નારદજીનો અદભૂત અનુભવ

બદરીનાથની યાત્રા કરી લગભગ એક મહિનો બદરીનાથ રહીને હું દેવપ્રયાગ આવ્યો.

દેવપ્રયાગ આવતાંવેંત મારી તબિયત બરાબર થઇ ગઇ. બદરીનાથમાં ને રસ્તાના પ્રવાસમાં જે દસ્ત થતા હતા તે તદ્દન મટી ગયા. એ દિવસોમાં મને એક વાત જરૂર લાગી કે મારામાં હજી ઘણી કચાશ છે, કેમ કે સાચા ને પૂરા યોગીએ મન-ઇન્દ્રિયના જય સાથે પોતાના શરીરનો જય પણ કરવો જોઇએ એમ હું માનું છું. શરીરનો જય એટલે શરીરના ગુણધર્મો પર સ્વામીત્વ. સાધારણ માણસો શરીરના વ્યાધિ, વાર્ધક્ય ને મૃત્યુ જેવા વિકારથી પીડાય છે; તે વિકારોના બંધનમાં તે બંધાયા છે. એ બંધનને તોડીને યોગીપુરુષ મૃત્યુંજય બની શકે છે, વ્યાધિરહિત ને નિત્યયુવા થઇ રહે છે. અલબત્ત, આ જ કાંઇ યોગનું પરમ પ્રાપ્તવ્ય નથી. યોગનું પરમ પ્રાપ્તવ્ય તો પૂર્ણતા એટલે આત્મદર્શન, જગતમાં બધે જ આત્મદર્શન કે ઇશ્વરદર્શન ને વ્યક્તિગત મર્યાદાઓને ખંખેરીને ઇશ્વરી શક્તિની પ્રાપ્તિ છે. શાંતિ, નિર્વાણ, મુક્તિ, પરમાનંદ, એ બધાં જ ધ્યેય એ વિરાટ આદર્શમાં સમાઇ જાય છે. શરીરના બાહ્ય વિજય વિના પણ એ વસ્તુની પ્રાપ્તિ થઇ શકે છે, છતાં શરીરનો વિજય અત્યંત આકર્ષક ને મહત્વનો છે. એ વિશે હઠયોગીઓએ તેમજ નાથ સંપ્રદાયના યોગીઓએ ખૂબ વિચાર કરેલો છે. શરીર-જયની પ્રક્રિયાઓ પણ તેમણે બતાવી છે. એવા જયમાં મને રસ હોઇ, બદરીનાથમાં જે દસ્ત થયા તે મને નોટિસ જેવા લાગ્યા. મેં વિચાર્યું કે એક ઝાડા જેવી વિકૃતિથી હું પર થઇ શક્યો નથી તો શરીરનો સંપૂર્ણ જય તો મારાથી કેટલો બધો દૂર છે ?

પરંતુ આ જ વસ્તુએ મને તાર્યો છે. માણસને ડૂબાડનારું ને તારનારું તેનું મન છે. પોતાના વિના પોતાનો ખરો ઉપકાર કે અપકાર કોઇ જ નથી કરી શકતું એ ગીતાવચનમાં સત્ય સમાયેલું છે. પોતાની ત્રુટિઓને જોવાની ને ખામીને શોધી કાઢવાની ટેવ આ માર્ગમાં ખૂબ જ ઉપયોગી છે. માણસે આગળ વધવું હોય તો એનો આશ્રય લેવો જ રહ્યો. જો કે પોતાના દોષ જોવાનું કામ કડવું છે, પણ કડવી દવા કેટલી ફાયદાકારક હોય છે તે સૌ જાણે છે. એવી દવાથી સાધકે પરમ શુદ્ધ થઇને કંચનમય બનવાનું છે. પોતાની નાનામાં નાની ખામી પ્રત્યે પણ ખૂબ જ જાગ્રત રહેવાનું છે. એ ખામીને શોધીને-જોઇને બેસી રહેવાનું નથી, પણ તેને નિર્મૂળ કરવાનો પુરુષાર્થ કરવાનો છે. જે આમ કરશે તે સંસારમાં તરી શકશે. બાકી જે પોતાની મેળે જ પોતાને પવિત્ર, નિષ્કલંક ને મોટો માની બેસશે તે ડૂબી જશે. પ્રભુકૃપાથી છેક જ શૈશવકાળથી મારી ખામીઓ પ્રત્યે સાવધ રહેવાની અને એને દૂર કરવાની મારી ટેવ રહી છે. એ ટેવ મારે માટે આશીર્વાદરૂપ થઇ પડી છે. નજીવી સિદ્ધિઓથી તૃપ્ત કે કૃતાર્થ થઇને બેસી રહેવાને બદલે પૂર્ણતાના પંથે મારું પ્રયાણ હું ચાલુ રાખી શક્યો છું તે આ જ ટેવને લીધે. બાકી ખોટી રીતે ધન્ય બનીને બેસી જવું હોય તો એવા અવસર જીવનમાં ક્યાં નથી ? પણ સમજુ માણસ જાણે છે કે એ આત્મવંચના છે, અને તેથી દૂર જ રહે છે. એ ટેવને લીધે જ હું ઉત્તરોત્તર વધારે ને વધારે વિકાસ કરી શક્યો છું.

મારી નિર્બળતાની ચિંતા ખૂબ જ રહી. ગાંધીજીને સહાયક થવાની અને એ રીતે ભારતને ને સંસારને મદદ કરવાની મારી મહેચ્છા ક્યારે પૂરી થશે ? હજી તો મારે લાંબી વાટ કાપવાની છે. ભારતમાં અવનવી ઘટનાઓ બનતી જ જાય છે. એ બધાનો તટસ્થ સાક્ષી બનીને આજે હું બેસી રહ્યો છું. એક દિવસ ભારત ને સારા સંસારને આધ્યાત્મિક પ્રકાશે આલોકિત કરવાની, તેને પથપ્રદર્શન કરવાની અને એ રીતે આશીર્વાદરૂપ થવાની મારી ઇચ્છા છે. એ માટે જ મારો જન્મ છે. આજના યુગને મારે સાધના કરીને ઇશ્વરપ્રાપ્તિ ને પૂર્ણતાનો આદર્શ બતાવવાનો છે, ને સાથે સાથે દૈવી શક્તિથી ભૂષિત બની, ઇશ્વરનો આશીર્વાદ લઇ, શાંતિનો માર્ગ ચીંધવાનો છે. પરંતુ ... મારું એ મંગળ સ્વપ્ન ક્યારે પૂરું થશે ? ... પૂર્ણતા મેળવીને હું દેહનું સાર્થક્ય ક્યારે કરી શકીશ ? બીજા મહાત્માઓની દૃષ્ટિએ મારામાં તો હજી કૈંજ નથી ! એવા વિચારોમાં તરબોળ બનીને બેઠો હતો, ત્યાં જ એક અદભૂત પ્રસંગ બન્યો.

મધ્ય રાત્રિ જેટલો વખત થયો હશે. મારું દેહભાન જતું રહ્યું. જંગલમાં એક નાની કુટિયા દેખાઇ. જોઉં છું તો સ્વામી રામતીર્થ જેવા કોઇ મહાપુરુષ છે. સ્ફુરણા થઇ કે એ દેવર્ષિ નારદ પોતે છે. તેમની સાથે મેં ઘણી વાતો કરી. તેમાં મેં ઉપરની ચિંતા વ્યક્ત કરીને કહ્યું કે મારામાં કૈંજ નથી. નારદજીએ કહ્યું : 'અરે, તમે તે કોણ ? તમારું ભૂત મહાગૌરવ ! તેને યાદ તો કરો. તમે તમારા જન્માંતરને જાણો છો પછી આવો અસંતોષ કેમ ?'

મેં કહ્યું, 'એ બધું યાદ કરું છું ત્યારે તો લાગે છે કે હજી મારામાં કૈંજ નથી.'

'નહિ,' નારદજીએ કહ્યું, 'મોટા મોટા સમ્રાટો પણ તમારી આગળ શું છે ? દુનિયા તમારી પાછળ પાછી મુગ્ધવત થઇ રહેશે. સમય આવે છે. તમે આવી આર્તવાણી શું કહો છો ?' એ સાંભળીને મને આનંદ થયો. મારું આત્મગૌરવ તાજું થયું.

પછી નારદજીને આલિંગન કરીને મેં કહ્યું, 'નારદજી, તમને યાદ કરું ને જોવાની ઇચ્છા કરું ત્યારે તમે મારી પાસે પ્રકટ થશો એમ કહો, એવું વચન આપો.'

તે હસતા હસતા ધીરે ધીરે અદૃશ્ય થઇ ગયા. ધન્ય હો દેવર્ષિ મહાસિદ્ધ ભગવાન નારદ ! ભગવાન નારદની જય !

જતાં જતાં તે સંકેત કરતાં ગયા કે વ્યોમના વિશાળ પટ પર પથરાયેલા વર્ષાઋતુનાં વાદળાં લાંબો વખત ને કાયમને માટે ટકતાં નથી, તેમ તમારી ચિંતાનો પણ અંત આવશે. તમારી મૂંઝવણની અવસ્થા લાંબો વખત નહિ જ ટકે. તમારા જીવનનો આ સંક્રાંતિકાળ છે, તે પસાર થઇ જશે ને જીવન ઉજ્જવળ, ઉજ્જવળ, ખૂબ જ ઉજ્જવળ બની જશે.

ખરું છે. સાધકના જીવનમાં મૂંઝવણનો એવો વખત વારંવાર આવે છે. તે વખતે તેણે નાસીપાસ ને નાહિંમત બનવાની જરૂર નથી હોતી. તે વખતે બનતી સ્થિરતાને સાચવી રાખીને પ્રાર્થના કરવાની આવશ્યકતા હોય છે. તેથી ધીરે ધીરે માર્ગ ઉઘડે છે ને ચિંતા, ભય કે મૂંઝવણ દૂર થાય છે. મહાપુરુષોની મદદ પણ કોઇવાર તેને મળી રહે છે.

શાંતાશ્રમમાં દેવર્ષિ નારદનો એ અનુભવ ૨૪ જૂન, ૧૯૪૭ ને મંગળવારે થયો હતો. નારદજીએ કૃપા કરીને જ મને દર્શન આપ્યું. અને અણીને વખતે પોતાની ઉલ્લાસજનક ને પ્રેરક વાણી સંભળાવી. એ અનુભવથી મારામાં અજબ બળ આવ્યું. મારી કચાશ ગમે તેટલી હોય, સિદ્ધપુરુષો ને ઇશ્વરની મારા પર કૃપા છે. તે જ મારી કચાશને તદ્દન દૂર પણ કરી દેશે, ભારતની સેવા ને વિશ્વનું કલ્યાણ મારી દ્વારા કરાવવાનો તેમનો હેતુ છે. એ સત્યને મેં આવા ઉપરાઉપરી પ્રસંગોથી સ્પષ્ટ રીતે જાણ્યું. મારે કહી દેવું જોઇએ કે મારો મૂળભૂત ને પ્રથમ આદર્શ ઇશ્વરપ્રાપ્તિ કે પૂર્ણતાની પ્રાપ્તિ છે. પરંતુ તે બાદ ઇશ્વરેચ્છા હોય તો જગતને યથાશક્તિ કામ આવવાની મારી નેમ છે. આ વાત મેં આગળ પર પણ સ્પષ્ટ કરી છે.

નારદજીના અનુભવ પછી તે ભાવના વધારે પ્રબળ બની. હૃદય કહેવા લાગ્યું કે એને માટે શક્તિ જોઇએ. ઇશ્વર કૃપાથી બદરીનાથમાં મને રિદ્ધિ સિદ્ધિ પણ વરી ચૂકી છે, પણ તેટલાથી જ શું થાય ? મારું દિલ મુખ્યત્વે પ્રેમી કે ભક્તનું છે. એ માટે મારે પ્રભુને રાતદિવસ જોઇ શકું એ રીતે સાક્ષાત કરવા જોઇએ. તો જ મને શાંતિ વળે. તેને મેળવ્યા પછી શું બાકી રહે ? પ્રભુને મેળવવાની જ પહેલાં જરૂર છે. જે જોઇતું હશે તે બધું જ તે આપી દેશે. આ વાત કાંઇ મારે માટે નવી નથી. દક્ષિણેશ્વર જઇ આવ્યા પછી તો આ વિચાર મારા મનમાં રાતદિન ઘોળાયા જ કરે છે. તો પછી હવે વિલંબ શા માટે ? દિવસ તો વીતતાં જાય છે. એક વાર ફરી દશરથાચલ પર્વત પર જઇને પ્રભુની કૃપા માટે પલાંઠી વાળીને બેસવું. પ્રભુ જરૂર કૃપા કરશે. અરે દુષ્ટ ને સંસારી માણસોની ઇચ્છાઓને તે પૂરી કરે છે તો તેના પ્રેમીની ઇચ્છાને પૂરી નહિ કરે ? પોતાની પૂર્ણતાને માટે તલસનાર ને બીજા સારાયે જગતની શાંતિ તેમજ સુખસમૃદ્ધિને માટે ચિંતા કરનારની ઇચ્છા પૂરી નહિ કરે ? ગંગા ઉલટી વહે, વૃક્ષો બોલવા માંડે ને સૂરજ ખરી પડે, પણ એ વાત કોઇ દિવસ બને જ નહિ. ઇશ્વર, તેની ઇચ્છા, ને તેના ખરા કે ખોટા, અધૂરા કે પૂરા ભક્તોનો સદા જય જ છે !

દેવર્ષિ નારદજીના દિવ્ય દર્શનાનંદની અસર મારા પર અતિશય અસાધારણ થઇ. મને થયું કે એવા પ્રાતઃસ્મરણીય પરમાત્માના પરમ કૃપાપાત્ર મહાપુરુષની મારા પર કૃપાદૃષ્ટિ છે. એને લીધે હું કૃતાર્થ છું. એમણે મને જે માર્ગદર્શન અને આશ્વાસન આપ્યું છે એ અમોઘ છે. એને લીધે મારો જીવનપથ પ્રશસ્ત બનશે. મને પ્રતીતિ થઇ કે દેવર્ષિ નારદજી જેવા સ્વનામધન્ય શ્રેષ્ઠ સત્પુરુષ સાધકોના શ્રેયાર્થે આજે પણ એમની આગળ પ્રકટે છે અને એમને આવશ્યકતા અનુસાર મદદ કરે છે. આપણી આગળ જે ભૌતિક સ્થૂળ જગત છે એનાં કરતાં જૂદું જ સુક્ષ્મ અથવા ઇન્દ્રિયાતીત જગત પણ અસ્તિત્વ ધરાવે છે. એનું અન્વેષણ હજુ બાકી છે. એમાં કેવા કેવા સિદ્ધ મહાપુરુષો વસે છે ને વિચરે છે એની અનુભૂતિ એમના અનુગ્રહથી કોઇક ધન્ય ક્ષણે ને પાવન પળે સ્વર્ગીય સ્થળે થાય છે, ત્યારે સ્વાનુભૂતિના નવા જ ક્ષેત્રો ઉઘડવા માંડે છે ને નવિન શ્રદ્ધા-ભક્તિથી સંપન્ન બનાય છે.

એ અલૌકિક અનુભવ પછી મેં દેવર્ષિ નારદની સ્તુતિ લખી ને એમને આદરયુક્ત અભિનંદન આપ્યાં.

 

 

Today's Quote

The best way to find yourself is to lose yourself in the service of others.
- Mahatma Gandhi

prabhu-handwriting

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.