Thursday, July 16, 2020

કાબોદ્રાના હનુમાનનો ચમત્કાર

 જાન્યુઆરી ૧૯પ0ના દિવસો કાબોદ્રા ગામની ધરતી પર પ્રિય વિઠ્ઠલભાઇ ને તેમનાં સ્વજનોની સાથે પસાર થયા. એ દિવસો સુંદર હતા. આનંદપ્રદ હતા. એ દિવસોમાં પણ મારું દિલ મારા ધ્યેયને કાજે ઝંખ્યા કરતું હતું. લોભી માણસ ગમે તે વાતાવરણમાં લોભી પ્રવૃત્તિ ના છોડે, ને પતિવ્રતા સ્ત્રી પતિના જ વિચારોમાં મશગુલ રહે, તેવી જ દશા ઇશ્વરના પ્રેમીની કે આત્મિક પંથના પ્રવાસીની હોય છે. ગમે તેવા સંજોગોમાં તેનું મન ઇશ્વર તરફ લાગેલું રહે છે, ને પ્રવાસનું લક્ષ્યસ્થાન તે ભૂલતો નથી. આનું કારણ ઇશ્વરી પ્રેમનો રસાસ્વાદ છે. ઇશ્વરી પ્રેમના રસને જેણે ચાખ્યો તે હંમેશને માટે ઇશ્વરનો જ થઇ રહેવાનો, ને ઇશ્વર વિના તેને બીજું કૈં ભાવવાનું જ નહી. જાગૃતિ, સ્વપ્ન ને સુષુપ્તિ, જડ ને ચેતન, બધે જ તેને ઇશ્વરનો નાદ સંભળાવાનો, ને ઇશ્વરના પવિત્ર નામના ધબકાર તેના હૃદયમાં ને તેની દરેક ધમનીમાં સદાય થયા કરવાના. આ દશા ઘણી ઊંચી છે, ને તે મળ્યા પછી શાંતિ, આનંદ કે મુક્તિ દૂર રહેતી નથી. આત્મમાર્ગના પ્રવાસીએ આ અવસ્થાએ પહોંચવાનું છે. પછી તેને સ્થળ કે કાળના બંધન નડી શકશે નહીં. ઇશ્વર સાથે તેના આત્માનું અનુસંધાન હરેક ક્ષણે ચાલુ રહેશે, ને જે ભૂમિમાં તે રહેશે તે તેને માટે તીર્થધામ બનશે. આ દશાને માટે ચિત્તની ચંચળતા દૂર કરવાની ને ઇશ્વરપ્રેમને વધારવાની અનિવાર્ય આવશ્યકતા છે.

ઇશ્વરી પ્રેમ વધ્યો એટલે પૂછવું જ શું ? હૃદયમાંથી રાતદિવસ તેના ફુવારા ફુટવા માંડે, ને ઇશ્વરને માટે દિલ તલપાપડ બની રહે. એવી તલપાપડતા મેં અનેક વાર અનુભવી છે. મારું સમગ્ર જીવન સાધનાને પંથે વળ્યા પછી ઇશ્વરી પ્રેમથી ભીંજાઇ ગયું છે. એ પ્રેમમાં તરબોળ બનતાં કાબોદ્રાનો સમય મેં પસાર કરવા માંડ્યો.

ત્યાં તો એક દિવસ ખબર પડી કે ગામમાં હનુમાનજીનું પ્રાચીન મંદિર છે. હનુમાનજીનાં દર્શનની ઇચ્છા કોને ના થાય ? રામના દૂત ભક્તશિરોમણી તરીકે તે સંસારમાં પ્રસિદ્ધ છે. ‘રામને ભજનાર રામ જ થાય છે’ એ નિયમ પ્રમાણે તે રામમય જ છે, ને તેથી જ તેને પ્રભુસ્વરૂપ સમજીને ભક્તો તેમને પણ પૂજે છે. દુનિયાના કોઇ પણ બીજા દેશ કરતાં ભારત આ બાબતમાં આગળ છે. આધ્યાત્મિક રહસ્યોની શોધ ભારતના સંતમહાત્મા ને ઋષિવરોએ જેટલી કરી છે તેટલી દુનિયાના કોઇયે દેશે કરી નથી. એનું કારણ ભારતના ઋષિવરોનું જન્મજાત આધ્યાત્મિક વલણ છે. હનુમાનજીની સ્મૃતિ થતાં મારું દિલ પ્રેમથી પરિપ્લાવિત બન્યું.

બીજે દિવસે અમે ગામથી દૂર આવેલા હનુમનાજીના મંદિરે ગયા. મંદિર ખૂબ જ સુંદર હતું. હનુમાનજીની મૂર્તિ આકર્ષક હતી. હનુમાનજીને ચરણે અમે પ્રેમથી પ્રણામ કર્યા. થોડોક સમય મંદિરમાં બેઠા. મંદિર ખૂબ જ એકાંત સ્થળમાં હતું. આવાં કેટલાંય સ્થળો આધ્યાત્મિક માર્ગના સાચા સાધકોને સાધનામાં તત્પર થવા હાકલ કરી રહ્યાં છે. પણ જે સ્થાનો ઉચ્ચ, જીવનમુક્ત તપસ્વીઓથી સુશોભિત થવાં જોઇએ તે હવે ખાલી જ પડ્યાં છે, અથવા તો કામના ને કાંચનના રાગી ને વેશધારી સાધુઓથી ઊભરાઇ રહ્યાં છે. સાધુઓને હવે આવાં એકાંત સ્થળોમાં રહીને સાધના કે ઇષ્ટસિદ્ધિ કરવાનું મન થતું નથી. હવે તો સાધુસંતો સલામત કે સગવડવાળા મઠ, મંદિર કે આશ્રમોમાં રહીને આનંદ કરે છે. તપને બદલે વેદાંતપાઠ ને પોપટિયા જ્ઞાનનો જ મહિમા હવે શેષ રહ્યો છે, ને કષ્ટ સહેવાનું કે એકાંતવાસ સેવવાનું બહુ થોડા બડભાગીને જ ફાવે છે. આધ્યાત્મિક રસને બદલે સાંસારિક વિષયોનો રસ વધી ગયો છે, ને માનવ ઇશ્વરવિમુખ બનીને વધારે ને વધારે જડ ને ઇન્દ્રિયલોલુપ થતો જાય છે. આવાં સ્થળનો ઉપયોગ પછીથી કોણ કરે ?

ઘેર આવ્યા પછી મને હનુમાનજીના જ વિચારો આવવા માંડ્યા. મેં મનોમન પ્રાર્થના કરી કે ‘હે હનુમાનજી, તમે સાચા હો, તમારામાં સત્યતા હોય, તો વધારેમાં વધારે ત્રણ દિવસમાં મને મારી સાધનાની સંપૂર્ણ સફળતાનો દિવસ આપો. હું તમારી ભૂમિ પર બેઠો છું. આટલું કરો તો હું ફરી તમારાં દર્શન કરી જાઉં ને મને શાંતિ થાય. મારી આટલી અરજ તમારે ધ્યાનમાં લેવી જ જોઇએ.’

એ પછી લગભગ ત્રીજે દિવસે સવારે હનુમાનજીએ એક મહાત્માના રૂપમાં મને સ્વપ્નાવસ્થામાં દર્શન આપ્યાં ને કહ્યું કે ‘આ મહાસુદી પાંચમને દિવસે તમારું કામ થઇ જશે. તે વખતે તમે સરોડા હશો.’

મેં કહ્યું, ‘એવા તો કેટલાય દિવસ ખોટા થયા. હવે આ દિવસે મારું કામ જરૂર થશે ?’ તેમણે કહ્યું, ‘જરૂર થશે.’

એના અનુસંધાનમાં મારે કહેવું જોઇએ કે એ અનુભવથી મને આનંદ થયો. વસ્તપંચમી પર અમે સરોડા હતા, પરંતુ તે દિવસે ધાર્યા પ્રમાણે કામ થયું નહિ. એ દિવસ પણ મિથ્યા થયો. કાબોદ્રાના હનુમાને પોતાની સત્યતા તો બતાવી પરંતુ દિવસ તેમણે આપ્યો તે મને તાત્કાલિક શાંતિ આપવા જ આપ્યો. મને નિરાશા ના થાય તે સારું જ તેમણે નજદીકનો દિવસ આપ્યો. આજ લગીના આવા કેટલાય દિવસો મિથ્યા થયા છે. કૃપાળુ ‘મા’ આમ કેમ કરે છે ? મને ધીરજ ને શાંતિ આપવા તે દિવસો આપીને આશા આપે છે, અને એવી રીતે મારો સમય તીવ્ર ઉત્કંઠા, પ્રેમ, પ્રાર્થના ને ભજનમાં વ્યતીત કરાવે છે. આ રીતે જ એક ચોક્કસ દિવસ આવશે ને મારું જીવન ધન્ય બની જશે. મારી બધી ઇચ્છા પૂરી થશે. પણ સમયને આવી રીતે લંબાવવાથી મને કેટલું કષ્ટ પડે છે તે શું ‘મા’ ને ખબર નથી ? તો તે આમ શું કામ કરે છે ? પરંતુ મારી આશા અમર છે. શ્રદ્ધા અડગ છે. ઇચ્છાશક્તિ અચળ ને કર્મના નિયમનો વિશ્વાસ અફર છે. ઇશ્વરના બધાં જ કામ યોગ્ય સમયે તેના સંકેત પ્રમાણે થાય છે ને જરૂર થાય છે. મારું કાર્ય જે 'મા'નું જ કાર્ય છે તે પણ સમય પાકતાં થશે જ. પછી નાહિંમત થવાનું સ્વપ્નમાં પણ ક્યાં રહ્યું ?

 

 

Today's Quote

You don't have to be great to get started but you have to get started to be great.
- Les Brown

prabhu-handwriting

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.

Ok