Wednesday, August 12, 2020

સમાધિ માટેની જડીબુટ્ટી

નહાન જવાનું બંધ રહ્યું એટલે અમે ધરમપુર જવાનો વિચાર કર્યો. સીમલામાં હવે વિશેષ રહેવાનું કારણ ન હતું. જવાનો દિવસ પણ નક્કી કર્યો. નેપાલીબાબાને ખબર આપી. તેમણે કહ્યું કે હું સ્ટેશને આવીશ.

બપોરે અમે બધી તૈયારી કરતા બેઠા. એકાએક મને વિચાર આવ્યો. મેં જોશીજીને કહ્યું કે સીમલામાં આપણે આનંદ કર્યો. હવે નીકળવાનો વિચાર કરીએ તે બરાબર છે. પરંતુ એક વાત રહી ગઇ એમ લાગે છે. નેપાલીબાબા સીમલામાં રહે છે તો તેમનું સ્થાન તો જોઇએ.

જોશીજીને મારો વિચાર ગમી ગયો. તે જ દિવસે બપોરે અમે નેપાલીબાબાને ત્યાં જવા ઉપડ્યા. રસ્તામાં વરસાદ પડ્યો. અમે જરા ભીંજાયા. લાંબા પ્રવાસ પછી અમે બાબાના સ્થાન પાસે આવી પહોંચ્યા. પણ આ શું ? બાબા તો માર્ગ પર જ વરસાદમાં ભીંજાતા ઊભા છે ! અમે કહ્યું, 'અરે, તમે આવી રીતે વરસાદમાં ?'

નેપાલીબાબા બોલ્યા : 'હું તમારું સ્વાગત કરવા ઊભો છું. તમે મારે માટે ઠેઠ આટલે આવ્યા તો હું બહાર રસ્તે પણ ના આવું ? આજે બપોરે બરાબર બે વાગે તમે અને એક સ્ત્રી અહીં આવવાની ચર્ચા કરતાં બેઠાં'તાં. તે હું અહીંથી સાંભળતો'તો. એટલે મેં જાણી લીધું કે તમે આજે જવાના નથી ને અહીં જ આવવાના છો.'

વાત સાચી હતી. નેપાલીબાબાની અદભૂત શક્તિનો એ દ્વારા એક વધારે પુરાવો મળ્યો. બે વાગે અમે વાત કરતા હતા, ત્યારે ઘરની એક સ્ત્રી પણ સાથે હતી.

નેપાલીબાબાની ઓરડી નાની, જીર્ણ જેવી હતી. આજુબાજુ ઉત્તુંગ પર્વતો હતા. એ સ્થળમાં આવા મહાન પુરુષ રહેતા હશે એવી કલ્પના પણ આવવી મુશ્કેલ છે. ત્યાં જઇને અમે બહાર બેઠા. થોડી વારે પેલી નેપાલી બેન હુક્કો લઇ આવી. જોશીજીએ તેનો સ્વીકાર કર્યો. મેં કેવળ પાણી માંગ્યું. વિવિધ વાતો થઇ. નેપાલીબાબાના મકાનની આસપાસ પાંચ-સાત મુસલમાનના ઘર હતાં. તેમાંથી એક બિમાર હતો. નેપાલીબાબાએ તેને પોતાના મકાનમાં આશ્રય આપેલો. તેની દવા ચાલતી હતી. નેપાલી બેન પણ ખૂબ જ તેજસ્વી હતી. તેની મુખાકૃતિ અલૌકિકતા ને સુંદરતાથી ઓપતી. એના પરથી એની આત્મિક પ્રગતિની પ્રતીતિ થતી.

મેં બાબાના સાધનાસ્થાન પર બેસવાની ઇચ્છા કરી. બેને તરત જ એ સ્થાનમાં આસન નાખી આપ્યું. તે પર હું બેઠો. આજુબાજુ દેવીદેવતાના સુંદર ફોટા હતા. ત્યાં બેસતાં જ મને ભાવાવેશ જેવું થઇ આવ્યું. આંખમાંથી આંસુ ચાલ્યા. ખૂબ ખૂબ શાંતિ અને આનંદ લાગ્યો. સિદ્ધ પુરુષના સાધના સ્થાનમાં પણ એવી અલૌકિક અવર્ણનીય શક્તિ હોય છે.

રસ્તામાં મેં જોશીજીને નેપાલીબાબાને એક પ્રશ્ન પૂછવા જણાવેલું. જોશીજીએ પૂછ્યું : 'આપના અનુભવના આધાર પર સમાધિનો સહેલો ને સચોટ રસ્તો કયો ?'

નેપાલીબાબાએ તરત જ કહ્યું : 'સુરત-શબ્દ-યોગ.'

નેપાલીબાબાના એ સંક્ષિપ્ત શબ્દોમાં અનુભવી માણસોને ઘણું ઘણું જાણવાનું મળશે. સાધકની અંદર જે નાદ જાગે છે, તેમાં મનની વૃતિ એકાકાર થઇ જાય એટલે સમાધિ મળે. સુરત એટલે મનની વૃતિ. નેપાલીબાબાના કથનથી અમને ખૂબ જ આનંદ થયો. તે કથન મારા તે વખતના સાધનાત્મક અનુભવ સાથે મળતું આવતું હતું.

ત્યાં તો મેં પૂછ્યું : 'તમે બીજી ઔષધિ તો શોધી છે પણ સમાધિ કરાવે તેવી ઔષધિ જાણો છો ?'

પેલી બેન પાસે જ હતી. તેણે તરત કહ્યું : 'લામા ગુરુએ મને તમને બતાવીને કહ્યું છે કે આ એક મહાન આત્મા છે. તેમને તમે સારી રીતે સત્કારજો ને ઔષધિ તથા ફોટો આપજો.' ને તે નેપાલીબાબાના કહ્યા પ્રમાણે સમાધિ માટેની ઔષધિ લેવા ચાલી ગઇ.

નેપાલીબાબાએ લામા ગુરુની આજ્ઞાને શિર પર ચઢાવીને મને તેમનો એકનો એક ફોટો આપી દીધો. મેં તે પ્રેમપૂર્વક ગ્રહણ કર્યો. બેન ઔષધિ લાવી. ઔષધિ થોડી હતી. તેનો પ્રયોગ કેમ કરવો તે મને બાબાએ સમજાવ્યું. સાથે સાથે કહ્યું કે જોશીજીને આ ઔષધિ ના આપતા. તેમને હજી વાર છે. લામા ગુરુએ ફકત તમારે જ માટે આજ્ઞા કરી છે.

આના અનુસંધાનમાં કહી દઉં કે દહેરાદૂન આવીને મેં ઔષધિનો પ્રયોગ કર્યો. જોશીજીને પણ તે આપી. પણ જોશીજીને કૈં થયું નહિ. રાતે દસ વાગે ઔષધિ લઇને હું ધ્યાનમાં બેઠો. થોડી વારમાં જ ભાન જતું રહ્યું. ખૂબ જ આનંદ થઇ રહ્યો. સવારે જોશીજી મારી સામે ઊભા હતા, ત્યારે મારું ભાન આવ્યું. સવારે નવેક વાગ્યા હશે. જોશીજી કહે, 'હું તો બેત્રણ વાર આવી ગયો. તમારા મુખ પર તેજ ઝળહળતું હતું.'

સાંજે નેપાલીબાબા અમને મૂકવા આવ્યા. અમે ઘણી વાતો કરી. મને છૂટાં પડતાં કહેવા માંડ્યા, 'તમારો જયજયકાર થઇ જશે, દિગ્વિજય થઇ જશે.'

તે વખતે સૂર્યાસ્ત થઇ ચૂક્યો હતો. આકાશમાં ગુલાબી ફેલાઇ ગઇ હતી. તે બતાવીને તેમણે મનમાં ને મનમાં કાંઇક કહ્યું. કદાચ તે ઉજ્જવલ ભાવિનું સૂચન કરી રહ્યા હશે !

એ અમારી છેલ્લી મુલાકાત હતી. તે જ રાતે અમે સીમલા છોડ્યું. તે બાદ બાબા મળ્યા નથી પણ તેમની સ્મૃતિ કાયમ છે. એક મહાન સિદ્ધપુરુષ તરીકે મારા દિલમાં તેમના પ્રત્યે અપૂર્વ માન છે. બે વરસ પછી તેમને લખેલો પત્ર 'નેપાલીબાબા મરી ગયા છે' એવા 'ડેડ લેટર ઓફિસ'ના શેરા સાથે પાછો આવેલો. તે વાતમાં કેટલું તથ્ય હતું તે પ્રભુ જાણે. મેં એની તપાસ ના કરી. જ્યાં હો ત્યાં એ મહાપુરુષ નેપાલીબાબાને મારા પ્રેમપૂર્વક પ્રણામ છે ! ભારત ને સૃષ્ટિના એક સન્માનનીય મહાપુરુષ તરીકે તેમનું સ્થાન કાયમ રહેશે ! કદીયે નહિ મટે !

સીમલાથી ધરમપુરની મુસાફરી એકંદરે સારી રહી. સીમલા હીલ્સમાં વળાંક પર વળાંક લેતી ટ્રેન ખૂબ જ આકર્ષક લાગતી. ધરમપુર વધારે રોકાવાનું ન હતું. એટલે એક દિવસ રોકાઇને અમે દહેરાદૂન માટે ઉપડ્યા. દહેરાદુનને જોશીજીએ કેટલાય વખતથી તેમનું નિવાસસ્થાન બનાવેલું. એવા મોટા વ્યવસાયી શહેરમાં રહીને પણ તે સાધનાપરાયણ જીવન જીવતા. જે માણસો ગૃહસ્થાશ્રમમાં રહીને આત્મદર્શનને માર્ગે જવા માગે છે તેમને જોશીજીના જીવનમાંથી ઘણું ઘણું શીખવાનું મળશે. જોશીજીનો પ્રેમ ભારે હતો. તેમનું હૃદય દયાળુ હતું. બીજાનું દુઃખ જોઇને તે દ્રવી જતા. સંતસેવા તેમની અત્યંત પ્રિય વસ્તુ હતી. સદભાગ્યે સ્ત્રી પણ તેમને સહયોગિની જેવી જ મળેલી. તે તેમને બધી રીતે સહકાર આપતી. ઉત્તર ભારતના આધ્યાત્મિક વિકાસ-પ્રાપ્ત પુરુષોને જેમણે મળવું હોય તેમણે જોશીજીને મળવું જોઇએ. તે મુલાકાત તેમને માટે સુખદ થઇ પડશે એ નક્કી છે.

દહેરાદૂનમાં મને લાંબા વખત લગી રાખવાની જોશીજીની ઇચ્છા હતી. પણ મારું દિલ દેવપ્રયાગ જવા ઉત્સુક હતું. છતાં પણ થોડા દિવસ મારે દહેરાદૂન રહેવું પડ્યું, કેમ કે મને જમણા પગે સાથળ પર ફોલ્લો થયો. એ દિવસોમાં જોશીજીએ મારી ખૂબ જ પ્રેમથી સેવા કરી.

દેવપ્રયાગ આવીને મેં પાછું મૌનવ્રત લઇ લીધું. રાતદિવસ આત્મનિમગ્ન દશામાં રહીને જગદંબાને દર્શન દેવા માટે પ્રાર્થવા લાગ્યો ને સમાધિના આનંદ માટે પ્રયાસ કરવા માંડ્યો. એવી રીતે ચાર-પાંચ માસ વીતી ગયા. એક વાર વળી મને જમણે પગે ગડ થયું. એ પણ મટ્યું અને એક દિવસ શિયાળામાં ગુજરાતયાત્રા માટે મેં પ્રસ્થાન કર્યું.

 

 

Today's Quote

Clouds come floating into my life, no longer to carry rain or usher storm, but to add color to my sunset sky.
- Rabindranath Tagore

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok