Friday, May 29, 2020

લામા ગુરુનો પરચો

 સીમલામાં ઝાકુ કરીને એક સુંદર સ્થળ છે. ત્યાં અમે જઇ આવ્યા. ત્યાં મંદિરમાં હનુમાનજીની મૂર્તિ છે. મંદિર સુંદર અને ઊંચું છે. ત્યાં એક સંન્યાસી મહારાજ રહેતા હતા. તે સ્થળમાં પ્રાચીન કાળમાં કોઇ સિદ્ધ પુરુષ નિવાસ કરતા. જેને એકાંત અને સરસ આહલાદક વાતાવરણમાં વસીને ભજન કરવું હોય તેને માટે એ સ્થળ પણ સાનુકૂળ તથા સુંદર છે.

બપોરે નેપાલીબાબાની ફરી મુલાકાત થઇ. તેમને અમારા પર પ્રેમ થઇ ગયો હતો, ને તેથી જ તે અમારી પાસે ખેંચાઇ આવતા. તેમણે કહ્યું : 'આજે લામા ગુરુ આવ્યા હતા. તેમણે કહ્યું છે કે આજે રાતે બે વાગે તે તેમને બંનેને દર્શન આપશે.'

મને થયું કે નેપાલીબાબા ને તેમના ગુરુની સત્યાસત્યતાને પારખવાનો આ સારો અવસર છે. તેમના કહ્યા પ્રમાણે આજે લામા ગુરુનું દર્શન ના થાય તો તેમના શબ્દો મિથ્યા થાય. મેં જોશીજીને કહ્યું કે આજે રાતે આપણે જાગવું જ નથી. વહેલા સૂઇને મોડે સુધી ઉઠવું જ નથી. કોઇ જગાડે તો પણ ના ઉઠશો. જુઓ, લામા ગુરુ કેવી રીતે દર્શન આપે છે !

પણ સિદ્ધ પુરુષોના સામર્થ્યનું શું પૂછવું ? મારી શંકાશીલ વૃતિને લીધે મને તો તે દિવસે કૈં સ્પષ્ટ ના થયું. પરંતુ જોશીજીએ સવારે કહ્યું કે બરાબર રાતે બે વાગે મારી આંખ ઉઘડી ગઇ ને લામા ગુરુના દર્શન થયા. તેમણે તમારી તરફ આંગળી કરીને કહ્યું કે આ શું કામ બધે ફરે છે ? એમનો પૂર્ણતાનો વખત આવી ગયો છે. હવે એમણે ક્યાંય ફરવાની જરૂર નથી. હવે એ દેવપ્રયાગ જ જાય ને ત્યાં જ રહે એમ કહેજો. મને કહ્યું કે તમારે હજી વાર છે. પણ નિરાશ થયા વિના તમે સાધન-ભજન કર્યા કરો.

મેં કહ્યું કે મને તો કૈં સ્પષ્ટ થયું નહીં. તમને થયું એ મારે કેવી રીતે માનવું ? મારે માટે જે કહેવાનું હોય તે મને જ કેમ ના કહ્યું ? એ રાતે મને સ્પષ્ટ દર્શન ના થયું પરંતુ પ્રકાશ દેખાયો, કોઇ આકૃતિ જણાઇ, ને તેણે મારે શરીરે હાથ ફેરવ્યો, એટલો અનુભવ થયો હતો.

તે પછી થોડે જ દિવસે - શ્રાવણ સુદી બારસને દિવસે - મૌનવ્રત રાખીને હું બેઠો હતો, ત્યારે એકાએક મારું દેહભાન વિલાઇ ગયું ને મને લામા ગુરુનાં દર્શન થયા. લામા ગુરુ ખૂબ જ ઊંચા હતા. તેમને લાંબી દાઢી હતી ને તેમણે કાળો પગની પાની લગીનો ઝભ્ભો પહેર્યો હતો. એ દર્શનથી મને આનંદ થયો. લામા ગુરુની સાથે બીજા બે ત્રણ મહાત્મા હતા. તેમને હું ના ઓળખી શક્યો. લામા ગુરુના શિષ્યો હશે. પણ લામા ગુરુની શક્તિનો મને તે રીતે પરચો મળ્યો ખરો. એ અનુભવ દ્વારા એમની અસામાન્યતાની પ્રતીતિ થઇ.

મારો વિચાર સીમલાથી નહાન જવાનો હતો. નહાન સ્ટેટ પંજાબમાં છે. ત્યાં જમનાજી વહે છે. ત્યાંના એક મહાત્મા ઇ. સ. ૧૯૪૪ માં મને ઉત્તરકાશી મળ્યા હતા. તેમણે કહેલું કે અનુકૂળતા મળતાં નહાન આવજો, ખૂબ જ સુંદર જગા છે. મારા આશ્રમમાં બધી સગવડ છે, ખેચરી મુદ્રા કરવામાં હું તમને મદદ કરીશ. જો કે ખેચરીનો વિચાર તો પ્રભુએ ઉત્તરકાશીમાં જ પૂરો કર્યો હતો. પરંતુ સીમલાથી નહાન પાસે હોવાથી થોડા દિવસ એ બાજુ જવા ઇચ્છા હતી. એ માટે મેં એક સાંજે નેપાલીબાબાને વાત કરી.

બાબાએ કહ્યું : 'નહિ નહિ, ત્યાં જવાની જરૂર નથી. તે સાધુ નથી, નામધારી છે. તેનામાં યોગી કે મહાત્માનાં લક્ષણ નથી. ત્યાં જવાથી કૈં નહિ વળે. તમે તો દેવપ્રયાગ જ જાવ, ને ત્યાં જ રહો. જુઓ ત્યાં શું થાય છે ? બધી રીતે આનંદ આનંદ થઇ રહેશે. તમારે કોઇનીય પાસે જવાની જરૂર નથી. એવા તો કેટલાય સંત-મહાત્મા તમારા દર્શન કરવા આવશે.' એ સાથે નેપાલીબાબાએ તે યોગીનું નામઠામ ને તેમના પહેરવેશ વિશે કહ્યું તે બિલકુલ સાચું હતું. મને થયું કે નહાન જવાનું આંતરપ્રેરણા દ્વારા સમર્થન મળે તો જ જવું. પરંતુ સીલમાના નિવાસ દરમ્યાન તેવું સમર્થન ના મળ્યું એટલે મેં જવાનો વિચાર મુલતવી રાખ્યો.

કોઇએ આ સાંભળી આશ્ચર્ય પામવાની જરૂર નથી. પ્રભુની કૃપાથી મને બચપણથી ને ઇ. સ. ૧૯૪૩ થી તો સતત આવી આંતર-આજ્ઞા મળ્યા કરે છે. જેમ એક માણસ બીજા સાથે વાત કરે તેમ કૃપાળુ 'મા' મને પ્રેરણા આપે છે. મુશ્કેલ પરિસ્થિતિમાં હું એ પ્રેરણા પ્રમાણે જ વધારે ભાગે ચાલું છું ને તેમાં જ મારું હિત રહેલું હોય છે. એ આદેશોએ આજ લગી મારા જીવનમાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવ્યો છે; એક મિત્ર, ગુરુ, સખા કે પથપ્રદર્શકનું કામ કર્યું છે. તેમને લીધે મારામાં આત્મશ્રદ્ધા વધી છે, મજબૂત બની છે, અને આજે આટલો વિકાસ મેં પ્રાપ્ત કર્યો છે. એ પ્રેરણાઓથી મને સ્પષ્ટ પ્રતીતિ થઇ છે કે ઇશ્વરની મહાન નેહપૂર્ણ નજર મારા પર મંડાયેલી છે. 'મા' જ મને દોરે છે, ને નિમિત્ત બનાવીને મારા દ્વારા સાધના કર્યા કરે છે. એ પ્રેરણાઓનું સ્થાન મારા જીવનમાં ઘણું અનોખું છે. પણ તે વિશે આથી વધારે વિસ્તારમાં હવે નહિ પડું. કેમ કે મારા જીવનના બધા જ અનુભવોને જાહેર કરવા તે મને પસંદ નથી. કેમ કે તેની વિશેષ આવશ્યકતા નથી, અલબત્ત બીજાને માટે.

 

 

Today's Quote

You don't have to be great to get started but you have to get started to be great.
- Les Brown

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok