Saturday, June 06, 2020

મહાત્મા ગાંધીજીનું દેહાવસાન

તારીખ 30મી જાન્યુવારી ૧૯૪૮. આખરે એ અશુભ અમંગલ, સમસ્ત દેશવાસીઓની આંખમાં આંસુ આણનારો, વિશ્વના અંતસ્તલમાં અસાધારણ આકસ્મિક અસહ્ય વેદના પહોંચાડનારો દિવસ આવી પહોંચ્યો. રાતે અચાનક શોકજનક, દુઃખના દરિયામાં ડૂબાડી દેનારા સમાચાર સાંભળ્યા કે મહાત્મા ગાંધીજીને કોઇએ ગોળી મારી, એથી એ ભયંકર રીતે ઘાયલ થયા, ધરતી પર ઢળી પડ્યા, અને અલ્પ સમયમાં જ અવસાન પામ્યા. સમાચાર એકદમ અણધાર્યા હતા. એટલા જલદી માની શકાયા નહીં. મન અને અંતર એ માનવા માટે તૈયાર નહોતું. એમની યથાર્થતાની ખાતરી કરવા અમે સમીપવર્તી રેડિયાની મદદ લીધી.

સમાચાર સાચા ઠર્યા. એ સાંભળીને મારી આંખમાંથી આંસુ નીકળી પડ્યા. મસ્તક પર જાણે કે વીજળી પડી. શરીર પર વજ્રપાત થયો. પગની નીચેની પૃથ્વી સરકવા લાગી. શરીરની સ્થિરતાને કેમે કરીને સાચવી રાખી. સ્તબ્ધ અને દુઃખ ભરેલા, દુઃખદાવાનલદગ્ધ દિલે હું ઊભો જ રહ્યો. જીવનમાં બીજા કોઇનાય મૃત્યુના સમાચાર મેં એટલા બધા કરુણાર્દ્ર આર્ત અંતરે નહોતા સાંભળ્યા. જીવનમાં પહેલી જ વાર મને સમજાયું અથવા એકાએક અનુભવવા મળ્યું કે મારા પ્રાણમાં ગાંધીજીને માટે પ્રેમનો પ્રબળ, પવિત્ર પારાવાર પ્રકટેલો. અને કેમ ના પ્રકટે ? જે પ્રાતઃસ્મરણીય અસામાન્ય સુયોગ્યતાસંપન્ન લોકોત્તર મહાપુરુષે દેશ અને દુનિયાની વરસો સુધી નિઃસ્વાર્થ રીતે સેવા કરી, ભારતની સૂરતને પલટાવીને એને આઝાદી અપાવી; જેમણે હિંસક બળ અથવા આધુનિક શસ્ત્રો સામે શાંતિસહિત ટક્કર ઝીલીને જગતને સત્ય અને અહિંસાની અદ્યતન ફિલસૂફી સમજાવી; ભારતમાં ઉત્તરથી દક્ષિણ તથા પૂર્વથી પશ્ચિમ સુધી જાગૃતિ તેમ જ રાષ્ટ્રીય અસ્મિતાની લહરી ફેલાવીને સેવાભાવનાથી સભર સંનિષ્ઠ કાર્યકર્તાઓની મજબૂત હરોળ ઊભી કરી; તેમના પર કોને પ્રેમ અથવા આદરભાવ ના હોય ? મને તો હોય જ. પ્રેમનો એ પરમ પવિત્ર પ્રબળ પારાવાર જ અશ્રુપ્રવાહના સ્થૂળ સ્વરૂપે પ્રકટીને આંખમાંથી આવિર્ભાવ પામેલો, વહી રહેલો, મુખને મૂક બનાવતો’તો, અને સંવેદનશીલ અંતરને આર્ત અને સ્તબ્ધ કરીને લાગણીથી સભર કરતો’તો.

અમારી સાથેનાં એક બેનની ઉપર તો એ સમાચારની એવી અસાધારણ અસર થઇ કે એ અત્યંત ભાવમય બનીને સ્વસ્થતાને સાચવી ના શકવાથી નીચે પડી ગયા.

ગાંધીજીના સ્વર્ગવાસના સઘળા સમાચાર મેં ઊભા ઊભા સાંભળ્યા. સાંભળીને બીજું શું થાય ? મૃત્યુના મુખમાંથી કોણ પાછું ફર્યું છે ? સંસારે તો સાવિત્રીની સતીત્વશક્તિથી યમના હાથમાંથી પાછા ફરેલા એક સત્યવાનને જ જાણ્યો છે. પરંતુ જે સાચો સંત છે, સત્યવાન છે, એને મારવાની શક્તિ મૃત્યુમાંય નથી. એ તો અમર છે. વિનાશશીલ સ્થૂળ શરીરથી એ ભલે અલગ થાય. પરંતુ એનું ખૂન કરવાની કે એને હણવાની શક્તિ કોઇનામાં નથી. ગાંધીજી પણ સાંપ્રત સમયના સર્વશ્રેષ્ઠ સત્યવાન હોવાથી એમની ઉપર મૃત્યુનું શાસન નહોતું ચાલી શકે તેમ. છતાં પણ એક સાચા સંત તરીકે જો સ્થૂળ શરીરમાં રહીને એ સંસારમાં વિચર્યા કે વસ્યા તે સ્થૂળ શરીર હવે જોવા નહિ મળે. છેલ્લાં કેટલાંક વરસોમાં તો લગભગ એવું થઇ ગયેલું કે ગાંધીજી એટલે ભારત અને ભારત એટલે ગાંધીજી. એમના ભાવ, વિચાર અને વર્તનમાં ભારતનું હૃદય ધબકતું. એમની વાણીમાં ભારતીય સંસ્કૃતિના આત્માનો અલૌકિક રણકાર હતો. દેશને માટેનો એમનો પ્રેમ, સેવાભાવ, ત્યાગ, ભોગ આપવાની અને સહેવાની એમની શક્તિ, સઘળું અજોડ હતું. ભારતના આત્માની આઝાદી, આબાદી અને અભ્યુત્થાન માટે અવતીર્ણ થયેલા એ એક અસાધારણ દિવ્ય દેવતા હતા. એમને સાથ આપવા માટે અન્ય અનેક આ દેશમાં પ્રાદુર્ભાવ પામેલા. એમનું મુખ્ય કાર્ય ભારતને આઝાદ કરવાનું હોવાથી આઝાદી પછી તરત જ એમનો દેહાંત થયો.

પરંતુ એમનો દેહાંત અજબ રીતે થયો. જે માનવના મનમાં આવા મહાન લોકોત્તર પુરુષને ગોળીએ વીંધવાનો વિચાર આવ્યો તેના કમભાગ્યની કલ્પના કોણ કરી શકે ? આવું મૃત્યુ સમસ્ત દેશને માટે શરમરૂપ છે. એથી સાબિત થાય છે કે આપણી આપત્તિઓનો હજુ સુધી અંત આવ્યો નથી અને આપણે હજુ લોકોત્તર મંગલમય મહાપુરુષોને માટે લાયક નથી થયા. જે મહાપુરુષો આપણે માટે પોતાનાં શરીરોને ઘસી નાખે છે અને અહર્નિશ ચિંતા તથા મહેનત કરીને આપણને સઘળી રીતે સુખશાંતિ-સમૃદ્ધિ પ્રદાન કરવાની આકાંક્ષા રાખે છે તે મહાપુરુષોને સહાનુભૂતિથી સુચારુરૂપે સમજી ના શકનારો અને સમજવાનો સમ્યક્ પ્રયત્ન કરવા ના માગનારો એક અભાગી વર્ગ પણ આપણા જગતમાં જીવી રહ્યો છે, અને એવો વર્ગ જીવતો હશે ત્યાં સુધી એમના અપરાધના છાંટા એમના પડોશી તરીકે આપણી ઉપર પણ પડતા રહેશે. એવા અભાગી મંદબુદ્ધિ મંદાધિકાર માનવોના વર્ગ કરતાં એ મહાપુરુષ પ્રત્યે અતિશય આદરવાળો અને એમના સંદેશ પ્રમાણે જીવનને ઘડવાની અભિલાષાવાળો બીજો વર્ગ પ્રમાણમાં ખૂબ જ મોટો હતો. એ વર્ગ જાણતો હતો કે ગાંધીજી જેવા મહાપુરુષ હજારો વરસના અંતરે આ પૃથ્વી પર પ્રાદુર્ભાવ પામે છે અને પૃથ્વીને પ્રકાશ પહોંચાડવા જ પધારે છે. એ વર્ગે એમના પ્રત્યેના અનન્ય આદરભાવથી પ્રેરાઇને એને કૃષ્ણ, બુદ્ધ તથા ઇશુની સાથે સરખાવેલા. એ સ્વનામધન્ય પરહિતપરાયણ મહાપુરુષ હવે જોવા નહી મળે, એવી એવી ભાવોર્મિથી ઉર ઉભરાઇ રહ્યું.

એ સમાચાર આઘાતજનક અને દુઃખદ હતા. એમને લીધે રાતભર ચિંતા રહી. હવે દેશનું શું ? સદભાગ્યે દેશમાં એમના હાથ નીચે તૈયાર થયેલા નેતાઓ છે. જો કે તેમના પ્રેરણાદાતા કે પથપ્રદર્શક તે જ હતા અને તે પ્રેરણા જતી રહી છે, તો પણ ચિંતાતુર તેમ જ નિરાશ બનવાનું કારણ નથી. ઇશ્વરની ઇચ્છા ભારતને સમૃદ્ધ કે સમુન્નત કરવાની ને તેની દ્વારા સમસ્ત સંસારને શાંતિ ને સ્વતંત્રતાનો, આધ્યાત્મિક જીવનનો સંદેશો સંભળાવવાની છે. એના અધ્યાયનો આવકારદાયક આશીર્વાદરૂપ આરંભ મહર્ષિ દયાનંદ સરસ્વતી, રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ, રામતીર્થ જેવા પુરુષવિશેષના પ્રાકટ્યથી થઇ ચૂક્યો છે. ગાંધીજી એમના સર્વોત્તમ પ્રતિનિધિ હતા. એમના દેહાવસાન પછી પણ એ કલ્યાણકાર્ય ચાલુ જ રહેશે. એ ઇશ્વરનો સંકેત હોવાથી સાર્થક થવાનો જ. મેં અત્યંત કરુણ હૃદયે ઇશ્વરને પ્રાર્થના કરી કે હે પ્રભુ, ભારત તેમ જ સંસારમાં સાચા સેવાભાવી સત્પુરુષોની પરંપરાને પ્રકટાવીને સુખશાંતિ અને સમુન્નતિનું સામ્રાજ્ય શરૂ કરજો, તેમ જ મારી સઘળી સાધનાત્મક ઇચ્છાને શીઘ્રાતિશીઘ્ર પૂરી કરજો, જેથી હું પણ મારા જીવનનો બીજાને માટે કાંઇક સદુપયોગ કરી શકું.

બીજે દિવસે વહેલી સવારે પ્રાર્થના યોજાઇ. ચંપકભાઇની વ્યવસ્થાથી સમૂહપ્રાર્થના થઇ શકી. મહાત્મા ગાંધીજી જેવા મહાપુરુષને માટે પ્રાર્થનાની આવશ્યકતા ક્યાં હતી ? પ્રાર્થનાના પરિણામે તેમને કશું જ નહોતું મળવાનું. પ્રાર્થના પોતાને માટે પણ કરવામાં આવે છે, એ વાતને મોટા ભાગના માણસો ભૂલી જાય છે તેથી પ્રાર્થના કરવા માટે એકઠા થઇને મૃતાત્માને માટે શાંતિ ઇચ્છીને છૂટા પડે છે. ખરી રીતે તો પ્રાતઃસ્મરણીય મહાપુરુષોના ઉજ્જવળ જ્યોતિર્મય જીવનને દૃષ્ટિ સમક્ષ રાખીને આપણા દોષોને દૂર કરવા માટે અને પ્રેરણા, પ્રકાશ તથા પથપ્રદર્શન પામવા પ્રાર્થના કરવી જોઇએ, અને એમના જીવનને અનુસરીને આદર્શ જીવન જીવવાનો પુરુષાર્થ કરવા જોઇએ. મહાપુરુષોએ તો પોતાના પવિત્ર જીવન દ્વારા મહાપદ મેળવી લીધું છે. તેથી તેમને શાંતિ મળેલી જ છે. તેમના જીવનમાંથી પદાર્થપાઠ લઇશું તો આપણને પણ તેમની જેમ જીવન દરમિયાન જ શાંતિ સાંપડશે. એને માટે પ્રાર્થના કરવાની આવશ્યકતા છે. એટલે પ્રાર્થના મૃતાત્મા પર ઉપકારક થવાની દૃષ્ટિથી નહિ પરંતુ પોતાની જાતના સુધાર માટે કરવાની છે. મૃત્યુનો વિચાર કરીને જીવનને ઉજ્જવળ કરવા માટે કરવાની છે.

અનેકવિધ કર્મોના ગુરુભાર નીચે દબાયેલો હોવા છતાં ગાંધીજીનો પ્રાણ સદા રામમાં જ રમતો રહેતો. એમનું જીવન રામમય હતું અને રામને અર્પણ થઇ ચૂકેલું એ સત્યને એમના મુખમાંથી અંતકાળે નીકળેલા ‘હે રામ’ શબ્દો પરથી સમજી શકાય છે. એમના પરથી એમની આદર્શ નિષ્કામ કર્મપરાયણતા પૂરવાર થાય છે. એમના સંદેશને જીવનમાં ઝીલવા માગનારે એવી નિષ્કામતા અને પરમાત્મપરાયણતાને કેળવવાની આવશ્યકતા છે. તો જ જીવન સફળ તથા સાર્થક બને અને અન્યની સાથે માણસ પોતાનો ઉદ્ધાર પણ કરી શકે.

જ્યાં સુધી જગત રહેશે ત્યાં સુધી અને એ પછી પણ એ મહાપુરુષ અમર રહેશે. ભવિષ્યની અને આજની પ્રજાને માટે એમનું જીવન પ્રેરણાની સર્વોત્તમ સામગ્રીરૂપ બનશે એમાં સંદેહ નથી.

 

 

Today's Quote

Do not wait to strike till the iron is hot; but make it hot by striking.
- William B. Sprague

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok