Friday, June 05, 2020

દેશ પર દૃષ્ટિપાત

દેવપ્રયાગના નિવાસ દરમ્યાન દેશની રાજકીય પરિસ્થિતિનો વિચાર પણ હું સારી રીતે કરતો હતો. તે દિવસો દેશની આઝાદીની સિદ્ધિ માટેની લડતના દિવસો હતા. કોંગ્રેસની આગેવાની નીચે લડત ઝડપથી ને નક્કર રીતે આગળ વધી રહી હતી. દૂર હિમાલયમાં બેસીને પણ હું દેશની પરિસ્થિતિમાં રસ લેતો તેમાં કાંઇ નવાઇ જેવું નથી. મારા જીવનની આ ક્રમિક કથા જેણે બરાબર વાંચી હશે તે સમજી શકશે કે સાધના કરીને મારી જાતની ઉન્નતિ ઉપરાંત બીજાને મદદરૂપ થવાની ઇચ્છા મારા જીવનમાં પહેલેથી જ કામ કરી રહી હતી. તેથી પ્રેરાઇને જ મેં યોગીરાજ શ્રી અરવિંદને પત્ર લખ્યો હતો. તે પછી તે ભાવના વધતી જ ગઇ. ભારતની આઝાદીમાં મને ખૂબ જ રસ હતો. એટલું જ નહિ, પણ તે આઝાદીમાં હું પણ કોઇ ખાસ ભાગ ભજવી શકું એવી મારી ભાવના હતી. ટૂંકમાં કહું તો ગાંધીજીને મદદરૂપ થવાની ભાવના મારી અંદર હંમેશા કામ કર્યા કરતી.

તે દિવસોમાં મને થયું કે સૌથી પહેલાં તો શક્તિ મેળવવી જોઇએ, સિદ્ધિની પ્રાપ્તિ કરવી જોઇએ. ને પછી ઇશ્વરનો પ્રત્યક્ષ આશીર્વાદ મેળવીને દેશના મંગલના કામમાં પડું તો તે કામ જરૂર સફળ થઇ શકે. તેથી મેં સૌથી પહેલાં મારી જાતને ઘડવાના ને સિદ્ધિ મેળવીને સંપૂર્ણ થવાના મહાકાર્યમાં મારા મનને પરોવી દીધું. મારી સમજ ને શક્તિ પ્રમાણે સાધના કરવાની સાથે દેશ વહેલામાં વહેલી તકે આઝાદ થાય તેને માટે હું નિયમિત ને ઊંડી પ્રાર્થના કર્યા કરતો. કેટલીકવાર તો મને એમ થતું કે ઇશ્વરની કૃપા ને સિદ્ધિ મેળવીને હું ગાંધીજીને એક મોટા સત્યાગ્રહમાં મદદ કરું, સત્યાગ્રહને સફળ કરું ને અંગ્રેજો અને એમના પ્રતિનિધિ ચર્ચીલનાં મનને પલટાવી દઇને દેશને આઝાદી અપાવું. એમ થાય તો ધર્મ અને આધ્યાત્મિકતા તરફ લોકોની શ્રદ્ધા વધે એમ મને થતું. ગમે તેમ પણ બે વાતો મારા મનમાં તદ્દન સાફ હતી. એક તો એ કે ભારત આઝાદ બને એ ઇશ્વરની ઇચ્છા છે, તેથી તે જરૂર સફળ બનશે, અને આઝાદ થયેલું ભારત સુખી ને સમૃદ્ધ થઇને સંસારની શાંતિના કામમાં સક્રિય ભાગ ભજવશે. ને બીજી વાત એ કે ભારતે હિંસક નહિ પણ વધારે ભાગે અહિંસક સાધનોથી જ આઝાદ થવું જોઇએ. તો જ તે સંસારની આધ્યાત્મિક આગેવાની લઇ શકે. ગાંધીજીની શાંતિમય નીતિ દ્વારા આઝાદી મળે તો જ આ હેતુ સિદ્ધ થઇ શકે. એટલે ગાંધીજીની દોરવણી નીચે દેશ સફળ થાય એવી મારી ઇચ્છા હતી. તે ઇચ્છાની પૂર્તિમાં હું મારો ફાળો પણ આપી શકું તે માટે સાધનાને માર્ગે આગળ ને આગળ વધવાના પ્રયાસ હું કર્યે જતો ને તેની સિદ્ધિની દરેક વરસે રાહ જોતો. તે ભાવના અને અવસ્થાના પડઘા તે વખતના નારાયણભાઇને લખેલા પત્રોમાં સારી પેઠે પડેલા જોવા મળે છે. તે મારા પર પ્રેમ ને વિશ્વાસ રાખતા ને મારા જીવનમાં રસ લેતા, તેથી તેમની પાસે હું મારા હૃદયને અવારનવાર ખુલ્લું કરતો. મારું હૃદય પહેલેથી જ મહત્વકાંક્ષાની ભાવનાથી ભરેલું હતું. તે ભાવના દિવસે દિવસે વધતી જ ગઇ.

હિમાલયના તે દિવસોમાં નેતાજી શ્રી સુભાષચંદ્ર બોઝની આઝાદ હિંદ ફોજ વિશે મને સારી પેઠે માહિતી મળ્યા કરતી. તેથી મને નેતાજી માટે ખૂબ માન ઉત્પન્ન થયું હતું. એમની દેશદાઝ, દેશને માટે મોટામાં મોટો ભોગ આપવાની શક્તિ, સચ્ચાઇ ને કુનેહ અજબ હતી. તેમનો પ્રયાસ પણ ખરેખર ભગીરથ હતો. તેમના સમાચાર વાંચીને કે સાંભળીને મારું હૈયું ઉછળતું ને ભરાઇ આવતું. છતાં પણ તેમનો પ્રયાસ સફળ ના થાય તો સારું એવો વિચાર મારા મનમાં નિરંતર ઊઠ્યા કરતો. તે માટે હું પ્રાર્થના પણ કરતો. એનો અર્થ એવો નથી કે નેતાજી તરફ મને ઓછો આદરભાવ હતો, અથવા તો દેશની આઝાદીનું શ્રેય નેતાજીને મળે તેની હું વિરુદ્ધ હતો. ના, ના. તેવો વિરોધ મારામાં હોઇ જ ના શકે. તેની કલ્પના પણ નકામી છે. દેશ ગમે તેવા જાણીતા કે અજાણ્યા માણસને હાથે આઝાદ થાય તે મારે મન ખાસ મહત્વની વાત ન હતી. પણ તેની આઝાદીનો માર્ગ મારે મન મહત્વનો હતો. મતલબ કે દેશ વધારે ભાગે હિંસક નહિ પણ શાંતિમય અને અહિંસક સાધનો દ્વારા સ્વતંત્રતા મેળવે તે મારી ખાસ ઇચ્છા હતી. તો જ તે બીજા દેશોને શાંતિ, સમજુતિ કે અહિંસાનો સંદેશ સંભળાવવા કે પૂરો પાડવા લાયક થઇ શકે. તેથી જ નેતાજી સફળ ના થાય તેવી મારી ઇચ્છા હતી, કેમ કે તેમનો માર્ગ મુખ્યત્વે યુદ્ધ, ઘર્ષણ ને હિંસાનો હતો. તે સફળ થાય તો ગાંધીજીનું કર્યું-કારવ્યું નકામું કે ધૂળ બરાબર થઇ જાય.

ને થયું પણ તેમ જ. નેતાજી સફળ ના થયા. મારી ભાવના સફળ થઇ. પણ એનો અર્થ એવો નથી કે નેતાજીનું કામ તદ્દન નકામું ગયું. મને લાગે છે કે તેમના કામને લીધે દેશની આઝાદીની લડતને વેગ મળ્યો ને લાભ પહોંચ્યો. તેમણે લશ્કરમાં જે ભાવના પ્રકટાવી ને ક્રાંતિ કરી તેણે સરકારને અસાધારણ અસર પહોંચાડી. પાછળથી તેણે ઘણું ચમત્કારનું કામ કર્યું. નેતાજીએ પોતાની સમજ ને શક્તિ પ્રમાણે પુરુષાર્થ કર્યો ને દેશને ચરણે પ્રેમનો અર્ઘ્ય ધર્યો તેથી તે તો અમર થઇ ગયા-ખરેખર મહાન બની ગયા. સફળતા કે નિષ્ફળતા તો ઇશ્વરના હાથમાં છે. માણસ છેલ્લા શ્વાસ સુધી પુરુષાર્થ કરે તેમાં જ તેનો વિજય રહેલો છે. આવા મહાન નેતાનું કોઇ રાષ્ટ્રીય સ્મારક થાય તે જરૂરી છે.

પાછળથી આઝાદ હિંદ ફોજના અફસરો પર પેલો પ્રખ્યાત કેસ ચાલ્યો. લાલ કિલ્લામાં શ્રી ભુલાભાઇ દેસાઇએ તેમનો સરસ રીતે બચાવ કર્યો. દેશને સ્વતંત્ર કરવાનો પ્રયાસ કરનાર પુરુષો પર કેસ ચાલે એ વાત બેહૂદી જ કહેવાય. કેસ તો તેમના પર ચાલવો જોઇએ કે જે બીજી પ્રજાને પરાધીન દશામાં રાખી રહ્યા છે, ચૂસી રહ્યા છે, ને તેને કાયમ માટે ગુલામ ને કંગાળ રાખવાની પેરવીમાં છે. એ કેસે દેશમાં જાગૃતિ અને એકતાની લહર ફેલાવવામાં બહુ સારો ભાગ ભજવ્યો. પછી થયું મુંબઇ જેવાં શહેરમાં નૌકાસૈનિકોનું તોફાન. બીજી બાજુ અમેરિકા જેવા દેશનો લોકમત પણ ભારત તરફ ઢળતો જતો હતો. તે બધાં તત્વોને લીધે ને મુખ્યત્વે દેશની જાગ્રત દશાને લીધે આખરે દેશને આઝાદીની પ્રાપ્તિ થઇ. ઇ.સ. ૧૯૪૨નું ‘ભારત છોડો’નું સૂત્ર આખરે સાચું પડ્યું.

પણ તે પહેલાં દેશ એક ભયંકર વાવાઝોડામાંથી પસાર થયો. મુસ્લીમ લીગની દોરવણી નીચે દેશના વિવિધ ભાગોમાં તોફાનો થયાં. કલકત્તા, નોઆખલી ને બિહારનાં તોફાનો ખૂબ જ ભયંકર હતાં. પશુ ને રાક્ષસોને પણ શરમાવે તેવાં મોટાં પાપ થયાં, નિર્દોષ લોકોની કતલ થઇ ને બધે અવ્યવસ્થા ફેલાઇ રહી. તે વખતે દેવપ્રયાગમાં મારું હૈયું હાલી ગયું. બીજું કાંઇ કરવાની મારામાં શક્તિ ન હતી. પણ દેશમાં શાંતિ થાય તે માટે હું રોજ પ્રાર્થના કરતો રહેતો. તે વખતના મારા સાહિત્યમાં તેના પ્રત્યાઘાતો સારી પેઠે પડેલા છે.

તે બધા દિવસો ભારે વિપત્તિ ને વેદનાના હતા. દેશના નેતાઓની ચિંતાનો પાર ન હતો. વિપત્તિમાંથી બચવા ને દેશને બચાવવા તેમણે પાકિસ્તાનનો સ્વીકાર કર્યો. મને લાગે છે કે દેશના નેતાઓની એ એક મોટી ભૂલ અથવા કુસેવા થઇ. પાકિસ્તાનની રચના પછી બંગાળ ને પંજાબમાં જે ભયંકર બનાવો બન્યા તેની જવાબદારીમાંથી નેતાઓ છટકી શકે તેમ નથી જ. તેની સીથે કાશ્મીરનો પ્રશ્ન પણ શરૂ થયો. તે પ્રશ્નને સલામતી સમિતિમાં લઇ જઇને પણ ભારતે ભારે ભૂલ કરી. તેથી તે પ્રશ્ન વધારે ને વધારે ગુંચવાતો ગયો-તેને ઇરાદાપૂર્વક ગુંચવવામાં આવ્યો.

પાકિસ્તાનની રચનાથી ગાંધીજીની હિંદુ-મુસ્લિમ એકતાની ભાવના પર વજ્રપાત થઇ ગયો. તેથી તેમનું દિલ કંપી ઊઠ્યું. દેશનાં તોફાનોએ તેમને વધારે દુઃખી કર્યા. પરિણામે તેમને જીવવું અકારૂં લાગ્યું. એ વાત દિલ્હીનાં તેમના છેલ્લાં પ્રાર્થના-પ્રવચનો પરથી જાણી શકાય છે. પાકિસ્તાનનો સ્વીકાર મને પણ જરાય ના ગમ્યો. ધર્મના આધાર પર દેશના એવા કુત્રિમ વિભાગ પાડવાની વાત તદ્દન ખરાબ લાગી. ભારતમાં અનેક ધર્મો ને ભાષાના લોકો છે. તેમણે દેશને પોતાનો માનીને સાથે જ રહેવું જોઇએ, એવી મારી માન્યતા હતી અને આજે પણ કાયમ છે. તે વખતે મેં રોજનીશીમાં લખ્યું કે ‘ભારતનું કુત્રિમ વિભાજન દેશહિતમાં નડતરરૂપ છે.’ મારી એ બીજી વાત પછીના પ્રસંગોએ પૂરવાર કરી.

દેશની વિવિધ પરિસ્થિતિનો વિચાર કરતો એ પ્રમાણે હું સાધનામાં સંલગ્ન હતો. દેશને રાજકીય આઝાદી મળી પણ તે ખંડિત મળી. તે સંપૂર્ણ બને ને દેશ એક થાય તે માટે હું રોજ પ્રાર્થના કરતો.

તે વખતની મારી ભાવના ખૂબ જ પ્રબળ ને મહત્વકાંક્ષા ભારે હતી. મને મારા મનોબળમાં સમજપૂર્વકનો સુદૃઢ વિશ્વાસ હતો. સાધનાની સિદ્ધિ માટે મન મોટા મોટા મનોરથો ને પ્રયાસો કરતું રહેતું. સ્વ. ઝવેરચંદ મેઘાણીની પ્રખ્યાત પંક્તિમાં કહીએ તો.......

‘ઘટમાં ઘોડાં થનગને, આતમ વીંઝે પાંખ,

અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ.’

મારી તે સિદ્ધિની ભૂમિ ‘અણદીઠેલી’ હતી પણ તેનો ખ્યાલ મને પૂરેપૂરો હતો. તેનો નકશો ઇશ્વરકૃપાથી મારા મનની આંખ આગળ સ્પષ્ટ રીતે અંકિત થયેલો.

 

 

Today's Quote

To give service to a single heart by a single act is better than a thousand heads bowing in prayer.
- Mahatma Gandhi

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok