Text Size

ભયંકર બિમારી

જાદુગરી સાધુના કહેવા પ્રમાણે સારું તો કૈં થયું નહિ પણ ભયંકર સંકટ આવી પડ્યું તે નફામાં. સાધુમાં કેવળ એક બે કરામતો કરવાની યુક્તિ હતી. પણ તેથી શું ? તેનામાં સાધુતા ન હતી. પૈસા માટે લોકોને ઠગવાને બદલે ઇશ્વરને ખુશ કરવા તેણે આજ લગી પ્રયાસ કર્યો હોત તો તેનાં દુઃખ ને દળદર મટી જાત ને તેને સાચી સાધુતાની પ્રાપ્તિ થાત. પરંતુ આ માર્ગ કઠિન છે એમ શાસ્ત્રોએ કહ્યું છે તે ખોટું નથી. હજારોમાં એકાદ જ તેનો સફળ મુસાફર કે સાધક બની શકે છે.

એ સાધુની મુલાકાત પછી લગભગ સાતેક દિવસમાં મને ઝાડા થઇ આવ્યા. પહાડમાં એક પ્રકારની ભાજી થાય છે. તે ગરમ હોય છે. તે ખાવાથી ઝાડાની શરૂઆત થઇ, ને ઝીણો તાવ પણ આવ્યો. તે દિવસે બળેવ હતી. રોજ કરતાં મને નબળાઇ વધારે લાગવા માંડી. તેથી વધારે ભાગે મેં આરામ જ કર્યો. થયું કે બીજે દિવસે આરામ થઇ જશે. પણ નબળાઇ વધતી જ ગઇ. ઝાડા ને તાવ ચાલુ જ રહ્યા. આશ્રમ પર એક સરકારી વકીલ કદી કદી સત્સંગ માટે આવતા તેમણે તાવની દવા લાવી આપી. પણ તેથી તાવ વધ્યો. ને ઝાડા બંધ થયા નહીં. આખરે ડોકટરને બોલાવ્યા. ડોકટરે દવા આપી. તેનું પણ કાંઇ સારું પરિણામ આવ્યું નહિ. વરસાદની ઋતુ, માંદગી, ને વળી હિમાલયનું એકાંત વન એટલે માતાજી ગભરાઇ જાય એ સ્વાભાવિક હતું. મેં તેમને કહ્યું, ચિંતા ના કરશો. મટી જશે. મારી અવસ્થા પરથી ચિંતા થાય તે સમજાય તેમ હતું તો પણ મેં તેમને હિંમત આપી.

પરંતુ તાવ મટ્યો જ નહિ. ઉપરની ઓરડીમાંથી નીચે મળત્યાગ માટે જવું હોય તો પણ લાકડીના ટેકે જવું પડતું. શરીર અશક્ત થઇ ગયું. તેમાં વળી છઠ્ઠે દિવસે સ્થિતિ ગંભીર બની ગઇ. મેં માતાજીને કહ્યું, ‘તમે જમી લઇને ઉપર આવજો મારે જમવું નથી.’ માતાજી પરવારીને ઉપર આવ્યાં ત્યારે મને મળ ત્યાગ કરવાની ઇચ્છા થઇ. અશક્તિ વધી ગઇ હોવાથી ઉપરની ઓરડીમાં જ એક બાજુ બેઠો પણ ઊઠી શકાયું નહિ. તમ્મર આવી ગયાં. માતાજીએ જેમતેમ કરીને મને પથારીમાં સુવાડ્યો. બહાર વરસાદ ધીમો ધીમો પડતો હતો. જંગલ તદ્દન સ્તબ્ધ હતું. મારી દશા વિચિત્ર થઇ ગઇ. ઓરડાની દીવાલો પીળી પીળી લાગવા માંડી. ભાન બધું જતું રહ્યું. આંખના પોપચાં ઝડપથી ઉઘાડ-બંધ થવા માંડ્યા. જાણે અચાનક છેલ્લી દશા આવી ગઇ હોય એમ જગતની સ્મૃતિ નષ્ટ થવા માંડી. શરીરની શક્તિ ને સ્મૃતિ હણાઇ ગઇ.

એ અવસ્થા ખૂબ જ વિચિત્ર હતી. શરીરે પરસેવાના રેલા છૂટવા માંડ્યા. શ્વાસની ગતિ નહિવત્ થઇ ગઇ, ને શરીર તદ્દન ઠંડું પડી ગયું. મને વિચાર થયો કે જે મહાન આદર્શને માટે મેં આટઆટલાં કષ્ટ સહ્યાં, હિમાલયના જંગલમાં ને પહાડોમાં નિવાસ કરી ચિંતા કરી, અનેક ઉપવાસો કર્યા, ને ઇશ્વરે પોતે જે આદર્શની પ્રેરણા આપી, તે આવી કરુણ રીતે એકાએક પૂરી થશે ? શું મારી મહત્વકાંક્ષા સફળ નહિ થાય ? આ જ શરીર દ્વારા મેં સેવેલા સાધનાનાં સ્વપ્ન પૂરાં નહિ થાય ? શું આ છેલ્લો વખત છે ? ખરેખર, એ દશા ભલભલાને ગભરાવી મૂકે તેવી ને ખૂબ જ ખરાબ હતી. પણ મારું દિલ આશા ને હિંમતનું બનેલું હતું. નેપાલીબાબા જેવા મહાન પુરુષોએ મારે માટે જે ઉજ્જવલ ભાવિની આગાહી કરી છે, તે જીવન ના આવે તેમ બને જ કેમ ? તેવા વીતરાગ મહાત્માઓનાં વચનો શું વ્યર્થ હોઇ શકે ? તે તો ભૂલથી પણ કોઇ શબ્દો બોલી નાખે તો તે સાચા થયા વિના રહે નહિ. તો પછી જ્ઞાનપૂર્વક જે વચનો તેમણે ઉચ્ચાર્યા છે તે મિથ્યા થઇ શકે જ નહિ. એ ઉપરાંત, મને મારી પોતાની જાતમાં વિશ્વાસ છે. ઇશ્વર ને કૃપાળુ ‘મા’માં મારી શ્રદ્ધા છે. તેણે કૃપા કરીને મને વિશ્વકલ્યાણનું ને સાધનાની સિદ્ધિનું જે વરદાન આપ્યું છે તે સફળ થયા વિના કાળના કાળની પણ શી તાકાત છે કે મારા શરીરને સ્પર્શી શકે ? મારા અંતરાત્માની પ્રેરણાઓ, મારા આત્માના આદેશો અને દેવર્ષિ નારદ જેવાનાં વચનો ખોટાં હોઇ શકે જ નહીં. તે પ્રમાણે જ્યાં લગી મને પૂર્ણતા ન મળે, ને ભારત તેમ જ સંસારને મારા દ્વારા શાંતિનો માર્ગ અને આધ્યાત્મિક પ્રકાશ ના સાંપડે, ત્યાં લગી કોઇ મારો વાળ વાંકો કરી શકે તેમ નથી. હા, મારો સાધનાત્મક આદર્શ કેવળ મારી કલ્પના ને મારી જ મનમાંની વિચારસરણી હોય, તો તેની સફળતા ને પૂર્ણતાના સમય વિશે સંદેહ રહે (જો કે તેમ થવાનું પણ કોઇ કારણ નથી. કેમ કે માણસ જેવું વિચારે છે તેવું જ મેળવે છે) પરંતુ મારી સાધનાને સુઝાડનાર ઇશ્વર છે, ને ઇશ્વર જ તેની પરિપૂર્ણતાના દિવસની પ્રેરણા મને આપ્યા કરે છે. સાધના પૂરી કરીને દેશ ને દુનિયાની યથાશક્તિ સેવા કરવાની પ્રેરણા પણ ઇશ્વરે જ આપી છે. મેં તો તે વિચાર ઇ. સ. ૧૯૪૨ થી ૧૯૪૪ સુધીના હિમાલયવાસ દરમ્યાન ગૌણ માન્યો હતો; તેને ફરીથી જાગ્રત કરી, પ્રધાન બનાવી, સિદ્ધ કરવાની વિચારસરણી પણ ઇશ્વરે જ જગાડી છે. તો પછી ઇશ્વરની દુનિયામાં કર્મનું ફળ કે ન્યાય જેવી કોઇ વસ્તુ નથી ? વચનપાલન જેવી કોઇ વસ્તુ ઇશ્વરને માટે બંધનકર્તા નથી ? નહિ, તેમ બને જ નહિ. ઇશ્વરી નિયમ તદ્દન સત્ય અને અટલ છે. સૂરજમાંથી બરફની વર્ષા વરસે, ચંદ્રના તાપથી જગત બળી મરે, ને દિવસ ને રાત પોતાનો ક્રમ ત્યજી દે, તો પણ ઇશ્વરના નિયમમાં તલમાત્ર ફેર પડે નહિ. એના આધારે તો દુનિયા ટકી રહી છે. જે દુનિયાનું કેન્દ્ર છે, જગતનો મુલાધાર ને સંસારનો સૂત્રાધાર છે, તે જ જો સત્યતાને છોડી દે, કર્મના સિદ્ધાંતની અવગણના કરે, તો સંસાર કેવી રીતે ટકવાનો ? મારાં બધાં સ્વપ્ન સિદ્ધ થતાં ગયાં છે, તેમ બીજા યે સિદ્ધ થવાનાં જ છે. ત્યાં લગી આ શરીર પડે તેમ બને જ નહી. પૂર્વજન્મમાં હું કેટલો મહાન ને મુક્તાત્મા હતો તે હું જાણું છું. ઇશ્વરે જ કૃપા કરીને તે જ્ઞાન મને આપ્યું છે. તો શું જગતમાં જન્મી, દુઃખ સહી ને કષ્ટ ભોગવી, ધારેલા આદર્શને સાધ્યા વિના, જગતને વ્યાપક રીતે કામ લાગ્યા વિના, એક અજ્ઞાત પ્રવાસીની જેમ આ જગતમાંથી અદૃશ્ય થઇ જવા માટે જ મારો જન્મ થયો ? એક મહાન મુક્તાત્માને એટલા માટે જ શરીર ધારણ કરવું પડ્યું ? તે બને જ નહિ. તેમાં ઇશ્વરની શોભા નથી. મહાન આત્માઓ જગતમાં આવે તો તે જગતની સામે આધ્યાત્મિક સાધનાનો આદર્શ રજૂ કરવા, ને જગતને શાંતિ ને પ્રકાશ દેવા. આ હેતુ મારા દ્વારા હજી ક્યાં સિદ્ધ થયેલો છે ? ત્યાં સુધી છેલ્લી અવસ્થા કેવી રીતે આવી શકે ? કોઇ અગત્યના કારણસર કશુંક બને તો પણ કૃપાળુ ‘મા’ મને સંદેશ આપ્યા વિના રહે જ નહિ. એ મારો વિશ્વાસ છે. એ કરૂણ દશામાં પણ વિશ્વાસના એવા વિચારો મારા મનમાં ઊઠી રહ્યા.

વિશ્વાસની એવી ભાવનાથી હૃદય ભરાઇ રહ્યું. પરંતુ વાસ્તવિક દશા વિપરીત હતી. શરીર ઠંડુગાર હતું, ને ભાન વધારે ભાગે જતું રહ્યું હતું. મેં ‘મા’ને પ્રાર્થના કરવા માંડી. મારું બધું જ ધ્યાન કૃપાળુ 'મા' પર કેન્દ્રિત થયું. દશા મહાન માણસને પણ ગભરાવી મૂકે તેવી હતી. મારું દિલ પણ દુઃખથી ભરાઇ ગયું હતું. વધારે દુઃખ તો એ હતું કે ૧૫મી ઓગષ્ટ પહેલાં એકબે દિવસે જ આ બનાવ બન્યો હતો. માતાજીના શોકનો પાર ન હતો. હું હિંમત આપવા ગમે તેટલા સંકેત કરું પણ હિંમત ક્યાંથી મળે ? કોઇની દ્વારા દેવપ્રયાગ ગામમાંથી મગનલાલ, પર્વત પરની ગઢીમાં સામે રહેતા વૈદરાજ, વકીલ, એમ બેત્રણ જણને બોલાવવા મેં કહ્યું. પણ માતાજી કોના દ્વારા બોલાવે ? કોઇ માણસ મળે તો ને ! માતાજી ઉપર જાય ને નીચે આવે. શું કરવું તે સમજાય નહિ. તે પોતે જાય તો મારી સંભાળ કોણ રાખે ? ભારે કફોડી દશા હતી !

પણ ઇશ્વર દયાળુ છે. શાંતા નદીમાં ભેંસને પાવા ધુનાર જાતિના કેટલાક માણસો નીચે આવી પહોચ્યાં. માંડ માંડ સંકેતમાં સમજાવીને માતાજીએ તેમને ઉપર બોલાવ્યા. તે બધા મગનલાલ, શ્રીધર, વૈદરાજ વિગેરેને બોલાવી લાવ્યા. મગનલાલે આવતાંવેંત મને ગોળી ખવડાવી દીધી. પેટે ને હાથે પગે ગાયનું ઘી ચોળ્યું. એથી સારું લાગ્યું. પછી મારી ઇચ્છા પ્રમાણે તેમને ત્યાં નીચે લઇ ગયા. એ દશામાં આશ્રમમાં રહેવું કપરું હતું. એટલે અમે નીચે જવા ઠરાવ્યું. દંડીમાં બેસાડીને ચાર માણસો ઉંચકીને મને નીચે લઇ ગયા. મગનલાલ સેવાભાવી હતા. દેવપ્રયાગના બીજા માણસો કરતા તેમનામાં સંતમહાત્મા પ્રત્યે પ્રેમ સારો હતો. બીજા માણસો તો સંત સાધુની સેવા ભાગ્યે જ કરે. મગનલાલના મકાનમાં અલગ ઓરડામાં અમને ઉતારો મળ્યો. પણ મારી દશા તો બગડતી જ ગઇ. પંદરમી ઓગષ્ટ પણ એવી જ ભંયકર દશામાં વીતી ગઇ. મને ખૂબ ચિંતા થઇ. સાધનાની સિદ્ધિ માટે અપાતા દિવસો આમ એક પછી એક ખોટા જ પડે છે. મારી સાધના પૂરી ક્યારે થશે ? સાધના પૂરી થવાનું તો બાજુએ રહ્યું પણ ઉલટું મારે માથે બીમારીનું મહાસંકટ આવ્યું ! ભોગ બધા ભૂલ કે કર્મના ફળરૂપે છે. એટલે મને આ બદલો ભૂલ કે કર્મનો જ મળે છે. પણ આવું કષ્ટ ? છેલ્લા વીસ વરસમાં આવી બીમારી નથી આવી. માની ઇચ્છા. એને આનંદપૂર્વક સહન કરવામાં જ લાભ છે. ઉઠવાની શક્તિ મુદ્દલ ન હતી. ઝાડા, તાવ, શ્વાસ લેવાનું, શિરદર્દ અને અનિદ્રા એવાં અનેક દર્દો એક સાથે ચાલુ થયાં હતાં. કેટલાક દિવસ તો ભાન જ ના રહ્યું. પાસું ફેરવવાની પણ શક્તિ ન હતી. તો પણ મનમાં શાંતિ રહેતી. દુઃખનો ઇશારો સરખો નહોતો થતો. 'મા'નું સ્મરણ નિશદિન ચાલુ હતું. ખાટલામાં સૂતાં સૂતાં 'મા'ની પ્રાર્થના ચાલુ હતી. બોલવાની શક્તિ તો હતી નહિ એટલે મૌન સ્વાભાવિક બની ગયેલું. એટલો ભોગ ભોગવવાનો બાકી હશે. હવે દયાળુ 'મા' જરૂર કૃપા કરશે. એવી ખાતરી થઇ. સાથે સાથે મન, વચન, શરીરથી કોઇયે ખોટું કામ ના કરાય ને સદાય ક્ષણેક્ષણ 'મા'ના પ્રેમમાં જ મગ્ન રહેવાય એવી પ્રતિજ્ઞા કરી. એવી પ્રતિજ્ઞાની આવશ્યકતા ન હતી. જીવન આજ લગી એ જ રીતે ચાલતું હતું. છતાં પણ દુઃખમાં ઇશ્વરની નિષ્ઠા વધુ કેળવાય છે, ને તે પ્રમાણે એવું બની ગયું.

લગભગ એકવીસ દિવસ સુધી તાવ ને બીજાં દર્દ રહ્યાં. પાણી ને દૂધ લેવાની મંજૂરી મળેલી. પાણી મિનિટે મિનિટે જોઇતું. પ્રેમી રામેશ્વર પાછલા દિવસોમાં રોજ રાતે સૂવા આવતો. તે ખૂબ જ પ્રેમી ને સત્યવાદી હતો. ઉપરાંત, વકીલ, મગનલાલ ને ડોક્ટરે પણ ખૂબ જ સેવા કરી. વૃદ્ધ વકીલની સલાહ ખૂબ જ કામની થઇ પડી. કેમ કે મને થયેલી ટાઇફોઇડની બીમારીનો એમને અનુભવ હતો. ટાઇફોઇડ ને ઝાડા સાથે થવાથી મારી દશા ખૂબ જ ખરાબ હતી. એ એક ભયંકર ઘાત ગઇ. મારા દ્વારા આગળ પર કાર્ય કરાવવા માટે જ ઇશ્વરે એ ઘાતમાંથી મને બચાવ્યો. માતાજીની તો આકરી કસોટી થઇ. આશ્રમ કરતાં નીચે આવવાથી તેમને સારું લાગ્યું. તેમનું પોતાનું શરીર એટલું સારું ન હતું. છતાં દિનરાત તેમને ખૂબ જ પરિશ્રમ કરવો પડ્યો. એ દિવસો પણ ઇશ્વરકૃપાથી ચાલ્યા ગયા અને એકવીસ દિવસ પછી તાવ હઠવા માંડ્યો. શરીરે નાની નાની ફોલ્લીઓ થઇ ગઇ. ટાઇફોઇડ મટવાની નિશાની હતી. ધીરે ધીરે પચાસ દિવસ બાદ મગનું પાણી આપવાની શરૂઆત થઇ. એ દિવસોમાં અશક્તિ અતિશયતા પર પહોંચી ચૂકેલી. એક રીતે મારો પુનર્જન્મ થયો એમ જ કહી શકાય.

એ દિવસમાં જે ડોકટરે મદદ કરી તેમને પણ ભૂલી શકાય તેમ નથી. ડોકટર પંજાબી હતા. તેમની મદદ મળવાના સંજોગો ઇશ્વરે પહેલેથી જ ઊભા કરી દીધેલા.

 

 

Today's Quote

There is nothing that wastes the body like worry, and one who has any faith in God should be ashamed to worry about anything whatsoever.
- Mahatma Gandhi

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok