Saturday, July 04, 2020

સ્ટેશને અજાણ્યા સાધુનો મેળાપ

હિમાલયના સીમલા હીલ્સમાં આવેલા ચેલ નામે સ્થળમાં પતિયાળા સ્ટેટનું ગ્રીષ્મકાલીન નિવાસસ્થાન હતું. ઊંચી ઊંચી ને રમણિય પર્વતમાળા પર વસેલા ચેલ નગરથી લગભગ ચાર માઇલ દૂર એક ગામ હતું. ત્યાં એક મહાત્મા પુરુષ રહેતા. લોકો તેમને 'ભગત' કહીને ઓળખતા. તે ગૃહસ્થાશ્રમી હતા. તેમને બે સ્ત્રીઓ હતી. તેમનું ગામ પણ તે જ હતું. માતા આનંદમયીનો પ્રસંગ પૂરો થયા પછી અમે તેમના દર્શન માટેનો નિર્ણય કર્યો. તે નિર્ણયનું મુખ્ય કારણ પેલા ક્ષયરોગથી પીડાતા સિંધી શેઠનો આગ્રહ હતું, એ મેં આગળ પર જ કહી દીધું છે. તેમનો રસોઇયો તે તરફના પર્વતીય પ્રદેશનો પરિચીત હતો, તેથી તેને સાથે લીધો.

ધરમપુર સ્ટેશન ઘણું નાનું હતું. સ્ટેશન પર અમે પહોંચ્યા ત્યારે ખાસ ભીડ ન હતી. માણસો ટ્રેનની રાહ જોતા છૂટાછવાયા ઉભા હતા. તેમનાથી થોડે દૂર પ્લેટફોર્મને બીજે છેડે એક ભગવાં વસ્ત્રધારી સાધુપુરુષ આંટા મારતા હતા. તેમની બધી ચેષ્ટા કોઇ ગાંડા માણસ જેવી હતી. રસોઇયાને પૂછતાં તેણે તરત કહેવા માંડ્યું : 'એ સાધુ નથી પણ છૂપી પોલીસનો માણસ છે. આજકાલ એવા માણસો ખૂબ ફરે છે. છૂપી રીતે મેળવવા જેવી માહિતી મેળવીને તે સરકારને પહોંચતી કરે છે.'

એટલી વારમાં તો ગાડી આવી. સવારના સાતેક વાગ્યાનો વખત હશે. ગાડીમાં ભીડ માતી ન હતી. અંદર દાખલ થવાનું કામ કપરું હતું, તો પણ રસોઇયાની મદદથી જેમતેમ કરીને મેં અંદર જગા મેળવી લીધી. તે જ વખતે પેલા ગાંડા જેવા દેખાતા સાધુપુરુષ મારા ડબાની બારી પાસે આવી પહોંચ્યા. હાથમાંથી સિગારેટ નાખી દઇને મોં સાફ કરીને તેમણે મને લાંબા વખતથી ઓળખતા હોય તેમ મારા તરફ જોઇને સ્મિત કર્યું, ને ધીમા પરંતુ ચોક્ખા ને મીઠા સ્વરમાં પૂછ્યું : 'કેમ ક્યાં જાવ છો ?'

તેમના કલ્પના બહારના પ્રશ્નથી મને જરા નવાઇ લાગી. રસોઇયાએ પણ તેમની સામે નવાઇથી જોવા માંડ્યું. કાંઇ પણ જવાબ આપવાનો પ્રયાસ કર્યા વિના મેં તેમની સામે સ્મિત સાથે જોવા માંડ્યું.

પણ તે મારા જવાબની રાહ જુએ તેમ ન હતા. 'ચેલના મહાત્મા પાસે જાવ છો ? મને ખબર છે.' તે તરત જ બોલી ઉઠ્યા : 'પણ ... ત્યાં કાંઇ જ નથી, બાબા ! તમારા પોતાના પર આધાર રાખો. બીજે બધે પણ કાંઇ જ નથી. તમને તમારી અંદરથી જ બધું મળી જશે - શાંતિ, સિદ્ધિ જે માગશો તે બધું જ. હિમાલયના તમારા પોતાના જ સ્થાન પ્રત્યે પ્રયાણ કરો.'

મેં કહ્યું : 'તે તો બરાબર છે. હું તો ત્યાં શું છે ને કેવું છે તે જોવા જ જઉં છું.'

ત્યાં તો ગાડી ઉપડી. તેમણે સ્મિત કર્યું ને મને વિદાય આપી. છેલ્લે છેલ્લે કહેવા લાગ્યા : 'તમારી પોતાની અંદર શ્રદ્ધા રાખો, મહાત્માજી, તમને બધું જ મળી જશે.'

એ સાધુપુરુષના પ્રસંગે ને શબ્દે મને ભારે અસર કરી. તે બાજુના ફરતા બધા જ વિસ્તારમાં ચેલના મહાત્માની પ્રસિદ્ધિ ઘણી છે. ગાડીમાં પણ તેમના દર્શને જનારા કેટલાય માણસો બેઠા હોય ને તેમના ગુણગાન ગાતા કે સાંભળતા હોય. અમુક માણસનો રોગ તેમના કહેવાથી દૂર થયો; અમુકને સંતાન ન હતું તે તેમણે આશીર્વાદ આપીને પુત્ર આપ્યો; એવી વાતો કેટલાય કરતા હોય. રોગનિવારણ અને સંતાનપ્રાપ્તિના બે જાતના આશીર્વાદ તે સૌને આપતા હતા. એવા ભગતપૂજક કહી શકાય તેવા પ્રદેશમાં પેલા સાધુ પુરુષે જે શબ્દો કહ્યા હતા તે ખરેખર કીમતી ને હૃદય સોંસરા ઉતરી જાય તેવા લાગ્યા. મને લાગ્યું કે ચેલના મહાત્મા ગમે તેવા હશે, તેમને તો હજી જોવાના જ છે, પણ જે સાધુએ આ શબ્દો કહ્યા છે તે કાંઇ કાચી માટીનો માણસ કે સાધારણ સાધુ નથી. તે પણ ખરેખર મહાન ને અનુભવી છે. તેના વિના આવી મહત્વની, મહાન, માર્ગદર્શક, મંગળ વાણી તેના મુખમાંથી નીકળી શકે નહિ. તે વાણીનો મહિમા ખરેખર મોટો છે, તેથી તે મનનીય છે. શ્રેયાર્થી, સાધક કે પોતાનો વિકાસ કરવાની ઇચ્છા રાખનારે સમજી લેવું જોઇએ કે પરાવલંબન એક પ્રારંભનું જ પગથિયું છે ને તેની જરૂર કાયમને માટે નથી રહેતી. જેણે આગળ વધવું છે તેણે છેવટે તો પોતાના પગ પર જ ઊભાં રહેતાં શીખવું પડશે. પોતાના પુરુષાર્થ કે આત્મબળ પર શ્રદ્ધા રાખીને આત્મા કે પરમાત્માના અવાજને અનુસરીને આગળ ધપવું પડશે, ને પોતાની પૂંજી વધારીને તેમાંથી જ પોષણ મેળવવું રહેશે. પરાવલંબન સાધકને માટે શોભા નહિ પણ એબ છે; ભૂષણ નહિ પણ દૂષણ ને સદગુણ નહિ પણ દુર્ગુણ છે. પણ એકાદ બે દિવસમાં પોતાની જાતમાં શ્રદ્ધા જાગવાનું ને તેના પર આધાર પર આગળ વધવાનું કામ અશક્ય નહિ તો પણ અઘરું અવશ્ય છે. એમ પણ બને કે પોતાના જ અધૂરા બળે ચાલવામાં શરૂઆતમાં કાંઇ ના સૂઝે અને એવે વખતે કોઇના હાથની જરૂર રહે, તેટલા પૂરતી બીજાની મદદ નિરર્થક કે મિથ્યા નથી. પણ સદાને માટે તેનો ચેપ લાગવો ને તેની ઇચ્છા રહેવી નિરર્થક છે. સાધના કરનારે એ ખાસ સમજી લેવું જોઇએ.

આજે થાય છે કે તે મહાત્માપુરુષની પાસે એકાદ કલાક વધારે બેસવા મળ્યું હોત કે તેમના અંતરના અજવાળાંને અડકવાનો એક વધારે અવસર પ્રાપ્ત થયો હોત તો તેમાંથી ઘણું ઘણું મહત્વનું મળ્યું હોત, ને તે મહાન મિલનમાંથી આધ્યાત્મિક જીવનમુક્ત પુરુષોના અમર ઇતિહાસમાં એકાદ પ્રકરણ વધારે ઉમેરાયું હોત. મારા જીવનમાં મેં ત્રણથી ચાર આવી ત્રિકાળજ્ઞાની કે અનુભવી વ્યક્તિઓ જોઇ છે, ને જ્યારે પણ તેમની યાદ આવે છે ત્યારે મારું અંતર પ્રસન્નતાની દૈવી લહરે નાચી ઉઠે છે. એ વિચારે કે ભારતમાં હજી પ્રાણ છે, મહાપુરુષોની કમી કે અછત આ ધર્મપરાયણ ને સાધનાસંપન્ન દેશમાં આજે પણ નથી. કેવા કેવા ત્યાગી, વિચારક, સાધક, સ્વાનુભવી સિદ્ધ પુરુષો આ દેશમાં આજે પણ પડ્યા છે ! ભારત, તારા ચરણમાં મારું મસ્તક નમી પડે છે. ને તેમનું પણ નમવા દે, જે તારી સાધના ને સંસ્કૃતિમાં શ્રદ્ધારહિત છે, જે તારી આધ્યાત્મિક સાધનાત્મક પરિપાટી ને પરંપરા તરફ મોં મચકોડે છે. કેમ કે તે સ્વયં અનુભવરહિત છે, અનધિકારી છે, બાળક છે, ને ઉપર ઉપર જ જોનારા છે. જે અંદર છે તેના તરફ તેમની દૃષ્ટિ નથી ગઇ.

પણ ગાડી તો દોડ્યે જ જાય છે. થોડીવારમાં કંડાઘાટ આવ્યું. સીમલા ત્યાંથી થોડે દૂર હતું. કંડાઘાટથી ચેલ મોટર જતી. પણ મોટર ઉપડી ગઇ હતી. એટલે અમારે તો પગરસ્તે જ જવું પડ્યું. પર્વતની ચઢાઇ ભારે હતી. દશરથાચલની યાદ તાજી થતી. તો પણ હિંમત ને ઉત્સાહમાં પચીસેક માઇલ કાપી નાખીને અમે ભગતજીની પાસે પહોંચી ગયા. સંતપુરુષોના દર્શન ને મિલન માટે દિલમાં તે વખતે તેવો રસ ને ઉમંગ હતો. તેના વિના પર્વતીય પ્રદેશની એ કપરી ને લાંબી મુસાફરી અમારે માટે ભાગ્યે જ સફળ થાત. સંતપુરુષોના સમાગમ માટે એવા ઉત્સાહ ને તરવરાટની જરૂર છે. તેના વિના કાંઇ જ નથી બનતું.

 

 

Today's Quote

“Let me light my lamp", says the star, "And never debate if it will help to remove the darkness.”
- Rabindranath Tagore

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok