Wednesday, August 12, 2020

દશરથાચલ પર

ઇ. સ. ૧૯૪૭ના જુલાઇમાં મારે ફરીવાર દશરથાચલ પર્વત પર જવાનું થયું. દશરથાચલ પર્વતની ભૂમિ અતિશય એકાંત, આહલાદક, શાંત અને સુંદર છે. માણસ તો ત્યાં કોઇ રહેતું જ નથી. ઘોર જંગલ, સુંદર સુવિશાળ પર્વતમાળા અને સામે સફેદ હિમાચ્છાદિત અર્ધગોળાકાર પર્વત-પંક્તિ એ એના મુખ્ય આકર્ષણો છે. ઋષિકેશને છોડ્યા પછી સૌથી પહેલા એ જ ભૂમિમાં મને શાંતિ સાંપડેલી ને સાધનાનો વાસ્તવિક આનંદ મળેલો. એને હું તીર્થતુલ્ય માનું એમાં શું આશ્ચર્ય ? દુનિયામાં તીર્થો તો અનેક છે પરંતુ તપશ્ચર્યા કે સાધના દ્વારા માનવ જ્યાં એક અથવા બીજી રીતે શાંતિ મેળવે છે, જ્યાં એનો અંતરાત્મા પરમાત્માના પવિત્ર પ્રેમરસમાં સ્નાન કરીને પરમાનંદ પામે છે, તે સ્થાનરૂપી તીર્થરાજનો મહિમા એને માટે સૌથી મોટો છે. દશરથાચલ પર્વત પણ એવું એક મહાન તીર્થ હતું. ત્યાં અદભૂત શાંતિ વિરાજી રહેલી. દેવપ્રયાગની તદ્દન નજીક આવેલું એ સ્થળ યાત્રામાર્ગથી દૂર હોવાથી યાત્રિઓની જાણ બહાર હતું.

દશરથ પર્વત પર સૌથી મોટી મુશ્કેલી પાણીની હતી. પાણીનું ઝરણું ઘણું જ દૂર હતું ને પાણી પણ અતિશય અલ્પ પડતું. વળી પર્વત પર જેટલા દિવસ રહેવું હોય તેટલા દિવસની ખાદ્યસામગ્રી દેવપ્રયાગથી જ લઇ જવી પડતી. બીજો આવશ્યક સરસામાન પણ લઇ જવો પડતો. એને માટે સાથે કોઇ માણસ જોઇએ. ઇશ્વરકૃપાથી કોટિ ગામના રામેશ્વરે મારી સાથે આવવા તૈયારી બતાવી એટલે મારું કામ સરળ બન્યું. રામેશ્વરનો પ્રેમ અને સેવાભાવ અસાધારણ હતો.

દશરથાચલ પર પહોંચીને મેં થોડાક સમયને માટે મૌનવ્રત રાખી લીધું. રામેશ્વરે ત્યાંના જીર્ણશીર્ણ દશામાં પડેલા ધર્મશાળા જેવા મકાનને મહામહેનતે સાફ કરીને રહેવાલાયક બનાવ્યું. એ દિવસો ચોમાસાના હોવાથી ત્યાંનું કુદરતી સૌંદર્ય અનુપમ હતું. કેટલીકવાર ધુમ્મસના ગોટાઓ અમારા અંગ સાથે અથડાઇને આગળ વધતા ચારેકોર છવાઇ જતા ને પર્વતોને ઢાંકી દેતા. અમે સ્વર્ગલોકમાં દેવતાઓની જેમ વસતા અને વિહરતા હોઇએ એવો આભાસ થતો.

એકવાર બધું અનાજ ખૂટી ગયું. વરસાદ પુષ્કળ પડવા લાગ્યો. વરસાદ બંધ રહ્યા પછી રામેશ્વરે નીચે ગામમાં જવું એવું નક્કી કર્યું. ત્યાં અમે દળવા માટે ઘઉં આપેલા. તપાસ કરી તો થોડી મગની દાળ નીકળી. સાંજે તે જ ખાવી એવો નિર્ણય કર્યો. રામેશ્વરે તેને તૈયાર કરી એટલે અમે ખાવા બેઠા. પરંતુ દાળ કેમે કરી ભાવે જ નહિ. ખૂબ જ જુની હોવાથી એનો સ્વાદ બગડી ગયેલો. બીજે દિવસે અમે પર્વત પરથી ઉતરીને ગામ તરફ ચાલ્યા. સારે નસીબે લોટ મળી ગયો એટલે અમારો ફેરો સફળ થયો.

એ દિવસો દરમ્યાન એક દિવસ મહાત્મા ત્રૈલંગ સ્વામી તથા બંગાળી મહાત્માનું દિવ્ય દર્શન થયું. ત્રૈલંગ સ્વામી એક અસાધારણ સિદ્ધપુરુષ હતા અને બંગાળી મહાત્મા પણ એક લોકોત્તર મહાપુરુષ. બંગાળી મહાત્મા દશરથાચલ પર્વત પર લગભગ છ માસ સુધી રહેલા અને એમણે દેવપ્રયાગની સમીપના એક સ્થળે સમાધિ દ્વારા શરીરત્યાગ કરેલો. દશરથાચલ પર રહેતી વખતે એમણે જણાવેલું કે આ પર્વત પર જે મારા દર્શનની ઇચ્છા કરશે તેને હું જરૂર મળીશ. એમનું કથન મારે માટે સાચું ઠર્યું.

દશરથાચલ પર સાધના અસાધારણ આનંદ અને ઉત્કટતાપૂર્વક થઇ રહેલી. એ દરમ્યાન અંતઃપ્રેરણા થઇ કે આશ્વિનમાં ચોવીસ દિવસ એટલા બધા સુંદર આવે છે કે વાત નહિ. તે વખતે તમને સિદ્ધિ મળશે. એક અન્ય દિવસે સમાધિની અલૌકિક અવસ્થામાં પ્રેરણા થઇ કે શાંતાશ્રમ જ મારી સાધનાની સિદ્ધિનું સુયોગ્ય સ્થાન છે. એની સાથે દેવપ્રયાગ જવાની આજ્ઞા થઇ. એ આજ્ઞાના પરિણામે અમે બીજે દિવસે દશરથાચલ પર્વતની વિદાય લીધી. પર્વતીય પ્રવાસને પૂરો કરીને મેં શાંતાશ્રમમાં પ્રવેશ કર્યો. છેલ્લે છેલ્લે થયેલા અવનવા અનુભવોને લીધે અંતરમાં એક પ્રકારનો અવર્ણનીય આનંદ, ઉત્સાહ અને સંતોષ હતો. મારી સાધનાની સુખદ સફળતા માટે મેં જે ચિંતા, વેદના ને કષ્ટો વેઠ્યાં છે તેમનો તાગ કાઢી શકાય તેમ નથી. સાધનાના મંગલ માર્ગે કેવળ ઇશ્વર પર શ્રદ્ધા રાખી તેની પ્રેરણા પ્રમાણે અખંડ આત્મવિશ્વાસથી મેં પ્રવાસ આદરેલો. એકલે હાથે ગઢને તોડવાનું કામ કેટલું કપરું છે તેની કલ્પના સહેલાઇથી કરી શકાય તેમ છે. મારે એવું જ કામ કરવાનું હતું. પરંતુ ઇશ્વરની અલૌકિક કૃપા દ્વારા સર્વકાંઇ થઇ શકે છે એવા વિશ્વાસે મને કોઇ વાર, ક્યાંય, કોઇ કારણે, નિરાશ નથી કર્યો.

 

 

Today's Quote

Death is not extinguishing the light; it is only putting out the lamp because the dawn has come.
- Rabindranath Tagore

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok