Saturday, June 06, 2020

એ અમર રાત

તારીખ ૧૪ ઓક્ટોબર ૧૯૪૭ની ભાદ્રપદની અમાવાસ્યાની એ ધન્ય, અમર રાત ! એ રાતનું સ્મરણ કરતાં આજે પણ અંતર અપાર પ્રેમથી પરિપ્લાવિત થાય છે. જીવનમાં ઘણાં દિવસો એવા હોય છે, કેટલીક વાર તો અમુક ક્ષણો જ એવી હોય છે, જેમનો પ્રભાવ સમસ્ત જીવન પર પડે છે. માનવને માટે તે પળો શકવર્તી પરિવર્તન કરનારી સાબિત થાય છે. તે સુંદર ક્ષણો, પાવન પળો જીવનમાં કદી ભૂલાતી નથી ને માનવ તેમની તરફ જીવનપર્યંત કૃતજ્ઞતાપૂર્વક જોઇ રહે છે. મારા જીવનમાં એવી કેટલીક મહામૂલ્યવાન સુંદર ક્ષણો છે. તેમાં ચૌદમી ઓક્ટોબરની રાતનું સ્થાન ખૂબ જ મહત્વનું છે.

તે દિવસે સાંજે હું શાંતાશ્રમના ઉપલા ખંડમાં બેઠેલો. ભગવાન રામ, કૃષ્ણ, હનુમાન, બુદ્ધ, રામકૃષ્ણદેવ, વિવેકાનંદ સૌની તસ્વીરો ખંડમાં શોભી રહેલી. એમને અવલોકતાં હું ઊંડા વિચારમાં લીન બનેલો. મનમાં મારા કાર્યની ચિંતા હતી. છેલ્લા અઢી વરસ જેટલા સુદીર્ઘ સમયથી પ્રખર પરિશ્રમ કરવા છતાં મારી સાધના શેષ રહેલી અને એથી મને શાંતિ નહોતી લાગતી. શું કરું તો સાધનાની સિદ્ધિ સાંપડે ને મને ચેન પડે એવાં વિચારતરંગો મનમાં ફરી વળતા. પરમ શાંતિની પ્રાપ્તિ કરવી છે એ તો ચોક્કસ. તેને માટે જ મેં ઉગતી યુવાનીમાં સર્વસંગ પરિત્યાગી બનીને હિમાલયનો રાહ લીધો છે. આ અવનીમાં આવીને એક અજ્ઞાત પ્રવાસીનr પેઠે પસાર થઇ જવું નથી પરંતુ પૂર્ણતાની પ્રાપ્તિ કરીને સર્વત્ર પરમાત્માના પાવન પ્રકાશને પ્રસરાવવો છે. પરંતુ એ બધું ક્યારે બનશે ? વખત વીતતો જ જાય છે. પુરુષાર્થ ચાલુ હોવા છતાં હજુ પ્રખર પુરુષાર્થ કરવાની આવશ્યકતા છે. આ માર્ગમાં કોઇ સાધક આદુ ખાઇને પડે તથા શાંતિ માટે તલસે તો પણ તેને સિદ્ધિ ના સાંપડે એવું બને જ નહિ. પ્રખર પુરુષાર્થ, અડગ આત્મશ્રદ્ધા, ધ્યેયને માટે મરી ફીટવાની તત્પરતા તેમજ સર્વપ્રકારના સંકટોને સહેવાની તૈયારી, સફળતાને સમીપ લાવે છે ને સાધકને કૃતાર્થ કરે છે. મારે માટે પણ કૃતાર્થતાનો એ અવસર આવવાનો જ છે. ભલે વિલંબ થાય, તેને માટે તલસવું પડે, તો પણ એમાં મીનમેખ નહિ થાય. પરંતુ આજે કેટલાય વખતથી પ્રયત્નો કરવા છતાં અનુગ્રહની અલૌકિક અમૃતવર્ષા નથી વરસતી તેનું કારણ ?

એવા એવા વિચારોમાં રાતનો કેટલો વખત વહી ગયો તેની ખબર ના પડી. ઓરડીમાં અને ઓરડીની બહાર બધે જ અંધકારના ઓળા ઉતરી ચૂકેલા. હિમાલયમાં મેં કેટકેટલું સહન કર્યું છે ? સાધનાનું કેટલું ભગીરથ કાર્ય લઇને હું આજે બેઠો છું ? એને માટે કેટલી વિપત્તિ અને વેદના વેઠું છું ? મારી આ ગૂઢ મનોવેદનાનું સાક્ષી કોણ ? કેવળ ઇશ્વર. એણે જ આ સાધના સુઝાડી છે અને એ જ આ કરે-કરાવે છે. આ તારા, પવન, વૃક્ષો, પર્વતમાળા ને દૂર-સુદૂરથી સુધાસભર સ્વરને રેલનારી ગંગા, આ સઘળાં એનાં સ્થૂળ સાક્ષી છે. પરંતુ આવું બધું ક્યાં સુધી ચાલશે ? હે પ્રભુ, હે જગદંબા, હવે તો કૃપા કરો. તમારા બાળકની મનોકામના પૂરી કરો. એ અબુધ અને ભ્રાંત છે પરંતુ તમે તો માતાપિતા, સર્વસ્વ છો એ ભૂલશો નહિ. માતાપિતા જેમ બાળકના ગુણદોષને જોતાં નથી પરંતુ તેને પોતાના ગણે છે તેમ મને પણ અપનાવો અને શાંતિ આપો. મારી પીડાની પરિસમાપ્તિ કરો. એને જોઇને શાંત અને સ્તબ્ધ શા માટે બેઠાં છો ?

એવી પ્રાર્થના ચાલી રહેલી ત્યાં તો અજબ ભાવાવેશ થઇ આવ્યો. મારી આંખ પ્રેમાશ્રુથી પલળવા લાગી. કોણ જાણે કેમ પણ એ વખતે મને અચાનક લાગ્યું, જાણે કોઇએ કહ્યું કે 'મા' જગદંબા જ મારી ઇષ્ટ છે, ને બીજા કોઇની કૃપા માટે તલસવાને બદલે 'મા'ની જ કૃપા માટે તલસવું જોઇએ. તેની કૃપા સિવાય શાંતિ નહિ સાંપડે. એને માટે વિલંબ કરવાની આવશ્યકતા નથી. કાલથી જ નવરાત્રિનો આરંભ થાય છે. 'મા'ની પૂર્ણ કૃપા માટે તલસવાથી 'મા' જરૂર કૃપા કરશે ને કૃતાર્થતા ધરશે. પૂર્વજન્મના અનુસંધાનને અનુસરીને 'મા'ની કૃપા માટેની આરાધનાનો આધાર લેવાની આવશ્યકતા છે. સફળતા અવશ્ય સાંપડશે.

તન, મન, અંતર, અણુ-પરમાણુમાં એ પ્રેરણા ફરી વળી. આત્માએ એને સત્વર સ્વીકારી લીધી. જે ગૂંચ ઉકેલવા માટે લાંબા વખતથી પ્રયાસ ચાલતો હતો તે ગૂંચને ઉકેલવાની જાણે કે કૂંચી મળી ગઇ. અભિનવ આશા, અવનવા આનંદ, અસાધારણ હિંમતની પ્રાપ્તિ થઇ. જગદંબાએ મારી પ્રાર્થનાને સાંભળીને પોતાની કૃપાના કલ્યાણદ્વારને ઉઘાડી દીધું હોય એવું લાગવા માંડ્યુ. આ વાતની માહિતી પહેલેથી જ મળી હોત તો ? એ પણ એની ઇચ્છા છે. એ જે કરે છે તે યોગ્ય જ કરે છે. જ્યારે કરે છે ત્યારે પણ યોગ્ય જ કરે છે. ચૌદ પંદર વરસની નાની વયમાં 'મા'ના દર્શન માટે જે લાગણી તથા લગની હતી તે યાદ આવી. હિમાલયના વસવાટ દરમ્યાન બીજી સાધના તથા યોગાભ્યાસની ઝંખનાની આગળ તે ગૌણ બની ગયેલી. હવે પડદો દૂર થવાથી તે પુનઃ પ્રકટ થઇ. મને લાગ્યું કે બરાબર છે. ઇ. સ. ૧૯૪૩માં ઋષિકેશમાં મળેલા પેલા ત્રિકાળજ્ઞ મહાત્માના શબ્દોનું સ્મરણ થયું. એમણે પણ જગદંબાને ઇષ્ટ બનાવવામાં નહિ આવે ત્યાં સુધી શાંતિ નહિ મળે એવું જણાવેલું. મારે માટે એ જ માર્ગ છે. 'મા'ની કૃપાને માટે જ કટિબદ્ધ બનવાનો.

મોડી રાતે દીવો કરીને મેં મારા નિર્ણયને લિપિબદ્ધ કર્યો.

'હે મા, જ્યાં સુધી તમારી ધારેલી કૃપા મારા પર નહિ ઉતરે ત્યાં સુધી હું આ સ્થાનમાંથી ક્યાંયે જઇશ નહિ અને અન્ન લઇશ નહિ, ઉપવાસ કરીશ.'

કોઇએ આને હઠ સમજવાની જરૂર નથી. એ તો પ્રેમની પ્રબળતાનું પ્રતિબિંબ હતું. મારો સ્વભાવ જ એવો અનોખો છે કે ધારેલું કામ ન થાય ત્યાં સુધી મને ચેન પડતું નથી ને ખાવું પીવું કશું જ નથી રુચતું. મને ખાતરી હતી કે હું આવી રીતે તલસીશ, 'મા'ને માટે પ્રાર્થીશ તથા પોકારીશ, અને શરીરને સમર્પવા માટે પણ તૈયાર થઇશ, એટલે 'મા'ને પ્રકટ્યા વિના છૂટકો નહિ થાય. કેમ કે મારો અને એનો સંબંધ પૂર્વજન્મનો છે. સામાન્ય રીતે સ્થૂળ સંસારમાં પણ કોઇક વ્યક્તિ અનશન આદરતાં એની ઇચ્છાને સંતોષવા લાગતાંવળગતાં સૌ દોડાદોડ કરે છે તો આ જગદંબાને માટે, વિશ્વની એકમાત્ર ચિન્મયી સર્વેશ્વરી શક્તિને માટે અપાતો ભોગ છે, અને એ પણ એના વિના રહેવાતું નથી, જીવવું આનંદરહિત અથવા અકારું લાગે છે માટે અપાય છે, તો એ શા માટે દયા નહિ કરે ? એ તો દયામયી છે, પ્રેમમયી છે. જે એનું સાચા ભાવથી શ્રદ્ધાભક્તિપૂર્વક શરણ લે છે, એને ચાહે છે કે ઝંખે છે, એના પર એની કૃપાવર્ષા અવશ્ય વરસી રહે છે. પણ હે મંદબુદ્ધિ માનવ, દુન્વયી દુઃખ તથા લૌકિક લાભાલાભને માટે તેં ઘડાના ઘડા આંસુ વહાવ્યાં, કાન ફાટી જાય એટલા પોકાર પાડ્યા અથવા આક્રંદ કર્યાં, કિન્તુ ઇશ્વરને માટે, તારી પોતાની પરમ શાંતિ, મુક્તિ તથા પૂર્ણતા માટે ભૂલેચૂકે પણ ના રડ્યો ! એકેય આંસુ ના સાર્યું ! સંસારમાં સુખી ને વૈભવી બનવા સમસ્ત જીવન ખર્ચી નાખ્યું, કિન્તુ પરમાત્માની પ્રાપ્તિ માટે એનાથી અડધો પણ પુરુષાર્થ ના કર્યો. ઇશ્વરના નામે પથ્થર તર્યાં તો તું ના તરત ? તે તો દયાળુ છે. જે તેની દયાને માગે છે તેના પર તે દયા વરસાવે છે. જીવનને પ્રશાંત કરવા, સુખી સમૃદ્ધ બંધનમુક્ત બનાવવા તેની અને તેની કૃપાની કામના કર.

એવા વિવિધ વિચાર, દેશ અને દુનિયાના વિચાર, તેમજ સાધનાના વિચારો કરતાં મારું હૈયુ હાલી ઉઠ્યું. છેવટે દીપકને બૂઝાવીને હું પ્રાર્થના તથા ધ્યાનમાં બેઠો. એ રાત મારા જીવનની અમર રાત હતી.

એ રાતે જે અભૂતપૂર્વ અસાધારણ વેદના હતી તેનું વર્ણન પરિપૂર્ણપણે નથી કરી શકાય તેમ. આ રહ્યો એનો આછોપાતળો અલ્પ અક્ષરદેહ.

'પૂર્ણતા, આત્મશાંતિ, ભારત અને વિશ્વના કલ્યાણ માટેનો સાધનાયજ્ઞ. કાર્યમ્ સાધયામિ વા દેહમ્ પાતયામિ.'

'ફરી પાછી એ જ વાત. જીવનની પરિપૂર્ણતા માટે તમારા દ્વારે પાછો એ જ પોકાર. માનવદુઃખથી દુઃખાઇ, ભારતની પ્રતિકૂળ પરિસ્થિતિથી સંતપ્ત થઇ પાછો એ જ કરુણ ચિત્કાર... જે અનેક અભાગી ક્ષણોમાં કર્યો છતાંય તમે નથી સાંભળ્યો. પરંતુ આ વખતે તો એ અંતિમ સફળતા સુધી અથવા આમરણાંત ચાલુ જ રહેશે, અને તમે પણ એવા જ શુભાશીર્વાદ પ્રદાન કરજો. વિશ્વની ને ભારતની શાંતિસમસ્યાના ઉકેલ માટે મારું શરીર કામ લાગે, જે સમુન્નત સત્ય વિચારપ્રણાલિને તમે તમારી પરમ પાવન પ્રેરણા દ્વારા પ્રદર્શાવી ને લખાવી છે તે તમારા અલૌકિક અનુગ્રહથી અલંકૃત થાય, એવી મારી આકાંક્ષા છે. એને માટે અને જીવનની સફળતા, સંપૂર્ણતા તથા શાંતિ માટે આ આરાધના, એને માટેનો જ આ પોકાર છે. આશા છે કે તમે એને શીઘ્રાતિશીઘ્ર સાંભળશો, મારી ઇચ્છાને માન્ય રાખશો, ને એને વરદાન દ્વારા સત્કારશો. એવી રીતે તમારી ભક્તવત્સલતા તેમજ દુઃખી ભારત અને માનવજાતિ માટેની તમારી ઊંડી દયા ને હમદર્દી બતાવી આપશો. બાકી તો આ મૂક સંનિષ્ટ પ્રયત્નમાં છેવટ સુધી વળગી રહેવા દેજો. તમારી જ પ્રેરણાને અનુસરીને એક વાર ફરી અનશન વ્રત કરું છું. કાલથી નવરાત્રિ શરૂ થાય છે. વ્રત પણ આજ રાતથી આરંભાય છે. ૧૪ ઓક્ટોબર ૧૯૪૭, મંગળવાર.'

આ શબ્દો એ સમયની નોંઘપોથીમાંથી ઉતારેલા છે. એમના પરથી એ વખતના મનોભાવોનો ખ્યાલ આવે છે. એ દિવસોની માનસિક ભૂમિકા પણ કાંઇક અંશે સમજી શકાય છે.

 

 

Today's Quote

Time spent laughing is time spent with the God. 
- Japanese Proverb

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok