Saturday, July 04, 2020

ધરમપુરના સેનેટોરિયમમાં

 ગમે તેમ પણ ચંપકભાઇની ચિંતા ટળી ગઇ. એ બધું પરમાત્માના અસાધારણ અનુગ્રહનું પરિણામ હતું. આપણા દુઃખ તથા દરદને જોઇને ગભરાવાનું કોઇ કારણ નથી. કારણ હોય તો પણ ગભરાવાથી કોઇ હેતુ નહિ સરે. દુઃખના નિવારણ અને સર્વપ્રકારના વ્યાધિની મુક્તિ માટે એક ઇશ્વરનું શરણ લેવાની આવશ્યકતા છે. એ શરણ સાચા દિલથી લેવાવું જોઇએ. એની પાછળ સરળતા તથા નિષ્કપટતા હોવી જોઇએ. એનો અર્થ એવો નથી કે દુઃખમાં જ ઇશ્વરનું શરણ લેવું જોઇએ. સુખ તથા દુઃખની પ્રત્યેક પરિસ્થિતિમાં આપણે ઇશ્વરપ્રેમથી પ્રેરાઇને ઇશ્વરની અધિકાધિક કૃપા માટે તલસવું જોઇએ. છતાં દુઃખનિવારણ માટે લેવાયેલું ઇશ્વરશરણ પણ વૃથા નથી. પરંતુ એ શરણ દુઃખના નિવારણ પછી પણ જીવનમાં સદાને માટે ચાલુ રહેવું જોઇએ. ઇશ્વર સર્વસમર્થ છે. એમને પ્રાર્થવાથી ને પોકારવાથી માનવમાં નાનામોટાં બધાં જ દુખદર્દ મટી શકે છે. સૌથી મોટો ભારેમાં ભારે ભવરોગ પણ ટળે છે, એવું સમજીને સૌએ વધારે ને વધારે શ્રદ્ધાભક્તિપૂર્વક ઇશ્વરસ્મરણ કરવું જોઇએ. પરંતુ માનવ સાચા વૈદ કે ડોક્ટરને ભૂલી જાય છે એટલે સાચી દવા પણ એના ખ્યાલમાં આવતી નથી. પરિણામે તે ગભરાય છે ને દુઃખના નિવારણ માટે મિથ્યા ઉપાયોને અજમાવે છે. એથી બાહ્ય વ્યાધિ કદાચ ટળે તોપણ આંતરિક વ્યાધિ નથી ટળતો. એ વ્યાધિને મટાડવામાં પરમ પુરુષાર્થ રહેલો છે. એટલાં માટે બહારના ઔષધોને અજમાવવાની સાથે સાથે માનવે ઇશ્વરનાં અનુસંધાનનું અને એના પરિણામે પ્રાપ્ત કરાતી ઇશ્વરની કૃપાનું અલૌકિક ઔષધ અજમાવવાની આવશ્યકતા છે.

ડોક્ટરના સારા સાનુકૂળ અભિપ્રાયથી ચંપકભાઇને અતિશય આનંદ થયો. મેં એમને કહ્યું : 'હવે હિંમત ના હારશો. હજુ તો તમારે લગ્ન કરવાનું છે, અને તે પણ બને તો આ શિયાળામાં જ કરવાનું છે.'

મારા શબ્દોને સાંભળીને તે ચમક્યા. ટી. બી. થયેલો માણસ લગ્ન કરવાનો વિચાર પણ કરી શકે ? અને એવો વિચાર કરીને લગ્ન કરવા તૈયાર થાય તો તેને સંમતિ તથા સહકાર કોણ આપે ?

મેં એમની પાસે એમણે વરસો પહેલાં પસંદ કરેલી કન્યાને પત્ર લખાવ્યો. કન્યાનો પ્રત્યુત્તર પણ આવી ગયો. કન્યાનું મનોબળ પણ ખૂબ જ મજબૂત હતું. એણે ચંપકભાઇને ક્ષય રોગ લાગુ પડ્યો છે એવું જાણવા છતાં અને સગાંસંબંધીઓએ સમજાવવા છતાં ચંપકભાઇ સાથે જ લગ્ન કરવા અને લગ્ન ના જ થાય તો આજીવન અવિવાહિતા રહેવાનો નિર્ણય કરેલો. પાછળથી એ જ કન્યા કનકબેન સાથે એમનું લગ્ન થઇ ગયું. આ સંસારમાં ઇશ્વરની કૃપાથી શું નથી થઇ શકતું ?

ધરમપુરના નિવાસ દરમ્યાન એમને હું મારી અભિનવ વિચારસરણીથી પરિચિત કરતો. એક મહાન પરમાત્માના પરમ કૃપાપાત્ર પૂર્ણ સિદ્ધપુરુષના રૂપમાં વિકાસ કરીને હું માનવકલ્યાણના સેવાકાર્યમાં પ્રવેશવા માંગુ છું તે જાણીને તેમની પ્રસન્નતાનો પાર ના રહેતો. તો પણ મારી ધારેલી શક્તિ ને વિકાસની અસાધારણ અવસ્થાની ઉપલબ્ધિ કરીને હું લોકકલ્યાણનું ઉત્તમ કાર્ય કરી શકીશ કે કેમ તે વિશે તે વારંવાર શંકા કરતા. એ દિવસોમાં એક રાતે એમને એક અવનવો અનુભવ થયો. બીજે દિવસે સવારે તે કહેવા માંડ્યા : 'કાલે રાતે આપણે વાતચીત કરી અને તમે સૂવા માટે ગયા તે પછી મને તમે વ્યક્ત કરેલા વિચારોમાં શંકા થવા માંડી. એ વખતે મને અચાનક તમારું સ્વપ્નું આવ્યું. તમે અત્યંત તેજોમય સ્વરૂપે શાંતિપૂર્વક બેઠેલા. મારા અંતરમાં અવારનવાર એવી જ ભાવના જાગ્યા કરતી કે તમે જે કહો છો તે સાચું થવાનું છે. એમાં શંકા કરવાનું કોઇ જ કારણ નથી. ત્યારથી મારી સંશયવૃતિ શાંત થવા લાગી છે.'

થોડાક વખત પછી તેમણે આગળ જણાવ્યું : 'એ પછી એક બીજું સ્વપ્ન આવ્યું. એક કાળો કદરૂપો બિહામણો માણસ મારી પાસે આવીને મને ડરાવવા લાગ્યો. એ કરાળ કાળ જેવા માણસને જોઇને હું તરત જ તમારી પાસે દોડી આવ્યો. એ મહાભયંકર માણસે નિરાશ થઇને કહ્યું કે હવે મારું કાંઇ જ નહિ ચાલે. એ માણસ પાસે મારું કાંઇ જ નથી ચાલતું. એ ના હોત તો હું તમને લઇ જાત.'

એવા એવા વિચિત્ર વિસ્મયજનક વાર્તાલાપમાં મારો કેટલોક વખત વીતી જતો. કેટલીક વાર અમે ભક્તિભાવપૂર્ણ હૃદયે ભજનો ગાતા, સંતપુરુષોની ને ભાવિ જીવનની વાતો કરતા, અને ભવિષ્યની યોજનાઓ ઘડતા. ધરમપુરના ટી. બી. સેનેટોરિયમના મારા નિવાસ દરમ્યાન મારા ભોજનનો પ્રબંધ એક સિંધી સદગૃહસ્થને ત્યાં કરવામાં આવેલો. એ પણ ટી. બી. થી પીડાતા. એમના આગ્રહથી હું એમના આરોગ્યને માટે પણ બનતી પ્રાર્થના કર્યા કરતો. એમણે સાંભળ્યું કે સિમલાના માર્ગે ચેલ નામના સ્થળથી થોડેક દૂર જે સિદ્ધ મહાત્માપુરુષ રહે છે તે રોગીને આશીર્વાદ આપીને રોગમુક્ત કરવાની શક્તિ ધરાવે છે. એટલે એમને પણ સ્વાભાવિક રીતે જ આશીર્વાદ મેળવવાની ઇચ્છા થઇ. એમનાથી ચેલ સુધીનો પ્રવાસ થઇ શકે તેમ ન હોવાથી એમણે મને ત્યાં જવાની વિનંતિ કરી ને કહ્યું : 'મારે માટે આશીર્વાદ લેવા મારા રસોઇયાને મોકલું છું. તમારી ઇચ્છા થતી હોય તો સાથે જઇ શકો છો. પર્વતોમાં પરિભ્રમણ કરવાનું ને નવું જોવાનું મળશે. મહાત્મા સાચેસાચ કેવા છે તે પણ તમારી વિશિષ્ટ દૃષ્ટિથી મૂલવીને તમે વિશ્વસનીય રીતે કહી શકશો.'

મને એમનો પ્રસ્તાવ પસંદ પડ્યો. સિદ્ધ મહાપુરુષના દર્શન તથા સમાગમનો લાભ લેવાનું કોને ના ગમે ? એ દરમ્યાન એક નવો જ પ્રસંગ ઉપસ્થિત થયો. એનો ઉલ્લેખ આવશ્યક છે.

 

 

Today's Quote

It is easy to be friendly to one's friends. But to befriend the one who regard himself as your enemy is the quientessence of true religion. The other is mere business.
- Mahatma Gandhi

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok