Saturday, July 04, 2020

નેપાલીબાબાનો સમાગમ

ધરમપુરના નિવાસ દરમ્યાન સાધના સુંદર રીતે ચાલ્યા કરતી. એક દિવસ દહેરાદૂનના પ્રેમી ને યોગી શ્રી ભૈરવ જોષી પેલા સિંધી શેઠના આમંત્રણથી ધરમપુર આવ્યા.

અમે બંને સેનેટોરિયમમાં રહેતા. તે ત્યાંના સર્વસત્તાધીશ પારસી ડોકટરને બહુ ગમતું નહિ. છતાં પણ અમારી સાથે તેમનો વર્તાવ એક સદગૃહસ્થને છાજે તેવો હતો. અમારી ઉપસ્થિતિમાં તે કાંઇ કહેતા નહિ, પણ ગેરહાજરીમાં કેટલીક વાર ચંપકભાઇને કહેતા, 'અત્યાર સુધી એક મહાત્મા હતા. તેને બદલે હવે શેઠે વળી બીજાને બોલાવ્યા છે. સેનેટોરિયમમાં મહાત્માઓ આવવા માંડશે તો અમારો ભાવ કોણ પૂછશે ?'

ચંપકભાઇ શું બોલે ? પણ હું ડોક્ટરની ભાવના સમજી શકતો હતો. સેનેટોરિયમમાં દર્દીઓને જીવનની આશા માટે મહાત્માઓની સહાયતા લેવાનું મન થાય, ને તેમાં કાંઇ લાભ થાય, તો તેમની આવકનું સાધન ઓછું થાય એ સમજી શકાય તેમ છે. પણ સાચા ડોક્ટરનો વધારે લાભ શામાં ? સેનેટોરિયમ કે દવાખાનામાં દર્દી ભરાયેલા જ રહે એમાં કે બધાં રોગરહિત થઇ દવાની જરૂરતથી પર થાય તેમાં ? કમભાગ્યે જીવનના કેટલાય ક્ષેત્રોમાં આપણે માનવહિતની દૃષ્ટિ કરતાં કમાણીની દૃષ્ટિ જ વધુ રાખીએ છીએ, ને તેથી જ આપણામાંથી સેવા, પ્રેમ ને સહકારનાં તત્વો ઓછાં થયા છે. પણ આ ફિલસૂફી સમજવા જેટલું સ્વસ્થ મગજ પણ આપણી પાસે ક્યાં છે ? આપણે સાચા માનવ થવું હોય, ને બીજાને પણ તેવા બનાવવામાં સહાયભૂત બનવું હોય, તો આપણા વિચાર ને દૃષ્ટિકોણમાં ફેરફાર કર્યા વિના છૂટકો નથી.

પરંતુ ડોક્ટરની ચિંતા વધારે ટકી નહિ. થોડા જ વખતમાં અમે - હું ને જોશીજી - સીમલા જવા ઉપડ્યા. સીમલા જવા પાછળ એ બાજુનો પ્રદેશ જોવાનો જ વિચાર હતો. વળી સીમલામાં જોશીજીના સંબંધી પણ રહેતા હતા. એટલે તેમની મુલાકાતનો પણ તેમનો હેતુ હતો. એ બંને માનવહેતુથી પર એક જુદો જ ઇશ્વરી હેતુ એ પ્રવાસ પાછળ રહેલો હતો, જેની તે વખતે અમને બંનેને ખબર ન હતી. ઇશ્વરના એવા કેટલાય અગમ્ય હેતુની માણસને ક્યાં ખબર હોય છે ? એમની માહિતી સુનિશ્ચિત સમય પર જ મળતી હોય છે.

ધરમપુરથી મોટર રસ્તે ખૂબ જ લાંબો પ્રવાસ કરીને સીમલા પહોંચીને અમે કથ્યુ ગયા. કથ્યુ સીમલાનો એકાંત જેવો સુંદર ભાગ હતો. ત્યાં જોશીજીના સંબંધી રહેતા. તેમને ત્યાં ઉતરીને પહેલું કામ અમે લાંબા પ્રવાસના પરિશ્રમને ઉતારવાનું કર્યું. સીમલાના પર્વતીય માર્ગના વિશાળ પહાડો નજર સામે તરવરતા હતા. એ પહાડ સુંદર ને હરિયાળીવાળા છે. વળી ઊંચા પણ ખૂબ જ છે. સીમલાની રચના પણ સુંદર છે. જો કે ત્યાંના વૈભવી જીવન વચ્ચે ગરીબીનું દર્શન એક સર્વવ્યાપક દેવતાની જેમ થવાનું. મારા દેવતા શબ્દના પ્રયોગથી કોઇએ ચમકવાનું નથી, કેમ કે દેવતા સારા ને નરસા બંને જાતના હોય છે. તે માણસને તારે છે એમ જ નથી. એને અધોગતિમાં નાખવાનું ને મોહાંધ કરવાનું કામ પણ તે કરતા હોય છે. ગરીબીના દૃશ્યો જોઇને મારું દિલ પીગળી જાય છે. મુંબઇ ને કલકત્તા, મદ્રાસ, રામેશ્વર ને સીમલા, ઠેઠ બદરીનાથ ને કૈલાસ સુધી આ ગરીબી ભારતમાં ફેલાયેલી છે. આ દેશનાં લોકો સુખી ને ભૌતિક રીતે સમૃદ્ધ ક્યારે થશે ? એ દિવસ જોવા હું ખૂબ આતુર છું. જ્યારે દરેકને પૂરતાં અન્ન-વસ્ત્ર-રહેઠાણ મળી રહેશે. વિદ્યાનાં સાધન ને સંસ્કાર જડશે, ત્યારે જ આ દેશ દેવોનો પ્રિય બનશે.

ગરીબીનો રોગ ભયંકર છે, પણ અમીરીનો રોગ ઓછો ભયંકર નથી. તેને મહા ભયંકર કહેવો જોઇએ. જો સંભાળે નહિ તો માનવ તેના પાશમાં ફસાઇને માનવતા ખોઇ દે છે. અમીરીનો દેવતા પણ આપણે ત્યાં ફેલાયેલો છે ને ફેલાતો જાય છે. પણ કોઇ દેશ એકલી ભૌતિક સમૃદ્ધિથી કે અમીરી જીવનથી મહાન કહેવાતો નથી. મુખ્ય વસ્તુ માનવનું હૃદય છે. માનવના નૈતિક અને આધ્યાત્મિક સંસ્કાર જે તેને માનવ બનાવે છે તે છે. તેને જીવંત રાખીને તેની આસપાસ ભૌતિક સુખસમૃદ્ધિ વિકસે એ ઉત્તમ કહેવાય. માનવનો એવો ભૌતિક અને આધ્યાત્મિક વિકાસ ભારતે સાધ્યો હતો ને ફરી સાધી બતાવશે એવો મને વિશ્વાસ છે. સંસાર પણ એ માર્ગે વળશે.

વિચારોના વમળમાં કેટલોય સમય વહી ગયો. જોશીજી કોઇના હાથનું જમતા નહિ. તેમણે અમારે માટે રસોઇ બનાવી લીધી. અમે જમ્યા. જોશીજી ખૂબ જ પ્રેમાળ હતા. વરસોથી તે ગૃહસ્થ જીવનમાં રહીને વિરક્તની જેમ સાધના કરતા, મને તેમના પ્રત્યે માન હતું. એમણે જમી રહ્યા પછી મારી સાથે વિવિધ વાતો કરવા માંડી.

એટલામાં અમારી નજર દ્વાર પર પડી. બપોરનો વખત હતો. જોયું તો એક પ્રચંડકાય તેજસ્વી પુરુષ ઊભા છે. રંગીન અર્ધી બાંયનું ખમીસ ને ધોતિયું, પગમાં ચંપલ ને હાથમાં લાકડી, માથું ... ને મોઢું વાળ વિનાનું, સુંદર ના કહેવાય એવી નાની પણ તેજસ્વી આંખ ને ખભે શાલવાળા એ પુરુષને અમે ઘરના કોઇ ઓળખી શક્યાં નહિ. પણ અમારી ઓળખાણની પરવા કર્યા વિના, ચંપલ કાઢી, નમસ્કાર કરી તે પુરુષ અમારી સામે આવીને જમીન પર બેઠા. ને બે મિનિટ અમને જોઇ રહ્યા. મેં પૂછ્યું, 'તમારો પરિચય ?'

જવાબમાં તે બોલવા માંડ્યા, પણ તે બધું કહેતાં પહેલાં એટલું કહી દઉં કે એ બહારથી સાધારણ જેવા દેખાતા પુરુષ એક મહાપુરુષ - ખૂબ જ મહાપુરુષ કે સિદ્ધપુરુષ હતા. અને એમનું નામ નેપાલીબાબા હતું, અથવા કહો કે એ નામે તે વિખ્યાત હતા.

 

 

Today's Quote

Life can only take place in the present moment. If we lose the present moment, we lose life.
- Buddha

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok