Saturday, August 15, 2020

ચંપકભાઈનો ક્ષયરોગ મટ્યો

 સિમલાની પ્રશાંત પર્વતમાળામાં આવેલા ધરમપુરના સુપ્રસિદ્ધ ટી. બી. સેનેટોરિયમમાં પહોંચ્યો ત્યાં સુધી મારે મૌનવ્રત ચાલતું હતું. આલ્મોડાથી પાછા ફર્યા પછી તરત જ મેં મૌનવ્રત શરૂ કરેલું. તે ધરમપુરમાં એકાદ બે દિવસ પછી પૂરું થયું.

પર્વતની ખીણમાં ચીડ અને દેવદારના વૃક્ષોની વચ્ચે વસેલું સેનેટોરિયમ ખૂબ જ સુંદર અને આહલાદક લાગ્યું. ત્યાં પહોંચીને મેં ચંપકભાઇને શોધી કાઢ્યા. એક ખંડમાં એ પલંગ પર સૂતેલા. એમનું શરીર અશક્ત હતું. મને અવલોકીને એમને આનંદ થાય એ સ્વાભાવિક હતું. મને પોતાને પણ એમને એવી અસહાય અવસ્થામાં મળવાથી સંતોષ થયો. દેવપ્રયાગથી ધરમપુર સુધીનો પ્રવાસ સરળ તથા સુખમય નહોતો. તો પણ એ પ્રવાસ સફળ તેમજ સાર્થક છે એવું લાગ્યા વિના ના રહ્યું.

બીજે દિવસે ચંપકભાઇએ પોતાની વીતી ટૂંકમાં કહી સંભળાવી. અત્યારે એમની અવસ્થા એકદમ નાજુક હતી. એક ફેફસું તદ્દન બગડી ગયેલું. બીજું ફેફસું પણ દિનપ્રતિદિન બગડતું જતું'તું. ડોક્ટરે એમને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધેલું અથવા એમ કહો કે આખરીનામું આપેલું કે રોગને મટવાનો સંભવ જરા પણ નથી. લોહી તદ્દન ખરાબ થઇ ગયું છે. હવે એમણે જીવનની આશાને છોડી દઇને સારી રીતે શાંતિપૂર્વક મરવાની તૈયારી કરવા માટે સેનેટોરિયમને મૂકીને ઘેર જવું પડશે. બીજા પંદર દિવસે તેમની પરીક્ષા ફરીવાર થવાની હતી. તેમના ફેફસાંનો ફોટો લેવાનો હતો. તેમણે બચવાની આશા સંપૂર્ણપણે છોડી દીધેલી. એમની નિરાશાનો, પીડાનો પાર ન હતો. એ પીડા તથા નિરાશા મારી આગળ ઠાલવી બતાવીને મારી મદદ માગી.

મારા પર તેમને પુષ્કળ પ્રેમ હતો એ સાચું, પરંતુ મારામાં કોઇ ચમત્કાર કરવાની શક્તિ ન હતી. મારાથી એમને હિંમત આપવાનું ને એમને માટે પરમકૃપાળુ પ્રેમસિંધુ પરમાત્માને અંતરના અંતરતમમાંથી કેવળ પ્રેમયુક્ત પ્રાર્થના કરવાનું બની શકે તેમ હતું. મેં તેમને બનતી હિંમત આપવા માંડી. તેમને પરમાત્માની પરમકૃપાથી ટી. બી. તદ્દન મટી જશે એવી ઉત્સાહોત્પાદક ખાતરી આપી અને પરમાત્માનું સ્મરણ કરવા જણાવ્યું. જે પરમાત્મા મૂંગાને વાચાળ બનાવે ને પંગુને પર્વત પરથી પસાર થવાની શક્તિ આપે એ બીજું શું ના કરી શકે ? એમને માટે કશું જ અશક્ય નથી. એ સર્વતંત્ર સ્વતંત્ર તેમજ સર્વસમર્થ છે. એવા એવા વિચારોને વહેવડાવીને મેં તેમને ધીરજ આપી. રોજ રાત્રે એમના શિર પાસે બેસીને એમના શરીર પર હાથ ફેરવતાં મેં એકાદ કલાક સુધી નિયમિત રીતે પ્રેમપૂર્વક પ્રાર્થવાનું ચાલુ રાખ્યું. એ પ્રાર્થના એટલી બધી ઉત્કટતાથી અને સાચા દિલથી થતી કે મારી આંખમાંથી તે વખતે બોર જેવડા આંસુ ટપકતાં. મેં તેમને હિંમત આપતા કહેવા માંડ્યું કે પંદર દિવસે ડોક્ટર તપાસવા બોલાવશે ત્યાં સુધીમાં તો પરમાત્માની કૃપા થશે તો તમારું ફેફસું સુધરી જશે, લોહી સારુ થશે ને ડોક્ટરને પણ તેમનો અભિપ્રાય બદલવાની ફરજ પડશે.

'એવું કેવી રીતે બની શકે ?' તે સ્વાભાવિક રીતે શંકા કરતા, 'એવું થાય તો મોટો ચમત્કાર કહેવાય.'

'પરમાત્માની કૃપાથી સર્વ કાંઇ થઇ શકે છે. આપણે જેની કલ્પના કરીએ તે અને જેની કલ્પના ના કરી શકીએ તે પણ. પરમાત્મા ધારે તો ગમે તેવો નાનો કે મોટો ચમત્કાર સર્જી શકે છે. આપણું કામ તેમને પ્રાર્થવાનું ને પ્રેમપૂર્વક પ્રાર્થતા રહેવાનું છે. કૃપા કરવી કે ના કરવી એ એમના હાથની વાત છે. આપણે અંતરના ઊંડાણમાંથી પ્રાર્થીએ તો તે કૃપા કરે જ. આપણામાં ફકત વિશ્વાસ, ધીરજ ને હિંમત જોઇએ.' હું કહેતો.

એમને આનંદ અને આશ્ચર્ય બંને થતાં. અધિક આશ્ચર્ય તો થોડાક દિવસ પછી ડોક્ટર આવ્યા ત્યારે થયું. ડોક્ટરે એમને જણાવ્યું : 'તમારું લોહી તદ્દન સુધરી ગયું છે એ જોઇને મને આશ્ચર્ય થાય છે. એવું કેવી રીતે બની શક્યું ? અમે તો હાથ ધોઇ નાખેલા. હવે તમારે અથવા અમારે નિરાશ થવાનું કોઇ જ કારણ નથી. તમારા ફેફસાંમાં પણ સારો સુધારો થયો છે.'

બીજા પંદર દિવસ પછી એમના બંને ફેફસાં સુધરી ગયાં. ડોક્ટરે એમને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે હવે તમે બચી ગયા. તમારું જીવન લાંબુ થયું. પરંતુ અમારી દૃષ્ટિએ તો આ એક મોટો ચમત્કાર કહેવાય. આવો અસાધારણ ચમત્કાર કેવી રીતે બની શક્યો ?

ચંપકભાઇએ એમને મારી અને મારી દ્વારા કરાતી પ્રેમપૂર્ણ પ્રાર્થનાની વાત કહી સંભળાવી. તો એમણે કહ્યું : 'ખરેખર એ ઇશ્વરની કૃપા જ કહેવાય. ઇશ્વરની કૃપા સિવાય સંતસમાગમનો એવો સુયોગ ભાગ્યે જ સાંપડી શકે.'

અને થોડીક વાર વિચારીને વિનોદમાં બોલ્યા : 'મને પણ સંતો પ્રત્યે પ્રેમ અને શ્રદ્ધા છે. મારા માતાપિતા તરફથી ધાર્મિક સંસ્કારોની પ્રાપ્તિ થઇ છે. પરંતુ સેનેટોરિયમમાં આવી રીતે જો સંતમહાત્માઓ આવવા માંડશે તો પછી અમારો ભાવ કોણ પૂછશે ? અમારે ઘેર બેસવું પડશે.'

 

 

Today's Quote

Let us not pray to be sheltered from dangers but to be fearless when facing them.
- Rabindranath Tagore

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok