Friday, June 05, 2020

પંજાબી ડોક્ટર

 મારી બીમારી પહેલાં બરાબર એક વર્ષે એ પંજાબી ડોકટર માંદા પડેલા. ખૂબ બીમાર હોવાથી તેમને ને તેમનાં કુટુંબીજનોને ઊગરવાની પણ આશા નહોતી રહી. બીમારીમાં જ કોણ જાણે કેમ, પણ તેમને એક વિચાર આવ્યો કે મારાં દર્શને તેઓ આવ્યા નથી તેથી બીમાર પડ્યા છે. એ વિચાર તદ્દન વિચિત્ર હતો. કેમ કે મારી પાસે ના આવે તે બીમાર પડે જ કેવી રીતે ? મારી પાસે આવવું-ના આવવું તે દરેકની ઇચ્છાની વાત છે. પરંતુ ડોકટરનો વિચાર કેમે કર્યો ટળ્યો નહિ. પરિણામે એક સાંજે તેમની દીકરી મને આશ્રમ પર બોલાવવા આવી. હું દેવપ્રયાગમાં તેમની પાસે ગયો.

નીચે જઇને જોયું તો ડોકટર પથારીવશ હતાં. મને જોઇને તે રડી પડ્યા. તેમની સ્ત્રી ધર્મ ને ઇશ્વરમાં માનનારી હતી. છતાં તેની દશા કરુણ હતી. ડોકટરને તે ગ્રંથસાહેબનાં વચનો સંભળાવી હિંમત આપવાનો પ્રયાસ કરતી હતી. તેમનાં સંતાનો પણ રડતાં હતાં. ડોકટરે મને કહ્યું કે, ‘મને બચવાની આશા નથી. હવે આ બાળકોનું શું થશે એ ચિંતાથી દિલ દુભાય છે. ડોકટરે દેહરાદુન જઇને ઓપરેશન કરાવવા કહ્યું છે. પણ તેમને પણ દર્દ ખૂબ ભયંકર લાગે છે. તમે કૈંક આશીર્વાદ આપો તો કૃપા.’

પહેલી જ મુલાકાતમાં તેમની શ્રદ્ધા જોઇને મને આશ્ચર્ય થયું. આ પહેલાં મને તે કદી પણ મળ્યા ન હતા. રડતા રડતા તે મારા પગમાં પડી ગયા. બીજાં બધા પણ રડવા માંડ્યા. રોગ, દુઃખ, મૃત્યુ પાસે માનવીનું કૈં જ ચાલતું નથી. ભલભલા પુરુષો પણ તેની આગળ ડગી જાય છે. મૃત્યુ ને બીમારી જેવા કષ્ટો જીવનમાં પડેલાં છે. સમજુ માણસને તો આ બધું વિચારીને લેશ પણ મમતા થાય તેમ નથી. જીવનમાં મમતા થવાનું પ્રબળમાં પ્રબળ કારણ એક જ છે કે આ જીવન દ્વારા માનવ પૂર્ણ બની શકે છેઃ જીવનનાં દુઃખ, દર્દ ને મૃત્યુની ચોક્કસતાની વચ્ચે જીવીને પણ માનવ ઇશ્વરનું દર્શન કરીને મુક્ત બની શકે છે; ને સર્વ દુઃખથી પર થઇને અમૃત પદને મેળવી લે છે. આ જ વિશેષતાને કારણે જીવન જીવવા યોગ્ય, પોતાની તેમ જ બીજાની સેવા કરવા યોગ્ય બને છે : નહિ તો આવા અપૂર્ણ, દુઃખ ને દર્દથી ભરેલા જીવનનો કોઇ અર્થ રહેત નહિ. મહાપુરુષોએ આ શરીરને મોક્ષનું દ્વાર કહ્યું છે તે આ જ કારણથી. પણ માણસ વિચારવા ને વર્તન કરવા સ્વતંત્ર છે. જીવન કે શરીરને મોક્ષનું કે બંધનનું દ્વાર બનાવવું તેના પોતાના હાથમાં છે.

એવા વિચારો મને એકાએક આવી ગયાં. પણ ડોકટરને એવી ફિલસૂફીની શી જરૂર ? ભૂખ્યા માણસને પાકશાસ્ત્રના જ્ઞાન કરતાં રોટલો જ વધારે ખપનો છે. તાકીદની જરૂરત તેને રોટલો આપવાની છે. મેં ડોકટરને શાંતિ ને ધીરજના બે શબ્દ કહ્યા.

‘મારામાં બીજી તો કોઇ શક્તિ નથી, પણ હું તમને ધીરજ આપી શકું છું. ઇશ્વરની દયાથી તમને આરામ થઇ જશે એમ મને લાગે છે. તમે દહેરાદુન જરૂર જજો. ત્યાં દવા વિગેરે કરાવજો. ને હિંમત રાખજો. આવતે વરસે (શિયાળા પછી) હું દેવપ્રયાગ આવીશ ત્યારે તમે પૂર્ણ સ્વસ્થ થઇને મને મળશો. અત્યારે તો ચિંતા કરતાં દયાળુ પ્રભુને પ્રાર્થના કરો તે જ બરાબર છે.’

આ પછી અમે છૂટા પડ્યા. ફરી વાર હું હિમાલય ગયો ત્યારે ડોકટર સ્વસ્થ થઇ ગયા. તે ઇશ્વરની કૃપા જ હતી. તે મને સહકુટુંબ  આશ્રમ પર મળવા આવ્યા. તે પછી લગભગ ત્રણ મહિને મને ટાઇફોઇડ થયો. હવે મારી સેવા કરવાનો વારો ડોકટરનો આવ્યો. તેમણે તે ફરજ આનંદથી ઉપાડી લીધી. તેમનો માયાળુ ને નમ્ર સ્વભાવ હંમેશ માટે યાદ રહી જશે. જે પ્રેમથી તેમણે મારી સેવા કરી તે સદાને માટે હૃદયમાં લખાઇ રહેશે.

ડોકટર એમ. બી. બી. એસ. હતા. વળી પોતાના વિષયના ખૂબ નિષ્ણાત હતા. પાકિસ્તાનની કૃત્રિમ સ્થાપનાથી ભારતનાં જે લાખો કુટુંબો અસ્તવ્યસ્ત બની ગયાં, તેમાં તેમનું કુટુંબ પણ એક હતું. ઇશ્વર તેમનું ભલું કરો ! ને તે માટે તે વધુ ને વધુ ઇશ્વરપરાયણ બનો.

 

 

Today's Quote

There is a sufficiency in the world for man's need but not for man's greed.
- Mahatma Gandhi

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok