Saturday, July 04, 2020

અલૌકિક દીક્ષા

આલ્મોડાથી દેવપ્રયાગ પહોંચ્યા પછી પણ મારી આંતરિક વેદના કેમે કરી મટી નહિ. એ દિવસો લાંબી વેદનાના જ હતા. દિનરાત એક જ આદર્શનું ધ્યાન, એક જ ધ્યેયવસ્તુની ઝંખના, ને તે માટેની પ્રાર્થના એ મારો નિત્યક્રમ હતો. એવા ક્રમ વિના સાધના સફળ થઇ શકતી નથી. જેણે કંઇ પણ કરવું છે તેણે બીજી બધી જ વાતોને છોડીને ધ્યેયપરાયણ થઇ જવું જોઇએ. એવી તલ્લીનતાની આવશ્યકતા સાધનામાં સૌથી વધારે છે. તેલની ધારાની જેમ મન એકાકાર બનીને અસ્ખલિત રીતે વહેવું જોઇએ. તો જ ધ્યેયવસ્તુ મળી શકે છે. આધ્યાત્મિક માર્ગમાં જેમણે કંઇ પણ નક્કર પ્રાપ્ત કર્યું છે તેમણે એવી સતત સાધના દ્વારા જ તે મેળવ્યું છે.

એ દિવસોમાં એક બીજી ઘટના બની. શાંતાશ્રમમાં વધારો કરવાનો એટલે તેમાં ઉપર નીચે બે ઓરડી બાંધવાનો નિર્ણય ચક્રધરજીએ કર્યો. નીચેની ઓરડી તો હતી જ. હવે ઉપર એક ઓરડી માટે કામ ચાલવાનું હતું. ઓરડી કાંઇ સુંદર ન હતી. પહાડી નમૂનાનું તે નાનું સરખું મકાન હતું. બારીબારણાંનું પણ તેમાં બરાબર ઠેકાણું ન હતું. છતાં આશ્રમ પૂરતું ઠીક હતું. નવી ઓરડી એટલા માટે થતી હતી કે ઉપર રહીને હું સાધનાત્મક અભ્યાસ કરી શકું અને નીચેની ઓરડી સામગ્રી રાખવા ને ભોજનખંડ તરીકે કામ લાગે.

એને માટે મારે સ્થાનાંતર કરવું પડ્યું. આશ્રમમાંથી નીચે દેવપ્રયાગનિવાસી મગનલાલના એક અલાયદા મકાનમાં રહેવાનું ઠર્યું. એ સ્થાનમાં પણ મને અનુકૂળતા રહી ને મારી સાધના સારી પેઠે થવા માંડી. દિવસ રાત ક્યાં ચાલ્યા જતા તેની મને ખબર ના પડતી. એટલી બધી સાધના માટેની તન્મયતા મારામાં પેદા થઇ હતી. રાતનો સમગ્ર સમય તે દિવસોમાં હું વધારે ભાગે બેસીને જ પસાર કરતો.

મગનલાલના મકાનમાં આશ્રમ બંધાઇ રહ્યો ત્યાં સુધી - એટલે લગભગ એક થી દોઢ મહિનો રહેવાનું થયું. એ દરમ્યાન એક અદભૂત પ્રસંગ બન્યો ને એ રીતે પ્રભુએ મારી ઇચ્છા પૂરી કરી.

તારીખ ૧૯ એપ્રિલ, ૧૯૪૬નો દિવસ હતો. રાતે ધ્યાનમાં બેઠો હતો. વચ્ચે જ્યારે જાગૃતિ આવતી ત્યારે પ્રાર્થના કરતો ને ફરી દેહભાન ભૂલાઇ જતું. અચાનક ધ્યાનાવસ્થામાં એક અવધૂત મહાપુરુષનું દર્શન થયું. તે બિલકુલ નગ્ન હતા. તેમના શરીરે અનેક માખી બણબણતી. તેમને મેં પ્રણામ કર્યા. તેમણે મારે માથે હાથ મૂક્યો. મને સમાધિ જેવું થઇ ગયું. એની સાથે જ બીજે હાથે તેમણે મારી પીઠ પાછળનો ભાગ - મૂલાધાર ચક્રનો ભાગ - દબાવ્યો. જ્યારે હું જાગ્યો ને મને ભાન આવ્યું ત્યારે તેમનો હાથ મૂલાધાર ચક્ર પરથી તેમણે લઇ લીધો. ત્યાં લગી તેમણે મૂલાધાર પર અંગૂઠો દબાવ્યો હતો.

સમાધિ દશાનો એ અનુભવ આશરે બે-અઢી કલાક રહ્યો હશે. એવા જ અનુભવને મેળવવાની મારી દિવસોથી ઝંખના હતી. ઇશ્વરની કૃપાથી તે સફળ થઇ. મને જાણે કે નવી જાતની દીક્ષા મળી ગઇ. મને ભાન આવ્યું ત્યાં સુધી તે મહાપુરુષનો અંગૂઠો મારી પીઠ પાછળ દબાવેલો જ હતો.

મારી ઓરડીમાં કોઇ મહાત્મા દેખાયા નહિ પણ મને અતિશય આનંદ થયો. જેને માટે હું કેટલાય દિવસથી તલસતો હતો તે વસ્તુ આમ અચાનક પ્રાપ્ત થઇ. એ પ્રસંગ બ્રાહ્મમૂહુર્ત દરમ્યાન બન્યો હતો. દીક્ષા આપનાર એ મહાત્મા કોણ હશે ? હું તો તેમને ક્યાંય મળ્યો નથી. શું તે કોઇ જીવનમુક્ત સિદ્ધ યોગીવર હશે ? કે કરુણાળુ પ્રભુ પોતે જ આ રીતે મને મદદ કરવા અને શાંતિ આપવા પધાર્યા હશે ? તે તો તે જ જાણે છે. પણ આ બનાવ પછી મારી પ્રસન્નતાનો પાર ના રહ્યો. મને થયું કે હવે મારી ઇચ્છા પૂર્ણ થશે, ધ્યાનમાં મદદ મળશે, પૂર્ણતા સાંપડશે, શક્તિ મળશે, ને બધી રીતે પૂર્ણ બનીને ઇશ્વરેચ્છા હશે તો અન્યને સહાય કરવા ને શાંતિસંદેશ દેવા હું નીકળી શકીશ. પરંતુ મારે હજી કેટકેટલા અવનવા અનુભવો કરવાના હતા તેની મને ખબર ન હતી. એ અનુભવો તો મારી યોગી થવાની ઇચ્છા પૂરી કરવા જ 'મા' દ્વારા કરાવાતા હતા. તેમાંથી મુક્ત અને તુષ્ટ થઇને મારે જીવનના સાફલ્ય માટે તે 'મા'નું જ શરણ લેવાનું હતું. તે વખતે મને તેની કલ્પના ન હતી. જેમ જેમ વખત વીતતો ગયો તેમ તેમ તે બધું સમજાતું ગયું.

મારા જીવનમાં મને એવા અલૌકિક અનુભવો અનેક થયા છે. પણ તેમને જાહેર કરવાની મારી મુદ્દલ ઇચ્છા નથી. તેની જરૂર પણ નથી. આવા અનુભવો પણ નાછૂટકે જ લખું છું. મારી મોટાઇ બતાવવા આ લખતો નથી. તેની કલ્પના સરખી મને નથી. છતાં કોઇને તેવી ગંધ આવે તો લાચાર છું. તેવા માણસોએ હૃદયશુદ્ધિ કરીને વધારે સરળ ને નિષ્કપટ બનવું જોઇએ. તેથી તેઓ ખોટી કલ્પનામાંથી મુક્ત થઇ શકશે. બાકી મારા જીવન પર મારે ઉડતો દૃષ્ટિપાત કરવો હોય તો સત્યને પક્ષે ઉભા રહી, નિઃસ્વાર્થભાવે કેવળ લોકહિતને માટે કે પ્રભુની ઇચ્છા પૂરી કરવા માટે મારે કેટલીક સત્યઘટનાઓનો ઉલ્લેખ કરવો જરૂરી બનશે. આ મારી બડાઇ નહિ, પરંતુ ઇશ્વરી કૃપાનું મહિમાવંતુ જયગાન છે. બનતા સંયમે નિખાલસ હૃદયે હું તે ગાઇ રહ્યો છું.

પ્રભુની પરમ કૃપાથી એ રીતે મારી કોઇ સિદ્ધપુરુષ દ્વારા દીક્ષા લેવાની લાંબા વખતની ઇચ્છા પૂરી થઇ. મને ખૂબ જ આનંદ થયો. થાય જ ને ? એ ઇચ્છાની તૃપ્તિ માટે મેં વારંવાર ઉપવાસ કર્યા હતા, દિવસો સુધી આંસુ સાર્યાં હતાં ને પ્રાર્થનાનો આધાર લીધો હતો. પ્રભુની કૃપાથી શું નથી થતું ? માણસની બધી જ ઇચ્છા ને આકાંક્ષા તેથી પૂરી થઇ શકે છે. ફકત શ્રદ્ધા ને લગન જોઇએ. તેનો અભાવ હોવાથી જ ઘણાખરા સાધકો સાધનાના માર્ગમાં નાસીપાસ થાય છે, નિષ્ફળ જાય છે, ને પરિણામે આ માર્ગ જ ખોટો છે એવા ઉતાવળિયા આધાર વિનાના અભિપ્રાયો આપવા માંડે છે. એથી સાધના ને સાધકની કુસેવા થાય છે. જેની નિષ્ઠા સાચી છે તેને પ્રભુની મદદ - મહાપુરુષોની મદદ જરૂર મળી રહે છે. મારી એ ખાતરી છે.

પહેલાંના વખતમાં દીક્ષા આવી રીતે અપાતી. સંકલ્પ, શબ્દ કે સ્પર્શ દ્વારા મહાપુરુષો સાધકની સુષુપ્ત શક્તિને જાગ્રત કરતા અને એને ઉંચી દશાએ લઇ જતા. આજે એવા મહાપુરુષો અને અધિકારી સાધકો ઓછાં છે છતાં કોઇકવાર તેમનું દર્શન થઇ જાય છે. મારા જીવનના આ અનુભવ પરથી સૌને તેનો ખ્યાલ આવશે.

 

 

Today's Quote

When I admire the wonders of a sunset or the beauty of the moon, my soul expands in the worship of the creator.
- Mahatma Gandhi

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok