Sunday, August 09, 2020

નેપાલીબાબાનો પરિચય

નેપાલીબાબાનો પરિચય આપતાં મને અસાધારણ અનેરો આનંદ થાય છે. આ મહાત્માની દશા ખૂબ જ ઊંચી છે. તેમના જેવા મહાત્મા ભારતભરમાં ભાગ્યે જ જોવા મળી શકે છે. તે પોતે સાધક નથી, સાધક દશાને વટાવીને જીવનમુક્ત કે સિદ્ધ દશામાં પ્રતિષ્ઠિત છે. તેમનાં દર્શન, તેમનો સંગ, તેમની સહાયતા કોઇ પણ માણસને માટે કલ્યાણકારક થાય છે. નેપાલીબાબા જેવા મહાપુરુષને જોઇને મને લાગ્યું કે આવા વિષમ સમયમાં પણ ભારત મહાન આધ્યાત્મિક વિભૂતિઓથી સંપન્ન છે ને તેથી જ ભારતનું ભાવિ ઉજ્જવળ છે.

સીમલા જેવા ભોગપ્રધાન સ્થળમાં નેપાલીબાબાનું વસવું એક આશ્ચર્ય છે. છેલ્લાં ૨૦-૨૫ વરસથી નેપાલીબાબા ત્યાં રહે છે. સીમલાની બહાર દૂર-સુદૂર એકાંતમાં તેમનું સ્થાન છે. તેમને મહાત્મા તરીકે સીમલામાં કોઇ જાણતું નથી. તેનું એક કારણ નેપાલીબાબાની નિસ્પૃહતા, વસ્તીથી અલિપ્ત રહેવાની વૃત્તિ, ને બીજું કારણ તેમનો બાહ્ય દેખાવ. તેમનું સાફ મુખ, પ્રચંડ ઊંચુ ભરાવદાર શરીર, તેમજ સફેદ ધોતી ને રંગીન ખાદીના ખમીસનો તેમનો વેશ તેમને મહાત્મા તરીકે ઓળખવામાં જરા પણ મદદરૂપ થતો નથી.

નેપાલીબાબાની આંખ ખૂબ જ તેજસ્વી છે. મુખ પર દૃઢ નિશ્ચય, કષ્ટ સહન, તીવ્ર વૈરાગ્ય ને છતાંયે નિરાભિમાનની છાપ છે. તે કહેવા માંડ્યા : 'સીમલામાં કેટલાય સંતસાધુ આવે છે પણ હું કોઇને મળતો નથી. આ પહેલો જ પ્રસંગ છે કે હું મળવા આવ્યો છું.'

થોડીવાર પછી તેમણે જ શરૂ કર્યું : 'રાતે મને લામાગુરુએ આવીને કહ્યું કે અહીં બે સંતપુરુષો આવ્યા છે. તેમાં જે નાની ઉંમરના છે તેમને તારે ખાસ મળવા જેવું છે. ને તેમણે મને આ ઠેકાણું કહ્યું એટલે અત્યારે હું તમને મળવા આવ્યો છું.'

અમે એ બધું શાંતિપૂર્વક સાંભળી રહ્યા. બધું સાંભળીને જોશીજીએ પૂછ્યું, 'તમારા લામા ગુરુ ક્યાં છે ?'

'મારા ગુરુ ચીનમાં રહે છે.' તેમણે કહ્યું : 'પરંતુ તેમની શક્તિ અપાર છે. એક સ્થળે રહેવા છતાં તે કાળ કે સ્થળના બંધનમાં નથી. બધાં જ બંધનથી પર છે. મને તે લગભગ રોજ દર્શન આપે છે, ને મારી સાથે વાર્તાલાપ પણ કરે છે.'

સિદ્ધ યોગીને માટે એમ કરવું અશક્ય નથી એ અમે જાણતા હતા. યોગીએ યોગની વિવિધ પ્રક્રિયા દ્વારા તન ને મન પર પૂર્ણ કાબુ મેળવ્યો હોય છે. સ્થૂલ ને સૂક્ષ્મ બંને શરીરનો તે સ્વામી બની જાય છે. તે ગમે ત્યાં જઇ શકે છે, ને સ્થૂલ શરીર દ્વારા મહાન આશ્ચર્યજનક કાર્યો કરી શકે છે. એ બધી વાતમાં અમારો વિશ્વાસ હતો. મને તો તેમાં લવલેશ શંકા ન હતી. કેમ કે પ્રભુની કૃપાથી મને પણ જીવનમાં એવા સિદ્ધપુરુષોના દર્શનાનુભવ થયા હતા. સંસારી માણસોને જે શક્તિની કલ્પનાય નથી હોતી તે શક્તિ એવા યોગી પુરુષોએ પ્રાપ્ત કરી હોય છે. દરેક મનુષ્યમાં એવી શક્તિને માટે સમુચિત વિકાસ કરવાની શક્યતા રહેલી છે. પણ પામર માનવ વિષયના રસમાં જ સર્વસ્વ માની લે છે, ઇન્દ્રિય ને મન બુદ્ધિના ક્ષેત્રમાં જ બંધાઇ જાય છે, ને તેથી જે અતીત છે, વિરાટ છે, એનો અનુભવ નથી કરતો. પરિણામે માનવ-શક્તિનો પૂરો ઉપયોગ કરી શકાતો નથી. તેનો સંપૂર્ણ સદુપયોગ થાય તો માણસ ધાર્યો વિકાસ જરૂર કરી શકે.

મારા એ વિચારની સાથે સંમત થતા હોય તેમ નેપાલીબાબા તરત જ બોલી ઉઠ્યા : 'સંસારમાં શું છે ? સંસારના બધા જ પદાર્થો વિનાશશીલ છે. માનવ તેમાં લપટાઇને બરબાદ થઇ જાય છે. પણ જે સનાતન છે, પૂર્ણ આનંદમય ને કલ્યાણકારક છે, તેની આરાધના માનવ કરતો નથી. એથી વિશેષ આશ્ચર્ય બીજું કયું હોઇ શકે ?'

તે પછીની તેમની બધી જ વાતો જ્ઞાન ને વૈરાગ્યની હતી. તેમની વાણી અસ્ખલિત, મૃદુ, ગંભીર તથા અનુભવથી ભરેલી હતી. એમ થાય કે તે બોલ્યા જ કરે ને તેમના સુખદ સહવાસમાં આપણે બેસી જ રહીએ. ઉઠવાનું મન જ થાય નહિ એવો રસ ટપક્યાં કરે.

જે વસ્તુની ધરમપુરથી નીકળતી વખતે અમને કલ્પના પણ ન હતી એ અમુલખ વસ્તુ ઇશ્વરકૃપાથી અમને મળી આવી. મહાપુરુષના સંગનું મૂલ્ય આંકી શકાય તેમ છે ? દુનિયાનું સમસ્ત ઐશ્વર્ય તેની આગળ ફીકું પડે છે. તે તો આત્માને ઢંઢોળે છે, ચેતન અર્પે છે, ને પરમ પ્રકાશથી હૃદયને આલોકિત કરે છે. ઘરનાં માણસો પણ પ્રેમી હતા. તે પણ સૌ બાબાની વાણી સાંભળવા માંડ્યા, બાબાના દર્શન કરવા માંડ્યા, અને આશ્ચર્ય અનુભવવા માંડ્યા. સીમલામાં આવી આધ્યાત્મિક વિભૂતિનો ખ્યાલ પણ ક્યાંથી આવે ? ને તે પોતે જ્યારે દર્શન દઇને કૃતાર્થ કરવા આવે ત્યારે તેનો લાભ પણ કોણ ના લે ?

તે દિવસે મોડી રાત સુધી નેપાલીબાબા બેઠા. તે દરમ્યાન તેમણે ઘણી ઘણી વાતો કરી. તે પછી પણ અમે સીમલા રહ્યા ત્યાં સુધી તે રોજ કૃપા કરીને આવવા માંડ્યા. તેમની સાથે એક વીસેક વર્ષની નેપાલી છોકરી પણ રહેતી હતી. નેપાલીબાબા કહેતા કે 'નેપાલના જંગલમાં એક ઠેકાણે ફરતાં ફરતાં એ છોકરી મળેલી. જ્યારે તેને પ્રથમ જોઇ ત્યારે તેના પેટની આસપાસ કોઇ લાકડી પેસી ગઇ હતી, ને તે બેહાશ હતી. મને દયા આવી. એક ઔષધિનો પ્રયોગ કરીને મેં તેને સાજી કરી, ને તેને ઘેર પહોંચાડવા કહ્યું. પણ તે કન્યા તો મારા ઉપકારથી બધું જ ભૂલી ગઇ હતી. તેણે તો મારી જ પાસે રહેવાની હઠ પકડી. આખરે તેનાં સંબંધીની રજા લઇને તે મારી જ સેવામાં રહી. આજે તો તે પણ ઉચ્ચ દશાએ પહોંચેલી છે. સારી રાત તે ધ્યાનમગ્ન બેસી રહે છે. તેને સમાધિ સાંપડી છે, ને બીજી કેટલીક શક્તિઓ પ્રાપ્ત થઇ છે. લગ્ન કરવાનો તેનો વિચાર નથી. મારી પાસે રહીને તે જડીબુટ્ટી વિશે તેમજ યોગસાધના શીખે છે.'

નેપાલીબાબા જડીબુટ્ટીના પ્રખર જ્ઞાતા છે. દુનિયામાં કયા સ્થળે કેવી જાતની બુટ્ટી થાય છે ને તેનો લાભ શો છે તેનું તેમને અગાધ જ્ઞાન છે. તે પોતે ઔષધિથી મફત સેવા પણ કરે છે. એક વાર તે અમારી પાસે એક ગ્રંથ લઇને આવ્યા. એ ગ્રંથ પ્રાચીન હસ્તલિપિમાં હતો ને તેમાં વિવિધ ઔષધિના ગુણ વર્ણવેલા. જોશીજીને ઔષધિમાં ખૂબ રસ હતો અને એમના જ આગ્રહથી બાબા એ ગ્રંથ લાવેલા.

તેમની કેટલીક વાતો અજબ હતી. એક દિવસ તેમણે કહ્યું : 'હું વારંવાર તિબેટ, ચીન, નેપાલ જાઉં છું. નેપાલ મારું મૂળ જન્મસ્થાન હોવાથી મને સૌ નેપાલીબાબા કહે છે. મારી ઇચ્છા થાય ત્યારે હું પ્રવાસે ઉપડી જાઉં છું, ને ઇચ્છા થાય ત્યારે અહીં આવું છું. ભૂતાનમાં પર્વતોમાં કેટલાક મહાન યોગી વસે છે. એ બાજુના પર્વતોમાં સત્યયુગ, ત્રેતા ને દ્વાપર યુગના મહાત્માઓ પણ છે. એમનો આહાર તે પ્રદેશમાં થતી ઔષધિનો છે. પાંચસોથી હજાર વરસના મહાત્મા એ બાજુ કેટલાય છે. પણ સાધારણ માણસને તેમનાં દર્શન થવાનું દુર્લભ છે. જો તેમની ઇચ્છા હોય તો જ બીજા તેમને જોઇ શકે છે. મેં એવા ઘણા યોગીપુરુષોને જોયા છે. એક વાર મને એક સ્થળે વિશાળ વૃક્ષરાજની નીચે મહાન ભક્ત, જ્ઞાની ને યોગી કાગભુશુંડજીનાં દર્શન પણ થયાં હતાં. મારી આ વાત હું કોઇને કહેતો નથી. કેમ કે આજની અશ્રદ્ધાળુ પ્રજા તેને માને તેમ પણ નથી. પ્રેમને લીધે અધિકારી જાણીને તમને જ કહું છું.'

એ મહાત્માએ કૈલાસ-માનસરોવરની યાત્રા ઘણી વાર કરી હતી. તે કહેવા માંડ્યા : 'એક વાર હું દેવપ્રયાગ આવીશ. આપણે ત્યાંથી સાથે કૈલાસની યાત્રા કરીશું. તે વખતે હું તમને એવા મહાન યોગીપુરુષોનાં દર્શન કરાવીશ. તમને ખૂબ જ આનંદ આવશે.' જો કે તે પછી હજી નેપાલીબાબા દેવપ્રયાગ નથી આવી શક્યા.

તેમણે કહેલી એક વિચિત્ર વાત લખીને આ પ્રકરણ પૂરું કરું છું. તેમણે જણાવ્યું કે 'છેલ્લી સીમલા પરિષદ વખતે અહીં સુભાષચંદ્ર બોઝ ને હીટલર - બેય વેશપલટો કરીને આવ્યા હતા. મેં તેમને ઓળખી કાઢ્યા ને કહ્યું કે તમારી પાછળ તો છૂપી પોલીસ ફરે છે. તમે અહીંથી અફઘાનિસ્તાન બાજુ જતા રહો. તે પછી તે બંને તરત જ સીમલા છોડી ચાલ્યા ગયા હતા.'

આ વાતમાં કેટલું તથ્ય હોઇ શકે છે તે વિવેકી પુરુષો વિચારી શકે છે. એક વાત તો ચોક્કસ છે કે ભારત સરકારની પર્યાપ્ત સૂક્ષ્મ તપાસ છતાં હજી સુભાષચંદ્ર બોઝનો પત્તો નથી. ને લોકો એમના અસ્તિત્વની આશાને ખોઇ બેઠા છે.

 

 

Today's Quote

God writes the gospel not in the Bible alone, but on trees and flowers, and clouds, and stars.
- Luther

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok