Tue, Jan 26, 2021

રામેશ્વરમાં

સાબરમતીથી અમે મુંબઇ થઇને મદ્રાસ પહોંચ્યાં. મદ્રાસમાં એક દિવસ સવારે પ્રાર્થના દરમિયાન હૃદયમાં સ્ફુરણા થવાથી રામેશ્વર યાત્રાનો નિર્ણય કર્યો. ભારતના ચાર દિશાનાં ચાર પુરાણપ્રસિદ્ધ પ્રખ્યાત ઐતિહાસિક તીર્થધામોમાં એની ગણતરી છે. રામેશ્વર ધામ પ્રમાણમાં છેક નાનું હોવા છતાં હૃદયંગમ, શાંત અને સુંદર છે.

રામેશ્વરમાં મંદિર પાસેની સુપ્રસિદ્ધ ધર્મશાળામાં ઉતર્યા પછી સ્નાનાદિથી પરવાર્યા પછી અમે ધર્મશાળાની સુંદર અગાશીમાં ગયાં. મને વિચાર થયો કે આ પુરાણપ્રસિદ્ધ પવિત્ર ધામમાં આવવાનું અચાનક કેમ થયું ? મદ્રાસમાં શિવરાત્રીના પાવન દિવસે મેં શિવમહિમ્નસ્તોત્રના પદ્યાનુવાદની પરિસમાપ્તિ કરેલી. એ સરસ સત્કર્મથી પ્રસન્ન થઇને ભગવાન શંકરે આ પુણ્યપ્રવાસનું આયોજન કર્યું હોય એવી લાગણી થઇ. એમણે એવી રીતે એમનો અલૌકિક અનુગ્રહ વરસાવ્યો.

રાતે મંદિરમાં દર્શન માટે ગયા. સુવિશાળ, સ્વચ્છ, સુંદરતાની મૂર્તિ જેવા ભવ્યાતિભવ્ય મંગળ મંદિરને અવલોકીને અતિશય આનંદ થયો. એ અદૃષ્ટપૂર્વ મંદિરના દર્શનથી અંતર ઉછળવા લાગ્યું. મંદિરની અંદરના અસંખ્ય સ્થંભ, એમની ઉપરની ચિત્રવિચિત્ર ચિત્તાકર્ષક કળા, મનહર મંત્રમુગ્ધકારિણી મૂર્તિઓ, એ સઘળું સુંદર, અદ્દભુત અને આશ્ચર્યચકિત કરે તેવું હતું. મંદિરમાં સામે જ ભગવાન શંકર વિરાજેલા. એમના દર્શનથી અમને અત્યાધિક આનંદ થયો. અમારી યાત્રા પરિપૂર્ણતા પર પહોંચી તથા કૃતાર્થ થઇ.

મંદિરની છેક સમીપે એનું અનવરત આહલાદક ગૌરવગાન ગાતો સમુદ્ર હતો. ઉત્તુંગ ઉર્મિશીલ તરંગોરૂપી હજારો હાથથી એ ભગવાન આશુતોષની અનુરાગપૂર્ણ અક્ષય આરતી ઉતાર્યા કરતો. વરસો અને યુગોના વીતવા છતાં પણ એની આરતી નહોતી ખૂટતી અને સ્નેહ સમાધિ નહોતી છૂટતી. ધરતી જાણે એનાં અગણિત તરંગોના રૂપમાં પોતાને પ્રકટાવીને આદરપૂર્વક અર્ઘ્ય આપતી.

રામેશ્વર ધામની ગરીબી ખાસ ધ્યાન ખેંચે તેવી હતી. બહાર નીકળીએ એટલે ઠેર ઠેર યાચકોનાં ટોળાં મળે. નાનાં છોકરાં ને મોટાં માણસો આજુબાજુ વીંટળાઇ વળીને તથા પાછળ પડીને એક પૈસા કે પાઇ ખાતર પણ પડાપડી કરે, પોકારે, પ્રાર્થે કે કરગરે. જે જમાનામાં રૂપિયો અને પૈસો લગભગ સરખાં છે, એ જમાનામાં એ લોકોને પાઇને માટે માગવું પડે એ કેટલું બધું કરુણ કહેવાય ? ભારત ખૂબ જ ગરીબ દેશ છે. અઢળક સંપત્તિ હોવા છતાં એ સંપત્તિ સર્વહિતના કલ્યાણકાર્યમાં લાગી છે કે સર્વ સાધારણ સુધી પહોંચી છે એવું નિશ્ચયાત્મક રીતે નહિ કહેવાય. દેશમાં વસનારા નાના-મોટા, શિક્ષિત-અશિક્ષિત, સાધારણ-અસાધારણ સૌનો ધર્મ છે કે જ્યાં સુધી પ્રત્યેક દેશવાસીને આવશ્યક જીવનોપયોગી સામગ્રી, અન્નવસ્ત્ર ને કામ ના મળે ત્યાં સુધી અન્નાદિના વપરાશમાં ને જીવનના નિભાવમાં સંયમ, અપરિગ્રહ, સેવાવૃત્તિ તથા ત્યાગ-ભાવનાનું સમ્યક્ પ્રકારે પાલન કરવું. જેને ભારત માટે પ્રેમ છે તે સ્વેચ્છાથી સ્વચ્છંદનો સંબંધવિચ્છેદ કરીને આત્મસંયમ કરતા નહિ અચકાય.

બીજે દિવસે વહેલી સવારે મંદિરમાં દર્શન માટે ગયાં. મંદિરમાં પ્રવેશતાવેંત ભગવાન રામેશ્વરનો હાર મળ્યો. ભગવાને એવી રીતે પોતાના ક્ષુલ્લક પ્રેમીને પોતાનો પ્રેમ પ્રદર્શાવીને આવકાર્યો. સાંજે રામઝરૂખાના દર્શન માટે નીકળ્યાં તો માર્ગમાં આવતા હનુમાન મંદિરમાં ચોળાનો પ્રસાદ મળ્યો. હનુમાનજી તો રામના ભક્ત રહ્યા. રામદર્શન કરીને ધૂળવાળા રસ્તા પરથી આગળ વધીને જે ભક્તો તેમની સંનિધિમાં જાય છે તેમને માટે પ્રતિદિન ચોળાનો પ્રસાદ તૈયાર રાખે છે. એમનો અતિથિસત્કાર એવો અસાધારણ છે.

રામઝરૂખાનો માર્ગ ધૂળથી ઢંકાયેલો, લાંબો અને કષ્ટસાધ્ય છે, પરંતુ જ્યારે ઝરૂખા પર પહોંચીએ છીએ ત્યારે એમ જ થઇ જાય છે કે આ સુંદર શાંત સ્થળે એકાદ ઝરૂખો બંધાવીને રહી જ જઇએ. રામઝરૂખાનું એકાંત સ્થળ ઊંચાઇ પર હોવાથી ત્યાંથી આજુબાજુ દૃષ્ટિપાત કરતાં દૂર દરિયો દેખાય છે. રામેશ્વરના મંગળ મનહર મંદિરનો દર્શનલાભ પણ ત્યાંથી મળી રહે છે. સૂર્યનારાયણ રોજ રોજ વ્યોમમંડળમાં વિહરતાં ભગવાન રામેશ્વરના દેવદુર્લભ દિવ્ય દર્શનનો આનંદ માણે છે ને સાંજ પડતાં દૂર-સુદૂર સમુદ્રમાં સમાધિમગ્ન બનીને સમાઇ જાય છે. અમે ઝરૂખા પર પહોંચ્યા ત્યારે સૂર્યાસ્તનો સુભગ સમય શરૂ થઇ ચૂકેલો. કહેવાય છે કે આ ઝરૂખા પર બેસીને ભગવાન રામ સૌની સલામી ઝીલતા.

राम झरोखे बैठकर सबका मुजरा लेत,
जाकी जेसी चाकरी वैसा ही फल देत ।

જગતના અદૃષ્ટ ઝરૂખા પર બેઠેલા ભગવાનનું પણ એવું જ છે ને ? એ પણ જુદા જુદા જીવોને કર્માનુસાર ફળ પ્રદાન કરે છે.

રામઝરૂખા પરથી અમે આસપાસના પ્રકૃતિ સૌંદર્યને અને ભગવાન રામેશ્વરને પ્રેમપૂર્વક પ્રણામ કર્યા, ને પછી કુંડ પર જઇને જંગલને માર્ગે આગળ ચાલ્યા. અમને અવલોકીને સુધાકર આકાશમાંથી સ્મિત કરતો અને અમને નિહાળવા વૃક્ષો પાછળથી વારંવાર ડોકિયા કરતો દેખાતો.

રામેશ્વરમાં અમારી જ ધર્મશાળામાં ઉતરેલા એક પ્રૌઢાવસ્થા પ્રાપ્ત વિદ્વાન સંન્યાસી મહારાજનો મેળાપ થયો. એ પણ ત્યાં યાત્રાર્થે આવેલાં અને છેલ્લા થોડાક દિવસોથી રહેતા હતા. એમણે એમના કષ્ટ અને ક્લેશની કરુણ કથની કહી બતાવી. યુવાવસ્થામાં તે રતલામ પાસેના પોતાના જન્મસ્થાનમાં રહેતા. ત્યાં ઋષિકેશના એક સમૃદ્ધ સુપ્રસિદ્ધ આશ્રમના અધ્યક્ષ સ્વામી જનાર્દન સરસ્વતી એક વાર ચાતુર્માસ કરવા આવ્યા. જનાર્દન સ્વામી પ્રકાંડ પંડિત, મહાન મેધાવી તથા શાસ્ત્રજ્ઞ  હતા. એ અદ્વૈત સિદ્ધાંતમાં અભિરુચિ રાખવાની સાથે મંત્રતંત્રમાં પણ રસ લેતાં. એમણે આપણા આ ભાવિ સંન્યાસી પરંતુ તે વખતના પરમ નિષ્ઠાવાન પરમ પાંડિત્યપૂર્ણ સેવાભાવી શુદ્ધ મનના પંડિત પર કોઇક વિલક્ષણ પ્રયોગ કર્યો. એ પછી થોડી વારે જનાર્દન સ્વામી મૃત્યુ પામ્યા ને બ્રહ્મરાક્ષસ બન્યા. છેલ્લા વીસ જેટલા વરસોથી એ સંન્યાસી મહારાજને દેખાતા, અશાંત કરતા, ભ્રમિતચિત્ત બનાવતા, ને ક્લેશ પહોંચાડતા. એમના મન પર બ્રહ્મરાક્ષસના રૂપમાં રહેલા જનાર્દન સ્વામીએ કાબુ કરેલો અથવા અધિકાર જમાવેલો.

મેં એમને પૂછયું : ‘તમને બ્રહ્મરાક્ષસ રોજ દેખાય છે ?’

‘હા’ એમણે ઉત્તર આપ્યો.

‘કયે વખતે ?’

‘કોઇ પણ વખતે દેખાય છે. તેનો કોઇ નક્કી વખત નથી હોતો.’

મને એમની વાતમાં રસ પડ્યો.

‘તે કયા રૂપમાં દેખાય છે તે કહી શકશો ?’

‘કોઇ પણ રૂપમાં દેખાય છે. કોઇવાર સાપ બને છે તો કોઇવાર વાઘ, સિંહ, માણસ થાય છે. એની ઇચ્છા પ્રમાણે જુદાં જુદાં રૂપોને ધારણ કરે છે. કોઇવાર જુદા જુદા અવાજો કરે છે તો કોઇવાર કોઇ વાત સંભળાવે છે. એ સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે કે મારા વિના બીજા કોઇને હેરાન નહીં કરે કે નહીં ડરાવે.’

‘પરંતુ એને એમ તો પૂછો કે એ તમને શા માટે ડરાવે છે કે ક્લેશ પહોંચાડે છે ? તમે એનો એવો શો અપરાધ કર્યો છે ? એટલી બધી વિદ્ધતા મેળવીને પણ બ્રહ્મરાક્ષસના સ્વરૂપમાં રહેલા જનાર્દન સ્વામીની મુક્તિ મેળવવાની ઇચ્છા નથી ?’

‘ના, એ મુક્તિની ના પાડે છે. કહે છે કે આ યોનિમાં અનિવર્ચનીય આનંદ છે. છતાં પણ કોઇએ કોઇ દેવતાને સાક્ષાત કર્યા હોય તો તેની દ્વારા બ્રહ્મરાક્ષસ મુક્ત થઇ શકે.’

એ સંન્યાસી મહારાજ ખૂબ દુઃખી હતા. એમના મન પર એમનો કાબુ નહોતો. બોલતી વખતે પરવશ માણસની પેઠે બોલતા. પરંતુ કોઇ ઉપાય નહોતો દેખાતો. બપોરે એમણે મને એમના ઓરડામાં લઇ જઇને પોતાની પુસ્તકોથી ભરેલી પેટી બતાવીને જણાવ્યું : ‘આ બધાં ધર્મપુસ્તકો મારાં છે. એમને મેં વાંચ્યાં છે. પરંતુ હવે મારું જીવન બીજે પાટે ચઢી ગયું છે તેનું મને દુઃખ છે. ઇશ્વરને રોજ પ્રાર્થના કરું છું કે મને આ ક્લેશમાંથી મુક્તિ મળે અને પ્રકાશ તથા પ્રશાંતિની પ્રાપ્તિ થાય.’

મેં કહ્યું : ‘હું પણ તમારે માટે પ્રાર્થના કરીશ. બીજું તો અત્યારે કશું નહિ કરી શકાય. ભવિષ્યમાં તમને મદદ કરી શકે એવા કોઇક ઉપાસક મળશે તો તેનું ધ્યાન રાખીશ.’ એમને સંતોષ થયો.

 

 

Today's Quote

Some of God's greatest gifts are unanswered prayers.
- G. Brooks

prabhu-handwriting

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.