Wednesday, September 30, 2020

ડોશીમાનું દેહાવસાન

3૮ દિવસના ઉપવાસ દરમ્યાન એક દિવસ મને અંતરાત્મામાંથી આદેશ મળ્યો કે, ‘હમણાં અહીં જ રહો. અમંગળ છે. ઉપવાસ ચાલુ જ રાખો.’

એ આદેશ પ્રમાણે કૈંક અમંગળ બનવા નિર્માયેલું હતું. ને સમય આવતાં તે થઇ ગયું. ઉપવાસ પૂરા થયા તે પછી એક સવારે પ્હો ફાટે તે પહેલાં જ ડોશીમાનું મૃત્યુ થયું, ને મારે રોજનીશીમાં નોંધવુ પડ્યું : ‘ડોશીમાનું મૃત્યુ-કાર્તિકી સુદ ૭ સોમવાર વિ.સ. ર00પ, તારીખ ૮-૧૧-૧૯૪૮.’ મારાં એ દાદીનું મૂળ નામ સાંકુબેન-સંતોષબેન હતું.

ડોશીમાનું મૃત્યુ અચાનક જ થયું. અમંગળની પ્રેરણા મળ્યા છતાં ડોશીમાનું મૃત્યુ જ થશે એવી ખબર મને ન હતી. છેલ્લા ચારપાંચ દિવસથી તે બહુ ઉઠતાં બેસતાં નહિ. છેલ્લે દિવસે તો તેમણે બરાબર ખાધું પણ નહિ. એક વાર તેમને ઝાડા જેવું પણ થઇ ગયું. આમ કોઇ જાતના વિશેષ કષ્ટ વિના તેમનું દેહાવસાન થયું. તેમને કષ્ટ પણ શું પડે ? તેમનું દિલ ખૂબ ભોળું હતું. કપટ ને તે સમજતા નહિ. છેલ્લા દસ વરસથી તો તે અંધ હતા. ઉંમર પણ લગભગ નેવું વરસની થઇ ગયેલી. વળી પ્રભુનું સ્મરણ પણ તે કર્યા કરતાં. ને તેમને અવારનવાર ઇશ્વરના કે દેવી-દેવતાનાં સ્વપ્ન પણ આવતાં. તે સ્વપ્ન તે અમને કહી સંભળાવતા. ખેતરમાં ખૂબ મહેનત કરીને જીવનનો મોટો ભાગ તેમણે કષ્ટમાં કાઢેલો. તે વખતે ઘરની ખેતી હતી. પિતાજીના મૃત્યુ પછી થોડે વરસે તે અંધ થયા હતાં. આમ તેમનું જીવન એકદંરે સંકટ ને પરિશ્રમમાં વીત્યું હતું. આજની સુધારક કહેવડાવનારી શિક્ષા તેમને મળી નહોતી, ને શહેરના સભ્યતામય કહેવાતા વાતાવરણથી દૂર દૂર ગામડામાં તેમને પોતાનું જીવન કુદરતને ખોળે જ પૂરું કર્યું હતું. પરંતુ તેમનું હૃદય ઉચ્ચ, કપટરહિત ને દયાળુ હતું. સત્ય ને નીતિને તેમણે છોડ્યાં નથી, ને કોઇનું હરામનું ખાવાની સ્વપ્ને પણ કલ્પના કરી નથી. ઇશ્વરને પ્યારા પુરુષો આવાં જ આત્માઓના ઘરમાં પ્રકટે છે એમ ઇતિહાસ સાક્ષી પૂરે છે. આવા પુણ્યાત્માની ગતિ વિશે તો કહેવાનું જ શું હોય ? તે તો પ્રભુપ્રેમી હોવાથી તેમનું સ્થાન સદાય પ્રભુની પાસે જ છે.

મેં ને માતાજીએ મળીને તેમના મૃત શરીરને યથાસ્થાને ભૂમિ પર મૂક્યું. મરણનો પ્રભાવ કેટલો મહાન છે ! ઇશ્વરની જેમ તે પણ સર્વવ્યાપક છે. એ મહાન સત્યને જ્ઞાનીઓએ ‘નામ તેનો નાશ’ એ શબ્દોમાં સાકાર કર્યું છે. જગતની પ્રત્યેક વસ્તુ-ચાહે મોટી કે નાની, વૈભવી કે દરિદ્ર, ગમે તેવી હોય, પણ છેવટે મૃત્યુને વશ છે. આટલી સમજ દિલમાં ઠસી જાય તો માણસ જીવનની ગમે તેવી આકર્ષક છતાંયે ક્ષણભંગુર વસ્તુ કે વ્યક્તિમાં આસક્ત થાય નહિ. આસક્તિ ને મમતાની આ ગાંઠ તોડવા માટે જ મહાપુરુષો ને શાસ્ત્રો જીવનની ક્ષણિકતાનો વારંવાર ઉપદેશ આપે છે. દુનિયામાં કોઇ સ્ત્રીની પાછળ બરબાદ થાય છે, કોઇ ધનદોલત ને જાગીરમાં લપટાય છે, તો કોઇ શરીર ને સંતાનમાં આસક્ત થાય છે : જુદી જુદી વસ્તુને માટે કાવાદાવા પણ કાંઇ ઓછા થતા નથી. આ બધાનું કારણ માણસનું ઘોર અજ્ઞાન છે, જીવનની વાસ્તવિકતા પ્રત્યેનું તેનું અજ્ઞાન છે. જેનું એ અજ્ઞાન ટળ્યું છે તે તો જે સનાતન છે તે ઇશ્વરમાં જ આસક્ત થશે, ને એ રીતે અમરપંથનો યાત્રી બનશે. બીજો કોઇ અમૃતપદ મેળવવાનો માર્ગ નથી. આ પદ જેણે મેળવ્યું છે તેને કોઇ ભય નથી. બીજાને માટે મૃત્યુ ને જીવનના અનેક જાતના ભય ઊભા છે.

પણ હવે ડોશીમાના શરીરનું તો કાંઇક કરવું જોઇએ. થોડી વારમાં તો બધે ખબર પહોંચી ગઇ. ડોશીમાની દીકરીઓ ને બીજાં સ્વજનો આવી પહોંચ્યા. મરેલા માણસને માટે ચિંતા કે શોક પ્રગટ કરવાનું ને તેના શરીરને સ્મશાને લઇ જવાની વ્યવસ્થા કરવાનું તો બાજુએ રહ્યું, પણ સ્વાર્થ ને અજ્ઞાન તેમ જ દ્વેષથી પ્રેરાયેલા સ્વજનો તકરાર કરવાના પ્રયાસ કરવા માંડ્યાં. કોઇ કહે, ‘ડોશીને તમે ઝેર આપીને મારી નાખ્યાં.’ કોઇ કહે, ‘અમને બોલાવવા કેમ ના મોકલ્યા ?’ તો કોઇ નિરર્થક વાતોના ઉભરા કાઢવા માંડ્યાં. માતાજીએ કહ્યુ, ‘ડોશીમાં મરેલા છે. તેમના શરીરની વ્યવસ્થાની તૈયારી કરો. કોઇ તેમને ઝેર શું કામ આપે ? છતાં તપાસ કરાવવી હોય તો ડોકટરને બોલાવો.’

માણસો પોતાની મૂર્ખતાનું વધારે ને વધારે પ્રદર્શન કરતા હતા. બે-ચાર વાર તો બધા ચાલ્યા ગયા, ને વળી પાછા આવ્યા. ડોશીમાને સ્મશાને લઇ જવામાં સાથ આપવાની સૌએ ના પાડી. આખરે મેં કહ્યું કે, ‘કોઇ ના આવે તો ભલે, ડોશીમાના શરીરને આપણે ઘરની સામે જ બાળી દઇશું, નહિ તો ગાડામાં નાખીને સ્મશાને લઇ જઇશું.’ આશ્ચર્યની વાત તો એ હતી કે ભેગા થયેલા બીજા માણસોમાંથી કોઇ હિંમત કરીને એ લોકોને શિખામણના બે શબ્દો પણ કહેતું ન હતું.

પણ ઇશ્વર દયાળુ છે. પોતાના પ્રેમીનાં કામ તે કોઇની ને કોઇની મારફતે કર્યા જ કરે છે. શના ભટ્ટ કરીને એક ભાઇ હતા. તેમને મારા પર ખૂબ જ પ્રેમ હતો. હિંમત કરીને તે આગળ આવ્યા, ને બધી વ્યવસ્થા કરવા માંડ્યા. તેમને બદલામાં ગાળો મળી. પણ તેમણે કામ ચાલુ જ રાખ્યું. બીજાં બેચાર માણસોનો સાથ પણ તેમને મળી ગયો. મારી ઇચ્છા સ્મશાને જવાની ન હતી. છતાં ઇશ્વરે બધું જ કામ કરી દીધું. આ વખતે મને ભગવાન શ્રી આદ્ય શંકરાચાર્ય યાદ આવ્યા. તેમની માતાના મૃત્યુ વખતે ગામ લોકોએ તેમને કોઇ મદદ કરેલી નહિ. આથી માતાના શબને તેમણે ઘર સામે જ બાળી દીધેલું. અને ‘આ ગામમાં સૌનાં શબ આ જ રીતે પોતપોતાના ઘર સામે જ બળશે.’ એવો શાપ આપેલો. કહે છે કે આજે પણ તે ગામમાં શબ ઘરની સામે જ બળે છે. જ્ઞાની કે પ્રભુના ભક્તોને દુઃખ દેવામાં સંસારના માણસોએ બાકી રાખ્યું નથી ને બીજા કરતાં કુટુંબી કહેવાતાં લોકો જ તેમને વધારે ત્રાસ આપે છે. જો કે ભક્ત ને જ્ઞાની તો તે સહર્ષ સહી લે છે, પણ ઇશ્વરના દરબારમાં એનું દુષ્કર્મ નોંધાયા વિના રહેતું નથી. ને કર્મ કરનારને તેની શિક્ષા જરૂર મળે છે. જ્ઞાનેશ્વર, નરસિંહ મહેતા, મીરાં, એ બધાનાં જીવનમાં આ જ દેખાય છે. કુટુંબીઓ ને સમાજે તેમને તિરસ્કાર્યા ને ત્રાસ આપ્યો છે. ઇશુ, સુકરાત, દયાનંદ સરસ્વતી ને છેલ્લે છેલ્લે મહાત્મા ગાંધીજીના જીવનનો અંત આણવામાં પણ સમાજ ને તેના પ્રતિનિધિઓ નિમિત્ત થયા છે. આ વસ્તુ ખૂબ જ દુઃખદ છે. માનવસમાજ હજી કેટલો અસભ્ય ને હીન છે તે એના પરથી જણાય છે.

શનાભાઇના પુરુષાર્થથી ડોશીમાનું શબ ઠેકાણે પડી ગયું. શ્રાદ્ધ કરવા પણ તેમણે પોતાના છોકરાને મોકલ્યો. આમ બધું ક્ષેમકુશળ પતી ગયું. પણ વિરોધી લોકોએ બીજો એક દાવ અજમાવ્યો. બારમાને દિવસે તેમણે પહેલેથી અરજી કરીને કંટ્રોલ ખાતાના ઇન્સ્પેકટરને બોલાવ્યા. પણ પ્રભુ જેની લાજ રાખે તેને શું ભય ? મેં માતાજીને ચોકખી ના કહી હતી કે આપણે બારમાનો ખોટો ખર્ચ નથી કરવો. ન છૂટકે કરવું પડે એટલું જ અંદર અંદર કરજો. એટલે રસોઇ વધારે કરેલી જ નહી. રસોઇ ઓછી હોય ત્યાં ઇન્સ્પેકટર શું કરે ? તે ઉલટા શરમાઇ ગયા ને કહેવા લાગ્યા કે, ‘આ નનામી અરજી કરનાર કેટલા અજ્ઞાની લોકો છે ! આ તો ઉલટું મારે ભોંઠા પડવું પડ્યું. ચાલો મને તમારા દર્શન થયાં.’ અરજીના અક્ષરો મેં ઓળખ્યા. પણ ઇન્સ્પેકટરને મેં નામ કહ્યું નહિ. લખનાર માણસ ડોશીમાનો સંબંધી જ હતો, ને તે સરોડા બહાર શિક્ષકની નોકરી કરતો. માતાજીનો વિચાર બીજે દિવસે કૈંક ખર્ચ કરવાનો હતો. પણ એ પ્રત્યક્ષ બનાવને જોઇને તેમણે વિચાર માંડી વાળ્યો. ત્રણ દિવસ લગાટ ઇન્સ્પેકટરે આવીને તપાસ કરી. એ વખતે કાંઇ જમણવાર કર્યો હોત તો ફજેતી થાત. પણ પ્રભુ દયાળુ છે. પોતાના પ્રેમીને ફજેત કરવાનું તેને સ્વપ્ને પણ કેમ ગમે ? તેના પ્રેમીનો યશ-અપયશ એ તેનો જ યશ-અપયશ છે.

ડોશીમાના મૃત્યુથી માતાજી એક મોટા સાંસારિક બંધનમાંથી મુક્ત થયાં. મારી સાથે રહેવા માટે ઇશ્વરે તેમને મુક્ત કર્યા. અનેક જન્મોના પુણ્ય ને પ્રભુની દયા વિના એવી મુક્તિ મળતી નથી. એ બધા જ દિવસોમાં મારી સાધનાની ચિંતા ચાલુ જ હતી. અને અમે સરોડા છોડ્યું.

 

 

Today's Quote

Some of God's greatest gifts are unanswered prayers.
- G. Brooks

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok