Friday, June 05, 2020

મદુરાઇ અને કન્યાકુમારી

રામેશ્વરના પ્રસન્નતા પ્રદાયક પુણ્યપ્રવાસનો લાભ લીધા પછી અમે મદુરાની મુલાકાત લીધી. મદુરા મીનાક્ષીદેવીના સુપ્રસિદ્ધ મહાન મંદિરને લીધે એક અગત્યનું યાત્રાધામ બની ગયું છે. ભોજનાદિથી પરવારીને અમે મોડી સાંજે એના દર્શન-અવલોકન માટે જઇ પહોંચ્યા.

રામેશ્વરના પ્રખ્યાત મંદિરની પેઠે મીનાક્ષીદેવીનું મંદિર પણ ખૂબ જ વિશાળ ને મોટું છે. રામેશ્વરના મંદિર કરતાંયે એ મંદિર વધારે વિશાળ છે. મંદિરની અંદર સુંદર ચિત્તાકર્ષક તળાવ છે. મંદિરની મૂર્તિઓ અસંખ્ય આહલાદક અને અસાધારણ શિલ્પકળાથી સંપન્ન છે. દક્ષિણ ભારતનાં મંદિરો અત્યંત આકર્ષક, ઊંચા, સુંદર અને સુવિશાળ છે. વિધર્મીઓના વિરોધી આક્રમણના આઘાતોથી એકદમ અલિપ્ત રહેવાને લીધે એમની કળામય કાયા અક્ષય અથવા અખંડ રહી છે. મીનાક્ષી મંદિરની ભવ્યતા જોઇને અવાક્ બની જવાય છે. મંદિરમાં ક્યાંય ગંદકી નથી.

અમારી સાથે મદ્રાસથી આવેલા લાભુબેનની તબિયત નરમ થઇ જવાથી અમે બીજે દિવસે પણ મીનાક્ષી મંદિરમાં જઇ પહોંચ્યા. ત્યાંનું વિશુદ્ધ વાયુમંડળ વારંવાર પહોંચવા માટે પ્રેરણા પૂરી પાડતું.

દક્ષિણ ભારતની ભૂમિ કેવળ મંદિરોની જ ભૂમિ છે એવું નથી સમજવાનું. એ પ્રદેશમાં વીતરાગ મહાત્માઓ, ધર્માચાર્યો તથા કર્મકાંડી બ્રાહ્મણો પણ વસે છે. પ્રાચીનકાળમાં એ સદાશિવ બ્રહ્મ, આદ્ય શંકરાચાર્ય, વલ્લભાચાર્ય ને રામાનુજાચાર્યની જન્મભૂમિ હતી અને આધુનિક સમયમાં પણ રમણ મહર્ષિ, યોગીરાજ અરવિંદ અને એવા એવા લોકોત્તર મહાપુરુષોએ એમના જ્યોતિર્મય જીવનથી એને અલંકૃત કરી છે. ત્યાંની કાવેરી જેવી સુંદર સરિતાઓ સંતો તથા તપસ્વીઓની ક્રીડાભૂમિ કહેવાય છે. એ ભૂમિને અવલોકવાનો આનંદ કેવો અનેરો, અખૂટ, અવર્ણનીય હોય ?

મદુરાથી અમે કન્યાકુમારી પહોંચ્યા. કન્યાકુમારી એટલે ભારતનો દક્ષિણ દિશા તરફનો છેડો. એક તરફ ધરતી અને ત્રણ તરફ પાણી. અરબી સમુદ્ર, હિંદી મહાસાગર તથા બંગાળનો ઉપસાગર, એ ત્રિવિધ જુદાં જુદાં જલભંડારો ત્યાં એક બને છે. એ વખતનું દૃશ્ય અનુપમ છે. એ અનુપમ સ્થળમાં પહોંચવા માટે તિનવેલી તેમ જ ત્રિવેન્દ્રમ બંને સ્થળેથી મોટરો મળે છે. એ સ્થળમાં સૂર્યોદય અને સૂર્યાસ્તનાં દૃશ્યો અદ્દભુત અને અનુપમ લાગે છે.

કન્યાકુમારીનાં મંદિરમાં ધોતીયું પહેરીને પ્રવેશી શકાય છે. મંદિરની મૂર્તિ ખૂબ જ સુંદર છે. મંદિરમાં દીપમાળા કરવાની કળા અનોખી હોય છે. દીપમાળાનો સાજ દક્ષિણ ભારતનાં મંદિરોનો પોતાનો છે.

મંદિરમાં ઊભા રહીને મેં મારી સાધનાની સફળતા ને દેશ તથા દુનિયાની શાંતિ તેમ જ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી. પેલી પ્રસિદ્ધ પદપંક્તિમાં કહ્યું છે કે

‘जेसे नाव फिरे चारों दिश
ध्रुवतारा पर रहत निशानी.’

એમ વિવિધ પ્રદેશોમાં વિચરણ ને વસવાટ કરતાં કરતાં જીવનની સાધનાના ધ્રુવપદનું સ્મરણ સદાય રહ્યા કરતું. આત્મજાગૃતિની એવી આશીર્વાદરૂપ અવસ્થા મારે માટે સહજ થઇ ગયેલી.

 

 

Today's Quote

I slept and dreamt that life was joy. I awoke and saw that life was service. I acted and behold, service was joy.
- Rabindranath Tagore

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok