Friday, June 05, 2020

જગદંબાનું સાક્ષાત દર્શન - ૨

દિવસો અત્યંત આતુરતાપૂર્વક, અસાધારણ અનુરાગથી અંજાઇને, એક પછી એક પસાર થતા. જગદંબાના દિવ્ય દર્શનનો લાભ મળે કે એની સુસ્પષ્ટ બાંહેધરી મળે તો જ અનશન વ્રતનો અંત આણવો એવો મારો નિશ્ચય હતો. દિવાળી અનશન વ્રતમાં વીતી ગઇ. તારીખ ૧૩ નવેમ્બર ગુરુવારે નૂતન વર્ષ હતું. તે દિવસે સવારે હું શાંતાશ્રમમાં બેઠેલો. શરીર ખૂબ જ કૃશ અને નિર્બળ બની ગયેલું. અનશન લાંબુ ચાલેલું. શું કરવું તે નહોતું સમજાતું. શરીર છૂટી જાય તો ભલે પણ સફળતા સિવાય અનશનનો અંત ના આણવાનો નિર્ણય તો હતો જ. ત્યાં તો જગદંબાના સુક્ષ્મ સુમધુર સુધાસભર સ્વર મારા શ્રવણપટ પર અથડાયા : 'અભી કુછ દિન યોગાભ્યાસમેં ઓર લગો.'

મને આશ્ચર્ય થવાથી મેં પૂછ્યું : 'કુછ દિન રોક લો ?'

'નહિ ઓર લગો.'

'કુછ દિન રોક લો ?'

'નહિ, નહિ. મૈં કહાં કહતી હું કી રોક લો ? અભી યોગાભ્યાસમેં કુછ દિન ઓર લગો.'

'મા'નું સ્વરૂપ નહોતું દેખાતું પરંતુ એના સુખદ સુધાસભર શબ્દો સારી પેઠે સંભળાતા. નૂતન વર્ષના મંગલ દિને પાવન પ્રભાતે 'મા'એ એવી રીતે જાગૃતિ-અવસ્થામાં અલૌકિક અનુગ્રહ કર્યો. એથી મને થયું કે મારા પર 'મા'ની કૃપાદૃષ્ટિ છે અને એ મારું ધ્યાન રાખે છે. તો પણ મને શાંતિ ના થઇ. જે સ્થાનમાં મેં આટલું બધું સહન કર્યું, એ સ્થાનમાં અને અત્યારે જ મારે તો 'મા'નું દર્શન જોઇએ. યોગાભ્યાસ કરીને મારે શું કરવું છે ? યોગાભ્યાસથી જે મળે છે તે તો 'મા'ના કૃપાકટાક્ષથી સત્વર સાંપડી શકે છે. જાગૃતિદશામાં જ ભાવવિભોર બની જવાય તો 'મા'ના સુંદર સ્વરૂપના દર્શનથી સમાધિ થયા વિના રહે જ કેમ ? એવી રીતે 'મા'ના શરણાગત પ્રેમી ભક્તને યોગાભ્યાસનું સર્વોત્તમ ફળ હસ્તામલકવત્ હોય છે. છતાં 'મા'એ યોગાભ્યાસ કરવાનું કેમ કહ્યું ? યોગાભ્યાસ 'મા'ના દર્શનથી ઉત્તમ તો નથી જ. કે પછી એવું કહીને મારી નિષ્ઠા, સમજ અને સંકલ્પશક્તિની કસોટી કરવામાં આવે છે ? તે રાતે એક સુંદર સ્ત્રીનું દર્શન થયું. એણે 'મા'ના દેવદુર્લભ દિવ્ય દર્શનનો આશીર્વાદ આપીને જણાવ્યું કે નવમી તારીખે તમને 'મા'નું દર્શન થશે. તે વખતે તમે શંકરના કોઇ સ્થાનમાં હશો. એથી મને અધિક આનંદ થયો. તે દિવસોમાં પ્રત્યેક પળ અને પ્રત્યેક અનુભવની પોતાની ખાસ કિંમત હતી.

તો પણ મારી ચિંતા ના ટળી. શાંતાશ્રમમાં મારા મનોરથની પૂર્તિ 'મા' વહેલી તકે કરે એવી મારી ઇચ્છા હતી. કરુણાળુ 'મા'એ તે ઇચ્છાને પણ પૂરી કરી. આ લખતી વખતે 'મા'ની કરુણાના સ્મરણથી મને રોમાંચ થઇ આવે છે.

બીજે દિવસે તારીખ ૧૪મી નવેમ્બરે મધ્યરાત્રી પછી એ અલૌકિક અવસર ઉપસ્થિત થયો. તે દિવસે ભાઇબીજ હતી. હું અનુરાગમાં ઓતપ્રોત બનીને આસન વાળીને બેઠેલો. ત્યાં તો મારી અવસ્થા એકાએક અનોખી થવા માંડી. આપોઆપ મને સમાધિ થાય અને પાછું આપોઆપ ભાન આવે એવું આશરે એકાદ કલાક ચાલ્યું. એની સાથે જાગૃતિ દશા દરમ્યાન 'મા'નું દર્શન થયું. 'મા'નું દર્શન અલૌકિક હતું. રેશમી જેવા સુંદર વસ્ત્રોમાં 'મા'ના શરીરની શોભા અતિશય આહલાદક અને અવર્ણનીય લાગતી. 'મા'એ મારા શરીર પર વારંવાર હાથ ફેરવીને કહ્યું : 'સર્વ કાંઇ મળી ગયું. હવે સંકલ્પ માત્રથી જ સિદ્ધિ રહી.' મારી પીઠ પર હાથ મૂકીને કહ્યું : 'તમારો કુંડલિનીનો માર્ગ મેં ઠીક કરી દીધો છે. હવે ચિંતા ના કરશો.'

'મા'ના એ મંગળ, મધુમય, દૈવી દર્શનના આનંદને અક્ષરદેહમાં કેવી રીતે અંકિત કરી શકું ? એની આવશ્યકતા પણ ક્યાં છે ? મને ભાન આવે ત્યારે 'મા' દેખાય અને મારી સાથે વાતો કરે. તે પછી થોડા જ સમયમાં મને સમાધિ થઇ જાય. વળી પાછું દેહભાન આવે ત્યારે 'મા'નું દિવ્ય દર્શન થાય, મારી કુટિર દેખાય ને પાછી સમાધિ થાય. એવો ક્રમ વારાફરતી ચાલ્યા જ કરે. મારી આંખમાંથી આનંદની અસ્ખલિત અશ્રુધારા નીકળ્યા જ કરે. ખૂબ જ કોશિષ કરું પરંતુ હાથ પગ કે શરીર હાલે જ નહિ. ઊઠી શકાય જ નહિ. આસન અચળ બની ગયેલું. 'મા'એ મને ગુલાબ જેવા સુંદર ફૂલોની મનહર માળા પહેરાવી ને બંને હાથે પણ માળા બાંધી. મને થયું કે મારું શરીર શું આવું ને આવું જ રહેશે ? ખાવા પીવાનું ને વાતચીત કરવાનું પણ આ દશામાં કેવી રીતે બનશે ? સવારે કોઇ મળવા આવશે તો ઓરડીની અંદરની સાંકળ પણ કોણ ઉઘાડશે ? એવી પ્રેમમગ્ન ભાવમસ્ત સમાધિનિષ્ઠ અલૌકિક અવસ્થા વિશે મેં સાંભળ્યું ને વાંચ્યું હતું. એવી અલૌકિક અવસ્થાને અનુભવવાની ઇચ્છા મને પણ થયા કરતી. એના અનુસંધાનમાં 'મા'એ જાણે કે આ અનુભવ આપીને જણાવ્યું કે જો, આ અવસ્થાનો આસ્વાદ પણ લઇ લે ને નક્કી કરી દે કે આ જ અવસ્થામાં કાયમ માટે રહેવું છે કે કેમ. મને થયું કે આવી અવસ્થા કાયમ માટે સારી નથી. 'મા'નું નિત્યનિરંતર દર્શન થાય તે બરાબર છે, 'મા'ના અનુગ્રહનો આસ્વાદ મળે તે પણ બરાબર, પરંતુ આવી રીતે સદાને સારુ શૂન્યમનસ્કની પેઠે પડ્યા રહેવાનું મને પસંદ નહિ પડે. ભાન તો જોઇશે જ, ને ભાન રહે એ આવશ્યક અને આશીર્વાદરૂપ પણ છે. જાગૃતિમાં આવશ્યક કર્માનુષ્ઠાનોને કરતાં કરતાં પણ મન જગદંબાની આજુબાજુ જ રમ્યા કરે ને નિર્લેપ રહે એ વધારે સારુ છે.

જ્યારે અચાનક હાથ હાલ્યા, પગ હાલ્યા, અને પૂરેપૂરું ભાન આવ્યું ત્યારે મને કેટલી નિરાંત વળી હશે તે સહેલાઇથી કલ્પી શકાશે.

જે શાંત સુંદર સ્થાનમાં મેં આટલું બધું સહન કર્યું, તપ કર્યું ને કઠોર કષ્ટ વેઠ્યું તે સ્થાનમાં 'મા'ની કૃપા શા માટે ના થાય ? જ્યાં સુધી 'મા'નું દૈવી દર્શન ના થાય ત્યાં સુધી અન્ન લેવું નહિ ને પાણી પરના વ્રતને છોડવું નહિ એવા દૃઢ નિર્ધારથી પલાંઠી વાળીને મેં અંતરના અંતરતમમાંથી અહર્નિશ પ્રાર્થના કરી તો આખરે એવી રીતે 'મા'ના સાક્ષાત દર્શનનો દેવદુર્લભ લાભ મળી ગયો. પંરતુ જે વરદાનની આકાંક્ષા હતી તે વરદાન ના મળવાથી મારું કાર્ય હજુ અધૂરું જ રહ્યું. બીજો કોઇ સાધક હોત તો આટલામાં જ બડભાગી બની જાત. પરંતુ મારા પર 'મા'ની કૃપા હોવાથી હું જાગ્રત હતો. સાધનાના મારા નક્કી કરેલા આદર્શ પર પહોંચવા માટે મારું અંતર અધીરું હતું. એના વિના મને નિરાંત વળે તેમ ન હતી. એથી મેં મારું કામ અનશનની સમાપ્તિ પછી પણ ચાલુ જ રાખ્યું. 'મા'ના સાક્ષાત દર્શનના અદભૂત અનુભવથી મને ખૂબ જ શાંતિ મળી, આનંદ થયો, ને મારો વિશ્વાસ વધી ગયો. જૂના જમાનાના ભક્તોના જીવનમાં ઇશ્વરના દર્શનની જે વાતો મેં વાંચેલી તેના પૂરાવા જેવો પ્રસંગ મારા જીવનમાં જગદંબાની કૃપાથી બની ગયો. મારું જીવન એટલે અંશે ધન્ય બન્યું.

શાંતાશ્રમમાં થોડાક વધારે દિવસો પસાર કરીને ડીસેમ્બરની આઠમી તારીખે મેં આશા, શ્રદ્ધા, ઉત્સાહ તથા મૌનવ્રત સાથે દેવપ્રયાગ છોડ્યું. શાંતાશ્રમને પ્રણામ કર્યા. મારી મીટ હજુ નવમી તારીખ ઉપર મંડાઇ હતી.

 

 

 

Today's Quote

“Let me light my lamp", says the star, "And never debate if it will help to remove the darkness.”
- Rabindranath Tagore

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok