Saturday, July 04, 2020

માતા આનંદમયીનો મેળાપ - ૩

ધરમપુરમાં પાછા ફર્યા પછી એક બીજા રવિવારે સંતપ્રેમી સદધર્મપરાયણ સિંધી શેઠની લાગણીને લક્ષમાં લઇને મારે પુનઃ સોલન જવાનું થયું ત્યારે સહજ રીતે જ માતા આનંદમયીને મળવાનો વિચાર થયો.

માતાજીના નિવાસસ્થાન પર જઇને જોયું તો મારા આશ્ચર્ય અને આનંદ વચ્ચે માતાજી મકાનની બહાર ઊભાં ઊભાં કેટલીક દર્શનાર્થી બેનો સાથે વાતચીત કરી રહેલાં. મને નિહાળીને એ અસાધારણ ભાવપૂર્વક સુધાસભર સ્વરમાં સત્વર બોલી ઊઠ્યાં : 'અરે, તમે ક્યાં ચાલ્યા ગયેલા ? તમે તો કહ્યા વિના જ જતા રહ્યા ! અમને ખબર પણ ના આપી ?'

મેં કહ્યું : 'મને અહીં રહેવાની ઇચ્છા ના થઇ એટલે હું વિદાય થયો.'

એમની આંખમાં પ્રેમના અશ્રુ આવી ગયાં. એમનો સ્વર કાંઇક કરુણ અને સંવેદનશીલ બની ગયો : 'હા, તમે અહીં શું કામ રહો ? તમારી સેવા કરનારા તો બીજા ઘણા હશે.'

એ એમનું બીજું સ્વરૂપ હતું. એમના વિરાટ વિશદ વ્યક્તિત્વનું એક અન્ય અનોખું પાસું. એમના વિશાળ વૈવિધ્યપૂર્ણ વ્યક્તિત્વનાં એવાં અન્ય કેટલાં પાસાં હતાં તે ચોક્કસપણે કોણ કહી શકે ? એની સુનિશ્ચિત કલ્પના પણ કોણ કરી શકે ?

અમે અંદર હોલમાં ગયાં ને બેઠાં. એમનું મુખમંડળ ખૂબ જ પ્રેમમય લાગ્યું.

થોડીવાર પછી એમણે કહ્યું : 'ગુજરાતી ભજનનો ઢાળ કેવો હોય છે ? મને સાંભળવાની ઇચ્છા છે.'

'ગુજરાતી ભજન ઢાળ તેમજ ભાવની દૃષ્ટિએ ખૂબ જ સુંદર અને મધુર હોય છે. સંભળાવું ?'

એમણે હા કહી. એક બેને મારી સુચનાનુસાર મંજીરા લાવી આપ્યાં.

માતાજીએ સહજ સરળતાપૂર્વક જણાવ્યું : 'આ બધાં ઉતાવળ કરે છે. હમણાં મને જમવા બોલાવશે.'

તેમનું ભોજન તૈયાર હોવાથી મેં તેમને જમી આવવાની સૂચના કરી.

જમીને થોડા જ વખતમાં બહાર આવ્યાં ને બોલ્યાં : 'હવે સંભળાવો.'

મેં શાંતિપૂર્વક ગાવા માંડ્યું :

સકળ સૃષ્ટિનું મધુ લઇને બન્યું મ્હારી 'મા'નું મુખ.
પ્રેમ લઇને સકળ સૃષ્ટિનો પ્રકટ થયું એ પુષ્પ પ્રફુલ્લ,
ઉષાકમળની રક્તિમાભર્યું, અમૃતનું જાણે એ મૂળ ... સકળ સૃષ્ટિનું
અશાંતિ એને સ્પર્શ કરે ના, પરમ શાંત મંગલ મધુરૂપ,
અશુદ્ધિની છાયા ના એમાં, શાંતિસ્થાન સૌનું જ્યમ દ્રુમ ... સકળ સૃષ્ટિનું
એ નયનો ગંગાજમના ને સૂર્યચંદ્રતારકનાં મૂળ,
સુંદર સત્ય સનાતન સર્વનું એ મુખ પૂર્ણ પુરાતન મૂળ ... સકળ સૃષ્ટિનું
સ્વર્ગ મુક્તિની કરી કલ્પના કવિએ જોઇને એ મુખ,
'પાગલ' મુખને જોઇ જોઇ હું તો વહી જઉં રસને પૂર ... સકળ સૃષ્ટિનું

ભજનનો ભાવાર્થ મેં તેમને સમજાવ્યો. એ ભાવાર્થ તથા ભજન તેમને ખૂબ જ પ્રિય લાગવાથી અને પસંદ પડવાથી ત્યાં બેઠેલી બેનોને તેમણે લિપિબદ્ધ કરવાની આજ્ઞા કરી. એ આજ્ઞાને અનુસરી બેનોએ એ ગીતને તરત જ લિપિબદ્ધ કર્યું.

એ પછી મેં બીજું ભજન સંભળાવ્યું. તે પછી સૌ વિખરાયાં. ત્યાં એક અંગ્રેજી સત્સંગી બેન હતી. તે ભારતમાં આધ્યાત્મિક પ્રેરણા, પથપ્રદર્શન, તથા શાંતિ મેળવવા માટે કેટલાક વખતથી વિચરણ કરતી. શ્રી અરવિંદ અને રમણ મહર્ષિનો દિવ્ય દર્શનલાભ પણ લઇ ચૂકેલી. તેને માતા આનંદમયીની શાંત સુખદ સંનિધિમાં શાતિ સાંપડતી ને સારું લાગતું. આ સંસારમાં પૂર્વજન્મના પ્રબળ સંસ્કારથી કોણ કોની સાથે સંધાયલું છે અને કોને કોની પાસેથી પ્રેરણા, પ્રકાશ તથા શાંતિ સાંપડશે તે કોણ કહી શકે ? એ તો પ્રત્યેકના સ્વાનુભવ પરથી જ સમજી અથવા સમજાવી શકાય. અતીતકાળના કોઇ અજ્ઞાત સંસ્કારથી પ્રેરાઇને એ બેનનો અલૌકિક અંતરાત્મા ભારત પ્રત્યે આકર્ષાઇને ભારતના પ્રાતઃસ્મરણીય સંતપુરુષોની સંનિધિમાં સ્વર્ગસુખને માણી રહેલો. એને એવા જ કોઇક અદૃષ્ટ કર્મસંસ્કારોને લીધે માતા આનંદમયી પાસે વધારે સારું લાગતું. એને મારા ભજનોનો ભાવાનુવાદ ગમ્યો. એણે કહ્યું : 'તમારા ભજનો ખૂબ જ સુંદર થયાં.' ત્યારથી તે બેનનો મારા પ્રત્યેનો પ્રેમભાવ વધી પડ્યો.

સાંજે અમે ફરી પાછા ધરમપુર પહોંચ્યા. એ પછી પંડિત શ્રી હરદેવ શર્માના પ્રેમાગ્રહથી હું થોડા દિવસ સોલન રહી આવ્યો. એ વખતે માતાજીને મળવાનો આનંદદાયક અવસર પણ સ્વાભાવિક રીતે જ પ્રાપ્ત થયો. તેમને વ્યક્તિગત રીતે મળવાની મારી ઇચ્છા તો તેમની સાથેના પ્રથમ સંવાદ પછી શાંત થયેલી.

માતા આનંદમયીનું વ્યક્તિત્વ વિરાટ અને વિલક્ષણ હતું. એમનો પવિત્ર પ્રબળ પારદર્શક પ્રેમ, અલૌકિક આનંદ, ભાવ અને એમની અદભૂત નિખાલસતા, નિરાભિમાનીતા તેમ જ ઊંડી શાંતિ, સઘળું પ્રશસ્ય લાગતું. પ્રથમ દૃષ્ટિએ જ કહી શકાતું કે એ એક અસાધારણ ઉચ્ચ યોગિની છે. ભારતની સાંપ્રત સમયની આધ્યાત્મિક મહાન વિભૂતિઓમાં એમનું સ્થાન આગળ પડતું છે અને રહેશે એમાં શંકા નથી.

સોલનના સુંદર શાંત પર્વતપ્રદેશમાં માતા આનંદમયીના સુખદ સાનિધ્યમાં જે દિવસો પસાર થયા એ ખરેખર અવર્ણનીય આનંદથી ભરપૂર હતા. તે સુંદર દિવસોની સ્મૃતિ થાય છે ત્યારે આજે પણ અંતર ગદગદ બની જાય છે.

 

 

 

Today's Quote

Some of God's greatest gifts are unanswered prayers.
- G. Brooks

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok