Saturday, June 06, 2020

માંદગીના સમયની મનોસ્થિતિ

બીમારી પહેલાં થોડેક વખતે એટલે કે 30 એપ્રિલ ૧૯૪૯ ને દિવસે મેં આંતરપ્રેરણા થવાથી દાઢી કાઢી નાખેલી. ઇ. સ. ૧૯૪૨માં હિમાલય ગયો તે પછી તે ચાલુ જ હતી. છેક સાડા છ વરસ જેટલા લાંબા ગાળા બાદ તેને મુક્તિ આપી. કોઇ પણ બાહ્ય આવરણ રાખવું જ એવો મારો નિયમ નથી. મને જેમ યોગ્ય લાગે તેમ વિવેક દૃષ્ટિથી કરું છું. નિયમની સખ્તાઇ ફક્ત એક જ વસ્તુ પૂરતી છે ને તે ઇશ્વરની કૃપાની પ્રાપ્તિ, જીવનની પૂર્ણતા માટેના પુરુષાર્થનું પાલન, અથવા ‘મા’ની પૂર્ણ કૃપાની પ્રાપ્તિ. બીમાર હોઉં, હિમાલયમાં કે હિમાલયની બહાર ગુજરાતમાં હોઉં, માની દયા માટેનો તલસાટ દિલમાં હંમેશા ચાલુ રહ્યો છે. સાધનાની પૂર્ણતા માટેની લગન કદી પણ ખૂટી નથી. તે માટે બનતી મહેનત કરીને અવારનવાર ભોગ પણ મેં આપ્યા છે. એ જ આદર્શનું મને બંધન છે. ને તે પછી ઇશ્વરની પ્રેરણા દ્વારા પ્રાપ્ત થયેલો એવો કોઇ બીજો આદર્શ આવતો હોય તો તે માનવજાતિની યથાશક્તિ સેવાનો છે.

નગરમાં કે ગામમાં, હિમાલયના ઘોર જંગલમાં કે આધુનિક વસવાટો વચ્ચે મંગલમાં, રાતદિવસ મારા હૃદયમાં એ જ આદર્શની ઝંખના રહી છે. તે માટે મેં એકાંતવાસ તેમ જ ભગીરથ કષ્ટોને વધાવી લીધાં છે. ઇશ્વરની કૃપા વિના મારાથી એ બધું થઇ શકત નહીં. ઇશ્વરની કૃપા માટે હું રડ્યો છું, કકળ્યો છું, ચિંતિત થયો છું, મારી ત્રુટિઓને દૂર કરવા મથ્યો છું, અને એકલે હાથે સાધનાનો ભાર ઉપાડીને દુનિયાના કોલાહલથી દૂર હિમાલયમાં વસ્યો છું. જ્યાં ઋષિમુનિની પ્રાચીન ભવ્યતાનો વારસો પડેલો છે, છતાં જ્યાં આધુનિક માનવમનની મલિનતા ને કુદરતની નિર્દયતા ને શુષ્કતા ફરી વળી છે; જ્યાં ગંગાનો જયઘોષ જીવનના અખંડ પરમ પુરુષાર્થની પ્રેરણા પાતો સદા માટે વાતાવરણમાં વ્યાપી રહ્યો છે; ને જ્યાં આધ્યાત્મિક વિભૂતિઓના માનસિક પરમાણુ ઠેર ઠેર વેરાયેલાં છે; ત્યાં અખંડ શાંતિની વચ્ચે ખાવા પીવા ને રહેવાનાં અનેક કષ્ટો વેઠીને 'મા'ની આરાધના માટે ને સાધનાની સિદ્ધિ કાજે મેં વરસ પર વરસ વીતાવ્યાં છે. એક દિવસ, બે દિવસ, એક માસ, બે માસ કે વરસ કે બે વરસ નહીં; પણ કેટલાય વરસો એ ભૂમિમાં શ્રદ્ધાપૂર્વક, ઉત્સાહ ને ધીરજથી મૂકપણે પસાર કર્યા છે.

કેટલીક વાર મને વિચાર આવે છે કે આ જન્મમાં મારે સાધનાની આવી અગ્નિપરીક્ષામાંથી શું કામ પસાર થવું પડ્યું ? જન્મતાં જ હું સિદ્ધ થઇને કેમ ના જનમ્યો ? પણ પાછું થાય છે કે 'મા' જે કરે છે તે ઠીક જ કરે છે. એવું માન્યા વિના છુટકો જ નથી. જગતના સમજુ સાધકો જાણશે કે સતત પુરુષાર્થ દ્વારા મેં 'મા'ની કૃપા ને સાધનાની સિદ્ધિ મેળવી છે. એથી પુરુષાર્થમાં માનનારાનું મન રીઝશે. વળી બીજી રીતે વિચાર કરીએ તો ધ્રુવ, પ્રહલાદ, વાલ્મિકી એવા એવા મહાપુરુષોને કેટલો પુરુષાર્થ કરવો પડ્યો છે ? એની આગળ મારું કષ્ટ શી વિસાતમાં છે ! પણ જન્માંતર સંસ્કાર પ્રમાણે બધું બન્યા કરે છે. મેં તો બધું 'મા'ને સોપી દીધું છે. મારામાં તપની, જપની, સાધનાની કોઇ જાતની શક્તિ નથી. મારો બધો ભરોસો કેવળ 'મા' પર છે. એટલે જ 'મા' સંભાળ રાખીને મારા પર કૃપા કર્યા કરે છે. મારામાં જે છે તે એવી રીતે 'મા'ની કૃપા જ છે.

પણ એ કૃપા પરિપૂર્ણ ક્યારે થશે ? ૧પમી ઓગસ્ટ તો ભયંકર બીમારીમાં જ ગઇ. મારે માટે હજી કેટલી યાતના બાકી છે ? હે ગંગામાતા ! હે હિમાલય ! તમારી સાથેના મારા વસવાટને સફળ કરી દો. હે ચંદ્રમા, હે આકાશ, હે પૃથ્વી, મારી સાધનાની સિદ્ધિને હવે સત્વર સાકાર કરો. પોતાની પૂર્ણતા ને સમસ્ત માનવ જાતિની હિત-સાધના માટે તલસતા એક યુવાન તપસ્વી-તમારા બાળકની મનોકામનાને પૂરી કરો. મારા લગીરશા છતાંયે ભગીરથ પ્રયાસોથી હે મા ! હે સાધનાની સંપૂર્ણ સિદ્ધિદેવી ! તમે પ્રસન્ન બનો. મારી સામે પ્રકટો. મને શક્તિ અને શુભાશીર્વાદથી અલંકૃત કરો. ભારત ને સંસારમાં અવનવા બનાવો બનતા જાય છે. તેથી દુઃખ થાય છે. પણ બીજું શું થઇ શકે ? તમારી પૂર્ણ કૃપા વિના કૈંજ કરી શકાય તેમ નથી.....તમે હવે ક્યારે કૃપા કરો છો ? આ જીવન તો તમને અર્પણ થઇ ચૂકેલું છે. તમે તેની સંભાળ નહિ લો તો બીજું કોણ લેશે ? જીવનભર મને તમારા જ પ્રેમમાં મસ્ત રાખજો. તમારા વિના જગતની કોઇપણ વસ્તુ કે કોઇયે વ્યક્તિમાં મને આસક્ત ના કરશો. તુલસીદાસ જેમ રામમાં. સૂરદાસ ને ચૈતન્ય મહાપ્રભુ શ્યામમાં, ને રામકૃષ્ણદેવ ખુદ તમારામાં મસ્ત હતા-તેથી યે વધારે મસ્તી, તેથી યે વધારે પ્રેમ, તમારે માટે મારા દિલમાં ભરી દો !

માંદગીને બિછાને એવી જ ભાવનાઓમાં મન રમ્યા કરતું, 'મા'ની સ્મૃતિથી તરબોળ બનતું. સપ્ટેમ્બર મહિનો પૂરો અશક્તિમાં જ ગયો. પછી ધીરે ધીરે શક્તિ આવવા માંડી. શક્તિની શરૂઆત થઇ એટલે બેચાર દિવસ પછી લાકડીને ટેકે માતાજી સાથે આશ્રમ પર ગયો.

 

 

Today's Quote

If you want to make God laugh, tell him about your plans.
- Woody Allen

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok