Text Size

રમણ મહર્ષિનો સંકેત

માંદગી દરમ્યાન એક દિવસ રમણ મહર્ષિનું દર્શન થયું. બીજી વાર તેમનું દર્શન થયું ત્યારે કૈંક નબળા જણાતા હતા. તેમણે કહ્યું કે ‘હું હવે થોડા સમયમાં સમાધિ લેવાનો છું.’ મેં કહ્યું, ‘કેમ ? હજી રહોને !’ તેમણે કહ્યું, ‘ના, હવે વખત આવી ગયો છે.’ એ પછી સમાધિ લેશે ત્યારે સાંજે છ વાગ્યા પછી મહર્ષિ સમાધિ લેશે એવી મને જાણ થઇ.

મહર્ષિનો મારા પર પ્રેમ હતો. તેથી પ્રેરાઇને તે મને આંતરજગતમાં વારંવાર દર્શન આપતાં. તેમના મહાપ્રયાણની સૂચના પણ આ રીતે તેમણે મને આપી. મને ચોક્કસ લાગ્યું કે મહર્ષિ હવે થોડા વખતમાં લીલા સંકેલી લેશે. સવારે ઊઠીને મેં એવા અનુભવની વાત માતાજીને કહી. મળવા આવ્યા ત્યારે ચક્રધરજીને પણ મેં એનો સંકેત કર્યો. મહાપુરુષોની લીલા અપાર છે, પડદા પાછળ તે કેવાં કેવાં કામ કરે છે ? ક્યાં હિમાલય ને ક્યાં તિરુવન્નામલાઇ ! પણ મહાપુરુષોને સ્થળ ને કાળના બંધન હોતા નથી. મહર્ષિ રમણ ખરે જ એવા લોકોત્તર મહાપુરુષ હતા.

શાંતાશ્રમમાં આવ્યા ત્યારે વાતાવરણ ખૂબ ફરી ગયું હતું. વરસાદને લીધે આશ્રમના નાનાસરખા ચોકની જમીનનું લીંપણ ઊખડી ગયું હતું. હવે ત્યાં કાંકરા ને પત્થર ઊપસી આવ્યા હતા. જો કે પર્વત બધા હરિયાળા બની ગયેલા ને શાંતા નદી પૂરબહારમાં વહી રહેલી, છતાં આશ્રમનું જીર્ણ મકાન વધારે જર્જર બની ગયેલું. વરસાદના દિવસોમાં આશ્રમમાં રહેવાનું ના થયું એ ઠીક જ થયું. કેમ કે વરસાદના દિવસોમાં શાંતાશ્રમનો નિવાસ ખૂબ જ કષ્ટપ્રદ થઇ પડે, ઉપરની બંને બારીનાં બારણાં ના હોવાથી પવન સાથેના વરસાદના છાંટા ઓરડામાં પડે. એથી બારી પર કોથળા બાંધી રાખવા પડતા. એ ઉપરાંત, ઉપરનું છાપરું જૂનાં લાકડાં ને પથ્થરનું બનાવેલું હોવાથી વરસાદમાં પાણી પડતું. કેટલીક વાર તો આખી રાત બેસી રહેવું પડતું. હવે તો વરસાદની ઋતુ પૂરી થઇ ને ભયંકર બીમારીના કષ્ટમાંથી બચી જઇને આશ્રમ પર આવવાનું થયું એટલે સારું લાગ્યું.

પરંતુ ઠંડી તો નવરાત્રિથી જ શરૂ થઇ ગઇ. જો કે શિયાળા પણ મેં હિમાલયમાં કાઢ્યા છે, પણ આ વખતે બીમારીમાંથી ઊઠ્યો હોઇ અશક્તિ ઘણી હોવાથી ઠંડીને સહન કરવાનું કપરું હતું. તો પણ સાધનાના સ્વાર્થને માટે ઇશ્વરની પ્રેરણા સુધી હિમાલયમાં રહ્યા વિના છુટકો ન હતો. શરીર બીમાર થાય કે બગડે, શક્તિ રહે કે ના રહે, પૂર્ણતાની પ્રાપ્તિનો સ્વાર્થ સાધ્યા વિના સમજુ માણસને છુટકો નથી. એવો સ્વાર્થ સાધવાની સમજ જેને ના સાંપડી હોય તેનું જ્ઞાન, બળ કે તેની બુદ્ધિ શા ખપની ? સંસારમાં આવીને માણસે ઇશ્વરપ્રાપ્તિ કે પૂર્ણતાની સિદ્ધિ કરી જ લેવાની છે. તે વિનાની લૌકિક પદાર્થોની પ્રાપ્તિ કૈંજ મહત્વની નથી. તે જ પંડિત છે, તે જ ગુણવાન, જ્ઞાની કે ચતુર છે, જે એ ધ્યેયને પ્રાપ્ત કરીને પૂર્ણ શાંતિ ને મુક્તિને મેળવી લે છે. ધની પણ તે જ છે જે ઉચ્ચ પ્રકારનું આધ્યાત્મિક ધન મેળવી લે છે. જેને એવા ધનની ભૂખ જાગી નથી તેના જેવો અભાગી માણસ આ દુનિયામાં બીજો કોઇ નથી. પૈસા નહિ હોય તો ચાલશે, પ્રતિષ્ઠા નહિ મળે તે પણ ચાલશે, ને સ્ત્રી-પુત્ર, વૈભવ ને ધાન વિના પણ કાંઇ જીવન અટકશે કે અભિશાપરૂપ નહિ બને : પણ આ બધું હશે ને ઇશ્વરપ્રાપ્તિની ભૂખ નહિ હોય, આત્માની જાગૃતિ દ્વારા ભેદ ને અજ્ઞાનનાં આવરણો દૂર નહિ થયા હોય તો જીવનમાં મોટામાં મોટી ખોટ છે, એ ચોક્કસ જાણવું. મનુષ્ય તરીકે મનુષ્યની ફરજ સૌથી પહેલાં દાનવતાને દૂર કરીને માનવ બનવાની છે, ને પછી પોતાનાં બળબુદ્ધિનો ઉપયોગ પોતાની જ અંદરની પ્રકૃતિને વશ કરવામાં કરવાનો છે.

એવી મૂળભૂત માન્યતાને લીધે જ અનેક પ્રતિકૂળ સંજોગોની વચ્ચે હું વરસોથી હિમાલયમાં રહેતો હતો. ઇશ્વરી પ્રકાશને પ્રાપ્ત કરવા અને એથી આલોકિત થઇને સ્વયં પ્રકાશ બનવાની મારી ઇચ્છા હતી. એ ઇચ્છા કોઇ પણ હિસાબે પૂરી થવી જ જોઇએ. એવો મારો નિર્ધાર હતો.

સાંજે લાકડાં સળગાવીને અમારે તાપવા બેસવું પડતું. ઠંડી વધતી જ જતી હતી.

આખરે આંતરપ્રેરણા પ્રમાણે ૧પમી નવેમ્બરે અમે દેવપ્રયાગ છેડયું.

અમારી મોટર દેવપ્રયાગથી ઉપડી. રઘુનાથજીનું મંદિર, ગંગાજીનો સંગમ, ગામ ને ઊંચા ઊંચા પહાડ-તેમાં ચક્કર લેતી મોટર આગળ ને આગળ દોડવા માંડી. શાંતાશ્રમને મેં પુનઃ પ્રણામ કર્યા.

જે દિવસે અમે દેવપ્રયાગ છોડ્યું તે દિવસે ગોડસેનો ફાંસી દિવસ હતો.

 

 

Today's Quote

There are no accidents, there is only some purpose that we haven't yet understood.
- Deepak Chopra

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok