ચંપકભાઈનો પત્ર

દેવપ્રયાગના શાંતાશ્રમનું મકાન તો બંધાઇ ગયું પરંતુ મારાથી એમાં તાત્કાલિક રહી શકાયું નહિ. દશરથાચલ પર્વત પરના દિવસો દરમ્યાન તથા બદરીકેદાર યાત્રામાં મારી સાથે હતા તે પ્રેમીભાઇ ચંપકભાઇને ક્ષયરોગ થયેલો. તે સીમલા હીલ્સમાં ધરમપુરમાં જઇને ટી. બી. સેનેટોરિયમમાં દાખલ થયેલા. તેમની તીવ્ર ઇચ્છા હતી કે હું તેમની પાસે જાઉં તો તેમને શાંતિ મળે. એક દિવસ અચાનક એમનો પત્ર આવ્યો. એમાં એમણે લખેલું :

રવિવાર

તા. ૨૫ ફેબ્રુઆરી ૧૯૪૫

પૂજ્ય ગુરુદેવ,

સંબોધન તમને ગમશે નહિ પરંતુ પરભવનો સંબંધ કેમ તૂટી શકે ? તમારા જ વિચાર કરતાં હું દિવસ કાઢું છું. તમારે મારા સમાચાર જાણવા છે ? એ બહુ ગમે તેવા નથી.

તમારા કહેવાથી આપણે સાથે ઘેર જવાનું ઠરાવ્યું અને હું કપડાં લેવા ગયો ત્યાં માંદો પડ્યો. તમે મને મૂકીને ચાલ્યા ગયા. કોને ખબર કે એમાંય વિઘ્ન આવશે ? મને મુંબઇથી ખબર મળ્યા તે પરથી હું ત્યાં તમારી પાસે ના આવતાં સીઘો આ તરફ આવ્યો. ખરાબ તબિયત હોવા છતાં પંદર દિવસ તમારી રમણ મહર્ષિ આશ્રમમાં રાહ જોઇ. મેં નારાયણભાઇને પત્ર લખીને બધું વિસ્તારથી જણાવ્યું હતું કે તમને જાતે જઇને તેડી લાવીને પણ અહીં મોકલે. તમે આવશો જ સમજી મેં તો ત્યાં ના મળી શકે છતાં સ્વતંત્ર ઘર વસાવવા ઘર પણ નજીકમાં શોધી રાખ્યું હતું.

મેં માતાજીને પૂછ્યું કે તમે થોડો વખત મારી સાથે રહેશો ? બને તો આપણે એવું સ્થળ પસંદ કરીશું જ્યાં તમે પણ આવવાનું પસંદ કરો. એનો કશો જવાબ આવ્યો હશે તો નારાયણભાઇ પર આવ્યો હશે. મને હજુ મળ્યો નથી. વખત જાય છે તેમ ફરવાનું પણ શક્ય રહેશે ? એમ ડર લાગે છે. ઇશ્વર બળવાન છે. કશોક ચમત્કાર કરીને પણ એનો આપણને ભેગા કરવાનો કશોક હેતુ હશે. શરીર સુધરી જશે.

હવે તમને મારા પર થોડી દયા આવે તો એવા ઇરાદાથી આ પત્ર લખું છું.

બીજું તો બધું ભલે ઇશ્વરની ઇચ્છા પ્રમાણે થાય, માંદગીમાં બુદ્ધિ ઇશ્વરમય બની રહે અને મન ભક્તિમાં લાગ્યું રહે, એટલા માટે મને તમારી સોબતની અત્યંત તીવ્ર ઇચ્છા થયા કરે છે. તમે તો રહ્યા વિરક્ત. પ્રેમનું આટલું બંધન માનો તો કોણ જાણે.

હું તાવથી હારીને આખરે પાછો મદ્રાસ આવ્યો. ત્યાંથી ફરીવાર એક મુંબઇ જતા મિત્ર સાથે નારાયણભાઇ પર પત્ર આપ્યો કે જાતે વડોદરા કે સરોડા જઇને તમને મારા બધા સમાચાર આપે. એનો પણ કશો ઉત્તર ના મળ્યો. મારી તબિયત ઘણી ખરાબ છે. મારી પાસે સારવાર કરે તેવું પણ કોઇ જ નથી. બધા જ દૂર દૂર છે અને તેડાવ્યા છતાં કોઇ સગું થતું નથી. ખબર પણ જાણવા પત્ર સુધ્ધાં લખતું નથી. માંદગીનું પરિણામ શું આવશે તે કોણ જાણે. મને લાગે છે કે ઇશ્વરની દયા હશે તો સારું થઇ રહેશે. (કોઇવાર નિરાશા પણ આવે છે.)

વળી તમે કહેલું કે આપણો ગતજન્મનો સંબંધ ખબર નથી. એટલે તમે એમ કહો છો કે આપણે જુદાં પડીશું પણ તે સાચું નથી. તમારા એ શબ્દોને યાદ કરીને મનમાં ઠસાવું છું કે ગયા ભવમાં તો મેં કશું સિદ્ધ કર્યું લાગતું નથી. એ અધૂરો પુરુષાર્થ આ ભવે આગળ વધવાનો હશે. જો એમ હોય તો આ શરીર એટલું વહેલું ના જ છૂટવું જોઇએ. આ પત્ર પણ કોણ જાણે તમને ક્યારે મળશે અને હું તમારો જવાબ ક્યારે પામીશ. એટલા દિવસ કાઢવા ધીરજ રહેતી નથી. પણ શું થાય ? મારી કોઇ સૂચનાનો કોઇ અમલ જ કરતું નથી એટલે તમને તાર કરીને કેવી રીતે વહેલા ખબર પહોંચાડી શકું ? તમારું સરનામું પણ હું જાણતો નથી.

હું અધીરો થઇ જાઉં ને વિશ્વાસ ખોઇ બેસું તો ગાળેલા દિવસોનો સત્સંગ લજવાય. એટલે મનને મજબૂત કરીને ઇશ્વરની લીલાને અનુભવું છું. હું જાણું છું કે એ બધું નજીક લઇ જવા અને વાસનાઓમાંથી મુક્તિ અપાવવા માટે જ હશે. છતાં કોઇવાર ગભરામણ થાય છે. કોઇ સત્સંગ કરાવે એવો સાથી પણ નથી મળતો. મા, તારી આવી દયા કઇ જાતની ? ભક્તિમાંથી પણ ગયો ?

ખેર, તમે બહુ ચિંતા ના કરતા. ઇચ્છા થાય તો મારા આરોગ્ય માટે 'મા' પાસે દયા માગજો અને તમે મારી પાસે આવી પહોંચો એટલું તો હું હક સમજી માંગું છું. એ હક સાચો છે કે નથી તે હું નથી જાણતો. તમારા પર મારો હક હોય તો વિના વિલંબે મને શોધીને પહોંચી જજો. પરંતુ હું ઉદાસ તો નહિ જ થાઉં. કારણ કે પરીક્ષામાં નાપાસ થયા પછી શું મોઢું લઇને તમને બોલાવું, ખરુંને ? ત્યારે મારા અત્યંત પ્રેમપૂર્વકના પ્રણામ.

એટલે ચંપકભાઇને મદદરૂપ થવાશે અને એક નવા વાતાવરણનો અનુભવ થશે એમ માનીને ધરમપુર જવાનો નિર્ણય કર્યો.

 

 

Today's Quote

Prayer is the key of the morning and the bolt of the evening.
- Mahatma Gandhi

prabhu-handwriting

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.