Text Size

આલંદીની મુલાકાત

ગુજરાતની યાત્રા એ વખતે અનેક રીતે યાદગાર બની ગઇ. પ્રભુની કૃપાથી તે દિવસોમાં મહાપુરુષ શ્રી જ્ઞાનેશ્વર મહારાજના પવિત્ર લીલાસ્થાન આલંદીમાં જવાનો અવસર પણ પ્રાપ્ત થયો. આલંદીની એ યાત્રા મારે માટે અત્યંત આનંદજનક અને ઉપકારક થઇ પડી. એ યાત્રામાં મારી સાથે મુંબઇથી પાંચ-છ ભાઇઓ ને પૂનાથી બીજા બે ભાઇ સામેલ થયા. બધા જ ભાઇઓ જિજ્ઞાસુ ને ઉત્સાહી હતા એટલે ખૂબ જ આનંદ આવે એ સ્વાભાવિક હતું.

જ્ઞાનેશ્વર મહારાજનું દર્શન સૌથી પહેલાં મને હિમાલયના ઉત્તરકાશી નામે સ્થળમાં થયું હતું. તે વાત મેં આગળ પર વિસ્તારથી કહી દીધી છે. તે ધન્ય પ્રસંગને લીધે આલંદી તરફ મારું મન વધારે પ્રેમથી દોડતું હતું, ને તેથી જ મુંબઇની મુલાકાત વખતે મને તક સાંપડી ત્યારે તે તીર્થસ્થાનના દર્શનનો લાભ લેવાનો પ્રસંગ મેં હાથમાંથી જવા ના દીધો.

આલંદી ગામ નાનું છતાં સુઘડ, સુંદર ને વ્યવસ્થિત છે. જ્ઞાનેશ્વર મહારાજના સમાધિ મંદિરને લીધે તેની ખ્યાતિ વિશેષ છે. મંદિર ખૂબ જ સુંદર, સ્વચ્છ ને વિશાળ છે. તેની પાછળ નાનકડી છતાં રળિયામણી નદી છે. પૂનાથી મોટરમાર્ગે વીસેક માઇલ હોવાથી માણસો એ પવિત્ર સ્થળની મુલાકાત બહુ સારી સંખ્યામાં લેતા દેખાય છે.

મંદિરમાં પહોંચીને અમે સમાધિના દર્શનનો લાભ લીધો. સમાધિ મંદિરના અંદરના ભાગમાં પ્રવેશ કર્યો કે તરત જ મંદિરના પૂજારીએ સમાધિસ્થાન પરથી લઇને મારા કંઠમાં એક હાર પહેરાવી દીધો. એ અચાનક થયેલા પ્રેમ-પ્રદર્શનથી મને જરા આનંદ થયો. જ્ઞાનેશ્વર મહારાજે પોતે જ પૂજારીને પ્રેરણા કરીને મારા સરખા એક સાધારણ પ્રેમી પુરુષનો એવી રીતે સત્કાર કર્યો એમ મને લાગ્યું.

સમાધિના દર્શન પછી અમે મંદિરની ચારે તરફ ફરી વળ્યા. મંદિર ખૂબ જ વિશાળ છે. તેની ધર્મશાળા પણ એવી જ વિશાળ છે. સ્થાન ખૂબ જ હૃદયસ્પર્શી અને આકર્ષક હતું. પરંતુ મારી દૃષ્ટિ કોઇ બીજી જ વસ્તુની શોધ કરી રહી. ઇ. સ. ૧૯૪૪ માં મેં ઉત્તરકાશીમાં શ્રી જ્ઞાનેશ્વર મહારાજને સમાધિની દશામાં જોયા હતા. તે વખતે તે એક ચોતરા પર કોઇ વૃક્ષની નીચે બેઠેલા. તેવું કોઇ સ્થાન અહીં હશે તેવી મારી કલ્પના હતી, ને તેથી મારી કલ્પનાના તે સ્થાનને જોવાની મારી ખૂબ ઇચ્છા હતી. પરંતુ તે સ્થાન મને દેખાયું નહિ એટલે મને જરા નિરાશા થઇ. નિરાશાની એ લાગણીનો અનુભવ કરતો હું મંદિરના દરવાજા તરફ જતો હતો ત્યાં જ મને એક અપરિચિત પુરુષનો મેળાપ થયો. કોઇપણ પ્રકારની પૂર્વભૂમિકા વિના તેમણે મને સીધો જ પ્રશ્ન કર્યો : 'તમે બધું જોઇ લીધું ?'

મેં કહ્યું : 'જોવાનું બધું તો જોઇ લીધું છે પણ પૂરતો સંતોષ અને આનંદ થયો નથી.'

તેમણે કહ્યું : 'તમે બધું જોયું હશે પણ એક સ્થળ નહિ જોયું હોય. તે ખાસ જોવા જેવું છે. ચાલો બતાવું.'

અમે તેમની પાછળ પાછળ ચાલ્યા. મંદિરના પાછળના ભાગમાં પગથિયા જેવું હતું. તેના પર ચઢીને અમે ઉપર પહોંચ્યા. તે ભાઇ તરત જ બોલી ઉઠ્યા : 'જુઓ, આ સ્થાન તમે નહિ જ જોયું હોય. ઘણાં નથી જોતાં. તમે શાંતિથી જુઓ. હું હવે મારે કામે વિદાય થાઉં છું.'

અને એ અજાણ્યા ભાઇ વિદાય થઇ ગયા. એ સ્થાનને જોઇને મારા આશ્ચર્ય અને આનંદ બંનેનું ઠેકાણું રહ્યું નહિ. ઉત્તરકાશીમાં મેં જે સ્થાન જોયું હતું ને જેને જોવાની મારી ઝંખના હતી તે જ સ્થાન ! ફેર માત્ર એટલો કે ત્યાં જ્ઞાનેશ્વર મહારાજ બેઠેલા ન હતા. બાકી એ જ ઓટલો, એ જ ઝાડ, એ જ એકાંત ! એ સ્થાનનું દર્શન કરાવનાર પેલા અજાણ્યા ભાઇ કોણ હશે ? શું તે સંત જ્ઞાનેશ્વર પોતે હશે ? તેમનો કોઇ દૂત હશે ? તેમની પ્રેરણાથી આવેલ કોઇ ભક્તજન હશે ? એ વાતનો ઉત્તર કોણ આપી શકે ? એ સુંદર સ્થાનને જોઇને અમે એટલા બધા આનંદમગ્ન બની ગયા કે તે વખતે તો અમે તેનો વિચારે ના કર્યો. એ કાચા જેવા ઓટલા પર ભાવવિભોર બનીને હું પદ્માસન વાળીને ધ્યાનમાં બેસી ગયો, ને જ્ઞાનેશ્વરની સ્મૃતિમાં લીન થયો. બીજા ભાઇઓ પણ પ્રભુસ્મરણ કરવા લાગ્યા. તેમણે મારા છ-સાત ફોટા પણ પાડ્યા. પરંતુ એક પણ ફોટો સારો ના આવ્યો. જ્ઞાનેશ્વર મહારાજની ઇચ્છા કદાચ એવી જ હશે. ગમે તેમ, મારા હૃદયમાં અંતરના અંતરતમમાં એ સુંદર સ્થાનનો જે ફોટો પડી ગયો તે તો ખૂબ જ સુંદર હતો. તેને કોઇ જ ભૂંસી શકે તેમ નહોતું.

એ જૂનુપુરાણું છતાં સુંદર અને આકર્ષક સ્થાન જોઇને મને અસાધારણ આનંદ થયો. કેટલું સરસ સ્થાન ? ને શાંતિમય પણ કેટલું ? એ જ સ્થાન મને ઉત્તરકાશીમાં દેખાયું હતું. ફકત જ્ઞાનેશ્વર મહારાજ એ ચોતરા પર બેઠા ન હતા. જો તે બેઠેલા હોત તો કેટલો બધો આનંદ આવત ? મેં પ્રાર્થના કરી. કહો કે વિનવણી કરી, કે હે જ્ઞાનેશ્વર મહારાજ ! મંદિરમાંથી બહાર નીકળીને તમે મારી પાસે આવો. તેમાં તમારું શું જવાનું છે ? તમે તો દેશ ને કાળથી મુક્ત છો, ઇશ્વર છો. તમારી મુલાકાત વિના આ સ્થળની યાત્રા સફળ કેમ થાય ? આ સુંદર શાંત સ્થળમાં મારી પ્રાર્થનાને લક્ષમાં લઇને તમારે પધારવું જ જોઇએ.

પણ એવા મહાપુરુષની દયા વિના એમને જોઇ પણ કોણ શકે ? જુએ તો ઓળખી પણ કોણ શકે ? ચિત્રકુટના ઘાટ પર સંતોની ભીડ થઇ હતી. માણસોની ઠઠ માતી ન હતી. ત્યારે રામ અને લક્ષ્મણ રાજકુમારનો વેશ લઇને તુલસીદાસ પાસે આવ્યા હતા. પણ તે પણ તેમને ક્યાં ઓળખી શક્યા હતા ? પ્રભુની લીલા એવી અજબ છે. માટે તો તુલસીદાસે ગાયું છે કે -

સોહિ જાને જેહુ દેહિ જનાઈ.

તે જ યથાર્થ રીતે જાણી શકે છે જેને તે પોતાનું રહસ્ય જણાવે છે.

 

 

Today's Quote

There are only two ways of spreading light - to be the candle or the mirror that reflects it.
- Edith Wharton

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok