Saturday, July 04, 2020

હનુમાનજીનું દર્શન ને મારું જ દિવ્ય દર્શન

નાદાનુસંધાન એક સ્વતંત્ર સાધના છે. કોઇ સિદ્ધ મહાપુરુષ દ્વારા દીક્ષા મળે પછી જાગૃતિ દશામાં કાનમાં નાદ શરૂ થાય છે. તે નાદ સામાન્ય રીતે પહેલાં ડાબા ને પછી જમણા કાનમાં શરૂ થાય છે. શરૂઆતમાં તે જોરથી કે મોટેથી ચાલે છે ને ક્રમેક્રમે ધીમો પડતો જાય છે. આગળ જતાં વધારે ભાગે જમણા કાનમાં ચાલુ રહે છે. તેની અંદર વૃત્તિનું અનુસંધાન કરવાથી મન તરત એકાગ્રતા ધારણ કરે છે ને સમાધિદશા સહજ બને છે.

યોગના ગ્રંથોમાં દસ જાતના નાદનું વર્ણન વાંચવા મળે છે, તે સાચું છે. તેવા નાદ આજ સુધી મારા સાંભળવામાં આવ્યા છે. ભારતમાં નાથ સંપ્રદાય તથા કબીર ને રાધાસ્વામી જેવા બીજા સંપ્રદાયોમાં નાદના શ્રવણને ઘણું મહત્વ આપવામાં આવ્યું છે. નાદનું વર્ણન ઉપનિષદમાં પણ જોવા મળે છે.

નાદ ચાલુ થવાથી સાધનાનું કામ સરળ થઇ પડે છે. પણ સાધકે ચાલુ થયેલા નાદનો બનતો લાભ ઉઠાવીને ધ્યાન કરવાની જરૂર છે. તો જ તેને સારો લાભ મળી શકે છે. એકંદરે નાદ ઘણી ઉપયોગી વસ્તુ છે, મને તેનો અનુભવ પણ મળી ગયો તેથી મારા આજ સુધીના આધ્યાત્મિક અનુભવમાં ઘણો વધારો થયો. સાધનાની એ મહત્વની પદ્ધતિનો પણ મને પરિચય મળ્યો.

ચેલ જઇ આવ્યા પછી નાદ શરૂ થઈ ગયો. તેથી અદભૂત આનંદ આવતો ને ધ્યાનમાં એકાગ્રતા જળવાતી. એ અરસામાં એક વાર અનેરો દર્શનાનુભવ થયો.

તે દિવસ ૧૭ જૂન ૧૯૪૬નો હતો. સવારે હું ધ્યાનમાં બેઠેલો ત્યારે અચાનક જ દેહભાન જતું રહ્યું. એ અવસ્થામાં કોઇ સાધારણ માનવ દેખાયા. પરંતુ તે માનવાકૃતિ વધારે સમય ટકી શકી નહીં. તેમાંથી હનુમાનજી પ્રકટ થયા ને હાથ જોડીને ઉભા રહ્યા. તેમની દૃષ્ટિ મારા તરફ સ્થિર હતી. મુખમંડળ ને શરીર ખૂબ જ તેજસ્વી ને લાલ હતું. ચિત્રો ને મૂર્તિઓમાં જોવામાં આવે છે તેવું તેમનું મુખ હતું. શરીર ખૂબ મજબૂત હતું. આ દર્શન થવાથી મને ખૂબ આનંદ થયો. મને હનુમાનજી પ્રત્યે પૂજ્યભાવ હતો ને છે. એક ભક્ત તરીકે તેમની ખ્યાતિ સારી દુનિયામાં છે ને કેટલાય લોકો તેમને ઉપાસ્ય માને છે. તેમની કૃપા વિના તેમનું દર્શન એક ક્ષણ માટે પણ કોને થઇ શકે ?

એ જ દિવસોમાં એક બીજો વિચિત્ર અનુભવ થયો. એક વાર આવી જ દેહાતીત દશામાં મારું પોતાનું જ સ્વરૂપ મને દેખાયું. તે વખતે મારી દાઢી હતી. પરંતુ આ દર્શનમાં દાઢી ન હતી. મુખ ને શરીર ખૂબ તેજોમય ને ગૌર હતાં. મેં સફેદ સ્વચ્છ વસ્ત્રો પહેર્યાં હતાં, તથા ધ્યાન મુદ્રામાં હું પદ્માસન વાળીને બેઠો હતો. મુખ પર પૂર્ણ શાંતિ વિરાજતી હતી.

આ અનુભવથી મને અજબ ભાવ થઇ આવ્યો. લગભગ બે-ત્રણ વાર મને આવું દર્શન થયું છે. મને લાગે છે કે સિદ્ધપુરુષો સૂક્ષ્મ શરીરે આવા જ તેજોમય સ્વરૂપમાં રહેતા હશે. માનવ પૂર્ણ મુક્ત થતાં આવી જ તેજોમય દશા તેને મળતી હશે. જ્યાં વ્યાધિ નથી, શોક નથી, મૃત્યુ નથી, પૂર્ણ શાંતિ, આનંદ, પૂર્ણતા ને અમરતા છે, તે પદની પ્રાપ્તિ પછી માનવની આવી જ અલૌકિક સ્વરૂપાવસ્થા થઇ જતી હશે.

પોતાના જ દર્શનના આવા અનુભવને પ્રતીક દર્શન કહેવામાં આવે છે.

સાધનામાં આવા અનુભવ ઘણાં થાય છે. કેટલાક તો એવા વિચિત્ર હોય છે કે તેને વર્ણવી પણ ના શકાય. તે કેવળ અનુભવની વસ્તુ છે. પરંતુ એક વાત નક્કી છે કે આ માર્ગમાં કોઇએ નિરાશ થવાની જરૂર નથી. ખૂબ હામ રાખીને, શ્રદ્ધાપૂર્વક સૌએ આગળ ને આગળ ધપતાં રહેવાનું છે. સાધના અખંડ હશે તો અનેક અનુભવો થશે. પરંતુ કોઇ પણ પ્રકારના અનુભવોથી અટકી જવાને બદલે વધારે ને વધારે હિંમત ધરી, સાધકે પૂર્ણતાને પંથે આગળ ધપવાનું છે - ત્યાં લગી જ્યાં લગી પ્રકાશનો પંથ પૂરેપૂરો ના કપાય. ખોટો આત્મસંતોષ સાધક નહિ પણ વિકાસમાં બાધક છે એ સૌએ સમજી લેવાનું છે.

 

 

Today's Quote

Resentment is like taking poison and hoping the other person dies.
- St. Augustine

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok