરતા છે, મધુરતા છે, ઉત્તમતા છે, પ્રેમ ને જ્ઞાન છે, ત્યાં ત્યાં એ ઇશ્વરી પ્રકાશ જ વિલસી રહ્યો છે. ને જ્યાં તે નથી, ત્યાં પણ જડ અને ચેતનમાં બધે જ રમી રહ્યો છે, ફકત માણસના મોહમિશ્રીત જડ ચક્ષુ તેને જોઇ શકતાં નથી એટલું જ. બાકી તે નથી એમ કોણ કહી શકશે ? ચક્ષુને ધોઇ નાખવાથી તે પ્રકાશનું દર્શન માનવ કરી શકે છે ને જે તેને બાંધતું હતું તે તેને તારનારું સાબિત થાય છે. એ પ્રકાશનું એક મોટું વાહન સ્ત્રી છે, પણ માણસના પોતાના દૃષ્ટિદોષને લીધે સ્ત્રી તેને બાંધનારી સાબિત થઇ છે અને શાસ્ત્રોએ તેની પરહેજી પાડવાનું કહ્યું છે. જે તેનામાં ઇશ્વરી અંશને જુએ છે તેને ડરવાનું કોઇ કારણ નથી.

 

 

Today's Quote

If you think you're free, there's no escape possible.
- Ram Dass

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok