Saturday, July 04, 2020

રામકૃષ્ણદેવના ભક્ત અને સંન્યાસી મહાત્મા

મારા દક્ષિણેશ્વરના નિવાસ દરમ્યાન મેં એક દિવસ પુલિનબાબુને પૂછ્યું, 'રામકૃષ્ણદેવને જેમણે જોયા હોય એવા કોઇ મહાનુભાવોનો તમને પરિચય છે ? હોય તો આપણે તેમને મળીએ.'

પુલિનબાબુએ એવા બેત્રણ મહાનુભાવોનો પરિચય આપ્યો. એક મહાનુભાવ તો એમની પાસે જ રહેતા. અમે એમને મળવા ગયા ત્યારે સવારના દસેક થયા હશે. એ ખૂબ જ વૃદ્ધ હતા અને એકલા જ રહેતા. એમનામાં ઊંડી શાંતિ લાગી. મારો પરિચય પામીને એ અતિશય આનંદમાં આવી ગયા ને પોતાને રામકૃષ્ણ પરમહંસદેવના પરમ કૃપાપાત્ર તરીકે ઓળખાવીને કૃતાર્થ ગણાવવા લાગ્યા. રામકૃષ્ણદેવ કેટલીક વાર એમને ત્યાં પધારતા. તે સમયના સંસ્મરણોને યાદ કરીને રામકૃષ્ણદેવને કેવી રીતે સમાધિ થતી, એ કેવી રીતે બોલતા, કેમ બેસતા, વિગેરે વાતો એમણે સવિસ્તર કહી સંભળાવી.

'એ દિવસો અનેરા હતા.' એમણે શાંતિપૂર્વક ઉપસંહાર કરતાં કહ્યું; 'દેવે દીધેલા અમુલખ આશીર્વાદ જેવા. પરમહંસદેવના સ્વર્ગીય સહવાસ અને સાન્નિધ્યમાં અમારા દિવસો અસાધારણ આનંદાનુભવમાં મંગળ મહોત્સવની પેઠે પસાર થતા. એમનો અણિશુદ્ધ પાર વિનાનો પ્રેમ, ભક્તિભાવ ને નિરાભિમાની નમ્ર સુમધુર સ્વભાવ એટલો બધો અદભૂત અનુપમ, આહલાદક હતો કે એમને મૂકવાનું મન થતું નહિ. એમની પાસે જનાર એમનો સદાનો ભક્ત, સેવક, પ્રશંસક થઇ જતો.'

એમની આંખમાં ઝળહળિયાં આવી ગયાં.

'એ દૈવી દિવસોને યાદ કરીને, એમના ઉપદેશને અનુસરીને, જીવનને ઘડવાનો પુરુષાર્થ કરતાં હું આજે પણ સમયને નિર્ગમન કરું છું. ખરેખર, રામકૃષ્ણદેવ જેવા મહાત્મા થવા દુર્લભ છે. એ મનુષ્યરૂપમાં સાક્ષાત ઇશ્વર, નરરૂપમાં નારાયણ હતા. એમને જે ઓળખી શક્યા તે કૃતકૃત્ય બન્યા.'

એમણે શ્વાસ ખાઇને આંસુ લુછ્યાં.

મેં કહ્યું : 'એ તો હું પણ માનું છું. પરંતુ તમને તેમના ગયા પછી તેમના દર્શનનો લાભ મળે છે ? તમારા જેવા પ્રેમી પુરુષ પર તો તેમની કૃપા થવી જ જોઇએ. તે તો અત્યંત કૃપાળુ હતા, કૃપાસિંધુ.'

એમની આંખ ફરીવાર ભીની થઇ.

'હા, કદી કદી મને એમના અનુગ્રહનો આસ્વાદ સાંપડે છે. એ કાંઇ ચાલ્યા થોડા જ ગયા છે ? એ તો એમના જ શબ્દોમાં એક ઓરડામાંથી બીજા ઓરડામાં પ્રવેશ્યા છે. જે એમને પ્રેમપૂર્વક પોકારે છે એમને આજે પણ દર્શન દઇ શકે છે. એમને દેશ, કાળ કે અવસ્થાનાં બંધંન નથી નડતાં.'

એ સુખદ સમાગમ પછી અમે બહાર નીકળીને ચાલવા લાગ્યા, એટલે પુલિનબાબુ બોલ્યા, 'અહીં એક મંદિર છે. ગંગાતટ પરના એ મંદિરમાં એક પ્રાતઃસ્મરણીય સિદ્ધ સંન્યાસી મહાત્મા રહે છે. એ બપોરે ત્રણથી છ વાગ્યા સુધી બોલે છે ને મુલાકાત આપે છે. તમારી ઇચ્છા હોય તો આપણે ત્યાં જઇએ. મહાત્મા દર્શનીય છે.'

મધ્યાન્હ પછી અમે અમારા નિર્ધારીત સમયે એ મહાત્મા પુરુષ પાસે પહોંચી ગયા. એ મહાપુરુષ વરસો પહેલાં તીર્થશ્રેષ્ઠ કાશીમાં રહેતા. એકવાર એમને પરમહંસદેવે સ્વપ્નમાં આદેશ આપ્યો કે દક્ષિણેશ્વર જઇને નિવાસ કરો. એમના આદેશને અનુસરીને એ દક્ષિણેશ્વર આવ્યા, પરંતુ ટ્રસ્ટીઓએ મંદિરમાં રહેવાની અનુમતિ ના આપી. એ જ રાતે રામકૃષ્ણદેવે બે ટ્રસ્ટીઓને સ્વપ્નમાં સૂચના આપી કે આ મહાત્માને મેં અહીં રહેવા માટે આજ્ઞા કરી છે. એ સૂચનાની અસર ઘણી સારી થઇ અને ટ્રસ્ટીઓએ મહાત્માને મંદિરમાં રહેવાની રજા આપી.

મહાત્માજી પંચવટીની નીચે રહેતા. ઉનાળાનો તીખો તાપ હોય, શિયાળાની કકડતી ટાઢ હોય, કે ચોમાસાની ધોધમાર વર્ષા હોય, તો પણ ઉઘાડે શરીરે ખુલ્લામાં જ પડી રહેતા. ત્યાં મૌનવ્રત રાખીને એમણે થોડાંક વરસો સુધી વાસ કર્યો. આખરે એમના પર ઇષ્ટની કૃપા થઇ. એમને શાંતિ મળી. પરમહંસદેવે એમને એક વાર ફરીથી આજ્ઞા કરી એટલે એ દક્ષિણેશ્વરના સુપ્રસિદ્ધ સ્થળને છોડીને વર્તમાન મંદિરમાં વસવા માંડ્યા. એમની સાથે એમની સેવામાં એક સેવાભાવી સન્નારી પણ વાસ કરતી.

અમે ગંગાના પ્રશાંત તપઃપૂત તટપ્રદેશ પરના એ સુંદર સ્થળમાં પ્રવેશ્યા ત્યારે મહાત્માજી બેઠેલા. એમણે અમારા સમાચાર પૂછ્યા. એમની ઉંમર મોટી હતી. એ વૃદ્ધ હતા. મને એમની આંતરિક અવસ્થાને જાણવાની ઇચ્છા થઇ. એમની પાસેથી એમના જીવનની કેટલીક છૂટીછવાયી વાતોને સાંભળ્યા પછી મેં પૂછ્યું, 'મારે દીક્ષા લેવાની ઇચ્છા છે તો તમે મને દીક્ષા આપી શકશો ?'

એ પ્રશ્ન મેં કુતૂહલથી પ્રેરાઇને પૂછવા ખાતર જ પૂછેલો તો પણ, એ મહાપુરુષ મારી પરીક્ષામાંથી પૂર્ણપણે પાર ઉતર્યા. કોઇ સામાન્ય સાધુ હોત તો એક શિષ્યની અભિવૃદ્ધિ કરવાનો એ અવસર ભાગ્યે જ જતો કરત, પરંતુ એ તો એક અસામાન્ય અનુભવપ્રાપ્ત, આત્મનિષ્ઠ મહાત્મા હતા. એ મૃદુ સ્વરે બોલ્યા : 'ઇષ્ટદેવની અનુજ્ઞા મળે તો જ હું કોઇને પણ દીક્ષા આપી શકું. મારી પોતાની ઇચ્છાથી હું એવું મોટું જવાબદારીવાળું કામ ના કરી શકું.' એમનો એટલો ઉત્તર એમની આંતરિક અવસ્થાથી પરિચિત થવા માટે પૂરતો હતો. એમને ઇષ્ટદર્શન થયેલું અને ઇષ્ટની સાથે એમનો સંબંધ સધાયેલો. એને લીધે એ ઇષ્ટની આજ્ઞા પણ મેળવી શકતા. એમના ઉદગારો પરથી એ હકીકત સહેલાઇથી સમજી શકાઇ. એમની અવસ્થા અત્યંત ઉચ્ચ હતી. એ શાંતિની મૂર્તિ જેવા દેખાતા. એમના તેજસ્વી મુખમંડળ પર નમ્રતા, પ્રસન્નતા અને આત્મગૌરવની સ્વર્ગીય છાયા છવાયેલી. મંદિરની પાસે જ પવિત્ર વિશાળ ગંગા વહેતી, એવો જ વિશુદ્ધ ને વિશાળ એમનો જીવનપ્રવાહ હતો.

એમની પાસેથી ઉઠીને અમે બેલુડ મઠ ગયા. બેલુડ મઠ ગંગાને સામે કિનારે આવેલો છે. સ્વામી વિવેકાનંદે એનું નિર્માણ કરેલું. એમાં રામકૃષ્ણદેવનું સુંદર સુવિશાળ, શાંત સમાધિમંદિર અને સ્વામી વિવેકાનંદનો સ્મૃતિખંડ છે. એ સ્મૃતિખંડમાં સ્વામી વિવેકાનંદના વસ્ત્રો, લાકડીઓ, કમંડળ અને બીજી સામગ્રી છે. સમીપવર્તી ગંગાના પ્રશાંત તટપ્રદેશ પર માતા શારદાદેવી, સ્વામી બ્રહ્માનંદ અને વિવેકાનંદની સમાધિઓ છે. સ્વામી વિવેકાનંદ જ્યારે અહીં ફરતા હશે, વાર્તાલાપ કરતા હશે, ત્યારે આ સ્થળ કેવું સજીવ હશે ? વિવેકાનંદનું વ્યક્તિત્વ જ કેટલું બધું ઉચ્ચ, પવિત્ર અને પ્રભાવશાળી હતું ? એમની દેશદાઝ, વેદાંતનું એમનું સરળ છતાં ગંભીર અને અણિશુદ્ધ જ્ઞાન, એમની ભક્તિભાવના અને એકાંતિક યોગસાધના પ્રત્યેનો એમનો પ્રેમ, એ બધું ખૂબ જ અનુપમ હતું. રામકૃષ્ણ પરમહંસદેવના ચરણોમાં બેસીને એમણે જે કાંઇ મેળવ્યું ને જાતમહેનતથી પ્રાપ્ત કર્યું એ આગળ જતાં સંસારને સમર્પી દીધું. પરંતુ હજી સંસાર ક્યાં જાગે છે ? વિવેકાનંદ, રામતીર્થ કે ગાંધીજી જેવા સત્પુરુષના સંદેશને જીવનમાં ઝીલવાની તૈયારી કોણ કરે છે ? તો પછી આપણું આ મહીમંડળ મહાપુરુષોને માટે લાયક નથી એવું માનવું ?

બેલુડ મઠ મથુરા જેવો છે તો દક્ષિણેશ્વર ગોકુળ તથા વૃંદાવન જેવું. એક દેવની સાધનાની સાક્ષીભૂમિ છે તો બીજી તે પછીની સમૃદ્ધિ અને વ્યવસ્થાની વિહારભૂમિ. બંને સુંદર, શુદ્ધ, સાર્થક છે. સ્વામી વિવેકાનંદે જે ધ્યેયને દૃષ્ટિ સમક્ષ રાખીને બેલુડ મઠની સ્થાપના કરી છે તે ધ્યેયને આજના યુવાનો તથા સંન્યાસીઓ ભૂલે નહિ અને ઉત્તમ પ્રકારની આત્મિક સાધના તથા સેવાભાવનાથી સંપન્ન બનીને જીવનની ને જનસમાજની કલ્યાણકારી કાયાપલટ કરવાની કોશિશ કરે તો પોતાનું ને બીજાનું શ્રેય સાધી શકે. સ્વામી વિવેકાનંદનો પ્રામાણિક પ્રખર પુરુષાર્થ ત્યારે જ સફળ બને.

એવા એવા વિચારોમાં સાંજ પડી ગઇ. હોડીમાં બેસીને અમે દક્ષિણેશ્વર પાછા આવ્યા. ભારત તેમજ સાધના સંબંધી વિવિધ વિચારો કરતો હું ભગવાન રામકૃષ્ણદેવના ગંગાતટવર્તી પવિત્ર ખંડમાં દર્શન માટે પ્રવેશ્યો.

 

 

Today's Quote

To observe without evaluating is the highest form of intelligence.
- J. Krishnamurti

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok