Saturday, July 04, 2020

માતા આનંદમયીનો મેળાપ - ૧

 જે સિંધી શેઠને ત્યાં હું જમતો તેમના કુટુંબીજનો શેઠની ઇચ્છાથી કામચલાઉ સમયને માટે સોલનમાં રહેતાં. સોલન સિમલા રસ્તે દસેક માઇલ જેટલું દૂર હવા ખાવાનું સુંદર સ્થળ ગણાતું. ત્યાં લગભગ દર રવિવારે સિંધી શેઠ જતા અને કુટુંબીજનોને મળીને આનંદ અનુભવતા. એમનાં સ્વજનો એમના ક્ષયરોગને લીધે થોડાંક ચિંતાતુર રહેતાં, તો પણ એમને મળીને સંતોષ પામતાં. એક વાર શેઠે મને એમની સાથે સોલન આવવાનું આમંત્રણ આપ્યું. એ આમંત્રણનો મેં સહર્ષ સ્વીકાર કર્યો. ઊંચા ઊંચા સ્થિતપ્રજ્ઞની પેઠે શાંતિપૂર્વક ઊભેલા ને વિસ્તરેલાં પ્રસન્ન પર્વતો, અસાધારણ ભવ્ય નૈસર્ગિક સૃષ્ટિસૌંદર્ય અને વૈવિધ્યપૂર્ણ વનરાજિની વચ્ચેથી પસાર થતાં અમારો મોટરમાર્ગ સહેલાઇથી ક્યાં કપાઇ ગયો અને સોલન ક્યારે આવી પહોચ્યું એની અમને ખબર ના પડી.

સોલન જઇને એના નાનકડા બજારમાંથી પસાર થઇને અમે એક તરફ એકાંતમાં આવેલા સિંધી શેઠના શાંત મકાનમાં પ્રવેશ્યા. એમના પરિવારના સભ્યોએ અમારો સ્મિતપૂર્વક સત્કાર કર્યો. ત્યાં સોલનના 'સ્વાધ્યાય સદન'ના સંસ્થાપક તથા સંચાલક સુપ્રસિદ્ધ પંડિત શ્રી હરદેવ શર્મા મળ્યા. એ ખૂબ જ વિદ્વાન, નમ્ર, નિરાભિમાની તથા માયાળુ લાગ્યા. એમનો પરમાત્મા પરનો ને પરમાત્માના સાચા પ્રામાણિક પરમ કૃપાપાત્ર સંતમહાત્માઓ પ્રત્યેનો અનુરાગ અનોખો અને યાદ રહી જાય એવો હતો. એ જનહિતના સેવાકાર્યોની અભિરુચિવાળા એક અદભૂત કર્મયોગી હતા. એમના શ્રીમુખથી સમાચાર સાંપડ્યા કે સોલનમાં માતા આનંદમયી ને હરિબાબાજી આવ્યા છે. એ સમાચાર સાંભળીને મને આનંદ અને આશ્ચર્ય બંને થયા. માતા આનંદમયીને મળવાની ઇચ્છાથી પ્રેરાઇને થોડાક વખત પહેલાં જ હું આલ્મોડા જઇ આવેલો. એમને એ વખતે મળવાનું ના બન્યું હોવા છતાં પણ એમને મળવાની આકાંક્ષા અંતરમાં અખંડ હતી. એમના મિલનનો આનંદદાયક અવસર આમ આકસ્મિક રીતે આવી પહોંચશે એની કલ્પના પણ ન હતી. પરંતુ જીવનમાં એવી કેટલીય કલ્પનાતીત વિસ્મયકારક વસ્તુઓ થયા કરે છે. આપણે જેનું અનુમાન પણ ના કર્યું હોય એવા પ્રસંગો ઉપસ્થિત થાય છે એ શું સાચું નથી ?

માતા આનંદમયીના સુખદ સ્વર્ગીય સમાગમનો સુવર્ણ સમય સમીપ આવ્યો, એ જાણીને મને અસાધારણ આનંદ થયો. ઇશ્વરે મારી આજ સુધીની સઘળી ઇચ્છાઓને એક અથવા બીજી રીતે સંતોષેલી તેમ તે ઇચ્છાની પૂર્તિ માટેની પૂર્વભૂમિકાને તૈયાર કરેલી. માતાજીનો મળવાનો સમય સાંજના ચાર પછીનો હોવાથી તે સમયે અમે એમને મળવા માટે જઇ પહોંચ્યા. એમના ઉતારાનું સ્થળ પર્વતપંક્તિની વચ્ચે એકાંતમાં આવેલું અને અતિશય રમણીય હતું. સોલન શહેરનો કેટલોક વિસ્તાર ત્યાંથી સારી પેઠે દૂર-સુદૂર સુધી વિસ્તરેલો પર્વતની પ્રશાંત તળેટીમાં દેખાતો.

મકાનની બહાર બેચાર બેનો ફરતી દેખાઇ.

થોડી વાર પછી મકાનનું દ્વાર ઉધડ્યું એટલે અમે અંદર પ્રવેશ્યા. અંદર માતા આનંદમયી ઉભેલાં. અમને નિહાળીને એમણે સ્મિત કર્યું. અમે એમને પ્રેમપૂર્વક પ્રણામ કર્યા. બધાં નીચે બેઠાં. હું માતાજીના મુખમંડળ સામે જોવા માંડ્યો. એ મુખમંડળ ખૂબ જ શાંત, તેજસ્વી, પ્રસન્નતાથી પુલકિત તથા પરિપ્લાવિત, સહજ અને નિર્દોષ આનંદથી અલંકૃત તેમ જ મધપુડા જેવું મધુર હતું. એમણે સફેદ વસ્ત્રો પહેરેલાં. એમની પીઠ પાછળ કાળા ખુલ્લા વાળ ફેલાયેલા. એમનું દર્શન ખરેખર આકર્ષક, આહલાદક, અદભૂત હતું. એમને અવલોકીને આંખ થાકતી કે કંટાળતી નહોતી. એમને લીધે આજુબાજુનું સમસ્ત વાયુમંડળ વિશદ અને સજીવ બની ગયેલું.

અમે ઓરડામાં પ્રવેશ્યા ત્યારે જ માતાજીએ મારા તરફ જોઇને 'આવી ગયા ?' એવું એમની લાક્ષણિક રીતે કહેલું. એના અનુસંધાનમાં એમણે ઉમેરેલું કે મેં તેમને અનેક વાર જોયા છે. એ જોવાનું અલબત્ત ધ્યાનાવસ્થામાં જ હતું. એમણે એમની લાક્ષણિક રીતે સહજ સ્ફુરણાથી મને જોતાંવેંત 'આ જ વેશ રાખશો ?' એવું પણ પૂછેલું. એ વખતે મારો બાહ્ય વેશ કેવો હતો ? કમર પર વીંટેલો ઘૂંટણ સુધીનો દોઢ વારનો સફેદ ખાદીનો ટૂકડો, શરીર પર અઢી વારની સફેદ ખાદીની ચાદર, કૌપીન, ચંપલ, દાઢી અને જટા. ઇ. સ. ૧૯૪૨થી આરંભીને ઇ. સ. ૧૯૫૭ સુધી મારો એવો જ વેશ હતો, વચ્ચે ઇ. સ. ૧૯૫૦ દરમ્યાન મેં ઇશ્વરેચ્છાને અનુસરીને દાઢી કઢાવી નાખેલી, એટલું પરિવર્તન એમાં અવશ્ય આવેલું.

મેં એમને મારા આલ્મોડા પ્રવાસ વિશે વાત કરી. થોડી વાર પછી ત્યાં હરિબાબાજી આવી પહોંચ્યા. હરિબાબા ઉત્તર ભારતમાં એક ભક્તહૃદયના સારા, વિદ્વાન, શાસ્ત્રજ્ઞ સંતપુરુષ તરીકે પ્રખ્યાતિ પ્રાપ્ત કરી ચૂકેલા ને વધારે ને વધારે પ્રખ્યાતિ પામતા જતા'તા. એ સંન્યાસી હતા ને માતા આનંદમયી પાસે આવીને નિયત સમયે તુલસીકૃત રામાયણનો ઉપસ્થિત શ્રોતામંડળ પાસે ટીકા સાથે પાઠ કરતા.

હું માતાજી સામે જોઇ જ રહ્યો. માતાજીનું મુખમંડળ અતિશય શાંત, આકર્ષક, ભાવમય હતું. એ નમ્રતા, સરળતા, શુચિતા અને પ્રેમની પ્રતિમૂર્તિ જેવા દેખાતાં. એમના અંતરાત્માની ઉદાત્તતાનું અનુમાન પ્રથમ દૃષ્ટિએ જ કરી શકાતું. એમની આજુબાજુના વાયુમંડળમાં કોઇક અપાર્થિવ અલૌકિક તત્વ પ્રવેશ પામ્યું હોય એવી અનાયાસ પ્રતીતિ થતી. મેં એમને ત્યાં રહેવા માટે પૂછી જોયું. એમણે મને ત્યાં રહીને એ વિશુદ્ધ વાયુમંડળનો ઇચ્છાનુસાર લાભ લેવાની અનુમતિ આપી. એથી મને આનંદ થયો. બેચાર દિવસમાં સોલન આવીને માતાજીની સંનિધિમાં રહી શકીશ એ વિચારથી મારું મન અસાધારણ સંતોષાનુભવ કરવા લાગ્યું. લાંબા સમયની શુભેચ્છાને સંતોષવાનો સમય આવે ત્યારે કોને આનંદ ના થાય ? આમ આટલા સમય પછી મને સમજાય છે કે પરમકૃપાળુ અનંતલીલામયી જગદંબાએ મારા એ વખતના જીવનમાં એ પ્રસંગને પોતાની પરમકૃપાના પરિણામે જ પેદા કરેલો. મારા તત્કાલીન જીવનમાં મારી જે જે વ્યક્તિવિશેષને મળવાની અને એના દ્વારા શકવર્તી સહાય મેળવવાની આકાંક્ષા હતી, તે તે વ્યક્તિવિશેષના સુખદ સમાગમમાં પરમકૃપાળુ જગદંબાએ મને લાવી મૂક્યો. એવી રીતે અનેકવિધ અસાધારણ આત્માઓના અપરોક્ષ અનુભવનો અવસર આપીને મારા મનને આખરે સૌથી ઉપરામ બનાવ્યું. એવી અલૌકિક અંતરંગ અવસ્થાની જીવનમાં આવશ્યકતા હતી. એની લીધે જ હું વખતના વીતવાની સાથે મનોવૃતિને શુભાશુભમાંથી સંકેલી લઇને કેવળ મારા જ પગ પર ઉભો રહ્યો અને એકમાત્ર મારામાં જ શ્રદ્ધા રાખીને જગદંબાની કૃપાનો ચાતક બનીને જીવી રહ્યો. પરંતુ એ ઇતિહાસનો પરિપૂર્ણ ઉલ્લેખ તો હું ક્રમેક્રમે કરીશ. હમણાં તો આપણે સોલન તથા ધરમપુર વચ્ચે મોટર મારફત મુસાફરી કરીએ એ જ બરાબર છે. કેમ કે એમાંથી એક અગત્યનો પ્રસંગ હાથ લાગે તેમ છે.

 

 

Today's Quote

Life can only take place in the present moment. If we lose the present moment, we lose life.
- Buddha

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok