Saturday, July 04, 2020

ઘરેણાં વેચી દઈશું

દક્ષિણેશ્વરમાં એક બીજા ચિરસ્મરણીય અસાધારણ યોગ્યતાપ્રાપ્ત મહાત્માનો પરિચય પ્રાપ્ત થયો. એ મહાત્માનું પોતાનું કોઇ નિશ્ચિત નિવાસસ્થાન નહોતું લાગતું. ફરતાં ફરતાં તે દક્ષિણેશ્વર આવેલા. 'મા, મા' વિના બીજું કાંઇ બોલતા નહિ. એમની આંખ 'મા'ના પ્રેમજળથી સદાયે ભીની રહેતી. એ મહાપુરુષની અવસ્થા અતિશય ઉંચી હતી. એમની મધુમયી મંગળ મુખાકૃતિ અને એમના વિશદ વ્યવહાર પરથી એનું અનુમાન કરી શકાતું. એ લાલ રંગના વસ્ત્રો પહેરતાં અને દક્ષિણેશ્વર મંદિર તથા પંચવટી વચ્ચે આખો દિવસ આંટા મારતા. ભારતમાં એવા છૂપાં રત્નો અનેક છે. એમને આપણે જાણતા નથી કારણ કે પ્રસિદ્ધિની દુનિયાથી એ મોટેભાગે દૂર રહે છે. કેવળ પરમાત્માના પવિત્રતમ પ્રેમમાં મગ્ન હોય છે. એવી મગ્નાવસ્થાને જ પરમ શ્રેય કે પુરુષાર્થ માને છે. એવા અસાધારણ અવસ્થા પર પહોંચેલા સ્વાનુભવસંપન્ન સત્પુરુષો ત્યાગ, પ્રેમ, શાંતિ તથા પરમાત્મભાવના પ્રતીક હોય છે. માનવનું સર્વોત્તમ સદભાગ્ય હોય અને પરમાત્માની પરમ કૃપા થાય તો તેવા સત્પુરુષો અચાનક અથવા વિના શોધ જ મળી જાય છે. સારા સાધકોને તે સહાયતા પણ કરતા હોય છે. એમની એક જ દૃષ્ટિ, એમનો એક જ શબ્દ કે સ્પર્શ માનવના મનને પલટાવવા ને ધન્ય કરી દેવા માટે પૂરતો થઇ પડે છે. મારા જીવનમાં મને એવા લોકોત્તર મહાપુરુષો પોતાની મેળે મળ્યા છે. મદદરૂપ પણ બન્યા છે. એના પરથી આ કહી રહ્યો છું. એટલા માટે કે ભારતના આધ્યાત્મિક ધન વિશે આપણે વિપરીત વિચારો ના સેવીએ ને નિરાશ ના બનીએ, આપણે એક જ રમણ મહર્ષિ, યોગીવર અરવિંદ અથવા એવા સુપ્રસિદ્ધ સંતપુરુષને જાણીએ છીએ, પરંતુ ભારતમાં એવા પણ અપરિચિત અથવા ઓછા ખ્યાત પૂર્ણકામ પ્રાતઃસ્મરણીય પરમ વંદનીય મહાપુરુષો છે, જેમને કોઇએ અથવા અનેકે જાણ્યા નથી અથવા કોઇ જાણે એવી એમને આકાંક્ષા પણ નથી. આવા કપરા કાળમાં પણ ભારતમાં લોકોત્તર મહાપુરુષો પ્રકટે છે, તે વાત ભારતના ઉજ્જવળ આધ્યાત્મિક વારસાનું અને એના મહાન ભાવિનું દિગ્દર્શન કરાવે છે. આપણી આધ્યાત્મિક જવાબદારીને આપણે સમજવાની છે. એ જવાબદારીને સમજીને સામાન્ય જનતા સાચા મહાત્માઓની સેવાસહાયતા કરે તથા તેમના ઉપદેશોને જીવનમાં ઉતારે. એમ થાય તો જ આપણા મહાન દેશની શાન સંસારમાં વધી શકે. અને આપણું જીવન આધ્યાત્મિક તેમજ સાંસારિક રીતે સફળ થાય. જ્યારે સત્ય, ધર્મ અને સત્પુરુષોના સદુપદેશોની આધારશિલા પર આપણે જીવનની નવરચના કરવા માંડીશું ત્યારે આપણી બધી જ બદીઓ દૂર થશે અને માનવ તરીકે આપણે સમુચિત અથવા સંપૂર્ણ ગૌરવથી જીવી શકીશું.

એવા સાચા માનવો પણ છે. જેમ સાચા સંતોની અછત નથી તેમ સાચા માનવરત્નોનો પણ અભાવ નથી. પુલિનબાબુ અને એમના ધર્મપત્ની એવા જ સાચા સમુજ્જવલ માનવરત્નો હતા. દક્ષિણેશ્વરના દૈવી દિવસો દરમ્યાન એમની વિશિષ્ટતાનો વિશેષ પરિચય થતો રહ્યો.

દક્ષિણેશ્વરમાં શિયાળો પૂરો કરવાની ઇચ્છા હતી પરંતુ તે ઇચ્છા પાર પડી નહિ. ત્રણ ચાર દિવસમાં અચાનક દેવપ્રયાગ જવાની ઇચ્છા થવા માંડી. દક્ષિણેશ્વર કરતાં દેવપ્રયાગનું સ્થાન એકાંત અને વિશેષ શાંત હતું. વળી મારે જે જાતની સાધના કરવાની ઇચ્છા હતી તે માટેનો પુરુષાર્થ કરવા દેવપ્રયાગનું સ્થાન અધિક અનુકૂળ થઇ પડશે એવું લાગવા માંડ્યું. મેં મારો નિર્ણય પુલિનબાબુને જણાવ્યો. પુલિનબાબુ મારા નિર્ણયથી પ્રસન્ન તો ના થયા, તો પણ કાંઇ બોલ્યા નહિ. એમને મેં દેવપ્રયાગ જવા માટેના ખર્ચની વ્યવસ્થા કરવા જણાવ્યું. જાણતો હતો કે પુલિનબાબુ આર્થિક રીતે રંક છે. છતાં પણ મેં એની જવાબદારી એમને જ સુપ્રત કરી. દેવપ્રયાગ જવા માટે બધા મળીને ત્રીસેક રૂપિયા એકઠા કરવાના હતા.

બીજે દિવસે પુલિનબાબુએ જણાવ્યું : 'તમે જવાના છો એ જાણીને અમને બેચેની થાય છે. આટલા થોડા વખતમાં તમારે માટે પુષ્કળ પ્રેમ થયો છે. મારી પત્ની તો રડ્યા જ કરે છે. કાલે તમે મને પૈસાની વાત કરી એથી મને આનંદ અને દુઃખ બંનેનો અનુભવ થયો. તમારા જેવા મહાપુરુષને મદદ કરવાનું સદભાગ્ય સાંપડશે એવું સમજીને આનંદ થયો. પરંતુ મારી સ્થિતિ ઘણી જ ગરીબ છે એવું યાદ આવવાથી દુઃખ પામ્યો. કાલે ખાવાની વ્યવસ્થા કોણ કરશે ને કેવી રીતે કરશે એ પણ મારા ઘરમાં નક્કી નથી હોતું. દસેક વરસથી કોઇ ધંધો નથી. તે પહેલાં એક મિત્ર સાથે હું ભાગમાં ધંધો કરતો. પણ એણે વિશ્વાસઘાત કરવાથી ધંધાને છોડીને ઇશ્વરને આધારે જેમ તેમ કરીને જીવી રહ્યો છું.'

એ હકિકત મારા માટે તદ્દન નવી હતી. પરંતુ મારા મુખમાંથી જે શબ્દો નીકળ્યા એનો ઉપાય પણ શું ? ઇશ્વર એમને સાર્થક કરશે એવો મને વિશ્વાસ હતો. એ વિશ્વાસ મેં એમની આગળ રજૂ કર્યો. એ કહેવા માંડ્યા : 'ગઇકાલથી મને ખૂબ જ ચિંતા થતી હતી. મારા મનમાં એક જ વિચાર ઘોળાયા કરતો કે તમને મારાથી કેવી રીતે મદદ કરી શકાશે ? રાતે મને મારી પત્નીએ પૂછ્યું તો મેં મારી ચિંતાનું કારણ કહ્યું. મારા વદન પરથી તે મારી વ્યથાને સમજી ગયેલી. મારી સઘળી વાતને સાંભળીને તે શાંતિથી બોલી કે એમાં ચિંતા શું કરો છો ? આટલી નાની વાતમાં આવી ચિંતા હોય ? આપણી પાસે પૈસા નથી તે સાચું પરંતુ મારા ઘરેણાં તો છે. એ ઘરેણાં વેચીને આપણે મહાત્માજીને મદદ કરીશું. આપણું એવું સદભાગ્ય ક્યાંથી ?'

પુલિનબાબુ ભાવવશ બની ગયા ને બોલ્યા : 'મારી સ્ત્રી દેવી છે. એને લીધે જ આટલાં બધાં વરસો સુધી હું પૈસા વિના ટકી શક્યો છું. એણે જ મને કહેલું કે જે મિત્રે વિશ્વાસઘાત કર્યો છે તેને છોડી દો ને ઇશ્વર જેવા સદાના સાથીનું શરણ લો. આપણે એમની સેવા કરીશું તો એ આપણું ધ્યાન નહિ રાખે ? પાપીને પણ સુખે ખાવાનું મળી રહે છે તો એના શરણાગત ભક્તોને એ ભૂખે રાખશે ? હવે આપણે એમની જ સેવા કરીએ. બીજા કોઇની નહિ. ત્યારથી અમે રામકૃષ્ણદેવને ભજવા માંડ્યા અને અમારું નાવડું ખૂબ જ સરસ રીતે ચાલવા માંડ્યું. મારી પત્નીના પ્રભાવથી મેં વ્યસનો છોડ્યાં ને સંયમ પાળવા માંડ્યો. એ સ્ત્રી નથી દેવી છે. એના કહેવા પ્રમાણે અમે ઘરેણાં વેચીને પણ તમને મદદ કરીશું.'

મને એ બધું અજબ લાગ્યું. પુલિનબાબુ અને એમની ધર્મપત્નીની નિઃસ્વાર્થ સેવાવૃતિને વિચારીને મને એમને માટે અસાધારણ આદરભાવ ઉપજ્યો. મેં કહ્યું, 'નહિ, તમારે ઘરેણાં વેચવાની જરૂર નહિ પડે. ઇશ્વરની કૃપાથી કોઇક બીજો રસ્તો નીકળી જશે.'

એમને આશ્વાસન આપીને હું એમની સાથે જમવા ગયો.

મેં એમના ઘરમાં પ્રવેશ કર્યો એ પછી થોડા જ વખતમાં એક પુરુષે અંદર આવીને મને પ્રણામ કરીને પુલિનબાબુને પુછ્યું, 'મહાત્માજી ક્યાંથી આવે છે ?'

'હિમાલયથી.'

'હિમાલયથી ?'

'હા.'

'મારે એમની સેવા કરવી છે.'

પુલિનબાબુએ મારી સામે જોઇને જણાવ્યું, 'તમારી મરજી.'

પેલા પુરુષે ગજવામાંથી નોટોનું બંડલ કાઢીને પૂછ્યું કે કેટલી સેવા કરું ?

પુલિનબાબુ શાંત જ રહ્યા એટલે એણે પચીસ રૂપિયા અર્પણ કરીને નમસ્કાર કરીને સાયકલ પર ચઢીને વિદાય લીધી.

પુલિનબાબુની અને એમની પત્નીની આંખ ભરાઇ ગઇ.

'આ જ મારો પેલો મિત્ર.' પુલિનબાબુ બોલ્યા, 'મારી સાથે વિશ્વાસઘાત કરનારો. દસ વરસે એ આજે પહેલી જ વાર અહીં આવ્યો. અત્યાર સુધી અમારે બોલવાનો પણ સંબંધ ન હતો.'

મેં કહ્યું : 'ઇશ્વરની લીલા એવી અનોખી છે. તે ધારે તો મૂંગાને પણ બોલાવી શકે છે ને શત્રુને સુહૃદ કરે છે. તમે જે પરમકૃપાળુ પરમાત્માનું શરણ લીધું છે એમણે જ આ લીલા કરી છે. હવે તમારે ઘરેણાં નહિ વેચવા પડે. દૃઢ વિશ્વાસ તથા પ્રેમપૂર્વક ઇશ્વરની આરાધનામાં મશગૂલ રહેજો. તમે આજે ફરીવાર અનુભવ્યું કે ભક્તની બધી ચિંતા ભગવાનને હોય છે. એ એને સર્વાવસ્થામાં સર્વપ્રકારે સહાયતા પહોંચાડે છે. એનો અનુગ્રહ અદભૂત અથવા અલૌકિક હોય છે.'

જમ્યા પછી અમે દક્ષિણેશ્વરના પંચવટી સ્થાનમાં પહોંચ્યા. ત્યાં બીજે દિવસે સવારે એક સદગૃહસ્થે સ્વેચ્છાથી પુલિનબાબુને પાંચ રૂપિયા મદદના આપ્યા. એવી રીતે ત્રીસ રૂપિયાની પ્રાપ્તિનું લક્ષ્યાંક પૂરું થયું. બીજા કોઇની સહાયતાની અપેક્ષા ન રહી.

પુલિનબાબુ ખૂબ જ માયાળુ અને શ્રદ્ધાભક્તિસંપન્ન હતા. એમણે કહ્યું : 'મારી પત્નીની ઇચ્છા તમારી પાસે દીક્ષા લેવાની છે.'

મેં જણાવ્યું : 'એમને દીક્ષાની આવશ્યકતા જ ક્યાં છે ? તમે જેમનું શરણ લીધું છે તે ભગવાન રામકૃષ્ણદેવ પર જ શ્રદ્ધા રાખો. એમનાથી અધિક મદદ બીજું કોણ કરવાનું હતું ? એમનો આશ્રય લઇને પ્રેમપૂર્વક પ્રાર્થના, ધ્યાન જેવી સાધના કર્યા કરો. એમ કરવાથી એમના અનુગ્રહનો દેવદુર્લભ લાભ એક દિવસ અવશ્ય મળી રહેશે.'

મંદિરમાં દર્શન કરી, દક્ષિણેશ્વરના દિવ્ય સ્થાનને પ્રણામ કરી, અમે સ્ટેશન તરફ ચાલ્યા. મને ટ્રેનમાં બેસાડીને છૂટા પડતી વખતે પુલિનબાબુ ખૂબ જ ગદગદ બની ગયા. મારા મનમાં એ પ્રેમી દંપતિના સંસ્મરણો રમી રહ્યા અને પેલા સુંદર ચિરસ્મરણીય ભાવસભર શબ્દો 'ઘરેણાં વેચી દઇશું' અંતરમાં સદાને માટે અંકિત થયા. મેં મનોમન પ્રાર્થના કરી કે પ્રભુ ! તારા સાચા શરણાગત આત્માઓની ઉપર વિપત્તિઓનો વરસાદ વરસાવીશ નહિ. એમને સર્વપ્રકારે સહાયતા કરજે, રક્ષજે, અને તારી સંનિધિનું સુખ આપજે.

ફરીવાર મળીશ ત્યારે એ દંપતિને એમની સાધનામાં બનતી મદદ કરીશ એવો મેં નિર્ણય કર્યો. પરંતુ ... જીવનસિંધુમાં તરનારા લાકડાની પેઠે વિખૂટા પડેલા માનવોનો મેળાપ ફરીવાર ક્યારે થશે તેની ખાતરી ક્યાં છે ? કોને છે ?

એ પછી થોડા જ વખતમાં પુલિનબાબુનો સ્વર્ગવાસ થયો.

 

 

Today's Quote

Pain is inevitable. Suffering is optional.
- Dalai Lama

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok