Saturday, July 04, 2020

માતા આનંદમયીનો મેળાપ - ૨

 માતા આનંદમયીનો મધુમય મેળાપ સોલનમાં તારીખ ૨ જી જૂન ૧૯૪૬ ના દિવસે થયેલો. એ પછી આખોય જૂન માસ એ જ વાતાવરણમાં પસાર થયો. એનું વિહંગાવલોકન કરવાનું અસ્થાને ન ગણાય.

ધરમપુર આવ્યા પછી ત્રણેક દિવસે હું ફરી વાર સોલન ગયો. માતા આનંદમયીએ મારી વ્યવસ્થાનું કાર્ય એકબે બંગાળી સદગૃહસ્થને સોંપ્યું. એ ત્યાં એમના દર્શન-સત્સંગનો લાભ લેવા માટે અસાધારણ શ્રદ્ધા-ભક્તિથી પ્રેરાઇને આવેલા. એમણે મારી રહેવાની વ્યવસ્થા તો કરી પરંતુ એ સૌની સાથે એમનામાં પ્રાંતીયતા વિશેષ હોવાથી ને કેટલાક બીજા કારણોને લીધે મને રહેવાનું ના ફાવ્યું. ત્યાં સ્ત્રીપુરુષો બધા મળીને આશરે પચાસ સત્સંગીઓ હતા. તેમનું સ્વતંત્ર રસોડું ચાલતું અને એનો ખર્ચ સોલનના નરેશ તરફથી અપાતો.

મારે સોલનના સુપ્રસિદ્ધ જયોતિષી શ્રી હરદેવ શર્મા સાથે પરિચય હતો. એમની પાસે જે નાનુંસરખું ખાલી મકાન હતું તેમાં મને ઉતારો આપવા એમણે તૈયારી બતાવી. એટલે મેં એ મકાનમાં સ્વતંત્ર રીતે રહેવા માંડ્યું. એવી રીતે સોલનમાં રહેવાની મુશ્કેલી દૂર થઇ. પરંતુ મારે તો ત્યાં રહીને માતા આનંદમયીનો સંપંર્ક સાધીને એમની સાથે કેટલોક સાધનાવિષયક વાર્તાલાપ કરવો હતો. એને માટે થોડોક સાનુકૂળ સમય મેળવવો હતો. માતા આનંદમયીના એકાંત ઉતારા પર લગભગ આખા દિવસ દરમ્યાન એક અથવા બીજી જાતનો સત્સંગ કાર્યક્રમ ચાલ્યા કરતો. વહેલી સવારે હરિબાબા કીર્તન કરવા આવતા. એ પછી નવ વાગે આવીને અગિયાર વાગ્યા સુધી માતાજીનું જીવનચરિત્ર વાંચતા. એ પછી વિશ્રામ રહેતો. સાંડે છ થી સાડા સાત વાગ્યા સુધી સોલનના રાજમાતા આવતાં. તે વખતે પુરુષ વર્ગને હાજર રહેવાની મનાઇ રહેતી. રાતે આઠથી દસ સુધી ભજનકીર્તન તથા ઇતર સત્સંગનો કાર્યક્રમ ચાલતો. એવા સુનિશ્ચિત કાર્યક્રમમાંથી સમય મેળવીને મારે માતાજી સાથે વ્યક્તિગત વાતચીત કરવી હતી. એ કામ ધાર્યા જેટલું સહેલું ન હતું. તો પણ મને પરમકૃપાળુ પરમાત્માની અચિંત્ય શક્તિમાં વિશ્વાસ હોવાથી એવું લાગતું કે એ એક અથવા બીજી રીતે અનુકૂળતા કરી આપશે.

અને એક સાંજે એવી અનુકૂળતા આવી પહોંચી. જેમને વ્યક્તિગત વાર્તાલાપ કરવો હોય તેમને વારાફરતી વખત મળ્યો. હું પણ મારો વારો આવતા માતા આનંદમયી પાસે જઇ પહોંચ્યો. મારે જણાવવું જોઇએ કે એ વખતે મારું અંતર વધારે પડતું ભાવપ્રધાન હતું. એટલા માટે વાતચીતના આરંભમાં મેં માતાજીને મારા ભૂતજીવનનો ઉડતો પરિચય આપ્યો અને મારા પૂર્વજન્મની ઝાંખી સમજ પૂરી પાડી. મારા પૂર્વજન્મની વાતના શ્રવણનો પ્રત્યાઘાત એમની ઉપર સારો અથવા અનુકૂળ પડ્યો હોય એવું મને ના લાગ્યું. એમના મુખ પરનો આનંદ કોણ જાણે કેમ પણ થોડોક વખતને માટે ઉડી ગયો. મને એવું લાગ્યું કે મારા પૂર્વજન્મની માહિતીના શબ્દો સાંભળવાની પર્યાપ્ત પૂર્વતૈયારીનો અભાવ હોવાથી એમની પ્રતિક્રિયા બહુ સારી નથી થઇ. મને એમ પણ થયું કે મારા પૂર્વજન્મની અસાધારણ મૂલ્યવાન માહિતીને પ્રકટ કરવામાં મારાથી થોડીક અકારણ ઉતાવળ થઇ ગઇ. પરંતુ એનો કોઇ ઉપાય ન હતો. સરિતાનું સલિલ સારી પેઠે સરી ગયેલું. એની પાછળનો મારો હેતુ શુભ હોવા છતાં પણ એની સિદ્ધિની કશી આવશ્યકતા ના લાગી. મેં નિર્ણય કર્યો કે હવે પછી કોઇ વાર જીવનના અંતરંગ આધ્યાત્મિક અનુભવોની અભિવ્યક્તિ પ્રગાઢ પરિચય અને અનિવાર્ય આવશ્યકતા સિવાય ક્યાંય કોઇની આગળ કરવી નહિ. માતાજીની શક્તિ તથા સુયોગ્યતા વિશે મારા મનમાં શંકા અથવા અશ્રદ્ધા તો ના થઇ, પરંતુ એમની પાસે રહેવાથી મારી મનીષા મુજબ કોઇ વિશેષ હેતુ નહિ સરે એવો ભાવ મારા મનમાં દિનપ્રતિદિન દૃઢ થતો ગયો. જો કે એમનો અને મારો મેળાપ અચાનક થઇ ગયેલો, તોપણ તે મારે માટે લાભકારક થઇ પડ્યો. મારું સમગ્ર ધ્યાન જેને હું આજ સુધી પૂજતો, પ્રાર્થતો તથા સાક્ષાત કરવા પ્રયાસ કરતો તે જગદંબા તરફ દોરાયું. મેં એનો એ મંગલમય મેળાપ કરાવવા માટે આભાર માન્યો. એના વિના મારી એક ઉત્તમ ઇચ્છા અધૂરી રહી જાત અને મારે માટે એક પ્રકારના અનિવાર્ય અસંતોષનું કારણ થાત. ઇશ્વરની કૃપા અપાર છે. જે એમનું સદબુદ્ધિથી શરણ લે છે તેની સઘળી સંભાળ રાખવાની જવાબદારી તે ઉપાડી લે છે, તેના બધા જ કોડ પૂરા કરે છે, અને એની બુદ્ધિ તથા રસવૃત્તિને સર્વ તરફથી સંકેલી લઇને કેવળ પોતાના ચારુ ચરણોમાં કેન્દ્રિત કરે છે. એનું કદી, ક્યાંય, કોઇયે કારણે અમંગળ નથી થતું.

મેં માતાજીને એમની સાથે ભવિષ્યમાં રહેવાની શક્યતા વિશે પૂછી જોયું તો એમણે ઉત્તર આપ્યો : 'દીદીને પત્ર લખવાથી એની માહિતી મળી રહેશે. કોઇ વાર હું એકાંતમાં રહેતી હોઇશ ત્યારે તમને મારી પાસે બોલાવી લઇશ.'

એમનો ઉત્તર સાંભળીને મને સંતોષ થયો.

એમને પ્રણામ કરીને હું બહાર નીકળ્યો.

આનંદમયી માતા સાથેનો વાર્તાલાપ પૂરો થયો. જે જે જરૂરી લાગી તે બધી જ વાતો મેં કરી લીધી. એટલે એમની પાસે અધિક રોકાવાની આવશ્યકતા ના રહી.

રાતે થોડાક સમય સુપ્રસિદ્ધ પંડિત શ્રી હરદેવ શર્મા પાસે બેસતો. તે ખૂબ જ પ્રેમાળ, પ્રામાણિક, નમ્ર તેમજ બુદ્ધિશાળી હતા. તેમણે મારી જન્મકુંડલીને જોઇને જણાવ્યું કે 'લાખોમાં આવી કુંડલી કોઇ વિરલ વ્યક્તિવિશેષને જ મળી શકે છે. આવી કુંડલી કૃષ્ણ કે રામની હતી. આ તો અવતારી પુરુષની કુંડલી છે.' એ ઉપરાંત બીજી કેટલીક વાતો કહી બતાવી. એમની વાતો અવનવી અને રોચક હતી. એમના કથનમાં કેટલી યથાર્થતા હતી તે તો સ્વાનુભવસંપન્ન પંડિતો જ જાણી શકે. મારામાં તો હજુ કેટલીય ત્રુટિઓ હતી. એ ત્રુટિઓમાંથી મુક્તિ મેળવીને મારે પૂર્ણતામાં પ્રતિષ્ઠિત થવાનું હતું. ત્યાં સુધી, મારી અલ્પતાને ઓળખવા છતાં હું કોઇના કહેવાથી મને મહાપુરુષ માની લઉં તે કેમ બને ? મહાપુરુષ અથવા અવતારી પુરુષ એ શબ્દો ખૂબ જ સુંદર હોવાં છતાં એમની જવાબદારી કેટલી બધી ભારે છે તે હું જાણું છું. એથી હું તો મને એક સાધારણ માનવ માનું છું. ઇશ્વરની પ્રાપ્તિ કરવાનો ને પૂર્ણતામાં પ્રતિષ્ઠિત થવાનો ધર્મ બજાવવામાં જ મારો આનંદ છે. નાના મોટાના વિવાદમાં પડવાની વૃતિ તથા પ્રવૃતિ મને પસંદ નથી. મહાપુરુષ તો પોતાને સૌની રજ બરાબર લેખે છે. એને કોઇ પ્રકારનું મિથ્યા અભિમાન ક્યાંથી હોઇ શકે ? હું તો હજી ભૂલથી ભરેલો સામાન્ય માનવ છું.

પરંતુ પંડિતજી મારી વાતને માને તેમ નહોતા. તેમણે જણાવ્યું કે 'તમારું જીવન ઉજ્જવળ છે અને અતિશય ઉજ્જવળ બનવાનું છે.'

મેં તેમને મારો બીજે દિવસે ધરમપુર જવાનો નિર્ણય જણાવ્યો. તેમની ઇચ્છા હું સોલનમાં વધારે રહું તેવી હતી. પરંતુ મારા નિર્ણય પાસે તેમનું શું ચાલે ? બીજે દિવસે સવારે સામાનના ખાદીના થેલાને ખભે ભરાવીને ને પિત્તળના ડબાને હાથમાં લઇને મેં સોલન છોડ્યું. દસ માઇલનો ચઢાવ ઉતરાવવાળો પગપાળો પર્વતીય પ્રવાસ કરીને આશરે અગિયાર વાગે હું ધરમપુર પહોંચ્યો. પેલા સિંધી સદગૃહસ્થ મને જોઇને ખૂબ જ ખુશ થયા ને બોલ્યા : 'હું તમને નહોતો કહેતો કે તમને ત્યાં નહીં ફાવે ? ત્યાંના કરતાં અહીં કેટલું સારું છે ? હવે અહીં જ રહો.'

મેં વિશેષ ચર્ચા ના કરી. ભોજનવિધિથી પરવારીને હું ચંપકભાઇને મળવા ગયો. મેં તેમને મારી અનુભવવાત કહી.

 

 

Today's Quote

When the pupil is ready, the teacher will appear.
- Unknown

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok