Tue, Jan 26, 2021

સરોડામાં

દેવપ્રયાગથી બેત્રણ દિવસ અમદાવાદ બેન તારાબેનને ત્યાં રોકાઇને અમે સીધાં સરોડા આવ્યાં. સરોડાના ગ્રામ્ય વાતાવરણમાં મને આનંદ લાગે છે. ગામડાંનો ચોક્ખો ખોરાક, ખુલ્લી હવાવાળું ત્યાનું વાતાવરણ, બધું મને ખૂબ ખૂબ ગમે છે. ઉપરાંત, જ્યાં લગી મેં સાધનાને પરિપૂર્ણ નથી કરી, ત્યાં લગી મારે એકાંત સ્થળોમાં રહીને રાતદિવસ સાધનાને માટે જ ચિંતા કરવાની છે. મારો સ્વભાવ પણ એકાંતપ્રિય છે. તેમ જ કુદરતને ખોળે સાદા જીવન ને ઉચ્ચ વિચારનો આનંદ મને ગમે છે. અત્યારે વધારે ભાગે માણસનું જીવન કુત્રિમ બનતું જાય છે : કુદરતી જીવનમાં માણસને આનંદ આવતો નથી. ગામડાં ભાંગીને શહેરી વસવાટો તૈયાર થતા જાય છે. એને આધુનિક સુધારાની દેખીતી નિશાની માનવામાં આવે છે. પણ આને લીધે બે ગેરફાયદા થયા છે. શુદ્ધ હવા, શુદ્ધ ખાનપાન ને સાદગી તેમ જ પરિશ્રમ જીવનમાંથી અદૃશ્ય થયાં છે. ને બીજું, માનવનો આત્મા કુત્રિમતાના આવરણ નીચે વધારે ને વધારે દબાતો જાય છે. જીવનમાંથી શાંતિ, સ્વસ્થતા ને ધીરજ નષ્ટ થતી જાય છે, ને પૈસા માટેની દોડધામ, અસંતોષ, અશાંતિ ને ગડબડ વધે છે. જે સભ્યતાથી માનવીની માનવતા નષ્ટ થવા માંડે, ને તેની અશાંતિ ને અતૃપ્તિ વધતી જાય તે સભ્યતા ગમે તેવી સંમોહક, દેખીતી સુખદ, છતાં માનવને માટે અભિશાપરૂપ છે. મારું કહેવું એમ નથી કે શહેરી વસવાટને તોડી નાખવા જોઇએ : હું તો એ જ વસ્તુ પર ભાર મૂકું છું કે ગમે તે વાતાવરણમાં, શહેરમાં કે ગામડાંમાં, માણસે જીવનોપયોગી પદાર્થોની શુદ્ધિ, હૃદયની શુદ્ધિ ને માનવતાની વૃદ્ધિ તરફ સૌથી વધુ ધ્યાન આપવું જોઇએ. એ હેતુને ભૂલવાથી માનવસમાજનું પતન નક્કી છે. જીવનને ઉજ્જવળ કરવા તેની સ્મૃતિ જરૂરી છે.

ગામડાના વસવાટમાં જેમ અનુકૂળતાઓ છે તેમ પ્રતિકૂળતા પણ ઘણી હતી. પરંતુ મારું મુખ્ય ધ્યાન સાધના તરફ હોઇ એ પ્રતિકૂળતા મને નડતી નહોતી. સરોડામાં આવીને સાધનાનો આજ લગીનો સળંગ વિચાર મેં કરી લીધો. સાધનાની સિદ્ધિ માટે છેલ્લા દોઢેક વરસથી જે ચિંતા મારે વેઠવી પડતી હતી તે ખૂબ જ ભયંકર હતી. આ ચિંતા ક્યારે ટળશે ? એ જ મારી મુંઝવણ હતી. સાધનાની સિદ્ધિના જુદા જુદા દિવસ મને આંતરજગતમાં મળ્યા કરતા. પણ છેલ્લા દોઢેક વરસથી તે સાચા નહોતા પડતા. છતાં પણ મને ખાત્રી હતી કે સાધનાનું કામ આંતરજગતમાં પણ ચાલે છે અને એક દિવસ કોઇ ધન્ય ક્ષણે મારી પ્રેરણા સાચી પડશે : મને મળતા દિવસનો આદેશ સફળ થશે, ને કૃપાળુ 'મા'ની પૂર્ણ કૃપા મારા પર વરસશે. કેટલું ભગીરથ કામ લઇને હું બેઠો છું તે મને ખબર છે. આવા મહાન કાર્યને માટે કષ્ટ ને યાતના કે મુંઝવણ વેઠવાં જ પડે. પણ તેનો ય અંત એક દિવસ જરૂર આવી જશે. જુદી જુદી વખતે 'મા'ની કૃપા માટે જે દિવસો મળે છે તે મિથ્યા થાય છે. પણ તેથી ડરવાનું કૈં જ કારણ નથી. તેની પાછળ પણ કોઇ રહસ્ય જરૂર હશે જેની મને આજે ખબર નથી. તે રહસ્યનો પડદો એક વાર ઉંચકાઇ જશે, ને મારી મનોકામના પૂરી થશે. મારી દ્વારા ઇશ્વરની કામના, કૃપાળુ 'મા'ની ઇચ્છા કાર્ય કરી રહી છે, પછી મારે શા માટે ચિંતા કરવી ? તે 'મા' સમય પર સાધનાનું બધું જ કામ કરી દેશે. છતાં પણ સાધનાની ચિંતા કર્યા વિના ચાલે ? તે તો ચાલુ જ રહી. મન કદાચ પાણી વિના જીવી શકે, વરસાદના જળને છોડીને ચાતક સંસારના બીજાં જળને પીને કૃતાર્થ થવા માંડે, ને ચંદ્રમા પ્રત્યેના પ્રેમ ને આકર્ષણને સમુદ્ર છોડી દે; અરે, ચંદન પણ સુગંધ વિનાનું બની જાય, છતાંયે હે મા ! હે જગદંબા ! હે સકળ સંસારની સુધા ! તમારી પ્રાપ્તિ સુધી ચેન વળશે નહિ. તમારે માટે તલસ્યા વિના ના રહેવાય. ને ચેન ના વળે, તમારે માટે તલસ્યા વિના ના રહેવાય, એવો આશીર્વાદ દેજો, એવું વરદાન આપજો !

મારા મનમાં તે વખતે એવું મંથન ચાલી રહ્યું હતું.

એ દરમિયાન ભારત ને સંસારમાં કેટલાયે અવનવા બનાવો બન્યા ને બની રહ્યા હતા. મહાત્મા ગાંધીજીના મૃત્યુ પછી ભારતની કાયાપલટ થઇ ગઇ હતી. સરદાર પટેલની બાહોશી, મહાન મુત્સદ્દીગીરી ને દીર્ઘદૃષ્ટિથી ખૂબ જ ગુંચવણભર્યો લાગતો દેશી રિયાસતોનો પ્રશ્ન ઉકેલવામાં અજબ સફળતા સાંપડેલી. સરદાર પટેલના મહાન નેતૃત્વ નીચે દુનિયાના ઇતિહાસમાં અજોડ એવું પ૬ર રિયાસતોના બાકીના ભારત સાથેના વિલીનીકરણનું કામ ઝડપથી ને નક્કર રીતે ચાલતું હતું. સરદારે સર્જેલો એ ઐતિહાસિક ચમત્કાર લોકો આશ્ચર્ય અને આનંદમિશ્રિત લાગણીથી જોતાં હતાં. જૂનાગઢ, હૈદરાબાદ ને નિરાશ્રિતોના પ્રશ્નો અડગતા ને હિંમતથી સફળતાપૂર્વક તેમણે ઉકેલ્યા હતા, ને ઉકેલવાનું ચાલુ રાખ્યું હતું. ભારતની બંધારણસભા બંધારણ ઘડવાના કાર્યમાં પડી હતી, ને ર૬મી જાન્યુઆરીએ ભારત પ્રજાસત્તાક દિનનો ઉત્સવ કરવાનું હતું. આમ ભારત વિકાસની દિશામાં ઝડપથી પગલાં ભરતું હતું. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે મહાન નેતા ને ભારતના સાચા મુત્સદ્દી જવાહરલાલ નહેરુની પ્રતિષ્ઠા ખૂબ વધી હતી, ને ભારતનું માન વિદેશોમાં વધતું જતું હતું. કાશ્મીરનો પ્રશ્ન, પાકિસ્તાન સાથેના સંબંધોનો પ્રશ્ન, પૂર્વ બંગાળનો પ્રશ્ન, એવા પ્રશ્નો વધારે ગુંચવાતા હજુ ઊભેલા, પરંતુ ભારતના નેતાઓ ધીરજ ને શાણપણથી તે પતાવશે એવી ખાત્રી થતી. આઝાદી મળ્યા પછી ભારતમાં અણધાર્યા પલટા થઇ ગયા, ને ભારતની શાંતિ જાળવવામાં તેના નેતાઓ સફળ બન્યા એ વાત સૌથી મહત્વની હતી. આ પરિસ્થિતિનું અધ્યયન હું કરતો હતો. ને મારી સેવા પણ આ મહાન દેશ તેમજ તે દ્વારા સમગ્ર સંસારને આપી શકાય ને સંસારને માટે સાચા સંદેશાવાહક થઇને આશીર્વાદરૂપ બની શકાય તેવી ઇચ્છા વધતી જ જતી હતી. પરંતુ ઇશ્વરની ઇચ્છા પ્રમાણે વર્ત્યા વિના છૂટકો ન હતો. મારી સાધના પૂરી થાય તે પછી જ ઇશ્વરની ઇચ્છા પ્રમાણે માનવજાતિની સેવાના ક્ષેત્રમાં પડવાની મારી કામના હતી. એટલે સાધના પૂરી કરવાની જ ફરજ સૌથી પ્રથમ હતી. તેમાં થોડો વખત વધારે લાગશે તો પણ ભલે, પરંતુ સાધના કરીને કૃપાળુ પ્રભુની પ્રેરણાથી વિશ્વકલ્યાણના કાર્યમાં પ્રવૃત્ત થવાશે તો તે કાર્ય અત્યંત અનુપમ, સફળ ને વિરાટ થશે એ ચોક્કસ છે. અત્યારે તો સૌથી પહેલી આવશ્યકતા મારી પોતાની પૂર્ણતાની છે. તે વિના બીજું બધું જ નકામું છે એવો મારો નિર્ણય હતો. એવી દૃઢ ભાવના મારા દિલમાં ભરાઇ ગઇ હતી.

ભાવના, વિચાર ને પ્રાર્થનામાં દિવસો ચાલ્યા જતા હતા. એટલામાં એક દિવસ મુંબઇથી વિઠ્ઠલભાઇ આવ્યા. વિઠ્ઠલભાઇ હાઇસ્કુલના દિવસોમાં સાથે ભણતા. આધ્યાત્મિક વિષય પર ને ખાસ કરીને મારા પર પ્રેમ હોવાથી તે સરોડા આવ્યા હતા. તેમનાં વૃદ્ધ માતાપિતા તેમના દેશમાં કાબોદ્રા ગામમાં હતાં. એ ગામ હિંમતનગર તરફ હતું. એમના આગ્રહથી અમે કાબોદ્રા ગયાં.

વિઠ્ઠલભાઇનો પ્રેમ અપાર હતો. તેમનું હૃદય સ્વચ્છ હતું. કાબોદ્રામાં તેમણે અમારી ખૂબ સેવા કરી. ગામમાં પ000 જેટલા રૂપિયા ખર્ચીને તેમણે નિશાળ બંધાવેલી. તેના વાર્ષિક ઉત્સવમાં તે મને લઇ ગયા. વ્યાસ પીઠ પરથી પ્રમુખ તરીકે ગામલોકોને બે શબ્દો સંબોધનના કહેવા પડ્યા. ભાઇના માતાપિતા તદ્દન શુદ્ધ હૃદયનાં, ભોળાં ને દયાળુ હતાં. તેમનાં સંતાનમાં તેમનો સંસ્કારવારસો ના ઉતરે તે કેમ બને ? વિઠ્ઠલભાઇ પણ તેવા જ પ્રેમી ને પરગજુ હતા.

આધ્યાત્મિકતા ને હિમાલય તેમ જ સાધનાની કેટલીક વાતોમાં તેમજ ભજન-કીર્તનમાં કાબોદ્રાનો સમય સુખદ રીતે પસાર થવા માંડ્યો. સાધનાને સહાયતા પહોંચાડનારી એક ઘટના ત્યાં બની ગઇ. એ ઘટના ખાસ ઉલ્લેખનીય છે.

 

 

Today's Quote

If you think you're free, there's no escape possible.
- Ram Dass

prabhu-handwriting

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.