Saturday, June 06, 2020

આડત્રીસ દિવસના ઉપવાસ

સરોડા પહોચ્યાં પછી મેં ત્યાંના શાંત એકાંત વિશુદ્ધ વાતાવરણમાં આત્મશાંતિ અને આત્મશુદ્ધિની સાધના સારુ પાણી પર નવ દિવસના ઉપવાસ કર્યા. એ પછી ચોથી ઓગસ્ટથી અગિયારમી સપ્ટેમ્બર સુધી વળી ઉપવાસ કર્યા. એ ઉપવાસ કેવળ મારી ઇચ્છાથી નહોતા થયા પરંતુ ઇશ્વરની પ્રેરણાથી જ આરંભાયેલા. એ લાંબા ઉપવાસને લીધે અશક્તિ વધે એ સ્વાભાવિક હોવા છતાં મારી શ્રદ્ધા, ધીરજ, હિંમત તેમજ માનસિક સ્વસ્થતા વધતી જ ગઇ. એ બધું ઇશ્વરની અહેતુકી કૃપાનું જ પરિણામ હતું. એ કૃપા વિના મારા સરખા સર્વસામાન્ય માનવમાં એવું કઠોર કષ્ટ સહેવાનું સામર્થ્ય ક્યાંથી ? માનવ કષ્ટ અથવા કઠોર કષ્ટને સહે છે તેની ના નથી પરંતુ તે કષ્ટ સંસારી પદાર્થોને માટે સહે છે. ઇશ્વરને માટેના કષ્ટ સહનમાં માનવનો પ્રખર પ્રશસ્ય પુરુષાર્થ સમાયેલો છે. તેને તપનું ઉત્તમ નામ આપવામાં આવ્યું છે. એવા અસાધારણ કષ્ટસહનની શક્તિ ઇશ્વરની કૃપા સિવાય નથી સાંપડતી.

એ દિવસોની વેદના ભારે હતી ? સરોડાના એકાંત સ્થળમાં એ વેદનાએ પ્રચંડ સ્વરૂપ ધારણ કર્યું. આ રહ્યા એ વેદનાના પ્રેમપૂર્ણ પડછંદા :

‘હે મા, આટલા બધા દિવસથી મૂંગા કેમ બેઠાં છો ? કેટકેટલા દિનથી હું રાહ જોઉં છું, તલસું છું, પુરષાર્થ કરું છું, રડું છું, કકળું છું, તો પણ કેમ નથી હાલતાં ? કેમ નથી પ્રકટ થતાં ? તમે કેટકેટલાની લાજ રાખી છે, તો મારે માટે જ આમ શાંત બનીને શા માટે બેસી રહ્યાં છો ? તમે 'મા'ના બિરુદને છોડી દીધું છે ? નરસી, તુકારામ, મીરાં, રામકૃષ્ણદેવ સૌને તમે સહાય કરી ને મારે માટે કેમ મૂંગા થયાં ? એ બધું હું કેવી રીતે સાચું માનીશ ? વહેલી તકે પ્રત્યક્ષ બનીને મને સફળ મનોરથ કરો.’

‘તમારી ઝંખના કાયમ રહે છે. દિલ તમને મળવા પ્રતિપળ તલસે છે. આજે જ આવો. સઘળું કામ પૂર્ણ કરો. તમને નિહાળીને નયનો આનંદથી છલકાઇ ઊઠશે. એ ઘડી, એ ક્ષણ, એ અનુભૂતિ કેવી અનેરી હશે !’

એ વખતની નોંધપોથીમાં એના અનુસંધાનમાં આગળ આલેખાયું છે :

‘તમારા પ્રેમનો પાર કોઇનાથી પામી શકાય તેમ નથી. જે ઉપરથી જુએ છે તે તમારા પાણીને જુએ છે ખરા, પરંતુ એની અંદર કેટકેટલા મોતી, જવાહર કે માણેક છે તેની ખબર તેમને નથી પડતી. તમારા વિરાટ રૂપથી તે ડરે છે ને કલ્પનામાં જ મરણને શરણ બને છે; પરંતુ તમારી કૃપાથી જીવનનો ઉત્સવ કરે છે. હું તમારો જ બન્યો છું ને તમારો બની રહીશ. એના જેવું ઉત્તમોત્તમ ભાગ્ય ત્રિલોકમાં એકે નથી. ’

‘તમારાં અમીમય નેહનીતરતાં નયનોને નિરખ્યા કરતાં પરમાનંદના પ્રવાહમાં વહેવા માંડીશ એવું ભાગ્ય મને ક્યારે મળશે ? તમારા સુધાસભર શીતળ સ્પર્શથી સંજીવન પામીને અભેદભાવના ગૌરવગીતને ગાવા માંડીશ ને સમાધિનું પ્રત્યક્ષ પ્રમાણ બની જઇશ એ દિન ક્યારે આવશે ? મારે માટે એ જ પર્વદિન બની જશે. યોગી જેમ પ્રાણને પરિત્યાગતો નથી ને લોભી ધનને, તેમ તમને હું કદી પણ, ક્ષણ માટે પણ નહિ છોડું.’

‘હજુ કશું જ નથી વળ્યું. દિવસો તો ચાલ્યા જ જાય છે. શું બધો વખત આમ જ વીતી જશે અને એકવાર વીલે મોઢે વળી અહીંથી ચાલવું પડશે ? તમે તો દયાળુ છો. તમારી દયા પર જ જીવું છું. તમે સઘળું કામ કરી દેશો ને કૃતકૃત્ય કરશો એવી આશા છે. પણ તે ક્યારે ? ધીરજ ક્યાં સુધી રાખવી ? વહેલું મોડું કરવું જ છે તો આજે જ કેમ નથી કરતાં ? કૃપા કરો. આજે જ પધારો ને મારી સઘળી ચિંતાને ટાળી દો.’

રોજનીશીમાંથી અધિક અવતરણો નહિ આપું.

સાચા દિલની વેદના તેમ જ પ્રાર્થના કોઇ દિવસ નકામી જાય છે ? ઇશ્વરના દરબારમાં દુઃખી દિલથી કરેલી એક પણ અરજ સંભાળાયા વિના રહે છે ? ચિન્મય 'મા'ને માટે, ઇશ્વરને માટે સારેલું એક જ આંસુ, પાડેલો એક જ પોકાર, ને કરેલી સતત ઝંખના સફળ થયા વિના રહેતી નથી. કર્મનો નિયમ નિશ્ચિત છે. શાસ્ત્રો અને સત્ય પુરુષો સર્વસંમતિથી એવું કહી બતાવે છે. ઇશ્વરના શરણાગત ભક્તોની એવી અચળ શ્રદ્ધા છે. એ જ શ્રદ્ધાથી પ્રેરાઇને તે વિરહમાં મિલનની મધુરી આશા રાખીને ટકી શકે છે ને પ્રબળ પુરુષાર્થ કરે છે. પરંતુ વાસનામગ્ન માનવીનું દિલ દુર્બળ છે. ઇશ્વરનો આશ્રય લેવાને બદલે તે સંસારના વિષયોમાં બંધાઇ જાય છે. પરિણામે જીવનને કૃતકૃત્ય કરનારા ને મુક્તિ કે પૂર્ણતાને પ્રદાન કરનારા પરમ ધનવૈભવથી વંચિત રહે છે.

ઉપવાસ દરમ્યાન મારા પર જુદાં જુદાં દિવસોએ 'મા'ની કૃપાવર્ષા થઇ. ઉપવાસના એકત્રીસમાં દિવસે 'મા'એ અર્ધજાગૃતિમાં આવીને વાતચીત કરીને પોતાની પૂર્ણ કૃપાનો દિવસ આપ્યો. એ વરસે સરોડાના એ નાનકડા શાંત સ્થળમાં લગભગ પાંચેક માસ રહેવાનું થયું. એ સઘળો સમય સાધના માટેના પ્રખર પરિશ્રમમાં જ પસાર થયો. સરોડાને છોડતી વખતે 'મા'એ ફરીવાર સિદ્ધ મહાપુરુષ દ્વારા વાર્તાલાપ કરીને પંદરમી ઓગષ્ટનો દિવસ આપ્યો એથી મારી ચિંતા સહેજ હળવી થઇ. મેં સુદીર્ઘ સમય પછી સરોડા છોડવાનો નિર્ણય કર્યો. પરંતુ આપણે સરોડાને છોડતાં પહેલાં એક અગત્યની ઘટનાનો ઉલ્લેખ કરી લઇએ. સરોડાનિવાસના અંતિમ દિવસોમાં બનેલી એ ઘટના શકવર્તી, ચિરસ્મરણીય અને અતિશય કરુણ હતી.

 

 

Today's Quote

What you are aware of you are in control of; what you are not aware of is in control of you.
- Anthony De Mello

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok