Saturday, July 04, 2020

કુમારી રૂપે 'મા'

પાસે આવીને તે બેને ડોલને હેઠે મૂકી, ને વડના વૃક્ષ નીચે સૂકા પાંદડા પર, વસ્ત્ર બગડવાનો વિચાર કર્યા વિના જ, તે ધૂળ પર બેઠી. બંગાળમાં જેમ રિવાજ છે તેમ ગળા ફરતો સાડીનો છેડો વીંટીને તેણે ધૂંટણ પર પડી, નીચે માથું ટેકવી, મને નમસ્કાર કર્યા. તે મારી પાસે - અલબત્ત ઓટલા પર નહિ પરંતુ જમીન પર જ બેસી ગઇ.

બે મિનીટ સુધી તે એમ ને એમ જ બેસી રહી. મારા મુખ તરફ તે જોયા કરતી હતી અને એની આંખમાંથી આંસુ ચાલ્યા જ જતા હતાં. મને એ વાતનું આશ્ચર્ય થતું. જરીક દૂર, બાંકડા પર ત્રણ ચાર માણસો વાતો કરતા બેઠેલા. એમના સિવાય આજુબાજુ બીજું કોઇ જ ન હતું. ગંગાજી તરફથી કોઇક વાર નાવિકોના શબ્દો સંભળાતા.

આ બેન કોણ હશે ? તેનો પ્રેમ કેટલો બધો છે ? એવા વિચારો સાથે હું રામકૃષ્ણદેવને પ્રાર્થના કરતો હતો ત્યાં જ તે બેન બોલી ઉઠી, 'બાબા, આપ તો બહુત દૂર સે આતે હૈ ન ?' મેં કહ્યું, 'હા.'

અત્યાર સુધી મને જેટલા માણસો મળેલા તે સૌ અંગ્રેજી કે ભાંગીતૂટી હિન્દી જ બોલતા. પણ આ બેનની હિન્દી ભાષા ખૂબ જ સરળ ને સાચી હતી. મને નવાઇ લાગી. પણ કલકત્તા જેવા શહેરમાં હિન્દી જાણનાર પણ ઘણાં હોય એ વિચારે મેં સંતોષ વાળ્યો. ત્યાં તો બેને કહ્યું, 'ઇસસે તો આપકા દેવપ્રયાગ અચ્છા હૈ, આપ દેવપ્રયાગમેં હી રહીયે. પહિલે યહ સ્થાન બડા અચ્છા થા લેકિન અબ તો બિગડ ગયા હૈ. યહાં રહના અચ્છા નહિ હૈ.'

મને થયું, હું દેવપ્રયાગ રહું છું તે આ બેને કેવી રીતે જાણ્યું ? પણ માન્યું કે કદાચ પુલિનબાબુએ કહ્યું હશે. દક્ષિણેશ્વરના સ્થાનનો ઉપયોગ હવે વધારે ભાગે સાંજે ફરવા આવનારા દંપતિના એકાંત પ્રેમાલાપોમાં જ થતો હતો. સાધના કે ભક્તિના ભાવને બદલે લોકો ત્યાં ફરવા માટે વધારે આવતાં. છતાં પણ હું તો અહીં રહેવા જ આવ્યો હતો. ને તેથી જ જ્યારે બેને મને પૂછ્યું કે 'બાબા, ક્યા આપ યહીં રહેંગે ?' તો મેં કહ્યું કે, 'વિચાર તો ઐસા હૈ.' અને એના 'આ સ્થળ હવે બગડી ગયું છે' - એ શબ્દાર્થને યાદ કરીને કહ્યું, 'કુછ દિન યહાં રહૂંગા, ફિર જૈસી પ્રભુ કી ઇચ્છા.'

પણ આ બેન રડે છે શા માટે ? હજી પણ બેનની આંખો ટપક્યા જ કરતી હતી. 'બાબા, ક્યા હમે ભી દર્શન હોગા ?' તેણે પૂછ્યું.

મેં તેને વધારે પૂછ્યા વિના જ કહ્યું, 'ક્યોં નહિ હોગા? તુમ્હારા પ્રેમ ઇતના અધિક હૈ તો દર્શન જરૂર હોગા. પ્રેમ હોતા હૈ તો દર્શન ભી જરૂર હોતા હૈ.'

હવે તે વધારે રડવા માંડી. તેની વાણી ખૂબ જ મીઠી હતી. તેણે કહ્યું, 'લેકિન ઉન્હોંને તો મુઝે બહુત ઘુમાઇ. મથુરા, વૃંદાવન, હરિદ્વાર, ઋષિકેશ, સબ જગહ ઘુમાઇ. પરંતુ અભી તક દર્શન નહિ દિયા.'

મને થયું કે આ બેન આટલી નાની ઉંમરમાં આટલે બધે કેવી રીતે ફરી હશે ને તે પણ ઇશ્વરદર્શનની ધૂનમાં ? પણ મારા વિચારને ધ્યાનમાં ના લેતાં મેં કોણ જાણે કયા ભાવમાં મારી થેલીમાંથી એક મારો ફોટો કાઢ્યો ને તેને બતાવીને કહ્યું, 'દેખો, યહ કૈસા હૈ ?'

તેણે તરત જ જણાવ્યું, 'યહ તો ઠીક હૈ. પરંતુ તુલસીદાસને કહા થા ન કિ તુલસી મસ્તક તબ નમે ધનુષબાન લો હાથ ...ઉસી સ્વરૂપમેં મુજે તો દર્શન ચાહિયે.'

મેં કહ્યું, 'ઐસા દર્શન ભી હો જાયેગા. પ્રેમ હોને પર સબકુછ હો સકતા હૈ.'

એ બધા સમય દરમ્યાન એનાં આંસુ ચાલુ હતાં. પોતાની ડોલમાંથી તેણે એક પડિયો કાઢ્યો. તેમાં ચાર રસગુલ્લાં હતાં. એ ઉપરાંત એક લીલું નાળિયેર કાઢ્યું, ને મારી સામે ધર્યું. મેં કહ્યું, 'આજ તો મેરા ભોજન કરને કા વિચાર નહીં હૈ.'

'મૈં તો પ્રેમ સે દેતી હૂં. આપકો લેના હી પડેગા.'

એના પ્રેમભાવ આગળ મેં વધારે દુરાગ્રહ કરવો છોડી દીધો અને એને રામકૃષ્ણદેવના ફોટા પાસે બધો પ્રસાદ મૂકવાની સુચના કરી.

'આપ સબકી રોટી ખાતે હૈં ?' તેણે વળી પૂછ્યું.

'જો પ્રેમ સે દેતે હૈં ઉન સબકી રોટી ખા લેતા હૂં.' મેં જવાબ વાળ્યો.

તેણે તરત જ કહ્યું, 'અચ્છા તો મૈં કલ સે ઇસી જગહ પર રોટી લાયા કરુંગી. ઇસી જગહ પર.' મેં તેને સંમતિ આપી.

મેં કહ્યું : 'આપ કહાં રહતી હૈ ?'

તેણે તરત જ ઉત્તર આપ્યો, 'મેરા મકાન યહાં હી, ઇસ દરવાજે કે નજદીક હૈ. મૈં યહાં પર રોજ આયા કરતી હૂં.'

તે પછી બેત્રણ મિનીટ પ્રેમાશ્રુભરી આંખે, મારા મુખ સામે જોઇ રહીને એણે પાલવને ગળે વીંટીને મને નીચે નમીને પ્રણામ કર્યા. બેઠી થઇને બે મિનીટ વળી જોઇ રહી. પછી ધીરે ધીરે ડોલ લઇને તે કુમારી ચાલવા માંડી. તેની મધુરતા, લાગણી, તથા સુંદરતા અંતરમાં અંકિત થઇ ગઇ. તેનું વર્ણન કરવાની પૂરતી તાકાત નથી લાગતી.

પ્રસાદ ખાવાની મારી ઇચ્છા લેશપણ ન હતી. પણ બે જ મિનીટમાં મને વિચાર થયો કે બેનનો પરિચય કરવા જેવો છે. તેણે કહ્યું હતું કે પોતે આટલામાં જ ક્યાંક દક્ષિણેશ્વરમાં રહે છે. તેનું સરનામું લઇ લઉં તો તેની પાસે જઇ શકાય. આ એકાંતિક વાતાવરણમાં તેના જેવી પ્રેમમૂર્તિનો પરિચય આનંદજનક સાબિત થાય. આમ વિચારીને હું બેનની પાસે જઇને સરનામું લેવા ઉઠ્યો. ત્યાંથી મંદિર સુધી સીધો રસ્તો જતો હતો. બીજો રસ્તો જરાક વળાંક લઇને મંદિરના બહારના દરવાજા તરફ જતો હતો. બંને રસ્તાને જોયા. પણ એ બેન ના દેખાઇ. એટલી વારમાં એ બેન ક્યાં ગઇ ? માની લીધું કે તે ક્યાંક ઝડપથી ચાલી ગઇ હશે. હવે કાલે પ્રસાદ આપવા આવે ત્યારે વાત.

થોડીવારે ત્યાં એક માણસ આવ્યો. તેને મેં રસગુલ્લાંનો બધો પ્રસાદ આપી દીધો. જેના ભાગ્યમાં જે હોય તે જ તેને મળે છે. મને પ્રસાદ લેવાનું પણ ના સુઝ્યું.

સાંજે પુલિનબાબુ આવ્યા. બીજે દિવસે મેં ખૂબ રાહ જોઇ પણ પેલી બેન ના આવી. ત્યારે મેં પુલિનબાબુને પૂછ્યું, 'કાલે મારી પાસે એક બેન આવીને મને પ્રસાદ લાવવાનું કહી ગઇ છે; તેને તમે ઓળખો છો ?' મેં તેના સ્વરૂપનું થોડું વર્ણન કરી બતાવ્યું.

પણ પુલિનબાબુ તેને ઓળખી ના શક્યા. મેં કહ્યું, 'કાલે સવારે હું તમને ભજનો સંભળાવતો હતો ત્યારે તે તમારી પાસે જ આવીને બેઠેલી.'

પુલિનબાબુએ કહ્યું, 'એવી કોઇ સ્ત્રી મારી પાસે આવી જ નથી. છેલ્લે સુધી અમે બે જ જણ તમારાં ભજન સાંભળતા હતાં. ત્રીજું કોઇયે ન હતું.'

મેં વાતને વધારે ના લંબાવી. હવે હું સમજ્યો. એ પછી બેત્રણ દિવસે અચાનક દેવપ્રયાગ આવવાનો મને વિચાર થયો, ને હું દેવપ્રયાગ આવ્યો ત્યારે મને એક દિવસ પ્રેરણા થઇ કે તે બેન બીજી કોઇ નહિ પણ સાક્ષાત કાલિ - મા જગદંબા હતી. અરે 'મા' ! શા માટે તેં મારા અજ્ઞાનના પડળને તે વખતે કાયમ રાખ્યા ? આવો અમૂલ્ય અવસર મારો શું કામ ગુમાવ્યો ? તારા ચરણે શિર મૂકી, આનંદ પામી હું કૃતાર્થ થાત, તો તેમાં તારું શું બગડી જવાનું હતું ? 'મા'ના એ શ્યામ રૂપ ને 'મા'ની મધુર વાણીને યાદ કરીને મારું હૃદય કરુણ થઇ ગયું.

એ જ દિવસે 'મા'એ એક કે બીજા પ્રકારે મધ્યાન્હ પછી મને જમાડ્યો : મિજબાની કરવા માટે આવેલા એક સદગૃહસ્થને મીઠાઇ જેવી સ્વાદિષ્ટ ખાદ્યસામગ્રી સાથે મારી પાસે મોકલીને. તો પછી પ્રસાદને આરોગવાની સદબુદ્ધિ મારામાં શા માટે ના પ્રકટાવી ? કદાચ એ વખતે એને માટેનો અનુકૂળ અવસર નહિ આવ્યો હોય. ગમે તેમ હોય તો પણ, દક્ષિણેશ્વરની એ અદભૂત દિવ્ય કુમારિકાને યાદ કરીને એ પછી મેં અનેકવાર અનેરી લાગણી અનુભવી છે. આજે પણ અનુભવું છું. જગજ્જનની જગદંબાની એ અલૌકિક જ્યોતિર્મય મધુમય મૂર્તિ મારા મનમાં સદાને સારું જડાઇ ગઇ છે.

 

 

Today's Quote

Like a miser that longeth after gold, let thy heart pant after Him.
- Sri Ramkrishna

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok