Saturday, July 04, 2020

સોલન નિવાસની અન્ય વાતો

એ વખતની મારી અવસ્થા કેવી હતી ? પચીસેક વરસની વયના એક મહત્વકાંક્ષી, ઉત્સાહી, આશા, શ્રદ્ધા, હિંમતભરેલા નવયુવાનની કલ્પના કરી જુઓ. ખભે ખાદીનો થેલો લટકાવી અને હાથમાં પિત્તળનો નાનકડો કમંડલનું કામ આપનારો ડબો લઇને મેં માતા આનંદમયીના ઉતારામાં પ્રવેશ કર્યો. સવારનો સમય હતો એટલે માતાજી ધ્યાનમાં બેઠેલાં. એમના મકાનનાં બારીબારણાં બંધ હોવાથી હું બહાર આંટા મારવા માંડ્યો અને પછી મકાનની ઓસરીમાં બેઠો. દૂર દૂર ઊંચા લીલાછમ સુંદર પર્વતો દેખાઇ રહેલા. એમને લીધે આજુબાજુનું વાતાવરણ અતિશય આકર્ષક અને આહલાદક લાગતું.

થોડીવાર પછી ત્યાં એક પ્રૌઢાવસ્થાએ પહોંચેલા દેખાતા સત્સંગી સદગૃહસ્થ આવી પહોંચ્યા. તે માતાજીના સાનિધ્ય તથા સત્સંગનો લાભ લેવા છેક કલકત્તાથી આવેલા. તે મારું ખૂબ જ બારીકાઇથી નિરીક્ષણ કરવા લાગ્યા.

'તમે અહીં સત્સંગ કરવા આવ્યા છો ?' મેં તેમની સાથે સાધારણ વાતચીત કર્યા પછી તેમને પૂછ્યું.

'ના, લાડુ ખાવા માટે આવ્યો છું.'

'લાડુ ખાવા ?'

'હા, લાડુ ખાવા.'

તેમના મનમાં એમ હતું કે મારા જેવા યુવાનો ત્યાં મિષ્ટાન્ન ખાવા ને મોજશોખ કરવા જતા હશે. તેથી તેમણે મને લક્ષ્ય કરીને એવો ઉડાઉ ઉત્તર આપ્યો.

પછી તો તેમણે મારી સાથે અંગ્રેજીમાં અલકમલકની વાતો કરવા માંડી. મેં તેમને હિંદીમાં ઉત્તરો આપવા માંડ્યા.

તે બોલ્યા : 'તમે અંગ્રેજીમાં બોલોને. અગ્રેજી ભાષા બહુ સારી છે.'

મેં કહ્યું : 'અંગ્રેજી કરતાં મને હિંદીમાં બોલવું વધારે સારું ફાવે છે. અંગ્રેજીનું મારું જ્ઞાન ઘણું થોડું છે. ઘણુંખરું ભૂલી ગયો છું.'

તેમની મુખાકૃતિ જરા જુદી થઇ ગઇ. તે તરત જ બોલી ઉઠ્યા, 'ભૂલી ગયા છો ? એ વળી કેવું ? તમે તો બધું જ ભૂલી જશો.'

'ભૂલવા જેવું ભૂલી જઇએ તો કાંઇ હરકત નથી.' મેં કહેવા માંડ્યું : 'પ્રભુની પ્રાપ્તિની યાદ રાખવા જેવી એક જ વસ્તુ યાદ રહે તો પછી કશી હરકત નથી. પ્રભુની કૃપા કે આત્માની ઉન્નતિના માર્ગમાં ભાષાના જ્ઞાનની કે ભંડારની કશી જ જરૂર નથી. તેમાં તો પવિત્ર હૃદયની, સદગુણની ને પ્રેમભક્તિની જ જરૂર છે. રામકૃષ્ણ પરમહંસદેવનું નામ તો તમે સાંભળ્યું જ હશે. તે ક્યાં અંગ્રેજી જાણતા હતા ? તેમના મહાત્માપણા માટે અંગ્રેજીનું જ્ઞાન શું આવશ્યક હતું ?'

હવે તે જરા રોષે ભરાઇને આવેશ અને ઉશ્કેરાટમાં બોલ્યા : 'પણ બધા કાંઇ પરમહંસો થોડા થઇ શકે ? એવા પુરુષો તો અબજોમાં એકાદ જ હોય.'

'પણ પ્રભુ ધારે તો તેની કૃપાથી કોઇ પણ તેવી ઉત્તમ અવસ્થા મેળવી શકે છે, તેમાં શંકા નથી'

તે મૂંગા રહ્યા, પણ મારી વાત તેમને પસંદ ના પડી.

થોડી વારે તેમણે કહેવા માંડ્યું : 'તમને અહીં રહેવાનું ફાવશે જ કેવી રીતે ? અહીં તો બી. એ. ને એમ. એ. ભણેલી મોટા ઘરની કેટલીય છોકરીઓ છે.'

મેં કહ્યું : 'તમને ફાવે છે તો મને શા માટે નહિ ફાવે ? મારે છોકરીઓ સાથે નહિ પણ માતાજી સાથે જ કામ છે. બી. એ. ને એમ. એ. ભણેલી મોટા ઘરની છોકરીઓ તો મેં પણ જોઇ છે. તેમનાથી તમે શા માટે ગભરાવ છો ?'

ત્યાં તો લગભગ નવ વાગી ગયા. માતાજીના ખંડનું દ્વાર ઉઘડ્યું. તેમણે તે જ સત્સંગી ભાઇને મારી વ્યવસ્થા કરવાનું કહ્યું. ત્યારે માતાજીનો મારા પ્રત્યેનો પ્રેમ જોઇને તેમને જરા નવાઇ લાગી. તેમની સાથે હું નક્કી થયેલા ઉતારે જવા વિદાય થયો ત્યારે મને થયું કે આ સત્સંગી ભાઇએ લાંબા વખતના સત્સંગમાંથી કેવો સાર લીધો છે ! બીજા તરફ કેવી નમ્રતા ને ભાવનાથી વર્તવું તે પણ જો ના આવડે અને અમલમાં ના ઉતરે તો માણસનો સત્સંગનો સમય નકામો જ ગયો એમ કહેવું જોઇએ, એમ મને ખરેખર લાગ્યું.

પણ તે સત્સંગી ભાઇની સ્મૃતિ હજી એટલાથી જ પૂરી થાય તેમ ન હતી. તેની માળામાં એકાદ બે બીજા મણકા હજી ઉમેરવાના હતા. ભોજન વખતે તે જ ભાઇ બીજા ભાઇઓ સાથે પીરસવા નીકળ્યા. માતાજીનો પ્રસાદ પીરસવાનું કામ તેમનું હતું. ભક્તો ને પ્રેમી ભાઇબેનોને પ્રસાદ આપતાં આપતાં તે મારી પાસે આવ્યા. મેં તેમને પ્રસાદ માટે ના કહી તેથી તો તેમણે ભારે ઉશ્કેરાટ જાહેર કર્યો. 'બધા પ્રસાદ લે છે ને તમે નથી લેતા ? આ તો માતાજીનો પ્રસાદ છે. ભારે પુણ્યપ્રદાયક છે. બધાં પાપને દૂર કરી દેશે. તેની કીંમત કાંઇ જેવી તેવી નથી.'

મેં કહ્યું : 'તમારી વાત બરાબર છે. હું તેને સમજી શકું છું. પણ આવી વાતમાં બળજબરી કરવાની જરૂર નથી. પ્રસાદને લેવાની ફરજ પાડવી ને કોઇ ના લે તો તેના પર રોષે ભરાઇ જવું તે બરાબર નથી. પ્રસાદ આપવાનો તમને અધિકાર છે. તેની ફિલસૂફી સમજાવવાનો ને તેના લાભનું વર્ણન કરવાનો પણ તમને હક છે. પણ તે લેવો કે નહિ તેનો નિર્ણય કરવાની સૌને સ્વતંત્રતા છે, એટલું તો તમે સમજી શકશો.'

મેં પ્રસાદ ના જ લીધો એટલે તેમનું મગજ ફરી ગયું. તેમને શાંત કરવા મેં કહ્યું : 'માતાજી પર મને પ્રેમ છે, ભાવ છે, પણ પ્રસાદની આ પદ્ધતિ મને ઠીક લાગતી નથી. માટે જ મેં પ્રસાદ નથી લીધો. તમે માઠું ના લગાડશો.'

આખી મંડળીમાં આવી વાત કરનાર હું એકલો જ હતો. એટલે સૌ મારી તરફ જોઇ રહ્યાં. પેલા ભાઇને મારે માટે સ્વાભાવિક રીતે જ પૂર્વગ્રહ બંધાયો.

રોજ સવારે નવથી બાર વાગ્યા સુધી માતાજીનો સત્સંગ ચાલતો, એ વાતનો ઉલ્લેખ મેં આગળ પર કરી દીધો છે. તે દરમ્યાન હરિબાબા માતાજીના મૂળ બંગાળી જીવનચરિત્રને વાંચતા ને તેનું હિન્દી કરીને સમજાવતા. માતાજી પણ વચ્ચે વચ્ચે જરૂર પડતાં પોતાની સ્મરણશક્તિનો ઉપયોગ કરીને કોઇ વાત સમજાવતાં.

મારો સ્વભાવ સહેજ સંકોચશીલ ખરો એટલે સત્સંગ દરમ્યાન ખંડની બહાર ઓસરીમાં બેસતો ને ધ્યાનાદિમાં સમય પસાર કરતો. એક દિવસ મેં માતાજીને કહ્યું : 'સવારે જે સત્સંગ ચાલે છે તેમાં હું બેસી શકું ખરો ?' સત્સંગ ખાસ કરીને અંતરંગ માણસો માટે જ હશે એવી અસરમાં હોવાથી જ મેં આ પ્રશ્ન પૂછ્યો હતો.

માતાજી જરા વિચારમાં પડી ગયાં ને પછી બોલ્યાં : 'તમે હરિબાબાને પૂછી જોજો. તે રજા આપે તો બેસજો.'

મને જરા નવાઇ લાગી. મને થયું કે સત્સંગ તો માતાજીનો ચાલે છે, તેમાં બેસવા માટે હરિબાબાની રજા શા માટે લેવી પડે ? છતાં મેં હરિબાબાની મુલાકાત લીધી. તેમણે શરૂઆતમાં તો મારી સાથે સીધી રીતે વાત જ ના કરી, પરંતુ પાછળથી કેટલીક વાત થતાં મને સત્સંગમાં સામેલ થવાની રજા આપી. પાછળથી મને ખબર પડી કે બહારના કેટલાય માણસો પહેલાં પરવાનગી વિના સત્સંગમાં આવતા હતા. તેનો કોઇ વાંધો લેતું ન હતું. ત્યારે મારે માટે માતાજી અને હરિબાબાએ એ વાતને આટલું ગંભીર રૂપ કેમ આપ્યું તે મને ના સમજાયું. માતાજીની મારી તરફની વિશેષ લાગણી જોઇને પાછળથી હરિબાબા પણ મને પ્રેમથી જોતા થયા હતા. પેલા સત્સંગી ભાઇ પણ લાગણી બતાવતા થયા હતા. એ પ્રસંગ આખોયે ઘણો નાનો ને સાધારણ છે, પણ તેની છાપ હજી એવી ને એવી તાજી રહી ગઇ છે.

સુપ્રસિદ્ધ સ્વામી શ્રી શરણાનંદજીનો પરિચય પણ તે જ દિવસોમાં થયો. તે માતાજી પાસે રોજ આવતા. પ્રજ્ઞાચક્ષુ હતા. તેમની વાક્છટા ને વિદ્વત્તા સારી હતી. કોઇ વાર અમે સોલનના પર્વતીય પ્રદેશમાં લાંબે સુધી સાથે ફરવા જતા. તેમની નમ્રતા ને સરળતાની છાપ મારા પર ઘણી સારી પડી. એમના વિચારો ખૂબ જ ઉદાત્ત હતા.

દેવપ્રયાગમાં દીક્ષા તો મળી પણ તેનું ધારેલું પરિણામ જણાતું ન હતું. તે માટેનો તલસાટ તે દિવસોમાં પૂરજોશમાં ચાલતો. રાતનો બધો વખત પ્રાર્થના ને વેદનામાં જ પસાર થતો. એ વખતની ધ્યેયને પ્રાપ્ત કરવાની લગની ને ઝંખના ખરેખર અજબ હતી. એ દિવસો પર દૃષ્ટિપાત કરતાં મને એ વાતનો સંતોષ થાય છે કે જીવનની ક્ષણેક્ષણને મારી સમજ પ્રમાણે હું યથાર્થ રીતે જીવ્યો છું - યથાર્થ રીતે જીવવાનો પ્રયાસ કરતો રહ્યો છું. મારા અંતરના અવાજ પ્રમાણે જીવ્યો છું. તેની સ્મૃતિથી મને ખરેખર આનંદ થાય છે. હિમાલયની આ પુણ્યભૂમિમાં બેસીને ભૂતકાળના એ દિવસોનો ચિતાર તટસ્થ રીતે રજૂ કરી રહ્યો છું. ત્યારે કોઇ પુણ્યપ્રવાસ કે મહાન યાત્રામાં નીકળ્યો હોઉ એવું ભાન થાય છે, જીવનના મંગલની યાત્રા, પૂર્ણતાની પ્રાપ્તિનો પુણ્યપ્રવાસ.

 


 

Today's Quote

Arise, awake and stop not till the goal is reached.
- Swami Vivekananda

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok