Saturday, June 06, 2020

દર્શનના અન્ય અનુભવો

 ઇ. સ. ૧૯૪૭ના ડીસેમ્બરની આઠમી અને નવમી બંને તારીખો મારા સાધનામય જીવનની પ્રબળ પ્રેમપૂર્ણ પ્રાર્થના તારીખો રહી. એ દિવસો દરમ્યાન 'મા'ની વિશેષ કૃપાપ્રાપ્તિ માટે મેં આતુર અંતરે ખૂબ ખૂબ પ્રાર્થના કરી. દેવપ્રયાગના લાંબા એકધારા ઉપવાસે શરીરને સહેજ અશક્ત બનાવેલું, પરંતુ સાધનાત્મક સફળતાને લીધે અંતર આનંદમય બનેલું. વિશેષ સફળતાનો જગદંબાએ આપેલ બીજો દિવસ પણ છેક જ પાસે હતો. એ દિવસના અલૌકિક અનુભવને માટે અંતર આતુર થઇ રહેલું. હૃદય રાતદિવસ બોલતું હતું કે મા, આજે તો તમારી કૃપા થવી જ જોઇએ. મેં અત્યાર સુધી ખૂબ ખૂબ સહન કર્યું છે. હવે તો તમારે મને આનંદ આપવો જ જોઇએ. તમારી પરિપૂર્ણ કૃપા સિવાય મને શાંતિ નહિ થાય ને ચેન નહિ વળે.

ઋષિકેશની દેવકીબાઇ ધર્મશાળામાં નવમી તારીખની રાતે પ્રાર્થના કરવા બેઠો. અંધારા ઓરડામાં 'મા'ની કૃપામયી પ્રેમપૂર્ણ મૂર્તિ હમણાં જ પ્રકાશી અને હસી ઉઠશે, 'મા'નો સુધાછલેલો સુમધુર સ્વર કાને પડશે, એવી આશા હતી. વખતના વીતવાની સાથે વ્યાકુળતા વધતી જતી. આખરે અનુગ્રહની એ અદભૂત આનંદદાયક ઘડી આવી પહોંચી. મારી નસો ખેંચાવા લાગી. મારું દેહભાન અનાયાસે આપોઆપ ભૂલાવા લાગ્યું, ને 'મા'ની અલૌકિક શક્તિ મને સહસા સમાધિદશા તરફ દોરી ગઇ. એ દશામાં મને 'મા'ના દર્શનનો દિવ્ય લાભ મળ્યો. 'મા'ના મુખ પર અપાર્થિવ પ્રકાશ પથરાયેલો, શાંતિ છવાયેલી. શરીર પર ગુલાબી જેવા સુંદર રંગની સાડી હતી. સમસ્ત સ્વરૂપ કેટલું બધું સુંદર હતું ? એવું દૈવી સ્વરૂપ સંસારમાં ક્યાંય નહોતું જોયું. કેશ ખુલ્લા તથા લાંબા હતા. મેં ભાવવિભોર બનીને જણાવ્યું, 'મા, ખૂબ ખૂબ તેજ ફેલાવી દો, આજુબાજુ બધે જ પ્રકાશ પ્રકાશ ફરી વળે તેવું કરી દો. રોજ રોજ દર્શન દો.'

'મા'એ શાંતિપૂર્વક કહ્યું : 'હજુ તો ખૂબ ખૂબ કામ કરવાનાં છે. કુકકુટને પીંજરમાં પૂરી દીધું.'

'તમે મને રોજ રાતે દર્શન આપો.'

'ના તેમ ના કરું.'

'કેમ નહિ ? બેત્રણ દિવસને અંતરે તો આવવું જ પડશે.'

'સારું. બેચાર દિવસે જરૂર આવીશ.'

'તમારા શુભાગમનનો સુનિશ્ચિત સમય કહી દો.'

'તેમ નહિ બંધાઉં. પણ આવીશ જરૂર અને મારી ઇચ્છા પ્રમાણે આવીશ.'

એ પછી એ અદૃશ્ય થઇ ગયા. મેં કેટલીય વાર બોલાવ્યાં પરંતુ ઉત્તર ના મળ્યો. વાણી કેટલી સરસ, સ્વરૂપ કેટલું અલૌકિક, એ બધાનું વર્ણન કરવાની મારી શક્તિ નથી. એ તો કેવળ અનુભવગમ્ય છે.

એ પ્રસંગ પછી મને લાંબે વખતે ભાન આવ્યું. તે વખતે બહાર રાતના બે વાગ્યાના ટકોરા પડ્યા. 'મા'ના અલૌકિક અનુગ્રહથી સાંપડેલી સમાધિ આપોઆપ ઉતરી ગઇ. સમાધિ તથા સિદ્ધિ તો 'મા'ની કૃપાનું પરિણામ છે. શરણાગત ભક્ત કે સાધકને એ આપોઆપ મળી રહે છે.

એ અલૌકિક અનુભવથી મને આનંદ થયો. તો પણ 'મા'ની ઇચ્છા અનુસાર પરિપૂર્ણ કૃપાની પ્રાપ્તિ કરવાનો મનોરથ હજુ શેષ રહ્યો. મેં માન્યું કે ચૌદમી તારીખે દહેરાદુનમાં 'મા'એ પોતાના દર્શન અને અનુગ્રહનો બીજો દિવસ આપ્યો છે તે પ્રમાણે તે દિવસે મારા પર 'મા'ની પૂર્ણ કૃપા વરસશે ને મારી સઘળી ઇચ્છા પૂરી થશે. મારામાં મારી જાત પ્રત્યે સતત જાગૃતિ હોવાથી જ હું એવો વિવેક કરી શક્યો એ દેખીતું છે.

દહેરાદુન જઇને મેં યોગીરાજ શ્રી ભૈરવદત્ત જોશીના અતિથી તરીકે રહેવા માંડ્યું. મને નિહાળીને એ પ્રસન્ન થયા. શરૂઆતના બેત્રણ દિવસ પ્રાર્થના અને પ્રતીક્ષામાં પસાર થયા. છેવટે ચૌદમી તારીખ આવી પહોંચી. એ આખોય દિવસ મેં મૂક ચિંતામાં પસાર કર્યો. મૂક એટલા માટે કે મારી સઘળી સાધના ગુપ્ત રીતે ચાલ્યા કરતી. પરમકૃપાળુ 'મા' અને મારા અંતરાત્મા સિવાય એના સાક્ષી તરીકે બીજું કોઇ જ ન હતું. બીજા કોઇને એની માહિતી આપવાની આવશ્યકતા પણ નહોતી લાગતી. એવી ગહન લોકોત્તર સાધનાને સુચારુરૂપે સમજવાની શક્તિ પણ સૌ કોઇમાં ના હોય એ દેખીતું છે. મારો સ્વભાવ કોઇ પણ કામ કર્યા પછી જ આવશ્યકતા અનુસાર એ વિશે જાહેરાત કરવાનો હોવાથી મારા સંસર્ગમાં આવેલા અનેક માણસો મારી વ્યક્તિગત સાધનાથી એકદમ અજ્ઞાત હતા. એવી સાધનાને બને તેટલી ગુપ્ત રાખવી એ પણ એક પ્રકારનું તપ જ હતું. સાધનાના વિજ્ઞાપનના વખતમાં પોતાની જાતનો એવો સંયમ મારે માટે સહજ બનેલો.

એ દિવસોમાં મને રાતભર નિદ્રા નહોતી આવતી. રાતનો સઘળો સમય હું બેસીને પસાર કરતો. એકાદ બે કલાક સમાધિનો અલૌકિક લાભ મળતો તે નિદ્રાની ગરજ સારતો. વિવેક દ્વારા જગતમાં જાગ્યો છું ત્યારથી નિદ્રાની મોહિનીને મેં યથાશક્તિ દૂર કરી છે. જગતમાં પરિપૂર્ણપણે જાગીને જે પૂર્ણતાની પ્રાપ્તિ કરવા માગે છે એણે એ મોહિનીમાંથી મુક્તિ મેળવવી જોઇએ, અને નિદ્રાના સમયમાં કાપ મૂકીને મુક્તિનો મહારસ મેળવવા પુરુષાર્થ કરવો જોઇએ. રાતનો સમય એને માટે અતિશય અનુકૂળ છે.

પરંતુ મારો આ શાંત સર્વોત્તમ સમય તો જાગવા છતાં એમ ને એમ પસાર થઇ રહ્યો છે ! મધરાત વીતી ગઇ છે તો પણ હજુ જગદંબાનું દર્શન નથી થયું. ખંડમાં મારી આગળ નેહ નીતરતાં નેત્રે નિહાળ્યા કરું છું પરંતુ જગદંબાનું જ્યોતિર્મય સ્વરૂપ જડતું જ નથી. આમ કેમ ? શું 'મા'ના શબ્દો મિથ્યા થયા ? મારી પ્રાર્થના બળવત્તર બનતી ગઇ. આંખમાંથી અશ્રુ વહેવા માંડ્યા. હે મા, તમારે માટે આવા વિષમ વખતમાં, ઘોર ક્લેશયુક્ત કલિકાળમાં, આટલો બધો અપાર અનુરાગ કોણ રાખે છે ? આવું કષ્ટ કોણ સહન કરે છે ? અને સહન કરવા છતાં પણ તમે તરત કૃપા કેમ નથી કરતાં ? મારી અંદર કોઇ વિશેષ લોકોત્તર યોગ્યતા નથી. કેવળ તમારો જ આધાર છે. મને કોઇ સાધનાની પણ સમજ નથી. બાળક 'મા'ને માટે પોકારે તેમ તમને પ્રખર પ્રેમપૂર્વક અંતરના અંતરતમમાંથી પોકારું છું. કૃપાનો કલ્યાણકારક વરસાદ શા માટે નથી વરસાવતાં ? હવે મને વધારે ના તલસાવો, વધારે ના રડાવો, વધારે ના રીબાવો. મને તલસાવવાનો, રડાવવાનો, રીબાવવાનો વિચાર કરો તે પણ શું તમારે માટે યોગ્ય છે ?

થોડા વખતમાં જ આપોઆપ મને દેહાતીત દશાની પ્રાપ્તિ થઇ. કોઇક સ્વનામધન્ય સિદ્ધ પ્રાતઃસ્મરણીય મહાપુરુષ મને 'મા'ની પાસે લઇ ગયા. 'મા'નું સ્વરૂપ અતિશય પ્રકાશવાન હતું. મેં કહ્યું કે મને આટલાથી તૃપ્તિ નહિ થાય. મારે તો 'મા'ના મધુમય મુખમંડળને જોવું છે. એના અમૃતનું પાન કરવું છે.

પછી મને તરત જ 'મા'નું દર્શન થયું. અતિશય ગૌર, લાવણ્યમય, પ્રેમાળ, પ્રશાંત, ઉજ્જવળ, મનહર મુખ, ગુલાબી સ્વરૂપ અને ગુલાબી સાડી. મેં ભાવવિભોર દશામાં 'મા'ને ભેટીને જણાવ્યું : 'મા, મને રિદ્ધિ સિદ્ધિ આપો.'

'મા'એ શાંત સ્વરે ક્હયું : 'સર્વ પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત હો.'

'વિશ્વનું કલ્યાણ ?'

'વિશ્વનું કલ્યાણ પણ તારે હાથે હો.'

'મા' નીચે બેઠાં એટલે મેં પૂછ્યું : 'આટલી બધી વાર કેમ લગાડી ?'

કેટલીક બીજી વાતચીત કર્યા પછી 'મા' સત્વર સહજ રીતે જ અદૃશ્ય થયા. મારી સમાધિની અલૌકિક અવસ્થા સુદીર્ઘસમયપર્યંત ટકી રહી. એ અવસ્થા દરમ્યાન દેહભાન આવતું અને પાછું આપોઆપ જતું રહેતું. આંખમાંથી અશ્રુ ટપકતાં. એ અદભૂત અતિશય આનંદદાયક અવર્ણનીય અવસ્થાનું વર્ણન કરવા મારી પાસે શબ્દો નથી. મન માણે છે કિન્તુ તેને વાણી નથી.

એ અનુભવથી મને વધારે આનંદ થયો. કેમ કે મારા બે મહાન મંગળ મનોરથ પ્રમાણે 'મા'એ વરદાન આપ્યાં. પરંતુ એ વરદાન વરદાન રહેવાને બદલે સ્થૂળ ભૂમિકા પરથી કાર્ય કરે અથવા વ્યવહારિક જીવનમાં સાકાર બને એવી આવશ્યકતા તો રહી જ. 'મા'નું સાક્ષાત દર્શન પણ મારે જાગૃતિમાં ઇચ્છાનુસાર અખંડ અથવા સતત રીતે કરવું હતું. તનમનને અલૌકિક બનાવીને બીજાના કલ્યાણકાર્યમાં પ્રવૃત્ત થવું હતું. એવું ના થાય ત્યાં સુધી મને સંપૂર્ણ સંતોષ કેમ વળે અને 'મા'ની ઇચ્છા હોય તો, મારાથી અન્યને વિશાળ રીતે મદદરૂપ પણ કેવી રીતે થઇ શકાય ? એટલા માટે મને હજુ વિશેષ સાધના કરવાની ને જગદંબાની કૃપાના ચાતક બનવાની આવશ્યકતા લાગી. મારી મરજી ફરીવાર દેવપ્રયાગ જવાની હોવા છતાં જગદંબાના આદેશને અનુસરીને મેં ચંપકભાઇ પાસે વઢવાણ જવાનું ઠરાવ્યું. એ મુક્ત તથા સાજા થઇને વઢવાણમાં કામ કરવા રહેલા. એમનું લગ્ન થયેલું ને દેશની આઝાદી પછી એમની ધરપકડનો ભય મટી ગયેલો. એમના અતિશય આગ્રહને લીધે હું તેમની પાસે પહોંચ્યો. માતાજી ત્યાં સુધી ઘેર સરોડા જ રહેતાં. હિમાલયમાં હું એકલો જ રહેતો. મારા શુભાગમનના સમાચાર મળવાથી તે પણ ત્યાં આવી પહોંચ્યા.

વઢવાણ પહોંચ્યા પછી પણ મારું સાધનાકાર્ય ચાલુ રહ્યું. અંતરની વેદના કેમે કરીને ના શમી. એ દિવસો દરમ્યાન 'મા'ના દિવ્ય દર્શનનો લાભ એક અથવા બીજી રીતે મળ્યા કરતો, તો પણ મારી ઇચ્છા પ્રમાણેના દર્શનાનુભવ માટેની ચિંતા ચાલુ જ હતી. તારીખ ૩૦ ડીસેમ્બર મંગળવારે સવારે અલૌકિક અનુભવ આપ્યો ત્યારે મેં પૂછ્યું : 'મા, તમારાં સાક્ષાત દર્શનનો ચોક્કસ દિવસ ને સમય કહો.'

'મા'એ સુમધુર સ્વરે જણાવ્યું : 'નંદપાંચમ.'

એ અનુભવથી મને અતિશય આનંદ થયો. પરંતુ નંદપાંચમ કોને કહેવી તે ના સમજાયું. વંસતપંચમી જ નંદપાંચમ હશે એવું એ વખતે માની લીધું ને વસંતપંચમીની પ્રતિક્ષામાં વખત વીતાવવા માંડ્યો. કાર્ય જેટલું વધારે મહત્વનું ને મોટું તેમ તેને માટેનો ભોગ પણ મોટો હોય છે.

 

 

Today's Quote

It is easy to be friendly to one's friends. But to befriend the one who regard himself as your enemy is the quientessence of true religion. The other is mere business.
- Mahatma Gandhi

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok