Text Size

જગદંબાનું સાક્ષાત દર્શન - ૧

બીજા દિવસથી એ સાધનાત્મક મંગલમય મહાન વ્રતનો આરંભ થયો. એ સાધનાવ્રત કેટલા સમય સુધી ચાલુ રહેશે તેની ખબર ન હતી. પરંતુ જેણે કાર્ય કરવું છે, સફળતાને મેળવીને સનાતન શાંતિની પ્રાપ્તિ કરવી છે, એણે એ ચિંતામાં શા માટે પડવું ? એનું કામ તો પોતાના આદર્શને માટે ભોગ આપવાનું જ છે. એક દિવસ, બે દિવસ, એમ નવરાત્રિના પૂરા નવ દિવસ પસાર થઇ ગયા. એ દિવસો દરમ્યાન મૌનવ્રત ચાલતું. અવિરત રીતે પ્રાર્થના ચાલતી. આખો દિવસ અને રાત ઓરડામાં જ બેસી રહેતો. આશા અતૂટ અથવા અમર, શ્રદ્ધા લોખંડી અને હિમાલય જેવી અચળ હતી. સૌથી વિશેષ તો 'મા'ના અસીમ અનુગ્રહમાં અને કારુણ્યમાં વિશ્વાસ હતો. એ અનંત વિશ્વાસે જ મારા જેવા સાધારણ સાધકને અનશનની અવર્ણનીય વેદનાને વેઠવાની શક્તિ આપેલી. એને લીધે જ મારો સંકલ્પ સુરક્ષિત રહી શકેલો.

સવારે સ્નાન કરવા માટે નીચે આવતો ત્યારે પર્વતોની વચ્ચેના ખુલ્લા પ્રદેશના વિશુદ્ધ વાયુમંડળમાં થોડોક વખત 'મા'નું સ્મરણ કરતાં શાંતિપૂર્વક પ્રેમથી પરિપ્લાવિત બનીને બેસી રહેતો. બાકીનો બધો વખત મારા એકાંત શાંત સાધનાખંડમાં જ બેસીને પસાર કરતો. 'મા'ના દર્શનની લગની ઘણી ભારે હતી. રોમરોમ જાણે કે એને માટે રડી તથા તલસી રહેલું. એકેક દિવસ પસાર થતો તે યુગ જેવો લાંબો લાગતો. પ્રત્યેક પ્રભાતે 'મા'ના મધુમય મુખમંડળના દૈવી દર્શનની કામનાથી પ્રેરાઇને અભિનવ આશા અને અસાધારણ ઉત્સાહને ધારીને અનંત શ્રદ્ધાભક્તિથી સંપન્ન બનીને બેસી રહેતો. સવારે સ્નાન કરતી વખતે ને સાંજે પાંચ પાંચ ઘૂંટડા પાણી પીવાનો મેં ક્રમ રાખેલો. દિવસ દરમ્યાન એટલાં જ પાણીના સેવનથી સંતોષ માનતો.

નવરાત્રિના આરંભમાં આશ્રમની સામેના પર્વતીય પ્રદેશમાં રહેતા બ્રાહ્મણ કુટુંબે મારા વ્રતની વાતને જાણીને ફળાહાર માટે ઉપયોગમાં લેવા પેંડા બનાવીને મોકલ્યા. એ કુટુંબ આર્થિક રીતે સાધારણ સ્થિતિવાળું હોવા છતાં અસાધારણ શ્રદ્ધાભક્તિ તથા સેવાભાવનાથી સંપન્ન હતું. હું કેવળ પાણી પર રહેતો હોવાથી એ પેંડા પડી રહ્યા. ઉપવાસના ચોથા કે પાંચમા દિવસે બપોરે ઋષિકેશના એક ઓળખીતા વેપારી ભાઇ ફળ તથા મિઠાઇ લઇને આવી પહોંચ્યા. એમના મનમાં એમ કે વ્રતની પરિસમાપ્તિ પછી હું એનો ઉપયોગ કરીશ. પરંતુ મારું વ્રત તો 'મા'ની કૃપા પર નિર્ભર હોવાથી ક્યારે પૂરું થશે તેની ખાતરી ન હતી. તે બધું એમ ને એમ પડી રહ્યું. જેને આપી શકાય એવું કોઇ મુલાકાતી પણ વસ્તીથી દૂરના એ એકાંત પ્રદેશમાં આવતું નહિ. પરિણામે કેટલીક સામગ્રીને બગડી જવાથી નાખી દેવી પડી, કેટલીક એક ભાઇને સુપ્રત કરી, ને થોડીક સારી રહી શકેલી એનો ઉપયોગ અનશનવ્રતની પરિસમાપ્તિ પછી હું કરી શક્યો. મારે કહેવાની મુખ્ય વાત તો એ છે કે ખાદ્ય પદાર્થો પાસે હોવા છતાં એવી રીતે વ્રતને ચાલુ રાખવાનું કામ કઠિન હોય છે. 'મા'ના અલૌકિક અનુગ્રહ વિના એ ભાગ્યે જ બની શક્યું હોત.

'મા' કૃપાળુ નથી ? અત્યંત કૃપાળુ છે. જે તેને માટે પોતાની શક્તિ ને શ્રદ્ધાભક્તિ પ્રમાણે તપે છે ને તલસે છે તેને તે શાંતિ આપે છે, તે નિર્વિવાદ છે. નવ દિવસ સુધી મારે ભયંકર સંકટ સહેવું પડ્યું. ભીષણ વેદના વેઠવી પડી. એ સંકટને ને વેદનાને હું બનતી શાંતિપૂર્વક સપ્રેમ સહન કરતો. શરીરને સમર્પવું પડે તો સમર્પવાની મારી તૈયારી હતી. પરંતુ 'મા'એ મારા પર અદભૂત અનુગ્રહ કરીને પોતાનો પરચો બતાવ્યો એથી મને સહેજ સંતોષ થયો ને ઉત્સાહ સાંપડ્યો.

તારીખ ૨૫ ઓક્ટોબર શનિવારે વહેલી સવારે એક અલૌકિક શાંતિપ્રદાયક અનુભવ થયો. બ્રાહ્મમુહૂર્તમાં વહેલો ઉઠીને હું પ્રાર્થના અને ધ્યાનમાં બેઠો કે તરત જ મારું શરીરભાન ભૂલાઇ ગયું. શરૂઆતમાં બે અસાધારણ સૌંદર્યવતી સ્ત્રીઓ દેખાઇ. થોડાક વખત પછી એ અદૃશ્ય થઇ અને એમને બદલે ત્રણ વામન જેવા સનકાદિ ઋષિવર હોય એવા બાળકો દેખાયા. મેં એમને જણાવ્યું કે તમે સ્વયંસિદ્ધ છો. મને રિદ્ધિ સિદ્ધિ, ઐશ્વર્ય, અષ્ટ સિદ્ધિ નવનિધિ આપો. ભારતને મારી દ્વારા મદદ કરો. સૃષ્ટિમાં શાંતિ સ્થાપો.

એમણે કહ્યું કે 'તથાસ્તુ. રિદ્ધિ સિદ્ધિ સૌ પ્રાપ્ત હો. બધી ઇચ્છા પૂર્ણ હો. તમારી કૃપાસિદ્ધિ હો. તમને કૃપાસિદ્ધિ પ્રાપ્ત હો. ખૂબ ખૂબ મંગલ યશ હો.' અને એ અદૃશ્ય થઇ ગયાં.

એ અનુભવ પ્રસંગ પછી મને ભાન આવ્યું. પહેલાં પ્રભાત પક્ષીનો સુમધુર સ્વર સંભળાયો. શાંતા નદીનો શ્રવણમંગલ સુખદ સુસ્વર સમીપે જ સંભળાતો હતો. મારા અંતરમાંથી આપોઆપ શબ્દો નીકળી પડ્યા. જય હો ! હિમાલયના સિદ્ધ મહાપુરુષોનો જય હો ! બીજાને મદદ કરનાર, મંગલને માર્ગે લઇ જનાર મહાપુરુષોનો જય હો !

પરંતુ એટલા અનુભવથી જ મને સંતૃપ્તિ થાય તેમ ન હતું. તૃપ્તિ માનીને બેસી જવા માટે એટલો પ્રસંગ પૂરતો હોવા છતાં મારા મનને એટલાથી જ શાંતિ કેવી રીતે થાય ? મારે તો 'મા'ના મધુર મુખમંડળને નિહાળવું અને એની કૃપાની સુધામયી સરિતામાં સ્નાન કરવું હતું. એટલે મેં 'મા'ના મંગળ મંદિરદ્વારે મારો પ્રેમપોકાર ચાલુ રાખ્યો. 'મા, હવે એકની એક કમભાગ્યની કથની લખીને વેદનાને વ્યક્ત નહિ કરું. હવે તો આ પાર કે પેલે પાર. શરૂ કર્યું જ છે તો આમ અધવચ્ચેથી ખાલી હાથે નિરાશ થઇને પાછો નહિ જ ફરું. હવે તો તમારું દેવદુર્લભ દિવ્ય દર્શન પામીને જ જંપીશ. હવે તો જલ્દી જલ્દી કૃપા કરી દો. તમારા શરણાગતને આમ તલસાવવામાં ને પીડા પહોંચાડવામાં આનંદ આવે છે ? તમે તો દયાળુ છો, માતા છો, જગદંબા છો.'

ઉપવાસની વચ્ચેના દિવસોમાં મેં પાણી લેવાનું પણ છોડી દીધું. દિવસરાત એક જ આસને બેસીને પ્રાર્થવાનું ચાલુ રાખ્યું. અંતર 'મા'ના અસાધારણ અનુગ્રહને માટે આતુર બન્યું. એ દરમ્યાન એક રાતે 'મા'એ કહ્યું કે પાણી પીઓ. એકાદ બે દિવસમાં આવું છું. એથી મેં પાણી લેવાનું શરૂ કર્યું, પરંતુ પાંચ ઘૂંટડાથી વધારે પાણી ના લેવાનો નિર્ણય કર્યો.

એ દિવસોમાં આંતરજગતમાં ભજનોની સુંદર પંક્તિઓ સંભળાતી. એવી કેટલીક પંક્તિઓ પરથી મેં ભજનો લખ્યાં. કેટલાક સદુપદેશ સાંપડતા તેમને મેં લિપિબદ્ધ કરી લીધા. કેટલાક નવા મંત્રો પણ મળતા. અપરિચિત સ્વનામધન્ય સિદ્ધ મહાત્માઓના દર્શનો તો અવારનવાર થતાં. તે દિવસોમાં 'મા'એ સંભળાવેલી પેલી સુંદર પંક્તિઓ આજે પણ યાદ છે. એ સ્વરની મીઠાશને વર્ણવવાની શક્તિ મને મારામાં નથી લાગતી. એ પંક્તિઓ આ રહી :

તુમ બિન રહ ના શકું કભી મૈં,
તુમ તો મેરે ભૂપ,
પાગલ મેરે સ્વરૂપ, પાગલ મેરે સ્વરૂપ, પાગલ મેરે સ્વરૂપ.

 

 

Today's Quote

The journey of a thousand miles begins with a single step.
- Chinese proverb

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok