Saturday, July 04, 2020

ઉતાવળિયો અભિપ્રાય

 મોટરમાં મેં માતા આનંદમયી વિશે વાતચીત કરવા માંડી. એ દરમ્યાન પેલા ધર્મપ્રેમી સિંધી સદગૃહસ્થે મને પૂછ્યું : 'માતા આનંદમયીને તમે જીવનમુક્ત માનો છો ?'

મેં કહ્યું : 'હા, એ એક ઉચ્ચ કોટિનાં અસાધારણ અનુભવસંપન્ન મહાન સાધ્વી છે. તેવું તમને ના લાગ્યું ?'

એમને મારો એ અભિપ્રાય પસંદ ના પડવાથી એ તરત જ બોલી ઉઠ્યા : 'જીવનમુક્તના મોઢા પર માખી બેસે ? તેમના મોઢા પર માખી બેસતી. તેમને ત્યાં બેઠેલી બેનો હાથમાં પંખો કે રૂમાલ લઇને ઉડાડતી. અમે એમને જીવનમુક્ત ના કહીએ. એ તો ઢોંગી છે. એમની આજુબાજુના વાતાવરણમાં યુવાન છોકરીઓ એમનું અંધાનુકરણ કરતી હોય તેમ વાળને છૂટા રાખીને ફર્યા કરે છે. એમની શિષ્યાઓ દેખીતી રીતે જ ચંચળ મનની ને વિલાસપ્રિય છે. મને તો એવા વિલાસી વિકૃત વાતાવરણમાં જરા પણ ના ગમ્યું.'

એમની વિચારધારા વિચિત્ર હતી. મને એની કલ્પના પણ નહોતી. મેં એમને સહેજ પણ અસ્વસ્થ બન્યા સિવાય શાંતિપૂર્વક જણાવ્યું : 'જીવનમુક્તના મોઢા પર માખી બેસે જ નહિ એવું કોણે, કયા ગ્રંથે કે સંતે કહ્યું ? એના મોઢા પર માખી બેસે તો શું થઇ ગયું ? કોઇ એને ઉડાડે તો એથી એની જીવનમુક્તિમાં શો અને શી રીતે બાધ આવવાનો છે ? મોટા ભાગની યુવાન છોકરીઓ તો પોતાના વડીલો સાથે ત્યાં માતા આનંદમયીના દર્શન તથા સત્સંગનો લાભ લેવા આવેલી છે. તમે તેમનામાં ઇશ્વરીય પ્રકાશનું દર્શન શા માટે નથી કરતા ? જે સ્વયં વિલાસી છે તેમને તો તે બેનોના સ્વાભાવિક વ્યવહારમાં વિલાસ જ દેખાવાનો. તેમાં દોષ તેમની અશુદ્ધ આંખનો નથી ? જીવનમુક્તની પરીક્ષા મુખ પર માખી બેસવા ના બેસવાથી નથી થતી. તેની પરીક્ષા તો તેનું જ્ઞાન, તેની શાંતિ, સ્થિરતા, કામક્રોધરહિતતા અને એના જિતેન્દ્રિયપણા પરથી થાય છે ને થવી જોઇએ. જીવનમુક્ત આત્માને ઓળખવા માટે એના અંતરના ઉંડાણમાં ડોકિયું કરવું જોઇએ. એના બાહ્ય વેશ તથા વ્યવહાર પરથી એના મૂલ્યાંકનની કોશિષ કરીએ તો એ કોશિષ નિરર્થક જ નીવડે.'

પરંતુ એમનું મન માન્યું નહિ. એ પોતાને જ સૌથી વિશેષ બુદ્ધિશાળી અને સંતપારખુ ઝવેરી જેવા સમજતા હોય એવું જણાયું. એ અવસ્થામાં એમની સાથે વધારે વાદવિવાદ કરવાનું અનુચિત લાગ્યું. સંતમહાત્માઓના સેવક તરીકે તેમની ટીકા અથવા આલોચના કરવાનો એમનો અબાધિત અધિકાર છે, એવી એમની માન્યતા હતી; પરંતુ એ ટીકા અથવા આલોચના બુદ્ધિયુક્ત હોવી જોઇએ, એ એમની બુદ્ધિની બહાર હતું. ઘણાં માણસો એવી રીતે મહાત્મા પુરુષોની પરીક્ષા કરવા જાય છે ને નાના કે મોટાં બાહ્ય વ્યવહાર પરથી એમના સંબંધી અભિપ્રાયો બાંધે છે. એ અભિપ્રાયો ઉપલકિયા અને ઉતાવળિયા હોવાથી મોટે ભાગે મિથ્યા હોય છે. તો પણ માણસો જક્કી બનીને એમને સાચા જ માની લે છે. એથી વધારે મોટી ક્ષતિ બીજી કઇ હોઇ શકે ? મહાત્મા પુરુષો વિશે જે પણ અભિપ્રાયો ઉચ્ચારવામાં આવે તે પૂરતા ચિંતનમનન અને અનુભવ પછી ઉચ્ચારવા જોઇએ, અને એ પહેલાં બને તો એમના પ્રત્યક્ષ પરિચયયમાં આવીને એમના જીવન તેમ જ મહિમાથી પૂર્ણપણે માહિતગાર થવું જોઇએ. સામાન્ય માનવના અંતરને પણ અલ્પ વખતમાં ઓળખી શકાતું નથી તો અસામાન્ય અવસ્થા પર આસીન મહાત્મા પુરુષોના અંતરને કેવી રીતે ઓળખી શકાય ?

મેં એમને જણાવ્યું : 'માતા આનંદમયીનું દર્શન ફરી વાર કરી જોજો. એ વખતે વધારે જાણવાનું મળશે.'

પરંતુ માખીનો એટલો પ્રસંગ પેખ્યા પછી એમણે માતા આનંદમયીના પુનઃદર્શનનો વિચાર માંડી વાળ્યો. એ પછી એ સોલન ગયા ખરા પરંતુ માતાજીને ના મળ્યા. પોતે એવો નિર્ણય કરી શક્યા એને એ એમનું પરમ સદભાગ્ય સમજતા. એ સદભાગ્ય હતું કે કમભાગ્ય તે કોણ કહી શકે ?

એ સિંધી શેઠ બીજી રીતે ખૂબ જ ધર્મપ્રેમી, સંતચરણાનુરાગી, સેવાભાવી, નમ્ર ને દયાળુ હતા. ચંપકભાઇના ભોજનની સઘળી સંભાળ રાખવા ઉપરાંત સેનેટોરિયમમાં રહેતા એક બીજા દરદીને પણ એ ભોજનાદિ મોકલતા. મારું આતિથ્ય પણ એ જ કરતા, અને એ પણ કોઇ પણ પ્રકારની અરુચિ વિના ખૂબ જ પ્રેમપૂર્વક.

 

 

Today's Quote

Be not afraid of growing slowly, be afraid only of standing still.
- Chinese Proverb

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok