Friday, May 29, 2020

એક મહાત્માની મુલાકાત

સરોડાથી અમે સાબરમતી પહોંચ્યાં.

સાબરમતીમાં પ્રેમી ભાઇ ઇશ્વરભાઇનો ને બીજાનો પ્રેમભાવ પુષ્કળ હોવાથી લાંબા વખત સુધી રોકાવાનું થયું. એ દિવસોમાં ઇ.સ. ૧૯૪3 માં ઋષિકેશમાં જેમનો પૂર્વ પરિચય થયેલો એ ઓમસ્વામીનો ફરી વાર સમાગમ થયો. ઓમસ્વામી સારા વિદ્વાન હતા અને સંન્યાસી થયા પહેલાં જ ઉપનિષદ, ગીતા, સ્વામી વિવેકાનંદનાં વ્યાખ્યાનો અને આધ્યાત્મિકતામાં અભિરુચિ રાખતા. એમનો સ્વભાવ આનંદી હતો. એમના સુપરિચિત એક સુપ્રસિદ્ધ સ્વામીજી અમદાવાદમાં આવેલા અને શાહીબાગમાં કોઇક ભક્ત કુટુંબને ત્યાં ઉતરેલા. મેં પણ એમની પ્રશસ્તિ સાંભળી હોવાથી ઓમસ્વામીના પ્રેમપૂર્ણ આગ્રહને અધીન બનીને એક દિવસ સાંજે એમની મુલાકાત લીધી.

અમે એમની પાસે પહોંચ્યા ત્યારે એ બહાર દિવાનખાનામાં બેઠેલા. એમની આગળ થોડાક ભક્તો તથા દર્શનાર્થીઓ બેઠેલા. એક ભાવિક બેન રામચરિતમાનસનો પાઠ કરી રહેલી. સ્વામીજીનું શરીર સુદૃઢ, કદાવર અને ભવ્ય હતું. એમની ચામડીનો લાલ રંગ એમણે પહેરેલી રેશમી કફનીના રંગ સાથે મળી જતો. એમનું જન્મસ્થાન પંજાબ પ્રદેશનું હોવાનું યથાર્થ અનુમાન સહેલાઇથી કરી શકાતું.

રામચરિતમાનસનો શ્રવણમંગળ પ્રેમપૂર્ણ પાઠ પૂરો થયો એટલે ઓમસ્વામીએ પોતાની ઓળખાણને તાજી કરીને સંત કબીરનાં બે પદો સંભળાવ્યા. શ્રોતામંડળ એ સાંભળીને પ્રસન્ન થયું એટલે થોડી વાર શાંત રહીને એમણે પૂછયું : ‘સમાધિ કોને કહેવાય ?’

સ્વામીજીએ ઉત્તર આપ્યો : ‘મનની વૃત્તિનો નિરોધ થઇ જાય તે સમાધિ છે. એથી વિશેષ કોઇ સમાધિને તમે જાણતા હો તો કહી શકો છો.’

એમના છેલ્લા શબ્દોમાં જ્ઞાનની ગરિમાનો ભાવ અનુભવાયો. ઓમસ્વામી વધારે ચર્ચાવિચારણામાં પડત ખરા, પરંતુ સૂર્યાસ્તનો સમય થઇ ચૂક્યો હોવાથી મેં એમને ઊઠવા માટે સંકેત કર્યો. મારી તરફ ફરીને એમણે અત્યંત પ્રેમભાવથી પ્રેરાઇને સ્વામીજીને મારો પરિચય કરાવતાં કહ્યું : ‘આ એક મોટા યોગી છે અને હિમાલયમાં રહે છે.’

સ્વામીજીએ મારા પ્રત્યે અનોખો રહસ્યમય દૃષ્ટિપાત કરીને તરત જ જણાવ્યું : ‘યોગી હોકર ભટકતે ?’

અર્થાત્ યોગી છે તો પછી ભટકે છે શા માટે ?

વિચિત્ર શૈલીમાં કહેવાયલી એ અણધારી વાતથી ઓમસ્વામીને સહેજ દુઃખ થયું. એમણે એવા શબ્દોની અપેક્ષા નહોતી રાખી. એ બોલ્યા : ‘આપ પણ ઉચ્ચ કક્ષાના યોગી છો. આપ ફરતા ફરતા અહીં આવ્યા છો તેમ આ પણ આપના દર્શને પધાર્યા છે.’

એ દરમિયાન હું બહાર નીકળ્યો એટલે પાછળથી શું થયું તેની ખબર ના પડી. ઓમસ્વામીએ બંગલાની બહાર આવીને દુઃખ વ્યક્ત કરતાં કહ્યું : ‘આવા સારા સંતપુરુષે એવા શબ્દો નહોતા વાપરવા જોઇતા.’

‘કાંઇ નહિ. આપણે એનું દુઃખ શા માટે લગાડવું જોઇએ ? ઇશ્વરની દુનિયાની વિવિધતા તથા વિચિત્રતાનું તટસ્થભાવે દર્શન કરીને આપણે પ્રત્યેક પળે પ્રત્યેક સ્થળે સુખ જ માનવાનું છે.’

મહાપુરુષને માટે કહેવામાં આવ્યું છે કે -

सुखदुःख दोनो सम करी जाने और मान-अपमाना,
हर्षशोकसे रहे अतीता, तिन जग तत्व पिछाना... साधो मनका मान त्यागो.

એનો અમલ કરીને અહર્નિશ આનંદમાં રહેવાની આવશક્યતા છે.

સ્વામીજી સાથેની એ મારી પહેલી ને છેલ્લી મુલાકાત હતી. તેમના છેલ્લા શબ્દો ભારે મર્મભેદક હોવાથી કાળજામાં કોરાઇ રહ્યા. ભગવાન દત્તાત્રેયના ચોવીસ ગુરુઓની પરંપરાગત પ્રખ્યાત પુરાણકથાને સ્મરીને મેં એમાંથી પણ સાર લીધો. પ્રત્યેક પ્રસંગમાંથી સદ્દસદ્દબુદ્ધિસંપન્ન સુવિચારી પુરુષે કાંઇ ને કાંઇ શીખતા જ રહેવાનું છે.

 

 

Today's Quote

We are disturbed not by what happens to us, but by our thoughts about what happens.
- Epictetus

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok