Friday, June 05, 2020

જાદુગરી સાધુ

હિમાલયની પુરાણપ્રસિદ્ધ પવિત્ર ભૂમિમાં કેવા કેવા વિવિધ પ્રકારના સાધક-સિદ્ધ મહાત્મા આવે છે ને રહે છે ! એ ભૂમિનું જે પ્રાચીન મહત્વ છે તેથી અંજાઇ ને આકર્ષાઇને અનેક પથિકો પોતાનો આધ્યાત્મિક પ્રવાસ ખેડવા ને પૂરો કરવા એની ગોદમાં આવે છે. તેમાં કેટલીક વાર વિચિત્ર પ્રકારના માણસો પણ જોવામાં આવે છે.

મદ્રાસ, મદુરા તથા કન્યાકુમારીની યાત્રા કરીને અમે દેવપ્રયાગના શાંતાશ્રમમાં પહોંચ્યાં ત્યારે થયેલા એવા જ એક વિચિત્ર પ્રકૃતિના પુરુષના પરિચયનો ઉલ્લેખ કરવાનું અસ્થાને નહિ ગણાય.

ઇ.સ. ૧૯૪૯ના જુન મહિનાની વાત છે. એક સાંજે હું માતાજી સાથે નીચે બેઠેલો ત્યારે અચાનક એક સાધુપુરુષનું આગમન થયું. લાલઘૂમ આંખ, ખભે ઝોળી, હાથમાં લાકડી, ભગવાં વસ્ત્ર ને લાંબી દાઢી, એવું તેમનું રૂપ હતું. જોતાંવેંત મને આશ્ચર્ય થયું ને તેમને પ્રેમથી બેસવા કહ્યું.

પહેલાં તો તેમણે ગૌશાળાના ફંડની માગણી કરી. પણ એટલી સહેલાઇથી મારી પાસેથી પૈસા મળી નહિ શકે એમ ખાતરી થવાથી અંતે તેમણે બીજી તરકીબ કરી. એક દોરાને મારા હાથમાં આપીને તેના નવ ટૂકડા કરવા કહ્યું. મને લાગ્યું કે સાધુ જાદુગરી વિદ્યા દ્વારા મને પ્રભાવિત કરવા માગે છે. પણ મારે તો તટસ્થની જેમ ‘નાટક’ જોવાની ઇચ્છા હોવાથી મેં વચ્ચે કૈં બોલીને વિઘ્ન ના નાખ્યું.

નવ ટૂકડા થઇ ગયા પછી મને તેમણે કહ્યું કે બધા ટૂકડાને હાથમાં બંધ કરી રાખો.

મેં તેમ કર્યું.

પછી કહ્યું, ‘ જો દોરો પાછો જેવો હતો તેવો આખો બની જાય તો મને સાચો માનજો.’

થોડી વારે મેં તેમના કહેવાથી મૂઠી ઉઘાડી તો નવ ટૂકડાને બદલે એક જ ટૂકડો બાકી રહ્યો હતો; બાકીનો દોરો સંધાઇ ગયેલો. સાધુના ચહેરા પર પ્રસન્નતા ફરી વળી.

તેમણે પ્રસન્ન સ્વરે જણાવ્યું : ‘આ એક ટૂકડો રહ્યો છે તે કોઇ વિઘ્ન બતાવે છે. તેની શાંતિ માટે એક ઉપાય છે.’ એમ કહીને તેમણે ઝોળીમાંથી એક રૂપિયા જેવો સિક્કો કાઢયો. ‘આને પાસે રાખવાથી વિઘ્ન શાંત થઇ જશે. આ લઇ લો અને આના બદલામાં એક રૂપિયો આપો.’

સાધુના વ્યાપારી માનસનો પરિચય પહેલેથી જ મળી ગયો હતો. મેં તેને રૂપિયો આપવાની ના કહી. તેણે કહ્યું, ‘હજી કોઇ બીજી તરકીબ જોવા માગો છો ? વારુ, તમને કયા મંત્ર પર વધારે પ્રેમ છે ?’

‘બધા જ મંત્ર પર સરખો પ્રેમ છે.’ મેં જવાબ વાળ્યો.

‘ૐકાર પર પ્રેમ છે ?’

‘હા’

‘તો જુઓ, તમારા જમણા હાથની પાછળ તે મંત્ર લખેલો મળશે.’ મેં જોયું તો કૈં જ ન હતું. ‘કૈં નથી ?’ તેણે કહ્યું, ‘વારુ, ડાબા હાથ પર જુઓ.’

ત્યાં ખરે જ કાળા રંગનો ૐકાર લખેલો દેખાયો. મૂઠીની અંદર હથેલીમાં તેમ જ બહાર બંને ઠેકાણે તે લખેલો હતો.

થોડી વારે તેણે કહ્યું, ‘હવે એક રૂપિયો આપો.’ મને એ વિનોદમાં આનંદ આવતો હતો. મેં કહ્યું, ‘આપવાનું તો આપીશું, પણ હજી કોઇ તરકીબ બતાવો તો સારું.’

તેને કૈં આશા જાગી. મારા સામું જોઇને કહેવાનું શરૂ કર્યું, ‘અત્યાર સુધી તમે ખૂબ કષ્ટો વેઠ્યાં છે, પણ હવે શ્રાવણથી તમારા જીવનમાં ઉત્તમ સુખ આવે છે. શ્રાવણમાં તમને લાભ મળશે, તમારી બધી ઇચ્છા પૂરી થશે. પછી સદા સુખ છે. ખૂબ યશ મળશે. ભાદ્રપદમાં તમે અહીંથી મુંબઇ તરફ જશો.’

આટલું થયા છતાં પણ જતી વખતે માત્ર બે જ આના તેમને મળ્યા, અને તે પણ જાદુ જેવી શક્તિને લીધે નહીં, પણ સાધુ છે ને તે માગે છે માટે, એવું જ્યારે તેમણે જોયું તો કૈંક ગુસ્સે થઇ ગયા ને છેવટે ચાલવા માંડ્યા.

સાધુતા કરતાં વ્યાપારિક વૃત્તિ તેમનામાં વિશેષ હતી, એમ લાગ્યા વિના ના રહ્યું.

ચાલતાં ચાલતાં તે બોલ્યા : ‘મેં તમારી પાસેથી બે આના તો કઢાવ્યા ને ! એટલી સફળતા તો મને મળી ને !’ એનો ઉત્તર મારે શું આપવો ?

મેં કહ્યું, ‘તમે તો બે આના જ કઢાવ્યા છે પણ બદલામાં મેં તમારો કેટલો બધો ક્રોધ કઢાવ્યો છે, તમારી નબળાઇ જેવી યાચનાને ને લોભવૃત્તિને છતી કરી છે એ કેમ નથી વિચારતા ? મારા તો બે જ આના ગયા છે, ને તે પણ મેં તમને માગણ જાણીને આપ્યા છે, પણ તમારી તો સારી સંપત્તિ-સાધુવૃત્તિ જતી રહી છે તેની ખબર પડી ?’

તે શું બોલે ? ગુસ્સામાં ને ગુસ્સામાં તે વિદાય થયા.

 

 

Today's Quote

Better to light one small candle than to curse the darkness.
- Chinese Proverb

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok