Friday, June 05, 2020

રામદાસનો પરિચય

સંતશિરોમણિ પરમ સમર્થ મહાત્માશ્રેષ્ઠ શ્રી જ્ઞાનેશ્વર મહારાજના અલૌકિક અનુગ્રહપૂર્ણ અનુભવના આહલાદને અંતરમાં ભરીને મારે ફરી વાર દેવપ્રયાગના પુરાણપ્રસિદ્ધ પાવન પ્રદેશમાં પ્રવેશવાનું થયું. એ પ્રાતઃસ્મરણીય ઋષિમુનિસેવિત અત્યંત આકર્ષક સુંદર ઉત્તુંગ પર્વતો, સુમધુર શાશ્વત સ્વરોને રેલાવનારી પતિતપાવની ગંગા, અલિપ્તતાની મૂર્તિ જેવું આકાશ અને એ ધન્ય ધરતીના દર્શનનો પુનઃલાભ મળ્યો ત્યારે અસાધારણ સંતોષ થયો. હિમાલયનો દર્શનાનંદ કદી પણ ઓછો થાય તેમ ન હતો. હિમાલયના અનિર્વચનીય આકર્ષણમાં કદી અને કોઇયે કારણે ઓટ આવે તેવી શક્યતા નહોતી.

શાંતાશ્રમના શાંત અને સુંદર સાધનાનુકૂળ સ્થાનમાં સ્થિર થઇને મેં સાધનાનો આરંભ કર્યો. મનને ઉત્સાહ, લગન, ધીરજ તેમજ તત્પરતાથી કાર્યસિદ્ધિની પાછળ લગાડી દીધું. એ દરમ્યાન દેવપ્રયાગના પંડિતપ્રવર ચક્રધરજી એક સાધુપુરુષને લઇને આશ્રમમાં આવી પહોંચ્યા. એમનું નામ રામદાસજી હતું. એમણે થોડાંક સમય પહેલાં જીવનના છેલ્લાં દિવસોમાં દેવપ્રયાગ રહીને સમાધિરત થનારા સિદ્ધ પુરુષ બંગાળી મહાત્માની સેવા કરીને એમના શુભાશીર્વાદ મેળવેલા. છેલ્લાં ત્રણેક વરસથી એમનું ચિત્ત ચંચળ હતું. ઇશ્વરકૃપાથી એમને મારી પાસે પ્રથમ મુલાકાતે જ સહેજ શાંતિ મળી એટલે એમણે મારી પાસે રહેવા માટે ઇચ્છા બતાવી. ચક્રધરજીએ એમાં પોતાનો સૂર પૂરાવ્યો. મને કોઇ મારી પાસે રહે એ પસંદ નહોતું. એકાંતિક સાધનાની અભિરુચિ અથવા પ્રીતિથી પ્રેરાઇને તો મેં હિમાલયના પર્વતીય પ્રદેશમાં પલાંઠી વાળેલી. તો પણ ચક્રધરજીએ અને રામદાસજીએ અતિશય આગ્રહ કર્યો એટલે મેં એમને બે-ચાર દિવસને માટે નીચેના ખંડમાં રહેવાની અનુમતિ આપી.

શાંતાશ્રમમાં એ દિવસો દરમ્યાન રહસ્યમય ઘટના બનતી. રાતે એકાદ વાગ્યાની આસપાસ ઉપરની ઓરડીમાં બંધ બારણાંની ઉપર લાકડીનો અવાજ થતો. એ અવાજથી હું ચમકી જતો. એ પછી આશરે અડધા કલાક પછી મારી પાછળના બીજા બારણા પર પણ એવી જ રીતે લાકડી પડતી. શરૂઆતમાં તો લાકડીના અણધાર્યા અવાજને સાંભળીને મને ખૂબ જ આશ્ચર્ય થતું અને એનું રહસ્ય મારા સમજવામાં ન આવી શકતું. પરંતુ પાછળથી હું એનાથી ટેવાઇ ગયો. એટલે જ્યારે બારણા પર લાકડી પડતી ત્યારે હું મનોમન કહેતો કે ચિંતા ના કરશો. હું ઉંઘતો નથી, જાગું છું. આ સ્થળમાં રહીને એની મહત્તાને સમજીને સારી રીતે ભજન કરું છું.

લાકડીનો એ અવાજ થોડા દિવસને અંતરે થયા કરતો અને એકાદ વરસ સુધી ચાલુ રહેલો. રામદાસજીને પ્રથમ વાર એનો અનુભવ થયો એટલે વહેલી સવારે હું નીચે ઉતર્યો ત્યારે એ કહેવા લાગ્યા : 'હવે આ સ્થળમાં હું એક પણ દિવસ નહિ રહું.'

'કારણ ?'

'રાતે બારણા પર કોઇ જોરથી લાકડી મારે છે. એક વાર નહિ પરંતુ બે થી ત્રણ વાર. એથી ખૂબ જ ભય લાગે છે.'

 મેં એમને મારા અનુભવની વાત કર્યા વિના હિંમત આપી ત્યારે એમણે કચવાતા મનથી એક રાત વધારે રહેવાનો સ્વીકાર કર્યો. પરંતુ બીજે દિવસે એ છેક જ નાહિંમત બની ગયા. એ નીચે જવાની તૈયારી કરીને સામાન સાથે જ મારી રાહ જોતા બેસી રહેલા.

'મહાત્માજી, તમે ગમે તેટલું સમજાવશો તો પણ હવે તો અહીં એક પણ દિવસ રહેવાની ઇચ્છા નથી. મને પૂરતો અનુભવ થઇ ચૂક્યો.'

'શો અનુભવ થયો ? લાકડીનો ?'

'લાકડીના અનુભવ ઉપરાંત એક બીજો અનુભવ.'

એમણે મને ઓરડીની બહારના નાનકડા ચોકની જમીન બતાવી. સામાન્ય રીતે નાના મોટા કાંકરાવાળી રહેતી તે જમીનને કોઇએ સાફ કરેલી અને એમાં નાનું વર્તુળ કરીને પાંચ આંગળીના નિશાન પાડેલા. એ આંગળી આપણા જગતમાં ના જોવા મળે એવી અતિશય મોટી હતી. એ કોની હશે અને એ આકૃતિ કોણે પાડી હશે એ ના સમજી શકાયું. પ્રથમ દૃષ્ટિએ જ એ કૃતિ અને આકૃતિ અમાનવીય લાગી.

રામદાસજીને સમજાવવાનો કોઇ વિકલ્પ ના રહ્યો. એમની ધીરજ ખૂટી ગઇ. એ નીચે ઉતરતા કહેવા માંડ્યા : 'આ સ્થળમાં કોઇક ભૂત પ્રેત કે સિદ્ધપુરુષનો વાસ લાગે છે. તમે ભલે રહેતા હો પણ અમારાથી ના રહેવાય. અમે તો ભડકીને મરી જઇએ કે માંદા પડીએ.'

મેં સ્મિત કરીને કહ્યું : 'સેવા નથી કરવી ?'

'સેવા અહીં રહીને નહીં, નીચે રહીને કરીશ. ગામમાં રહીને.'

એ પછી એ આશ્રમમાં એક પણ દિવસ ના રહ્યા.

એ વરસે દશરથાચલ પર્વત પર પણ જવાનું થયું, પરંતુ રામદાસજીની ચંચળતા અથવા અસ્થિરતાને લીધે ત્યાં પણ લાંબુ ના રહેવાયું.

રામદાસજીના મનનું બંધારણ જરાક વિચિત્ર હતું. તે ખૂબ જ શ્રદ્ધાભક્તિસંપન્ન અને સેવાભાવી હોવાં છતાં કોઇવાર એમનું મગજ જૂદું જ રૂપ ધારણ કરતું. એમને કોઇ તકલીફ થાય કે કષ્ટનો અનુભવ કરવો પડે તો એ મોં બગાડીને આશ્રમમાં આવતા અને કોઇપણ પ્રકારની વાતચીત કે પ્રણામ કર્યા વિના જ થાંભલાની પાછળ જઇને બેસી રહેતા. એક વાર એમને એમના રઘુનાથ મંદિરના નિવાસસ્થાનમાં વીંછી કરડ્યો. આશ્રમ પર આવીને એ રોષભરેલા સ્વરે ઠપકો આપતા હોય એમ કહેવા માંડ્યા : 'તમે જ મને વીંછી બનીને કરડી ગયા. તમે બધું જ જાણો છો. કોઇ વાર તમે રસ્તામાં પથ્થર બનીને બેસી જાવ છો અને પગે વાગો છો. કોઇવાર કોઇના દિલમાં પ્રેરણા કરીને મને ભિક્ષા પણ નથી આપવા દેતા.'

મને નવાઇ લાગી. મેં કહ્યું : 'હું તમને તકલીફ આપું કે કરડું શા માટે ? તમે તેવી કલ્પના પણ શા માટે કરો છો ?'

પરંતુ તે તો તેમની માન્યતામાં મક્કમ જ રહેતા.

અમે દશરથાચલ પર્વત પરથી પાછા ફરી રહેલા ત્યારે એમણે સામાનનો કોથળો ઉપાડેલો. થોડુંક ચાલ્યા પછી એમના મનમાં કોણ જાણે કેવા તર્ક-તરંગો પેદા થયા કે માથા પરના એ કોથળાને એકાએક પર્વતની ખીણમાં નાખી દીધો ને પોતે જમીન પર બેસી ગયા. એમના એ વિચિત્ર વર્તનનો મેં ખુલાસો માગ્યો તો એમણે સ્પષ્ટીકરણ કરતાં જણાવ્યું : 'તમે નાખી દેવાની પ્રેરણા કરી એથી મેં કોથળાને નાખી દીધો.'

'મેં વળી ક્યારે પ્રેરણા કરી ? મેં તો તમને સામાનને ઉપાડીને દેવપ્રયાગ પહોંચવાની જ સૂચના કરેલી.'

'એ તો એક બાજુ તમે એવી સૂચના કરો છો અને બીજી બાજુએ મારા હૃદયમાં રહીને સામાનને નાખી દેવાનો આદેશ આપો છો. એ આદેશને મારે અનુસરવું જ જોઇએ.'

હું વિચારમાં પડી ગયો. આ વળી કેવી જાતની પ્રેરણા અને શ્રદ્ધા ?

મેં કહ્યું : 'પરંતુ હવે સામાનને બહાર તો કાઢવો પડશે ને ? કોથળાંના વાસણો તો ખીણમાં ગબડી પડ્યાં છે. સારું છે કે બીજો સામાન તથા કોથળો એક મોટા વૃક્ષ અને શિલાખંડ આગળ અટકી પડ્યો છે.'

'એ તો તમે પ્રેરણા કરશો તો કોઇક કાઢનાર પણ મળી રહેશે.'

રામદાસજી તદ્દન નિશ્ચિંત હતા. એ એકાંત પર્વતીય પ્રદેશમાં થોડા વખત પછી બે પર્વતીય પુરુષો આવી પહોંચ્યા. એમણે એ કોથળાને ને બીજા છૂટા પડી ગયેલા સામાનને મહામહેનતે બહાર કાઢ્યો. સામાન સાથેના કોથળાને રામદાસજીના મસ્તક પર ચઢાવતાં મેં જણાવ્યું : 'જુઓ, તમને અત્યારથી જ કોથળાને લઇને દેવપ્રયાગ જવાનો આદેશ આપું છું. પછી આગળ જઇને એમ ના કહેતા કે કોથળાને નાખી દેવાની પ્રેરણા કરી. મારી પ્રેરણાને શરૂઆતથી જ સાંભળી લો.'

રામદાસજી હસ્યા : 'પ્રેરણા આપનાર પણ તમે અને પલટાવનાર પણ તમે છો.'

'હવે પ્રેરણાને પલટાવવાનો કોઇ પ્રશ્ન જ નથી પેદા થતો.'

સાંજે અમે દેવપ્રયાગ પહોંચ્યા. વચ્ચે એક ગામમાં વિશ્રામ કર્યો. પરંતુ પછી રામદાસજીએ કોથળાને નીચે ન પાડ્યો. અને પડત તો પણ શું ? એમનું સ્પષ્ટીકરણ તો એ જ રહેત. એમના અંતરમાં ક્યારે કેવી ભાવોર્મિ પેદા થતી એ વિશે કશું ચોક્કસ અનુમાન કરવાનું અશક્ય હતું.

છતાં સામાન્ય રીતે તે ખૂબ જ સરળ, નિષ્કપટ ને નમ્ર હતા. તે દેવપ્રયાગમાં રઘુનાથ મંદિરની પાછળ ગુફામાં રહેતા અને ત્યાંથી મને મળવા માટે અવારનવાર આવતા રહેતા. તેમની સ્મૃતિ આજે પણ તાજી છે.

 

 

Today's Quote

When the pupil is ready, the teacher will appear.
- Unknown

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok