Friday, June 05, 2020

માતાજી સાથે ફરી હિમાલયમાં

વઢવાણ પછી વસંતપંચમી પર અમે સરોડા પહોંચ્યા. નારાયણભાઇ, ચંપકભાઇ સૌ સાથે હતા. વસંતપંચમીને દિવસે જગદંબાના અનુગ્રહનો કોઇ વિશેષ ઉલ્લેખનીય અનુભવ ના બન્યો. વઢવાણમાં નંદપાંચમનો દિવસ મળેલો પરંતુ નંદપાંચમ કોને કહેવાય તેની માહિતી નહોતી મળી. એને માટે આત્મપ્રેરણા પર આધાર રાખીને મેં ઇશ્વરની કૃપાની રાહ જોવા માંડી.

વડોદરાથી હિમાલય માટે વિદાય થતી વખતે ટ્રેન પર માતાજી તથા તારાબેન આવેલાં. માતાજી મારી સાથે બદરીનાથ, કેદારનાથ, ગંગોત્રી તથા જમનોત્રીની યાત્રા કરી ચૂકેલાં. ત્યારથી એમને હિમાલયનો પ્રશાંત પાવન પ્રદેશ અતિશય આકર્ષક, આહલાદક અને પ્રિય લાગેલો. એમની ઇચ્છા હિમાલયમાં ઇશ્વરેચ્છાથી સર્વ પ્રકારે સાનુકૂળતા સાંપડે તો મારી સાથે રહેવાની હતી. એ ઇચ્છા સહજ અને સહેલાઇથી સમજી શકાય તેવી હતી. મારી સાથે રહીને પોતાના જીવનને ઇશ્વરસ્મરણમાં જોડવાનું અને એવી રીતે શાંતિ મેળવવાનું એમને મન થાય એ સ્વાભાવિક હતું. મારી ઇચ્છા પણ એમને સાથે રાખવાની હતી જ. કેમ કે એમની અંતરંગ અવસ્થા સંસારની સર્વ સામાન્ય સ્ત્રીઓ કરતાં જુદી હતી. એ મહાન હતાં. એમનું હૃદય પવિત્ર, પ્રેમાળ અને પરગજુ હતું. આધ્યાત્મિકતાના સારતત્વને સુચારુરૂપે સમજવાની એમની શક્તિ અસાધારણ હતી. મારા પર એમના જીવનની સરળતા ને સરસતાનો અગત્યનો આધાર હોવા છતાં એમણે મારા માર્ગનો કોઇ વાર વિરોધ નહોતો કર્યો. સંસારની કોઇક સામાન્ય સ્ત્રીની જેમ સાંસારિક સુખાકારીનાં સ્વપ્નાં સેવવાને બદલે સંસારના મિથ્યાતત્વને ને ઇશ્વરપ્રાપ્તિની ઉપકારકતાને સ્પષ્ટ રીતે સમજીને એ ઇશ્વરની અધિકાધિક કૃપાપ્રાપ્તિની આકાંક્ષા રાખતાં. એવી માતા જગતમાં જવલ્લે જ જોવા મળે. અસાધારણ જન્માંતર સંસ્કારો, પૂર્વના પ્રબળ પુણ્યોદય અને ઇશ્વરના અલૌકિક અનુગ્રહ સિવાય એવું મંગળમય માતૃપદ નથી સાંપડી શકતું. અવતારી અથવા મહાન પુરુષોની માતાઓમાં પણ એવી માતાઓ ભાગ્યે જ થઇ શકે છે જેમણે પોતાનાં સંતાનોને જીવનના ઉષાકાળમાં આધ્યાત્મિક પ્રગતિના પવિત્ર પંથે પ્રયાણ કરતાં પેખીને એમનો વિરોધ ના કર્યો હોય, એમના માર્ગમાં અંતરાયો ઊભા ના કર્યા હોય, એમના આદર્શો અથવા સિદ્ધાંતોને સહાનુભૂતિપૂર્વક સમજીને એમના પ્રત્યે માન કેળવ્યું હોય, અને એમની સાથે રહી, સેવા કરી, જીવનની શાંતિ મેળવી હોય. માતાજી એ દૃષ્ટિએ એક અસામાન્ય અપવાદરૂપ અલૌકિક માતા હોવાથી મને એમના પ્રત્યે અનેરો આદરભાવ હોય એ સમજી શકાય તેમ હતું. એવી માતાઓ સમસ્ત વિશ્વને માટે વંદનીય કહેવાય. એમને સાથે રાખીને શાંતિ આપવાની મારી ઇચ્છા હોય જ. પરંતુ સંસારમાં એમની જે થોડીક ફરજ બાકી રહેલી તેને પૂરી કર્યા સિવાય છૂટકો ન હતો. એમનાં સાસુ વયોવૃદ્ધ અને છેલ્લા દસેક વરસથી અંધ હતાં. તેમની સંભાળ રાખવાની જવાબદારી એમના માથે હતી. થોડાક સમયને માટે તો તેમની સેવા કોઇક ખાસ સંબંધીને સોંપી શકાય. પરંતુ સુદીર્ઘ સમયપર્યંત કે સદાને માટે કોઇ તેવી જવાબદારી ના ઉપાડી શકે. એ જ કારણથી માતાજીને સદાને માટે સાથે રાખી શકાય તેમ ન હતું. એટલે વડોદરાથી મેં એમની વિદાય લીધી.

પરંતુ ઇશ્વરની ઇચ્છા કે યોજના જુદી જ હતી. રતલામ આવ્યું ત્યાં તો મને અનેકવિધ અજબ વિચારો આવવા માંડ્યા. મને એમ જ થવા માંડ્યું કે આ વખતે માતાજીને હિમાલય અવશ્ય લઇ જવાં જોઇએ. એમના વૃદ્ધ સાસુ સાંકુબાની કોઇ વૈકલ્પિક વ્યવસ્થા થઇ રહેશે. એટલે હું તે જ બપોરે રતલામથી પાછો ફર્યો ને બીજે દિવસે માતાજીને અમદાવાદ મળ્યો. બે દિવસ પછી અમે અમદાવાદથી હિમાલય માટે પ્રસ્થાન કર્યું. માતાજીની પ્રસન્નતાનો પાર ના રહ્યો. એમને શી ખબર કે ઇશ્વરે એમનું મારી સાથે રહેવાનું સદાને માટે સ્વીકારી લીધું છે ? એમની ઇચ્છાને ઇશ્વરે સુયોગ્ય સમયે માન્ય રાખીને એમને માટે જીવનમંગલના અભિનવ અને અનોખા મંદિરદ્વારને ઉઘાડી નાખ્યું.

પ્રાતઃસ્મરણીય ઋષિમુનિસેવિત હિમાલયના પવિત્ર પ્રશાંત દેવપ્રયાગ સ્થાનનો વસવાટ કાંઇ સુખમય નહોતો. ખાવાનું કષ્ટ, રહેવાનું કષ્ટ, આબોહવાનું કષ્ટ, લોકસમૂહથી તદ્દન દૂર જંગલમાં વસવાનું કષ્ટ, એ પ્રમાણે ત્યાં કષ્ટોનો અંત નહોતો. ઇશ્વરપરાયણતા, શ્રદ્ધા તથા વિપરીતતા તેમ જ વિપત્તિને વેઠવાની ઓછીવત્તી તૈયારી હોય તો જ ત્યાં રહી શકાય તેમ હતું. તો પણ માતાજીએ ત્યાં શાંતિપૂર્વક પ્રસન્નચિત્તે રહેવા માંડ્યું. બીજી કોઇ પણ વ્યક્તિને માટે એવી રીતે રહેવાની સંભાવના અત્યંત અલ્પ હતી. એમનું એ એકાંતવાસનું અને કષ્ટસહનનું તપ અલ્પ નહોતું. હું તો સઘળો સમય સાધનામાં પસાર કરતો એટલે બોલવાનું પણ એમને બીજા કોઇની સાથે ના રહેતું.

શાંતાશ્રમમાં સાધનાને સંપૂર્ણ કરવા માટે મેં બનતો પ્રયત્ન કરવા માંડ્યો. અહર્નિશ એકની એક ચિંતા, પ્રાર્થના, વિચારણા : ત્યાંના એકાંત શાંત વાતાવરણમાં એનો વેગ ખૂબ જ વધી ગયો.

થોડાક વખત પછી માતાજીને સારો સંગાથ જોઇને ગુજરાતમાં મોકલી દીધાં. પરંતુ ઇશ્વરની યોજના જુદી જ હતી. માતાજીને મોકલ્યા પછી ત્રીજે જ દિવસે મને સરોડા જવાની પ્રેરણા થવાથી મેં એક દિવસ દેવપ્રયાગની વિદાય લીધી. કોણ જાણે કયા કારણે મારું મન સરોડા તરફ એક પ્રકારના અજ્ઞાત અદમ્ય અનંત આકર્ષણને અનુભવી રહેલું. ઈશ્વરની પ્રેરણા સદા મંગળકારક હોય છે એની મને ખાતરી હતી. મારા આજ સુધીના જીવનપ્રસંગો એની પ્રતીતિરૂપ હતા.

 


 

Today's Quote

Try not to become a man of success but a man of value.
- Albert Einstein

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok