Saturday, July 04, 2020

આલ્મોડાના આશ્રમમાં

માઇલોના લાંબા એકધારા પરિશ્રમપૂર્ણ પ્રવાસ પછી હું ફરી હિમાલયના પ્રશાંત પવિત્ર તીર્થસ્થાન દેવપ્રયાગમાં પહોંચી ગયો. આકાશને આલિંગન આપવાની આકાંક્ષાવાળા ઉત્તુંગ પ્રચંડકાય પર્વતોને પેખીને અને અલકનંદા તથા ભાગીરથીના સંગમસ્થળમાં સ્નાન કરીને અવર્ણનીય આનંદ થયો. પર્વતની સોડના શાંતાશ્રમમાં પ્રવેશ્યો ત્યારે અદભૂત શાંતિ થઇ. દક્ષિણેશ્વરમાં અનેક પ્રકારના અવનવીન અનુભવો થયેલા અને સમગ્ર સમય ઉલ્લાસ અને ઇશ્વરપરાયણતામાં વીતી ગયેલો. દેવપ્રયાગના આશ્રમમાં પહોંચીને મેં મારો બહુમૂલ્ય સમય ત્યાંના સ્વાનુભવોની સુખદ સ્મૃતિમાં અને પરમાત્માની સંવેદનસભર સતત પ્રાર્થનામાં પસાર કરવા માંડ્યો.

એ દિવસોમાં મને કોઇ પ્રાતઃસ્મરણીય સ્વાનુભવસંપન્ન સિદ્ધ મહાપુરુષના દર્શનની અને એમની અલૌકિક મદદ મેળવવાની લગની લાગી. મેં વાંચેલું કે રામકૃષ્ણ પરમહંસદેવે સ્વામી વિવેકાનંદના મસ્તક પર હાથ મૂકીને એમને સમાધિની અલૌકિક અવસ્થાનો અનુભવ કરાવેલો. એવા અલૌકિક શક્તિસંપન્ન સિદ્ધ પુરુષના સમાગમની મને ઇચ્છા થઇ. એવા સ્વનામધન્ય સિદ્ધપુરુષનો સમાગમ કંઇ સુલભ ન હતો. એને માટે પ્રામાણિકતાપૂર્વક પ્રખર પુરુષાર્થ કરવાની આવશ્યકતા હતી. મેં એવો પ્રેમપૂર્વકનો પુરુષાર્થ આરંભ્યો. જે કામને હું હાથમાં લઉં છું તેને પરિપૂર્ણ કરવા માટે બનતી બધી જ રીતે મહેનત કરવાનો મારો સ્વભાવ છે. એ સ્વભાવને અનુસરીને મેં પરમાત્માને પ્રાર્થના કરવા માંડી. ત્રણ ત્રણ દિવસના નિર્જળા ઉપવાસ પણ કરી જોયા. સિદ્ધ મહાપુરુષના મેળાપની લગની એવી ઉત્કટ, અસાધારણ, અવર્ણનીય હતી.

એ દિવસોમાં મને માતા આનંદમયીનો વિચાર આવવા માંડ્યો. માતા આનંદમયીનો મેળાપ ઇ. સ. ૧૯૪૩માં દેહરાદૂન અને રાયપુર બંને સ્થળે થયેલો. તે વખતે તેમણે સારો ભાવ બતાવેલો. એ મહાન સાધ્વીની સ્મૃતિ પુનઃ તાજી થઇ. એમનો આશ્રમ આલ્મોડામાં છે એવો મને ખ્યાલ હતો. અનુકૂળતા પ્રમાણે થોડાક દિવસો સુધી ત્યાં રહ્યા પછી કૈલાસ માનસરોવરની યાત્રાનો લાભ પણ લઇ શકાય તેમ હોવાથી મેં આલ્મોડા જવાનો નિર્ણય કરી લીધો.

જે દિવસે દેવપ્રયાગ છોડવાનું હતું તે જ દિવસે મને ધ્યાનાવસ્થામાં આદેશ મળ્યો કે જવા માંગો છો પણ મળશે નહિ. પછી તમારી ઇચ્છા. મને મારા આદેશોમાં અથવા આંતર-અવાજોમાં અતૂટ વિશ્વાસ હતો. મારું જીવન એને અનુસરીને જ ચાલ્યા કરતું. કોઇ વાર કોઇ અંતરાય આવતો, સંશય જાગતો, ગૂંચ ઊભી થતી, કે પ્રતિકૂળ પરિસ્થિતિ પેદા થતી, ત્યારે એ અલૌકિક અવાજ જ મને સંશયમુક્ત કરતો તથા દોરવણી આપતો. ઇશ્વરની અસાધારણ અચિંત્ય શક્તિ એવી રીતે મારું પથપ્રદર્શન કરતી. મારી સાધનાના શૈશવકાળથી જ, પૂર્વજન્મના પ્રબળ સુસંસ્કારોને લીધે અથવા અન્ય ગમે તે કારણવિશેષના પરિણામે એવી સ્વાનુભૂતિ મારે માટે સહજ બની ગયેલી. એ જ સ્વાનુભૂતિયુક્ત અલૌકિક અવાજે મને મહાન બનવાની, યોગી થવાની પ્રેરણા પૂરી પાડી, ઋષિકેશની દૈવી ભૂમિમાં ઇ. સ. ૧૯૪૦માં શાંતિ આપી, ઋષિકેશની ધર્મશાળા છોડાવી, અને એવા અનેક કલ્યાણકાર્ય એ અલૌકિક અવાજે જ સિદ્ધ કરેલાં. એને અનુસરવામાં જ મારું શ્રેય રહેતું.

પ્રસ્થાનને દિવસે વહેલી સવારે મેં દેવપ્રયાગના સુપ્રસિદ્ધ જ્યોતિષી ચક્રધરજીને પૂછી જોયું તો એમણે ગ્રહોની ગણતરી કરીને તરત જ જણાવ્યું કે આલ્મોડા જરૂર જાવ. ત્યાં માતા આનંદમયી તમને જરૂર મળશે. ગ્રહો બધા જ અનુકૂળ છે. તમે અહીંથી ત્યાં પહોંચશો અને એ બહારથી આશ્રમમાં આવશે. બંનેનો મેળાપ થશે.

ત્યારે હવે શું કરવું ? આલ્મોડા ના જવું ? અવાજ તો લગભગ એવા જ અર્થનો સંભળાયેલો. ના જશો એવું સ્પષ્ટ રીતે નહોતું કહ્યું. જવું હોય તો કશી હરકત નથી, પરંતુ જેને મળવાની ઇચ્છા છે તે મળશે નહિ એવું સાફ શબ્દોમાં સંભળાવેલું. મેં વિચાર્યું કે અનુકૂળતા છે તો આલ્મોડા જવામાં કશી હરકત નથી. માતા આનંદમયીનો મેળાપ કદાચ નહિ થાય તો પણ આલ્મોડાના પર્વતીય પ્રદેશનું દર્શન તો થશે જ. મનમાં જે આકાંક્ષોનો ઉદય થયો છે તેને પૂરી કરવાથી મન એમાંથી નિવૃત થઇને બીજા વિષયમાં લાગી જશે. એ આકાંક્ષા અધૂરી રહેશે ત્યાં સુધી મન એની પાછળ ફર્યા કરશે.

વિશેષ શંકા-કુશંકા કે અનાવશ્યક તર્ક-વિતર્કમાં પડવાને બદલે મેં ઇશ્વરની મંગલમયી કરુણામાં વિશ્વાસ રાખીને આલ્મોડા પહોંચવા માટે પ્રસ્થાન કર્યું.

એક બીજા દીર્ઘ પ્રવાસ પછી હું આલ્મોડા આવી પહોંચ્યો. દેવપ્રયાગથી મોટરમાર્ગે ઋષિકેશ તથા હરદ્વાર, હરદ્વારથી ટ્રેન દ્વારા બરેલી તથા કાઠગોદામ, અને ત્યાંથી મોટરમાર્ગે આલ્મોડા. દક્ષિણેશ્વરથી પાછા ફર્યા પછી દેવપ્રયાગમાં મેં મૌનવ્રત શરૂ કરેલું. એ વ્રત આલ્મોડાના પ્રવાસ સુધી ચાલુ રહ્યું. કાઠગોદામથી પ્રારંભાયેલા પર્વતોના સુંદર ચિત્તાકર્ષક વિસ્તૃત પ્રવાસ પછી જ્યારે પર્વતમાળા પર વસેલા એકાંત સ્થળ આલ્મોડામાં પ્રવેશ્યો ત્યારે સાંજના ચારેક વાગેલા.

ગઢવાલના પર્વતો કરતાં આલ્મોડાના પર્વતો વધારે વનસ્પતિવાળા અને રમણીય લાગ્યા, પરંતુ ગઢવાલનું પર્વતીય સૌંદર્ય અને પતિતપાવની ગંગાનું દર્શન ત્યાં નહોતું, એટલે એ પ્રદેશ સુંદર હોવા છતાં એટલો બધો સજીવ નહોતો. વાહનવ્યવહાર, રસ્તા, બાંધકામ - બધી રીતે એ પ્રદેશ આગળ વધેલો દેખાયો. પર્વતની ખીણમાં વસેલું ને વિસ્તરેલું આલ્મોડા શહેર ખાસ સુંદર, સુવ્યવસ્થિત, સફાઇદાર ના દેખાયું. શહેરની બહાર લગભગ એક માઇલ નીચે આવેલા પાતાળદેવી નામે સ્થાનમાં માતા આનંદમયીનો નાનો સરખો આશ્રમ હતો. ત્યાં જઇને હું આશ્રમના મુખ્ય અધ્યક્ષને મળ્યો. આશ્રમના મુખ્ય અધ્યક્ષ એક વૃદ્ધ પ્રૌઢાવસ્થા પ્રાપ્ત સંન્યાસી હતા. એમના તરફથી જાણવા મળ્યું કે માતા આનંદમયી છેલ્લાં બે વરસથી બહાર જ રહેતા હતા. એમનો આલ્મોડામાં આવવાનો કાર્યક્રમ નિશ્ચિત ન હતો. દેવપ્રયાગમાં સંભળાયેલો મારો અલૌકિક આત્મિક અવાજ એવી રીતે મારા અસાધારણ આશ્ચર્ય વચ્ચે સાચો પડ્યો, યથાર્થ ઠર્યો.

પાતાલદેવીનું સ્થાન સુંદર હતું. એની આસપાસ અસંખ્ય સુંદર ચિત્તાકર્ષક પર્વતમાળાઓ હોવાથી એ સ્થળ ખૂબ જ એકાંત અને આહલાદક લાગતું. એ વખતે માગશર મહિનો ચાલતો હોવાથી ઠંડી પુષ્કળ પ્રમાણમાં પડતી. એ સ્થાનમાં મને એક નાની ઉંમરના પરિવ્રાજક મહાપુરુષનો મેળાપ થયો. એ મહાપુરુષ કૈલાસ માનસરોવરના પવિત્ર પ્રદેશમાંથી પધારેલા અને પરમ તેજસ્વી, પ્રસન્ન તથા શાંત દેખાતા. પ્રથમ પરિચયે જ અમારી વચ્ચે સ્નેહનો સ્વાર્થરહિત શુદ્ધ સેતુ બંધાયો. એ મહાપુરુષ મૌનવ્રત પાળતા, પરંતુ પવિત્ર પ્રેમને વાણી સાથે એટલો સંબંધ નથી હોતો જેટલો અંતરાત્મા સાથે હોય છે, એટલે અમારા સાચા સ્નેહસંબંધમાં વાણીનું વ્યવધાન વચ્ચે ના આવી શક્યું.

આશ્રમમાં પહોંચીને અમે બંનેએ આશ્રમમાં રહેવાના પ્રબંધ વિશે પૂછ્યું. પરંતુ સંન્યાસી મહારાજે અમને સીધો ને સારો સંતોષકારક ઉત્તર ના આપ્યો. છેવટે મેં એમને માતા આનંદમયીના પૂર્વ પરિચયની ને બીજી કેટલીક વાતો કરી ત્યારે એ કાંઇક પીગળ્યા. એમણે અમારા શયન માટે ઉપર આશ્રમના હોલમાં વ્યવસ્થા કરી દીધી અને જમવા માટે આમંત્રણ આપ્યું. ભારતના એકાંતવાસી આશ્રમના સંચાલક દ્વારા સર્વતંત્ર સ્વતંત્ર સંન્યાસીઓની અને એમના આતિથ્યની અથવા માનવોચિત વ્યવહારની આ કેવી દશા ? અન્યને સ્નેહ સહિત સત્કારવાની વાત તો બાજુએ રહી પરંતુ કોઇ અજાણ્યા માહિતી માંગનારા આગંતૂકને જરૂરી માહિતી આપવા જેટલો વિવેક પણ એ નથી બતાવી શકતા. એનાથી અધિક આત્મિક અધઃપતન બીજું કયું હોઇ શકે ? માનવોચિત આદર્શ જીવનવ્યવહાર એ આધ્યાત્મિક જીવનનો મેરુદંડ છે. ત્યાગી તથા સંસારી, વિવિક્તવાસી કે વસ્તીની વચ્ચે વસનારા સૌને માટે આવકારદાયક છે. આદર્શ જીવન જીવનાર કે જીવવાનો પ્રામાણિક પ્રયત્ન કરનાર કોઇપણ એનાથી વંચિત ના રહી શકે. કોઇને પણ એનાથી વંચિત ના રહેવા દેવાય. એવા સંન્યાસીઓ આશ્રમની શોભા બનવાને બદલે શરમરૂપ થાય છે. એ વાત એમને સમજાય તો ? પરંતુ જ્ઞાનના તથા સર્વોત્તમ સદગતિના સદાના ઇજારેદાર જેવા કેટલાક સંન્યાસીઓ સમજાવટની શાંત સુમધુર શબ્દાવલિને સાંભળવા પણ તૈયાર નથી હોતા. એમની અંદર તિરસ્કાર, દંભ અને અહંકાર હોય છે. પરંતુ એમની સાથે પણ પ્રેમ, શાંતિ તેમજ સદભાવથી જ કામ લેવું પડશે.

પ્રેમની એ પવિત્ર રીતમાં અમે સફળ થયા. સંન્યાસી મહારાજે એથી પ્રભાવિત થઇને અમારો સામાન્ય સત્કાર કર્યો. રાત્રિની સર્વવ્યાપક શાંતિમાં આશ્રમની બેનોના સુમધુર સંગીતસ્વરો સંભળાવા લાગ્યા. આશ્રમના શ્રદ્ધાભક્તિ ભરપૂર રસોઇયાના સુંદર કંઠને તો અમે સંધ્યા સમયે જ સાંભળી ચુકેલા. એ સુધાસભર સંગીતસ્વરોના રસાસ્વાદને અનુભવતા અમે ભોજનવિધિમાંથી નિવૃત થઇને વિશ્રામ માટે વિદાય થયા.

વહેલી સવારે સંન્યાસી મહારાજ અમારી પાસે આવી પહોંચ્યા અને મારી સાથેના સાધુને કહેવા માંડ્યા : 'હવે આજે તો તમારે અહીંથી જવું જ જોઇએ. અહીં જમવાની સગવડ નહિ થઇ શકે. અમારે એક ઠેકાણે ભોજન સમારંભમાં આમંત્રણને આધીન થઇને જમવા જવાનું છે. અમે જઇએ એ પહેલાં તમે આ સ્થાનમાંથી વિદાય થાવ તો સારું.'

અમે એમનો આભાર માનીને ત્યાંથી તરત જ નીકળી પડ્યા. આશ્રમમાં વધારે રહેવાનો કશો અર્થ ન હતો.

કાઠગોદામથી ટ્રેનમાં બેઠો ત્યારે ટ્રેનના એ જ ડબ્બામાં એક સંતપુરુષનો પરિચય થયો. એ સંતપુરુષ એ બાજુના પ્રદેશમાં જ ક્યાંક નિવાસ કરતા અને ભક્તો તથા પ્રસંશકોની મંડળી સાથે ઉત્સાહપૂર્વક યાત્રાએ જઇ રહેલા. એમનું લલાટ વિશાળ, મુખમંડળ તેજસ્વી અને શરીર કૃશ હતું, તથા એમણે પીળાં વસ્ત્રો પહેરેલાં. મારી પાસે આવીને એમણે સ્મિત કરીને શાંતિપૂર્વક જણાવ્યું : 'તમારા પર માતા સરસ્વતીની કૃપા છે. એની કૃપાથી તમને કોઇ પ્રકારની આંચ નહિ આવે. એ તમારી સર્વપ્રકારે રક્ષા કરે છે.'

થોડીવાર પછી એમણે આગળ કહ્યું : 'તમે અત્યારે તમારા ઉત્તરાખંડના એકાંત આશ્રમમાં જઇ રહ્યા છો તે સારું છે. એ સ્થળ સર્વપ્રકારે અનુકૂળ છે.'

સંતપુરુષના સ્વાભાવિક રીતે ઉચ્ચારાયેલા એ શબ્દો પરથી એમની અસાધારણ શક્તિનો સહેજ છતાં સ્પષ્ટ ખ્યાલ આવ્યો. મેં એમને મનોમન અને પ્રેમપૂર્વક પ્રણામ કર્યા.

 

 

Today's Quote

When I admire the wonders of a sunset or the beauty of the moon, my soul expands in the worship of the creator.
- Mahatma Gandhi

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok