Saturday, July 04, 2020

ચેલના મહાત્મા

 ભગતજીની મૂર્તિ અતિશય આકર્ષક પણ પ્રથમ દેખાવે સાત્વિક ઓછી લાગી. લાંબા વાળ, ગોરી ને સુંદર મુખાકૃતિ, રેશમી વસ્ત્રો ને શાંતિમય આંખ તેમની વિશેષતા હતી. ફૂલની કુંજ જેવા આસનમાં મકાનની બહાર બેસીને તે આવનારાને આશીર્વાદ આપતા. એમના મસ્તકે મોરપીચ્છ હતું. બાજુમાં ભક્તો ઉભા રહેતા ને વ્યવસ્થા જાળવતા. માણસો માતા ન હતા. પર્વતોની વચ્ચે અજાણ ખૂણે આવેલા આ નાનકડા ગામડામાં આ મહાપુરુષના દર્શન માટે લોકો હારબંધ આવતા જ જતા. વધારે ભાગની પ્રજા પંજાબી હતી. ભગતજીની સામે સંખ્યાબંધ માણસો બેઠેલા તો પણ શાંતિ છવાયેલી. એકેક માણસ વારાફરતી જાય છે ને ભગતજી આશીર્વાદ આપે છે. કોઇને કહે છે કે 'મહાત્માકા ભજન કરો, ભગવાનકા ભજન કરો, ઇચ્છા પૂરી હોગી.' બીજાને કહે છે 'મહાત્માકા સુમિરન કરો, ભગવાનકા ભજન કરો, રોગ દૂર હોગા.' બસ એ બે જ ઇચ્છાઓ લઇને લોકો અહીં આવે છે, ને આ બે જ જાતના આશીર્વાદ - બે જ જાતનાં વચન તે આપે છે. સંતાનપ્રાપ્તિ ને રોગનિવારણનો યોગ કોઇને ના લાગતો હોય તો તે ના પણ કહી દે છે. જેમની ઇચ્છા ફળી નથી તેવા લોકો ફરિયાદ કરવા કે ફરી અરજી કરવા ને આશીર્વાદ લેવા પણ આવે છે. પણ ભગતજી તો બધાં સાથે બે-ત્રણ વાક્યોમાં જ પતાવી દે છે. વધારે વાત કરતા નથી. પોતે કોઇ ભેટ પણ લેતા નથી. તેથી તેમનો પ્રભાવ સ્વાભાવિક રીતે જ વધારે પડે છે. છતાં મુલાકાતીઓ મકાનમાં બેઠેલી તેમની સ્ત્રીઓને કોઇ વાર ભેટ અર્પણ કરે તો તે લે છે ખરી. કોઇ જાતની બળજબરી કે પ્રલોભન વૃત્તિનો તદ્દન અભાવ છે. જે છે તે તદ્દન ચોક્ખું છે. કહે છે કે આ ગામમાં આવેલા કોઇ મહાપુરુષની ભગતજીએ તનમનથી દિવસો સુધી ખૂબ જ સેવા કરી. તે મહાપુરુષે વિદાય થતી વખતે ભગતજીને આશીર્વાદ આપ્યા. તેથી તેમને બીજાનાં મનની વાત જાણવાની ને વચનસિદ્ધિની શક્તિ મળી. તેનાથી તે બીજાને મદદરૂપ થઇ રહ્યા છે.

મારી કલ્પના જરાક જુદી હતી. મારા મનમાં હતું કે અહીં કોઇ મહાત્મા હશે, અનુભવી હશે, કેટલાય વિષયો પર લોકો સાથે વાર્તાલાપ કરનાર કોઇક યોગીપુરુષ હશે. પણ ... અહીંનું દૃશ્ય કોઇ જુદું જ હતું. પ્રાચીન કાળમાં આટલું ચાલીને લોકો કોઇ સંત કે મહાત્મા પાસે દીક્ષા લેવા, પ્રકાશ પામવા કે માર્ગ મેળવવા જતા. મહાત્મા પુરુષ પણ સામાન્ય રીતે આવા વ્યવહારથી દૂર રહેતા. અહીં જરા જુદું જ જોયું. પણ ભગતજી કરે પણ શું ? લોકો એ બે વસ્તુ માટે જ આવતા હતા. તેમની અભિલાષા સંતોષવાનું ભગતજીને ઠીક લાગતું. હા, તેમણે આવી છેક લૌકિક (સંતાન થવા જેવી) વાતમાં મદદ કરવાની કે તે માટે વચન આપવાની ના કહી હોત તો તેવાં લોકો તેમની પાસે આવતાં બંધ થયાં હોત ને કેવળ આત્મોન્નતિના જિજ્ઞાસુ જ આવતા હોત પણ ... તે વિશે વિશેષ શું કહી શકાય ? દરેકને તેની પોતાની દૃષ્ટિ ને સહાનુભૂતિથી સમજવાનો પ્રયાસ જ બરાબર છે. એવો પ્રયાસ કરવાને બદલે આપણા જ વ્યક્તિગત વિચારો, ભાવો, ગમા અને અણગમાને આગળ કરીએ તો અન્યને અનેક વાર અને અધિકતર અન્યાય કરી બેસીએ.

પછી, એક મહાપુરુષ દ્વારા જાણવા મળ્યું તેમ એવી વચનપદ્ધતિ ને ઠઠથી ભગતજી હવે કંટાળ્યા પણ હોય. કેમ કે તે મહાપુરુષે કહેલું કે તેમની પાસે ભગતજીએ પોતાનો માણસ મોકલાવેલો ને આ ઠઠથી બચવા હવે શું કરવું તે પૂછાવેલું. તે મહાપુરુષે ઉત્તર આપેલો કે 'જે તમે જ ઉપજાવ્યું છે તે હવે તમે જ ભોગવો. પ્રથમથી સંભાળ કેમ ના રાખી ?'

તે મહાપુરુષની વાત સાચી હોય તો સિદ્ધ થાય છે કે ભગતજીની વચન આપવાની પ્રવૃતિ લોકકલ્યાણની ભાવનાથી શરૂ થઇ ન હતી. પણ તેની પાછળ કોઇ બીજી જ વસ્તુ કામ કરી રહેલી. કેમ કે કલ્યાણની સાચી ભાવના કદી કંટાળતી નથી કે ગમે તેવા વાતાવરણમાં પણ નિરાશ કે હતાશ થતી કે ડગતી નથી. હા, એમ પણ બને કે સાધારણ સેવાની ભાવનાવાળો માણસ પાછળથી કોઇ કારણે કંટાળી જાય છે. પણ તેનું કારણ સેવાની ભાવના ઓછી હોય છે તે મુખ્ય છે.

આવા વચનમાં કાંઇ સેવા છે ખરી ? અલબત્ત, ઘણી છે. પોતપોતાની રીતે બીજાને કૈંક પણ ઉપયોગી થવું એ સેવા જ છે. પણ મારી દૃષ્ટિએ એકલી આવી સેવા ઠીક નથી. તેની સાથે કોઇક ક્રિયાત્મક વસ્તુ પણ ઉમેરાય તો વધારે લાભ થઇ શકે. જેમ કે રોગ મટે ને તે માટે વચન કે આશીર્વાદ લે તેણે અમુક નિયમો પણ લેવા ને પાળવા જોઇએ. એમ થવાથી ભારે લાભ થવાનો સંભવ રહે છે. લૌકિક સેવાની સાથે બીજાની આત્મિક સેવા પણ થઇ શકે તેમ છે.

છતાં ભગતજી ખૂબ જ નિસ્પૃહ લાગ્યા. મારી ઉપર એમની છાપ સારી પડી.

માણસો વારાફરતી વિદાય થયા ને છેવટે મારી સાથેના રસોઇયાનો વારો આવ્યો. ભગતજીએ તેને શા માટે આવ્યો છે તે પૂછ્યું. પણ રસોઇયાએ જુદી જ પદ્ધતિનો ઉપયોગ કર્યો. 'તમે તો અંતર્યામી છો. બધું જાણો છો.' એમ કહીને તે હાથ જોડીને બેસી રહ્યો.

ભગતજી તરત જ બોલી ઉઠ્યા : 'તમારા શેઠ બિમાર છે. ખરું ને ? ભગવાનનું ભજન કરો, મહાત્માનું ભજન કરો, બિમારી દૂર થઇ જશે. પણ જરા વાર લાગશે.'

ભગતજીની શક્તિની ખાતરી કરવા આ નાનો સરખો પ્રસંગ પૂરતો હતો. શેઠની બિમારીની વાત તે પોતાની મેળે જ જાણી ગયા. હું એમની બાજુમાં જ બેઠેલો. મને કહે, 'તમારે શું જોઇએ ?'

મને થયું કે પ્રસંગ આવ્યો છે તો ચાલોને તેમનો લાભ લઇએ. મેં કહ્યું : 'મને દીક્ષા મળી છે પણ તેનું ધારેલું પરિણામ દેખાતું નથી.'

'દેખાશે, અવશ્ય દેખાશે.' તે બોલી ઉઠ્યા, 'બધી જ ચિંતા ટળી જશે. આનંદ આનંદ થઇ રહેશે.'

લગભગ અરધા કલાક પછી અમે વિદાય થયા. ભગતજીએ આગ્રહ કર્યો પણ રોકાવાની ઇચ્છા ન હતી. પગપાળા કંડાઘાટ આવીને રાતની ટ્રેનમાં અમે ધરમપુર પહોંચ્યા. તે મહાપુરુષની વચનસિદ્ધિથી કે મારી પોતાની અંતરંગ સાધનાના પ્રભાવથી, ગમે તેમ પણ, બીજે દિવસે હું ચંપકભાઇ પાસે બેઠો હતો ત્યારે સાંજના ચારેક વાગે મારા ડાબા કાનમાં જોરથી ઘંટનો નાદ શરૂ થયો. મને આનંદ થયો. દીક્ષાના પરિણામરૂપે એવો નાદ સંભળાઇ શકે છે. શરૂઆતમાં ડાબા ને પછી જમણા કાનમાં શરૂ થયેલો તે નાદ પછી તો ચાલુ જ રહ્યો. ચોવીસ કલાક ચાલુ રહ્યો. તેની મદદથી સમાધિપ્રવેશ સહેલો થયો. ચેલના મહાત્માની મુલાકાતની એ સુંદર શ્રેયસ્કર ચિરસ્મરણીય સુખદ ફળશ્રુતિ.

પેલા પ્લેટફોર્મ પર મળેલા સાધુપુરુષ તો રસોઇયાએ કેટલીય તપાસ કરી તો પણ પછી મળ્યા જ નહિ. પણ તેમની સ્મૃતિ તો આજે પણ એવી જ તાજી છે. તાજી જ રહેશે. ભગતજીને પણ કેમ ભૂલાય ? ભારતમાં જે અનેકવિધ મહાત્મા પુરુષો છે તેમાં ભગતજી પણ એક વિવિધતા છે. એમનું વ્યક્તિત્વ વિશદ, અદભૂત, અસામાન્ય હતું. એ અભિનંદનીય અને અભિવંદનીય હતા એમાં શંકા નથી.

 

 

Today's Quote

If you want to make God laugh, tell him about your plans.
- Woody Allen

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok