Saturday, June 06, 2020

જ્ઞાનેશ્વર મહારાજની કૃપા

મને થયું કે આવા સુંદર સ્થાનમાં જ્ઞાનેશ્વર મહારાજનું કીર્તન કરીએ તો ખૂબ જ આનંદ આવે. સમાધિ મંદિરના વિશાળ હોલમાં આવીને ખૂબ જ પ્રેમથી, ઊભા ઊભા ને નૃત્ય કરતાં અમે કીર્તન શરૂ કર્યું:

નિવૃત્તિ જ્ઞાનદેવ સોપાન મુક્તાબાઈ
એકનાથ નામદેવ તુકારામ !
તુકારામ તુકારામ !!

છેલ્લે છેલ્લે એકલા જ્ઞાનદેવના ધ્વનિની ધૂનમાં અમે તલ્લીન બની ગયા. મારા હાથમાં કરતાલ હતી. આંખ બંધ હતી. પગ પોતાનું કામ કર્યે જતા. હૃદય શ્રી જ્ઞાનેશ્વરને મળવા માટે ઉછળી રહ્યું હતું. શ્રી જ્ઞાનેશ્વર દર્શન આપે અને અમારા પ્રેમપોકારથી પ્રસન્ન થઇને અમારી આગળ પ્રકટ થાય તો સારું એવો ભાવ મારા ઉરમાં - કહો કે રોમેરોમમાં ઉભરાઇ રહ્યો હતો. તે જ વખતે, કીર્તન ચાલી રહ્યું હતું ત્યારે જ, એક વૃદ્ધ પુરુષ પ્રકટ થયા. તે ક્યાંથી આવ્યા તેની વધારે ભાગના માણસોને ખબર પડી નહિ. માતાજી કહે છે કે તે મંદિરની બહારના ભાગમાંથી આવ્યા હતા. તેમના હાથમાં શું હતું ખબર છે ? ચમકતી પૂજાની થાળી ને લોટો. શરીરે તેમણે પોતડી જેવું રેશમી વસ્ત્ર પહેર્યું હતું. તેમની ઉંમર ઘણી મોટી હતી. શરીર પર સફેદ વાળ છવાઈ ગયેલા. એ આશ્ચર્યકારક વૃદ્ધ પુરુષે હાથમાંથી થાળી ને લોટો નીચે મૂકી મંડળીની અંદર પ્રવેશ કર્યો ને મારી સાથે પ્રેમથી નાચતાં નાચતાં ધૂન બોલવાની શરૂઆત કરી. જેમ મારો પગ પડે, તેમ તેમનો પણ પડે. વૃદ્ધ હોવા છતાં તેમના શરીરમાં અજબ સ્ફૂર્તિ ભરી હતી. તેમનું શરીર દડાની માફક ઉછળતું હતું.

એ ધૂન કેટલાય વખત સુધી ચાલુ રહી. છેવટે મારું શરીર નીચે પડી ગયું. કોઇ મને પંખો નાખવા માંડ્યા ને કોઇ મારે માટે પાણી લેવા ગયા. લોકોનું મોટું ટોળું ત્યાં જમા થઇ ગયું. બેત્રણ ભાઇઓ પેલા વૃદ્ધ પુરુષને શોધવા માંડ્યા. તેમની ઇચ્છા તેમને કાંઇક બક્ષિસ આપવાની હતી. પરંતુ .... તેમની અજાયબી વચ્ચે તેમણે જોયું તો પેલા વૃદ્ધ પુરુષ ત્યાં ન હતા. તે ભારે મૂંઝવણમાં મૂકાયા. આટલી થોડી વારમાં તે પુરુષ ક્યાં ગયા ? તેમણે બધે શોઘખોળ કરવા માંડી. મંદિરમાં, મંદિરની બહાર, બધે જોયું પણ ક્યાંય તેમનો પત્તો ના લાગ્યો. તેમની થાળી કે લોટાનો પત્તો પણ ના મળ્યો. મંદિરની બહાર બેઠેલા દુકાનદારોને પણ પૂછી જોયું. પરંતુ તેવા કોઇ પુરુષને મંદિરમાં જતાં કે મંદિરમાંથી બહાર આવતાં જોયા હોવાની તેમણે સાફ ના કહી. તપાસ કરનારા નિરાશ થયા. તેમાંના વધારે ભાગના ભાઇઓને ખાતરી થઇ ગઇ કે સંત જ્ઞાનેશ્વર પોતે જ અમારા લગીર જેટલા ભાવથી પ્રસન્ન થઇને એ વૃદ્ધ પુરુષના સ્વરૂપમાં અમને દર્શન આપવા આવ્યા હતા. અલબત્ત, અજ્ઞાત રીતે જ.

મેં જ્યારે એ બધી વાત સાંભળી ત્યારે મારા દિલમાં કૈંક વિચિત્ર લાગણી ઉત્પન્ન થઇ. જ્ઞાનેશ્વર મહારાજનું દર્શન કરવાની ઇચ્છા મને પણ હતી, પણ મારી આંખ બંધ હોવાથી કીર્તન વખતે તેમના દર્શનથી મારે વંચિત રહેવું પડ્યું. એ વાતનું દુઃખ થાય તે સ્વાભાવિક હતું. પણ હવે શું થાય ? ને તેનો ઉપાય શો ?

સાંજે અમે પૂના પાછા ફર્યા. તે દિવસે રાતે મારું મન અતિશય કરુણ બની રહ્યું. લાંબો વખત દિવસે બનેલા ચમત્કારિક પ્રસંગના વિચાર ને પ્રાર્થનામાં પસાર થયો. તે રાતે શ્રી જ્ઞાનેશ્વરે મને સ્વપ્નમાં દર્શન આપીને કહ્યું : 'આ વખતે તમને દર્શન નથી આપ્યું પણ હવે બીજી વાર આવશો ત્યારે જરૂર આપીશ.'

એ સુંદર અલૌકિક અનુભવથી મારા આનંદનો પાર ન રહ્યો. સાથે સાથે મને ખાતરી થઇ કે પેલા વૃદ્ધ પુરુષ બીજું કોઇ નહિ પણ શ્રી જ્ઞાનેશ્વર મહારાજ પોતે હતા. ફરી વાર આલંદીની યાત્રા કરવી પડશે, અથવા કહો કે એ યાત્રા કરવાનો લ્હાવો મળશે ને તે વખતે તેમના દર્શનનો લાભ અચૂક મળશે, એવી આશા પણ ઉત્પન્ન થઇ.

કાળનો પ્રવાહ પાણીના રેલાની પેઠે કેટલો ઝડપથી પસાર થયે જાય છે ? જોતજોતામાં બે વરસ વહી ગયાં. તે દરમ્યાન કેટલાય અવનવા અનુભવો થયા. તેનું વર્ણન સમય પર ક્રમેક્રમે કરીશ. અહીં તો મારી વાતના અનુસંધાનમાં એટલું જ કહીશ કે બીજી વાર આલંદી જવાનું થયું ત્યારે મારી સાથે મુંબઇથી દસ-પંદર ભાઇઓ આવ્યા હતા. તેમના મનમાં એમ હતું કે આ વખતે પણ પેલા વૃદ્ધ પુરુષ કે તેવા જ કોઇક ચમત્કારિક પુરુષ આવશે તો તેમને જવા જ નહિ દઇએ. તેમનો ધરાઇ ધરાઇને લાભ લઇશું ને કૃતાર્થ થઇશું. પણ પ્રભુની લીલાની ખબર કોને પડે છે ? માણસ ધારે છે કાંઇ ને પ્રભુ કરે છે પણ કાંઇ.

રાતે મને થયેલી પ્રેરણા પ્રમાણે મારે કોઇ ધર્મશાળામાં નહિ પણ મંદિરમાં જ રહેવાનું હતું. તે પ્રમાણે અમે મંદિરમાં જઇને બેઠા. ચાંદનીનો પ્રકાશ બધે પથરાઇ ચૂક્યો હતો. સરિતાએ કોઇ અજબ શોભા ધારણ કરેલી. મંદિરમાં બેસીને મેં શ્રી જ્ઞાનેશ્વર મહારાજને પ્રાર્થના કરી કે હે પ્રભુ ! આ વખતે તો તમારે મારી સામે પ્રકટવું જ જોઇએ. હું તમારે દ્વારે આવ્યો છું. તમારો અતિથિ છું. મારો સત્કાર કરવાની તમારી ફરજ છે.

હે જ્ઞાનેશ્વર મહારાજ !
તમારું હોય ખરેખર સાચ,
તમારું હોય ખરેખર સાચ,
સજીને બધો સાજ,
મને તો દર્શન આપો આજ,
હે જ્ઞાનેશ્વર મહારાજ !

રાત જેમ જેમ વીતતી ગઇ તેમ તેમ મારી પ્રાર્થના ને આતુરતા વધતી ગઇ. માણસો બધા જ ક્રમે ક્રમે સૂઇ ગયા. મંદિરમાં એકતારો લઇને એક ભક્ત ફરતાં ફરતાં જ્ઞાનેશ્વર, તુકારામ અને એકનાથના પદ ગાતો હતો. તેને લીધે વાતાવરણ અત્યંત અલૌકિક અને આનંદમય લાગતું. રાતના બે પછી અચાનક મને લયની દશાની પ્રાપ્તિ થઇ. તે દશામાં શ્રી જ્ઞાનેશ્વર ને નિવૃત્તિનાથ મારી સામે પ્રકટ થયા. બંને મહાપુરુષો ખૂબ જ સુંદર ને તેજસ્વી હતા. તેમણે સુમધુર સ્મિત કરીને મને હાથમાં ફૂલ આપ્યાં અને આશીર્વાદ પ્રદાન કર્યો.

બીજી પણ કેટલીક વાતો કરીને એ અદૃશ્ય થયા.

બીજે દિવસે મારી સાથેના ભાઇઓને મેં બધી વાત કરી તો તે આનંદ પામ્યા. અમે આલંદીની વિદાય લીધી.

હજી ઇચ્છા તો છે કે તેજના પૂંજ જેવા સંત જ્ઞાનેશ્વર મહારાજ મહાત્મા એકનાથને મળ્યા હતા તેમ દિવ્યરૂપમાં સાક્ષાત મળે ને પોતાનો પ્રેમ વરસાવીને મને પુલકિત કરે. એવા સમર્થ પુરુષને માટે શું અશક્ય છે ? તે તો માનવરૂપમાં ઇશ્વર છે. સમર્થ સંત શ્રી જ્ઞાનેશ્વર મહારાજનો જયજયકાર હો !

 

 

Today's Quote

We judge ourselves by what we feel capable of doing, while others judge us by what we already have done.
- Longfellow

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok