Saturday, June 06, 2020

બદરીનાથની પુણ્યભૂમિમાં

એ વરસે ફરી વાર ઋષિમુનિસેવિત પુરાણપ્રસિદ્ધ પવિત્ર ધામ બદરીનાથના સુંદર સ્થાનમાં જઇને સુદીર્ઘ સમયપર્યંત વસવાનો વિચાર થવાથી મેં દેવપ્રયાગથી બદરીનાથ માટે પ્રયાણ કર્યું. એ પુણ્યપ્રવાસમાં મારી સાથે કુલાનંદ નામે એક ઉચ્ચ કોટિના મહાત્મા હતા, તે થોડાક વખતથી દેવપ્રયાગમાં રહેવા આવેલા અને રઘુનાથ મંદિરની શાંત એકાંત નાનકડી ગુફામાં રહેતા. એ પ્રયાગરાજ પાસેના એક મઠમાં નિવાસ કરતા. પરંતુ ત્યાંનું વાતાવરણ વિપરીત થવાથી વચગાળાના થોડાક વખત માટે હિમાલયની પવિત્ર ભૂમિમાં આવી પહોંચેલા. એમની આધ્યાત્મિક અવસ્થા ઘણી સારી અને ઉંચી હતી.

કાશીમાં રહેતા અને સમાધિસ્થ થયેલા સુપ્રસિદ્ધ સિદ્ધપુરુષ સચ્ચેબાબા એમના ગુરુ હતા. એમની એમના પર કૃપાદૃષ્ટિ રહેતી અને એમની પ્રેરણા તથા એમના પથપ્રદર્શન પ્રમાણે જ એમનું જીવન ચાલ્યા કરતું. એ વિશે એ કોઇ વાર સહજ રીતે વાતો કરતા ત્યારે એમના અનુભવોને સાંભળવામાં અસાધારણ આનંદ આવતો. બદરીનાથની યાત્રા દરમ્યાન એવા અનુભવપ્રસંગો અવારનવાર સાંભળવા મળતાં. બદરીનાથ જતાં અમે શ્રીનગરમાં રાત રહ્યા, ત્યારનો એક પ્રસંગ ખાસ ઉલ્લેખનીય છે. શ્રીનગરથી બદરીનાથના રસ્તે આગળ વધતાં એમના ગુરુદેવની વાત નીકળતાં એમણે જણાવ્યું : 'મારા ગુરુ સચ્ચેબાબા ખૂબ જ સમર્થ છે. એ મારા પર પોતાની વિશેષ કૃપાદૃષ્ટિ રાખે છે ને મને સર્વપ્રકારે પથપ્રદર્શન તથા મદદ કરે છે. આજે વહેલી સવારે એમણે મને તમારા પૂર્વજન્મની સુચના આપી.'

'પૂર્વજન્મની સુચના અને તે પણ મારા પૂર્વજન્મની ?'

'હા, તમારા પૂર્વજન્મની. સુચનાને બદલે માહિતી કહું તો તે વધારે યોગ્ય થશે.'

મને થોડીક નવાઇ લાગી. મેં પૂછ્યું : 'તમને એમણે શી માહિતી આપી ?'

'એમણે તમારા પૂર્વજન્મ સંબંધી સંકેત કરતાં કહ્યું કે તમારા પૂર્વજન્મમાં તમે .... હતા. એ હકીકત સાચી છે ?'

'તમારા સમર્થ સદગુરુએ આપેલી માહિતી તદ્દન નિરાધાર અથવા ખોટી કેવી રીતે હોઇ શકે ?'

થોડી વાર શાંત રહ્યા પછી મેં એમને જણાવ્યું : 'એ માહિતી મહેરબાની કરીને તમારી પાસે જ, તમારી અંગત માહિતી માટે જ, રાખી મુકજો. એનો જ્યાં ત્યાં ને જેની તેની પાસે પ્રચાર કરતા નહિ. એ માહિતી સાથે બીજાને એટલો સંબંધ નથી જેટલો મને છે. અને આ વિષય પણ એટલો બધો નાજુક છે કે એ વિશે વિશેષ અને અકારણ ઉહાપોહ કરવાનું ઉચિત નથી.'

'તમારા દૃષ્ટિકોણને હું સારી રીતે સમજી શકું છું.'

એ પ્રસંગને લીધે મને એમને અને એમના ગુરુદેવને માટે માન ઉપજ્યું.

ઇ. સ. ૧૯૪૪ માં મને થયેલા પૂર્વજન્મના જ્ઞાનના અલૌકિક અતિન્દ્રિય અનુભવ પછી સંત શિરોમણી શ્રી જ્ઞાનેશ્વર મહારાજે, ભગવાન રમણ મહર્ષિએ અને અન્ય કેટલાક સ્વનામધન્ય જ્ઞાત-અજ્ઞાત સંતોએ ધ્યાનની ઊંડી અવસ્થામાં મને મારા પૂર્વજન્મની માહિતી અનેક વાર પ્રદાન કરેલી. એવી માહિતી વરસો સુધી ઉપરાઉપરી આપવામાં આવેલી. પરંતુ એ માહિતી કોઇ સ્વનામધન્ય સાચા પરમાત્માના પરમ કૃપાપાત્ર સંતપુરુષ દ્વારા જાગૃતિ દશામાં પૂરી પાડવામાં આવી હોય એવો પ્રસંગ આ પહેલો જ હતો. એ દૃષ્ટિએ એનું મહત્વ ઘણું મોટું હતું.

કુલાનંદજીએ વાત વાતમાં જણાવ્યું : 'આપણા જમાનામાં કેટલાક સમર્થ સિદ્ધપુરુષોના અવતારો થયા છે. એમના દ્વારા જુદી જુદી રીતે લોકકલ્યાણ થઇ રહ્યું છે ને થતું રહેશે.'

બદરીનાથના સુંદરતમ શાંત સ્થાનમાં મારો વિચાર લાંબા સમય સુધી રહીને સંપૂર્ણ સિદ્ધિ તેમજ શાંતિ મેળવવાનો અથવા આધ્યાત્મિક અભ્યુત્થાનના માર્ગે વધારે ને વધારે વિકાસ કરવાનો હોવા છતાં એ વિચાર અધૂરો જ રહ્યો. બદરીનાથની પવિત્ર ભૂમિના એકાદ માસના નિવાસ દરમ્યાન ત્યાંની આબોહવા મને અનુકૂળ ના થઇ. ત્યાં શાંતિથી રહેવાની સર્વપ્રકારની અનુકૂળતા હોવાં છતાં મને મરડો થઇ ગયો. દવા લેવા છતાં પણ એની કશી અસર ના થઇ. એથી સહેજ ચિંતા થાય તે સ્વાભાવિક હતું. એ પવિત્ર પ્રદેશમાં રહીને નિર્ધારીત સાધના ના થાય તે કેમ ચાલે, તે વેદના કાળજાને કોરી રહી. બદરીનાથના પુણ્ય પ્રદેશમાં વસવાનો આનંદ અનેરો હતો. આજુબાજુ ઉત્તુંગ હિમાચ્છાદિત પર્વતશિખર અને સામે સુમધુર સ્વરે અભિસારિકાની પેઠે આગળ વધતી અલકનંદા, એ  સઘળું સૌંદર્ય એવું અનુપમ હતું કે વાત નહિ. એ દિલને ઝંકૃત કરતું, જગાડતું, અને પોતાની શાશ્વતી પ્રતિચ્છબીથી ભરી દેતું. પરંતુ સ્વાસ્થ્યનું મૂલ્ય ઓછું અંકાય એમ ન હતું. એવા અસાધારણ ઠંડા પ્રદેશમાં શરીર બગડે તો લાંબા સમય સુધી રહેવાનું કપરું થઇ પડે એ સ્પષ્ટ હતું. બદરીનાથના એ પુરાણપ્રસિદ્ધ પવિત્ર પુણ્ય પ્રદેશમાં એવી આરોગ્યરહિત અવસ્થામાં પણ, બે અદભૂત અનુભવો થયા. એથી એ યાત્રા ચિરસ્મરણીય બની ગઇ. તા. ૪-૬-૧૯૪૭ ના દિવસે મારા નિત્યનિયમ પ્રમાણે વહેલી સવારે હું ધ્યાનમાં બેઠેલો, ત્યારે બદરીનાથ ધામના મુખ્ય અને એકમાત્ર આરાધ્ય દેવ ભગવાન નર-નારાયણનું દર્શન થયું. એ ઉપરાંત, ધ્યાનાવસ્થામાં સ્પષ્ટ શબ્દોમાં ઉચ્ચ સ્વરે આદેશ મળ્યો કે 'તમે વિશ્વના વિધાતા થશો. વિશ્વશાંતિ પ્રદાયક થશો.'

એ આદેશના રહસ્યને સમજવાનું કાર્ય મારી સામાન્ય બુદ્ધિમર્યાદાની બહારનું હોવા છતાં મને એ અનુભવથી આનંદ થયો. મેં એને ઇશ્વરનો અલૌકિક આશીર્વાદ માન્યો.

તે જ દિવસે વહેલી પ્રભાતે ઇશ્વરના અલૌકિક અનુગ્રહના પરિણામે એક બીજો અવિસ્મરણીય અદભૂત અનુભવ થયો. એક જ વયની, એક જ સ્વરૂપની, અસાધારણ સૌંદર્યસંપન્ન ઓગણીસ કન્યાઓએ મને એકેક પછી હાર પહેરાવ્યા. એ કન્યાઓના અલૌકિક લાવણ્યનું વર્ણન શેષ કે શારદા પણ ના કરી શકે, તો મારા જેવા સામાન્ય માનવનું શું ગજું ? સંસારમાં એવું સ્વરૂપ ક્યાંયે નથી દેખાતું. એ વખતે જ મને અંતઃપ્રેરણા થઇ કે એ કન્યાઓ રિદ્ધિ અને સિદ્ધિ તેમજ અષ્ટ સિદ્ધિ અને નવનિધિ છે. ઇશ્વરની અહેતુકી કૃપાથી એવી રીતે સૂક્ષ્મ જગતમાં મને રિદ્ધિ સિદ્ધિ વરી એવું સમજી શકાયું. એ અનુભવ મારે માટે તદ્દન નવો હતો. એટલે એના રહસ્યને મારાથી સુચારુરૂપે અને સહેલાઇથી ના સમજી શકાય તે સ્વાભાવિક હતું. સ્વાનુભવ સંપન્ન, સાધનાના સુમેરુ શિખર પર પહોંચેલા સિદ્ધપુરુષો એને સમજી શકશે. હું તો એટલું જ કહીશ કે મને એ અનુભવે અનોખો આનંદ આપ્યો.

બદરીનાથને છોડ્યું ત્યારે મારા મનમાં નિરાશાને બદલે આશા અને ચિંતાને બદલે કાંઇક નિશ્ચિંતતા, સંતોષ અને આનંદ હતો. માત્ર એટલા ધ્યાનાવસ્થાના અનુભવથી મને તૃપ્તિ થાય તેમ ન હતી. મારે કાપવાની કેડી ઘણી વિશાળ તેમજ કષ્ટસાધ્ય છે તેની મને માહિતી હતી. એ ઉપરાંત પ્રત્યેક સાધનાત્મક આદર્શને હું તદ્દન વાસ્તવિકતાની દૃષ્ટિએ મૂર્ત કરવા ને જોવા ટેવાયેલો હતો. તો પણ મારી બદરીનાથ યાત્રા ફળવતી બની, આહલાદક અને અવિસ્મરણીય ઠરી.

 

 

Today's Quote

If you want to make God laugh, tell him about your plans.
- Woody Allen

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok